મહાત્મા ગાંધી વિશે નિબંધ
By-Gujju04-10-2023
મહાત્મા ગાંધી વિશે નિબંધ
By Gujju04-10-2023
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. બાળપણમાં તેમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા-બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો હતો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બૅરિસ્ટર બન્યા.
ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિંદીઓને થતો અન્યાય નજરોનજર જોયો. તેમને પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. તેમણે તે અન્યાય દૂર કરાવવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી.
ત્યારપછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. દેશની જનતા અને અનેક દેશનેતાઓએ તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા, પણ તેઓ હિંમત હાર્યા નહિ. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947માં આઝાદી મળી.
ગાંધીજીએ અમદાવાદમાં પહેલાં કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા, ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર-સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થનાસભામાં અનેક લોકો આવતા. તેમને ‘વૈષ્ણવજન તો તેને રે ક્હીએ’ એ કવિ નરસિંહ મહેતાનું ભજન અતિપ્રિય હતું. તેઓ દરરોજ રેંટિયો કાંતતા. તેમણે પોતાની આત્મકથા લખી છે, જે ‘સત્યના પ્રયોગો’ નામે જાણીતી છે. તેમનાં પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો.
30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજી દિલ્લીમાં પ્રાર્થનાસભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના એક યુવાને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા. આથી વિશ્વભરના લોકોને ભારે આઘાત લાગ્યો. તેમની સમાધિ દિલ્લીમાં આવેલી છે. તે ‘રાજઘાટ’ તરીકે ઓળખાય છે.
દેશવાસીઓ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે આજે પણ યાદ કરે છે.