Manav Na Thai Shakyo Lyrics in Gujarati
By-Gujju27-04-2023
205 Views
Manav Na Thai Shakyo Lyrics in Gujarati
By Gujju27-04-2023
205 Views
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો