માનવી અને પશુની મૈત્રી નિબંધ
By-Gujju04-10-2023
માનવી અને પશુની મૈત્રી નિબંધ
By Gujju04-10-2023
પશુઓ માનવીને અનેક રીતે ઉપયોગી હોવાથી માનવી અને પશુ વચ્ચે લાગણીનો સેતુ રચાયો છે. અબોલાં પશુઓ પણ માનવીની લાગણી સમજે છે અને તેનો પ્રતિભાવ પણ આપે છે.
આપણા ખેતીપ્રધાન દેશમાં ગાય, ભેંસ, કૂતરો, બકરી, ઘોડો, ગધેડું વગેરે પશુઓનું ઘણું જ મહત્ત્વ છે. ખેતીકામમાં, ભાર ખેંચવા, દૂધ માટે, ચામડા માટે આપણે પશુઓનો ઉપયોગ કરીએ છીએ. સાચો ખેડૂત પશુઓની વિશેષ કાળજી રાખે છે. ખેતરમાં કામ કર્યા પછી જમતા પહેલાં પશુઓને ઘાસચારો નાખે છે. તેઓને પાણી પાય છે. સાંજે પણ આ જ ક્રમ હોય છે. પશુઓને પણ પોતાના માલિક માટે લાગણી હોય છે. તેઓ જુદી જુદી રીતે પોતાની લાગણી પ્રદર્શિત કરે છે.
કૂતરો વફાદાર પ્રાણી છે. તે ઘરની ચોકી કરે છે. તે સમય થતાં જ રોટલી ખાવા આવી પહોંચે છે. તે ખુશ થઈ તાળી આપે છે. ઘણી વાર તે પૂંછડી પટપટાવીને પોતાની લાગણી બતાવે છે.
વાઘ-સિંહ જેવાં વિકરાળ પ્રાણીઓ પણ મનુષ્યની લાગણી સમજી શકે છે. તેમને પ્રેમ કરનાર, તેમની સાથે મૈત્રી રાખનાર કે તેમની સારવાર કરનારને તેઓ ક્યારેય મારી નાખતાં નથી. ગુલામ ઍન્ડ્રુજે જંગલમાં સિંહના પંજામાંથી કાંટો કાઢી આપ્યો અને તેની સારવાર કરી. થોડા વખત પછી તે પકડાઈ ગયો. તેને ભૂખ્યા સિંહના પાંજરામાં ધકેલી દેવાયો. પણ સિંહ પોતાના જીવનદાતાને ઓળખી ગયો. તે પ્રેમથી તેને ચાટવા લાગ્યો. ભૂખ્યો હોવા છતાં તે સિંહે ઍન્ડ્રુજને મારી નાખ્યો નહિ.
પશુઓ મનુષ્યના મિત્રો છે, પરંતુ કેટલાક લોકો પશુઓ સાથે ક્રૂર વ્યવહાર કરે છે. તેમની પાસે હદ ઉપરાંતનું કામ કરાવે છે. તેઓને પુરતું ખાવાનું આપતી નથી. હાથીદાંત માટે હાથીઓનો, રુંવાટીવાળા ચામડા માટે સસલાંનો શિકાર થાય છે. પ્રાણીઓ બરાબર કામ ન કરે તો તેઓને લાકડીથી કે ચાબૂક્થી ફટકારવામાં આવે છે.
આપણે પશુપક્ષીઓ સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરીએ. એમને પણ જીવન જીવવાનો અધિકાર છે તે આપણે સમજીએ. આપણે આપણા અંગત સ્વાર્થ માટે તેઓનો દુરુપયોગ ન કરીએ. આપણે પ્રેમનું વિશ્વ રચીએ.