મારી નાડ તમારે હાથ
By-Gujju20-05-2023
316 Views
મારી નાડ તમારે હાથ
By Gujju20-05-2023
316 Views
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે !
મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે !
પથ્યાપથ્ય નથી સમજાતું,
દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું નાથ નિહાળજો રે !
અનાદિ આપ વૈદ્ય છો સાચા,
કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છો ટાંચા વેળા વાળજો રે !
વિશ્વેશ્વર શું હજી વિચારો,
બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે !
કેશવ હરિ મારું શું થાશે ?
ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે !
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે !
– કેશવરામ