Thursday, 30 May, 2024

માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ

223 Views
Share :
માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ

માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ

223 Views

મહર્ષિ માર્કંડેયની તપસ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈમિષારણ્યમાં કથાશ્રવણ સારું એકઠા થયેલા શૌનકાદિ મુનિઓને સૂત પુરાણીએ કહી બતાવ્યો છે. એ ઇતિહાસ હૃદયંગમ અથવા રોચક છે. ભાગવતના દ્વાદશ સ્કંધના આઠમા, નવમા તથા દસમા અધ્યાયમાં એનું આલેખન કરવામાં આવ્યું છે. એનું વિહંગાવલોકન કરવા જેવું છે.

મૃકંડ મુનિએ પોતાના પુત્ર માર્કંડેયના સઘળાં સંસ્કાર સમુચિત સમય પર કરાવ્યા. એમને વેદોનું અધ્યયન પણ કરાવ્યું. માર્કંડેયે આજીવન બ્રહ્મચર્ય પાલનનું વ્રત લીધેલું. બ્રહ્મચર્યનું પાલન કરતાં એ ભગવાનની અસાધારણ અનુરાગપૂર્વકની એકનિષ્ઠ આરાધના કરવા લાગ્યા. આરાધના કરીને એમણે મૃત્યુંજય પદની પ્રાપ્તિ કરી.

એમની તપશ્ચર્યાથી ઇન્દ્રને ભય લાગવાથી એણે એમની તપશ્ચર્યામાં ભંગ પાડવાનું આયોજન કર્યું. એ આયોજનને અનુસરીને એણે એમના આશ્રમમાં ગંધર્વ, અપ્સરા, કામદેવ, વસંત, મલયાનિલ, લોભ તથા મદને મોકલી આપ્યાં. માર્કંડેય મુનિનો આશ્રમ હિમાલયની ઉત્તર દિશામાં ભદ્રા નદીના તટ પર હતો. ત્યાં જઇને સૌએ પોતપોતાની વિશિષ્ટ શક્તિને અજમાવીને એમના તપમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો. અપ્સરાઓ એમની આગળ નાચવા લાગી ને ગંધર્વો સુમધુર સ્વરવાળા વાદ્યો સાથે ગીત ગાવા લાગ્યાં. વસંતે પોતાની માયા સારી પેઠે ફેલાવી દીધી. સંધ્યાનો સુંદર સમય હતો. ચંદ્રમાનાં ચારુ કિરણો ચારે તરફ છવાઇ રહેલાં.

મહર્ષિ માર્કંડેય આંખ મીંચીને ધ્યાનાવસ્થામાં ભગવાનની ઉપાસના કરી રહેલા. એમની આગળ અપ્સરાઓએ નૃત્ય કરવા માંડ્યું ત્યારે પુંજિકસ્થલી નામની અપ્સરાએ રમવાની શરૂઆત કરી. કામદેવે પોતાનું સંમોહક અમોઘ શર છોડ્યું તોપણ માર્કંડેય પર એની કશી જ અસર ના થઇ. એ એવા જ અચળ રહ્યા. એટલું બધું અસાધારણ આત્મબળ હોવા છતાં એમને લેશ પણ અહંકાર ના થયો. એ નમ્રતાની મૂર્તિ બનીને બેસી રહ્યા.

કામદેવ પરાજીત બનીને એની સેના સાથે પાછો ફર્યો. મહર્ષિ માર્કંડેયના આત્મબળને જોઇને ઇન્દ્રને આશ્ચર્ય થયું. પરંતુ એમાં આશ્ચર્ય જેવું કશું જ નહોતું. ભગવાનના સાચા ભક્તો અથવા આરાધકો જ પૃથ્વીના પાર વિનાના પ્રખર પ્રલોભનોની વચ્ચે પણ અડગ રહે છે. એ પ્રલોભનોથી ભગવાન પોતે જ એમની રક્ષા કરે છે.

સમુચિત સમય પર મહર્ષિ માર્કંડેયને ભગવાન નર તથા નારાયણે દર્શન આપ્યું. માર્કંડેયે એમને પૂજ્યભાવે પ્રણામ કર્યા. એમની પ્રસન્નતાનો ને શાંતિનો પાર ના રહ્યો. એમને ઉત્તમ આસન પર બેસાડીને એમણે એમની સ્તુતિ કરી.

એ સ્તુતિથી પ્રસન્ન થઇને ભગવાન નરનારાયણે એમને વરદાન માગવાનું કહ્યું. ભગવાનના ભક્તને માટે જીવનનું સર્વોત્તમ વરદાન તો ભગવાનનું દર્શન હોય છે. એની આગળ બીજા વરદાનોની કશી વિસાત નથી હોતી. મહર્ષિને એ વરદાન પ્રાપ્ત થયેલું અને એના પરિણામે એમનું જીવન ધન્ય બનેલું. હવે એ બીજા કયા વરદાનની માગણી કરે ? તો પણ ભગવાનની આજ્ઞાને માન આપીને એમણે એમની લોક-લોકપાલોને મોહિત કરનારી માયાને જોવાની ઇચ્છા કરી.

*

એમની એ ઇચ્છાને માન આપીને એ પછી એક દિવસે ભગવાને એમને પોતાની મહામહિમામયી માયાનું દર્શન કરાવ્યું. સંધ્યા સમયે એ પુષ્પભદ્રા નદીના પવિત્ર તટપ્રદેશ પર ઉપાસના કરી રહેલા ત્યારે અચાનક પવનનું તોફાન શરૂ થયું, વાદળા ગરજવા તથા વરસવા લાગ્યા, ને ચપલાઓ ચમકવા માંડી. ચારે તરફ જાણે કે પ્રલયંકર સમુદ્રના તોફાની તરંગો ઉછળવા માંડ્યા. એમની આજુબાજુ બધે જ પાણી ફરી વળ્યું. આખી દુનિયા એમાં ડૂબી ગયેલી લાગી. એ પ્રલયંકર પાણીમાંથી પોતાની જાતને બચાવવા માટે એ દોડવા માંડ્યા. પરંતુ દોડીને જાય ક્યાં ?

 લાંબા વખત પછી એકવાર એમણે પાણીના એ પારાવારમાં એક નાની સરખી ટેકરી પર એક વટવૃક્ષ જોયું. એના ઇશાન ખૂણાની ડાળ પર પાંદડાનો પડિયો બની ગયેલો એમાં એક અસાધારણ સૌન્દર્યસંપન્ન, જ્યોતિર્મય, નાનો શ્યામ શરીરવાળો બાળક સૂઇ રહેલો. એ પોતાના પગના અંગૂઠાને બે હાથે પકડીને ચુસતો હતો. એની આસપાસ પ્રકાશ પથરાયેલો. માર્કંડેય મુનિ એને વિલોકીને વિસ્મય પામ્યા. મહાપુરુષે કહ્યું છે :

वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुंदं मनसा स्मरामि ।

‘વટપત્રના પડિયા પર સુતેલા ભગવાન બાલમુકુંદનું મનોમન સ્મરણ કરું છું.’

 એના દર્શનથી માર્કંડેય મુનિનો બધો થાક ઉતરી ગયો. એમનો પ્રાણ પ્રસન્નતાથી પુલકિત બન્યો. એ બાળક કોણ છે તેની ખબર એમને ના પડી. એ એની માહિતી મેળવવા એની પાસે પહોંચ્યા ત્યાં જ શ્વાસની સાથે એના શરીરમાં પહોંચી ગયા. એના ઉદરમાં એમણે સમસ્ત બ્રહ્માંડનું દર્શન કર્યું. એના પ્રશ્વાસ સાથે બહાર નીકળીને એમણે પેલા વટવૃક્ષના અલૌકિક દૃશ્યને જોવા માંડ્યું. માર્કંડેય મુનિ એની પાસે જવા માંડ્યા ત્યાં જ એ અદૃશ્ય થઇ ગયો, વટવૃક્ષ પણ અદૃશ્ય થઇ ગયું, અને મુનિએ પોતાને પહેલાંની પેઠે પોતાના એકાંત આશ્રમમાં બેઠેલા જોયા.

મુનિએ એવી રીતે ભગવાનની માયાનો અનુભવ કરીને એમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનનું શરણ જ એકમાત્ર અકસીર ઉપાય છે, એવું જાણીને મનને ભગવાનના શરણમાં લગાડી દીધું. એમણે મનોમન કહ્યું :

प्रपन्नोङस्मङघ्रिमूलं ते प्रपन्नाभयदं हरे ।
यन्माययाषि विबुधा मुह्यन्ति ज्ञानकाशया ।।

સ્કંધ ૧ર, અધ્યાય ૧0, શ્લોક ર.

‘તમારી માયા સત્ય જ્ઞાનની પેઠે પ્રતીત થઇને મોટા મોટા મુનિઓને ને વિદ્વાનોને પણ મોહિત કરે છે. એમાંથી છુટવા માટે તમારા ચરણકમળનો આધાર લેવો જોઇએ. એ જ અભય આપે છે એવું સમજીને હે પ્રભુ ! મેં તમારું શરણ લીધું છે.’

એ શરણ કદી નકામું નથી જતું.

*

એ સુંદર બાળક કોણ હતો ? વેદો સત્યં, જ્ઞાનં, અનંત બ્રહ્મ કહીને જેનું વર્ણન કરે છે, બ્રહ્માદિ જેને સ્તવે છે, ને યોગીઓ જેનું દેવદુર્લભ દર્શન કરે છે : જેમાંથી જીવો જન્મે છે, જેના આધારે ટકે છે, અને જેમાં લય પામે છે, તે પરમસત્યનો, પરમતત્વનો પ્રતિનિધિ. એ સત્ય કે તત્વ જ એના સ્વરૂપે સાકાર બનેલું.

*

મહર્ષિ માર્કંડેય એના સ્મરણમનનમાં અને એના શરણાગતિભાવમાં મગ્ન બની ગયેલા ત્યારે ભગવાન શંકર પાર્વતી તથા બીજા ગણોની સાથે ત્યાંથી આકાશમાર્ગથી પસાર થયા. પાર્વતીના કહેવાથી ભગવાન શંકર માર્કંડેય પાસે આવી પહોંચ્યા. માર્કંડેય મુનિ ભગવદ્દભાવમાં લીન બનેલા. એમને આજુબાજુના જગતનું તો શું, પોતાના શરીરનું પણ ભાન નહોતું રહ્યું. ભગવાન શંકરે એમના હૃદયમાં પ્રવેશીને એમને દર્શન આપ્યું એથી આશ્ચર્યચકિત, આનંદમગ્ન ને ભાવવિભોર બનેલા માર્કંડેય સમાધિમાંથી જાગ્રત થયાં. એમણે ભગવાન શંકરને પ્રણામ કરીને એમની પૂજા કરી.

એ પૂજા તથા પ્રશસ્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શંકરે એમને ઇચ્છાનુસાર વરદાન માગવા કહ્યું ને જણાવ્યું કે નિર્વેરભાવવાળા, શાંત સ્વભાવના, સમદર્શી, આસક્તિરહિત, શ્રદ્ધાભક્તિસંપન્ન સંતપુરુષો સંસારની શોભારૂપ છે. એમનું હું સદાને સારું સન્માન કરું છું.

*

મહર્ષિ માર્કંડેય બીજું કયું વરદાન માગે ? એમને ભગવાન નરનારાયણ પાસે માંગેલા માયાદર્શનના વરદાનનું અને એની પ્રતિક્રિયાનું સ્મરણ હતું. એમણે કહ્યું કે તમે પ્રસન્ન બનીને કૃપા કરીને મને વરદાન આપવા તૈયાર થયા છો તો ભગવાનમાં, એમના શરણાગત સાચા ભક્તોમાં અને તમારામાં મારી અવિચળ અખંડ ભક્તિ સદાને માટે બની રહે એવું વરદાન પ્રદાન કરો.

ભગવાન શંકરે એમની નિર્મળ ભક્તિભાવનાથી પ્રસન્ન બનીને એમને એકસાથે અનેક વરદાન પ્રદાન કરતાં કહ્યું કે, ‘મહર્ષિ, તમારી સર્વે કામનાઓ પૂર્ણ થાવ. ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ સદા અચળ રહો. તમારો પવિત્ર યશ કલ્પપર્યંત ફેલાવ અને તમે અજર તેમજ અમર બનો. તમારું બ્રહ્મતેજ તો અક્ષય રહેશે જ; પરંતુ એની સાથે સાથે તમને ભૂત ભાવિ વર્તમાનના જ્ઞાનની અને વૈરાગ્યયુક્ત સ્વરૂપસ્થિતિની પ્રાપ્તિ થશે. તમે પુરાણનું આચાર્યત્વ પણ મેળવશો અથવા એક સ્વતંત્ર પુરાણની રચના કરશો.’

મહર્ષિ માર્કંડેયના જીવનને એવી રીતે કૃતાર્થ કરીને ભગવાન શંકર ત્યાંથી આગળ ચાલ્યા.

પ્રત્યેક માનવે પરમાત્માથી શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને જીવનનું આત્યંતિક શ્રેય સાધવા ને બીજાનું શ્રેય સાધવા એવી રીતે પ્રયત્ન કરવો જોઇએ. ભાગવતનો એ મહત્વનો સંદેશ છે. એ સંદેશને જીવનમાં સાકાર કરવાનો પ્રયાસ કરી છૂટીએ તો ધન્ય બનીએ.

સૂત પુરાણી માર્કંડેય ચરિત્રનો ઉપસંહાર કરતા શૌનકને કહે છે કે ‘આ માર્કંડેય ચરિત્ર ભગવાન ચક્રપાણિના પ્રભાવથી ને મહિમાથી ભરપુર છે. જે એનું શ્રવણ, મનન કે સંકીર્તન કરે છે, જે એને સાંભળે છે ને સંભળાવે છે તે કર્મવાસનામાંથી મુક્તિ મેળવીને એમના પરિણામે પ્રાપ્ત થતાં આવાગમનચક્રથી સદાને સારું છૂટી જાય છે.’

અને એકલા માર્કંડેય ચરિત્રની જ શા માટે, સમસ્ત ભાગવતની એ ફળશ્રુતિ છે. ભાગવતની ભાગીરથીનો આ સ્વાદ લેનાર એવી રીતે જીવનમુક્ત કે ધન્ય બને છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *