મારું પ્રિય પુસ્તક નિબંધ
By-Gujju03-10-2023
મારું પ્રિય પુસ્તક નિબંધ
By Gujju03-10-2023
સારાં પુસ્તકો માનવીના ઉત્તમ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. તેમાં વ્યક્ત થયેલા ઉમદા વિચારો આપણા જીવનને ઉન્નત બનાવે છે શ્રેષ્ઠ પુસ્તકોના વાચનથી આપણને જીવન જીવવાની કલા, નવી દષ્ટિ અને સવાંગી કેળવણી મળે છે. મને પણ ઉત્તમ પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. મેં વાંચેલાં કેટલાંક ઉત્તમ પુસ્તકોમાં મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો‘ મારું સૌથી પ્રિય પુસ્તક છે.
“સત્યના પ્રયોગોમાં” મહાત્મા ગાંધીજીના જીવનનો વાસ્તવિક પરિચય મળે છે. નાનપણમાં ગાંધીજી એક સામાન્ય અને શરમાળ વિદ્યાર્થી હતા. ઇંગ્લેન્ડમાં જઈને બૅરિસ્ટર બન્યા પછી પણ તેમના સ્વભાવનું શરમાળપણું દૂર થયું નહિ. શેઠ અબદુલ્લા નામના એક અસીલનો કેસ લડવા માટે અન્ય વકીલોના મદદનીશ તરીકે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં સુધી તેઓ તદ્દન સામાન્ય માનવી હતા. એમનાં પત્ની કસ્તુરબા તરફનું તેમનું વર્તન એક રૂઢિચુસ્ત હિંદુ પતિ જેવું જ કઠોર હતું. આ બધી બાબતો યથાતથ સ્વરૂપે વર્ણવવામાં ગાંધીજીએ જરાય નાનમ અનુભવી નથી. ભારતના રાષ્ટ્રપિતાનું બિરુદ ધરાવતા આ મહામાનવની નમ્રતા આપણા હૃદયને સ્પર્શી જાય છે.
આફ્રિકામાં ગાંધીજીએ રંગભેદની નીતિના વિરોધમાં સત્યાગ્રહ કર્યો, ત્યારથી જગતની રાજકીય ક્ષિતિજ પર એક યુગપ્રવર્તક નેતા તરીકે તેમનો ઉદય થયો. ઈ. સ. 1910માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને કાયમ માટે સ્વદેશ પાછા ફર્યા. એમણે ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ભારતીય પ્રજાને, તેનાં દુ:ખ-દર્દો નિવારવા માટે કટિબદ્ધ થયેલો પ્રખર લોકનેતા ગાંધીજીના સ્વરૂપે મળ્યો.
આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની પ્રજાની કંગાલ દશા જોઈને ગરીબોના બેલી એવા ગાંધીજીનું અંતર કકળી ઊઠ્યું. આથી તેમણે પોતાના આખા શરીરને ઢાંક્તા કાઠિયાવાડી પોશાકનો ત્યાગ કરીને માત્ર એક પોતડી પહેરવાનું શરૂ કર્યું! સાબરમતીના આ સંતને ભારતની કૃતજ્ઞ પ્રજાએ રાષ્ટ્રપિતાના ગૌરવશાળી પદે સ્થાપી દીધો.
પચીસ વર્ષથીયે વધુ સમય સુધી ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય-ચળવળનું સુકાન સંભાળ્યું હતું. સત્ય અને અહિંસા જેવાં આગવાં શસ્ત્રો વડે ગાંધીજીએ બ્રિટિશ સલ્તનત જેવી મહાસત્તા સામે બાથ ભીડી હતી.
ગાંધીજીનું કાર્ય માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતું સીમિત નહોતું. તેમણે ભારતના લોકજીવનમાં ઘર કરી ગયેલા અનેક સામાજિક દૂષણો સામે પણ આજીવન લડત ચલાવી હતી. તેમના અથાગ પ્રયત્નોને પરિણામે અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં તેમને નોંધપાત્ર સફળતા મળી.
હિંદુ-મુસ્લિમ એકતા અને સ્ત્રીશિક્ષણનાં ક્ષેત્રોમાં પણ તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ‘સત્યના પ્રયોગો’ એ ગાંધીજીની આવી બધી પ્રવૃત્તિઓના દસ્તાવેજ છે.
‘સત્યના પ્રયોગો’ની ભાષા સાદી અને સરળ છે, છતાં એમાં ગાંધીજીએ કરેલું તેમના જીવનપ્રસંગોનું વર્ણન રોચક અને ચોટદાર છે. એમાં ગાંધીજી પહેલાં પોતાની નબળાઈઓનો એકરાર કરે છે અને પછી પોતે તેમના પર કેવી રીતે વિજય મેળવ્યો, તે વિસ્તારથી જણાવે છે. ગાંધીજીના દેશપ્રેમ, સાદાઈ, સત્યનિષ્ઠા, અહિંસા માટેનો આગ્રહ, દઢ ઇચ્છાશક્તિ, વિનમ્રતા વગેરે ગુણો આપણને ઘણી પ્રેરણા આપે છે.
‘સત્યના પ્રયોગો’ એ ખરેખર એક મહાન પુસ્તક છે. આવા પુસ્તકના વાચનથી આપણા વિચારો ઉન્નત બને છે અને ઉચ્ચ વિચારો જ માનવીને મહાન બનાવી શકે છે. ગુજરાતી આત્મકથા – સાહિત્યમાં ‘સત્યના પ્રયોગો’નું વિશિષ્ટ સ્થાન છે.