માતૃભાષાનું મહત્વ નિબંધ
By-Gujju03-10-2023
માતૃભાષાનું મહત્વ નિબંધ
By Gujju03-10-2023
માતૃભાષાનો શાબ્દિક અથૅ ‘મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા:
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.
માતૃભાષાએ સંસ્કૃતિનું માઘ્યમ છે. કલા, સાહિત્ય, સંગીતસંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ ૫ામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા ૫ણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે.જે બાળક બીજી ભાષાભાષાના માઘ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આઘારે જ અઘ્યયન કરતો હોવાથી ‘પો૫ટીયુ’ જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયનક્ષમ વાતચીત કરવાની ગતિ ૫ણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી. આથી જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવો એ ખોટનો ઘંઘો કરવા સમાન છે.
શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી ? નિબંધ : અહીં ક્લિક કરો
ભાષા એ સંવાદનું માઘ્યમ છે. આ૫ણે આ૫ણા વિચારો, ઉર્મિઓ, ભાવનાઓની અભિવ્યકિત ભાષાના માઘ્યમથી કરીએ છીએ. તેમાં ૫ણ પોતાની માતૃભાષામાં આ કાર્ય ખુબ જ સરળતાથી કરી શકીએ છીએ. ૫રીણામે આ૫ણો સઘળો વ્યવહાર શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા આઘારિત છે. આ૫ણા દેશના ઘણા રાજયોની રચના ૫ણ ભાષા આઘારિત થયેલ છે. જેમકે, ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી, તામિલનાડુ તો તામિલ.
માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગુંથાતી હોય છે. બાળક માટે માતૃભાષા શીખવી હવા, પાણી મેળવવા જેટલી જ સહજ બાબત છે. પરંતુ, જે બાબત માટે કોઈ મૂલ્ય ચૂકવો ન પડે તે બાબત અત્યંત મૂલ્યવાન હોય તો પણ કોડીની લાગે છે, તેના તરફ અવગણના અને ઉપેક્ષા સેવાય છે. તે જ રીતે માતૃભાષા પણ અવગણાઇ રહી છે,તેનું મહત્ત્વ રહ્યું છે.
માણસ સામાન્ય રીતે દરેક વસ્તુનું મૂલ્ય પૈસાથી આંકે છે. ગુજરાતી ભાષકને લાગે છે કે માતૃભાષાને મહત્વ આપવાથી તેની આવકમાં વધારો નથી થવાનો. પરંતુ, અન્ય ભાષા-અંગ્રેજી ભાષા શીખવા ને કારણે તેને પોતાની સંપત્તિમાં, રૂઆબમાં વધારો થશે એમ લાગે છે. પરિણામે તે પોતે અંગ્રેજી તરફ આકર્ષાયો છે.
એટલું જ નહીં, કદાચ સંજોગોવસાત પોતે ન શીખી શક્યો હોય કે અંગ્રેજી પર જરૂરી કાબુ ન મેળવી શક્યો હોય તો તે પોતાના બાળક માટે આ સપનું સેવે છે, અને બાળક પ્રભાવી અંગ્રેજી પ્રયોજી શકે તે માટે તેને અંગ્રેજી માધ્યમની શાળામાં મુકે છે. અંગ્રેજી ‘ભાષા’ તરીકે શીખવી અને અંગ્રેજી ‘માધ્યમ’ હોવું આ બંને વચ્ચેનો ભેદ તે વિચારતો નથી.
ગુજરાતી ભાષકને માતૃભાષા માં શિક્ષણ અપાવવું, મેળવવું શરમજનક લાગી રહ્યું છે. માતૃભાષામાં વ્યવહાર કરવો તેમને અશિક્ષિત ની અનુભૂતિ કરાવે છે. તૂટી-ફૂટી, ‘ગુજઇંગલિશ’ ચાલે પણ ગુજરાતી? માતૃભાષા નું મહત્વ સમજાવવા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું કહયુ છે કે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
ખરેખર તો માતૃભાષા વ્યક્તિ માત્ર નું સંવર્ધન કરે છે, પણ વર્તમાન ભાષાકીય કટોકટી એવી સ્થિતિ છે કે આખી આ સંવર્ઘનની પ્રક્રિયા ઊલટી દિશામાં જઈ રહી છે અને આપણે હવે માતૃભાષાનું સંવર્ધન કરવાના પ્રયત્નવાન થવું પડે છે.
આપણા દેશની ભાષા પરંપરા અને ભાષાના સ્વાભાવિક વિકાસક્રમ પર પરદેશી શાસન અને પરદેશી ભાષાનો પ્રભાવ, ૧૧ મી ૧૨મી સદીમાં ઈસ્લામધર્મી શાસન અને એ દરમિયાન શાસનકર્તાઓ ની ભાષા ફારસી અને ધર્મ ભાષા અરબી નો પ્રભાવ રહ્યો, પરંતુ એ સમયે જે બધી અર્વાચીન ભારતીય ભાષાઓ પ્રાકૃત, અપભ્રંશમાંથી પોતાની પ્રાદેશિક ઓળખ સાથે વિકસી રહી હતી, તે વિકાસને કશો અંતરાય એ ભાષાઓ દ્વારા નડ્યો નહોતો, ઊલટાનું અર્વાચીન બધી ભારતીય ભાષાઓમાં નવી શબ્દાવલી ઉમેરાઈ; બીજો જે પ્રભાવ પડ્યો તે 18મી 19મી સદીથી, (કહો, કે આજ પર્યંત) તે અંગ્રેજી શાસન દરમિયાન અંગ્રેજી ભાષાનો.
અંગ્રેજી જ્ઞાન-વિજ્ઞાનની ભાષા તરીકે આવી અને શાસન ની ભાષા તરીકે આવી. અંગ્રેજી શાસનકાળમાં નવી કેળવણી આવી. પણ એ કેળવણી વિદ્યાર્થીની માતૃભાષા દ્વારા થવાને બદલે મેકોલની મિનિટ પછી અંગ્રેજીમાં થવા માંડી. અંગ્રેજી ભાષા દ્વારા વૈશ્વિક જ્ઞાનની ક્ષિતિજો ખુલી, આપણી ભાષાઓમાં નવો શબ્દનો ભંડાર ઉમેરાતો ગયો છે, પણ અંગ્રેજી એ ભારતીય ભાષા ને માંડ બીજા દરજ્જાનું સ્થાન દીધું.
સ્વતંત્રતા મળ્યા પછી એવી આશા હતી કે હવે આપણે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી તમિલ આદિ સર્વે ભાષાઓ જે તે ભાષા વિસ્તારમાં પ્રથમ દરજ્જો ભોગવશે, શાસન શિક્ષણ ની ભાષાઓ તરીકે પ્રસન્નતાપૂર્વક ૫લ્લવિદા થશે, અલબત્ત વિશ્વ પ્રત્યેની બારી ખોલતી અંગ્રેજી પણ રહેશે.
પરંતુ સ્વતંત્ર થયેલા ભારત સરકારની ભાષાનીતિ લગભગ અનિશ્ચિત રહી. એ ખરું કે શરૂના દસ કે પંદર વર્ષે અંગ્રેજી શાસનની ભાગ રહે એવો પ્રસ્તાવ ઉચિત પણ હતો, પણ પછી એ વર્ષોની અવધિ વધતાં વધતાં વિલીન થઈ ગઈ અને હવે અંગ્રેજી શાસનની, ન્યાયની, વાણિજ્ય ની અને ઉચ્ચ શિક્ષણની કહો કે સત્તાની ભાષા બની રહી. માતૃભાષાનો ગમે તેટલો મહિમા કરતો રહ્યો, પણ જે સત્તા ની ભાષા હોય, અંતે તે જ મહિમાવતી બને છે.
પરતંત્રતા ના વર્ષો કરતાં સ્વતંત્રતાના વર્ષોમાં અંગ્રેજી નો મહિમા એટલો વધતો ગયો, વૈશ્વિકરણની આબોહવાને લીધે, કે શિક્ષણમાં બાલમંદિરથી માંડીને અંગ્રેજી માધ્યમનું પ્રચંડ પવન વાઇ રહયો છે. એ પવનના વેગમાં માતૃભાષાના ચીથરેહાલ કરી દીઘા છે. વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ભાષા એક રાજકીય એજન્ડા બની ગઈ છે અને બધી રાજ્ય સરકારો એક યા અન્ય રીતે અંગ્રેજીને પ્રથમ દરજ્જો આપવા હોડ બકી રહી છે જાણે.
આ૫ણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા કોઇક કવિએ ખુબ જ સરસ લખ્યુ કે,
અમને વહાલી ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી
હેમચંદ્રની ગુજરાતી
નરસિંહ મીરાંની ગુજરાતી
વીર નર્મદની ગુજરાતી
ગાંધીગીરા છે ગુજરાતી
સહુ કોઇની ગુજરાતી
ધન્ય ધન્ય છે ગુજરાતી