Thursday, 14 November, 2024

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ

314 Views
Share :
મેં તો હૃદયમાં ઓળખ્યા રામ

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ

314 Views

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું.

મીરાંબાઈ મહેલમાં રે, હરિ સંતનનો વાસ,
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરા પાસ … રાણા.

રાણાજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ,
સાધુની સંગત છોડી દો, તમે વસો અમારી સાથ … રાણા.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દો રાણાજીને હાથ,
રાજપાટ તમે છોડી, રાણાજી, વસો સાધુ સંગાથ … રાણા.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ,
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ … રાણા.

સાંઢણીવાળા સાંઢણી શણગારજે રે, જાવું સો સો રે કોશ,
રાણાજીના રાજમાં મારે, જળ પીવાનો દોષ … રાણા.

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમની માંહ્ય,
સર્વ છોડી મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન ક્યાંય … રાણા.

સાસુ અમારી રે સુષુમણા રે, સસરો પ્રેમ સંતોષ,
જેઠ જગજીવન જગતમાં મારો, નાવલિયો નિર્દોષ … રાણા.

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય,
ઓઢું હું કાળો કમળો, દૂજો ડાઘ ન લાગે કોય … રાણા.

મીરાં હરિની લાડકી રે, રહેતી સંત હજૂર,
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર … રાણા.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *