મુલ્લા નસરુદ્દીન ની વાર્તા
By-Gujju27-10-2023
મુલ્લા નસરુદ્દીન ની વાર્તા
By Gujju27-10-2023
એક દોલતમંદ ઇન્સાન બેસુમાર દોલત હોવા છતાં દુઃખી હતો. કોઈ વાતની કમી નહોતી, છતાં સુખ નહોતું, શાંતિ નહોતી. મનમાં ચેન નહીં , આંખમાં નિદ્રા નહીં.
તેની આલીશાન મહાલયની અટારીમાં તે ફરી રહ્યો હતો. ફરતાં – ફરતાં તેની નજર નીચે ગઈ.
રસ્તા પાસે ફૂટપાથ પર એક ફકીર હાથનું ઓશીકું બનાવી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. દોલતમંદને નવાઈ લાગી : નથી પાથરવા, નથી ઓઢવા, અરે , નથી ઓશીકું અને છતાં કેવો ગહરી નીંદમાં સૂતો છે !
સવાર પડ્યું એટલે ફકીરને મહાલયમાં બોલાવવામાં આવ્યો, યોગ્ય આદરસત્કાર કરવામાં આવ્યો.
શ્રીમંતે આવી પૂછયું , “તુમ્હારા સોના દેખકર મુઝે તાજુબ હો રહા હૈ. ઐસી ગહરી નીંદ કૈસે તુમ્હે નસીબ હુઈ ? ”
ફકીરે કહ્યું, ” તુમ કો ખુદાને વહ -સોના- દિયા હૈ તો હમકો યહ – સોના-દિયા હૈ.”
આવો જ અજંપાથી ત્રાસેલો એક દુ:ખી દોલતમંદ હાથમાં સોનામહોરની નાની થેલી લઈ ફર્યા કરતો અને કહેતો ,
“જે કોઈ મને સુખી કરશે તેને હું આ થેલી ભેટ આપીશ. મને સુખનો અનુભવ કરાવો.”
કોઈ માણસે સલાહ આપી : “એમ કરો, મુલ્લા નસરુદ્દીન પાસે પહોંચી જાઓ. એ એક એવી હસ્તી છે કે તમારી સમસ્યા હલ કરી શકે.”
આટલું સાંભળતાં જ સંપત્તિવાને પ્રયાણ કર્યું અને પહોંચ્યો મુલ્લા નસરુદ્દીનના ગામમાં ..
ગરીબીથી તંગ આવીને મહેણાં માર્યા કરતી બીબીના ત્રાસથી મુલ્લાં પોતાનું ગધેડું લઈ કાંઈક કમાવા માટે જઈ રહ્યો હતો.
સુખની શોધમાં નીકળેલા શ્રીમંત મુલ્લાને જ અજાણતાં મુલ્લાંના ઘરનો રસ્તો પૂછડ્યો.
મુલ્લાં કહે, “પણ તમારે નસરુદ્દીન નું કામ શું છે ?”
ધનવાને પોતાની વ્યથાની કથા કરી પ્રલોભન – રૂપે થેલી બતાવી. “બસ , મારે સુખનો અનુભવ કરવો છે “
એટલું હજુ બોલે ત્યાં એવી આકસ્મિક ઘટના બની કે તે સ્તબ્ધ થઈ ગયો.
મુલ્લા નસરુદીને ઝપટ મારી શ્રીમંતની થેલી પડાવી લીધી અને દોડવા માંડ્યું.
શ્રીમંત પણ પાછળ , દોડ્યો . ” મારી થેલી ! મારી થેલી ! મારી સોનામહોર મને આપી દે ! આપી દે ! ” આમ બોલતો જાય અને દોડતો જાય.
તે શ્રીમંત હતો. કદી આવો પરિશ્રમ કરેલો નહીં. ચહેરા પર લોહી ધસી આવ્યું. આખું શરીર પરસેવામાં પલળી ગયું. થાકી ગયો છતાં દોડ્યે જતો હતો.
મુલ્લાંએ આખા ગામને આંટો મારી જ્યાં ગધેડું ઊભું હતું ત્યાં સુધી આ શ્રીમંતને દોડાવ્યો , પછી ધીરેધીરે ગતિ મંદ કરી અને ઊભો રહી ગયો.
શ્રીમંત પાછળ આવ્યો કે તરત જ મુલ્લાંએ શાંતિથી થેલી તેને સુપરત કરી.
શ્રીમંત કહે : “ હાશ ! મારી દોલત મળી ગઈ ! ” એ ખુશ થઈ ગયો , આનંદમાં આવી ગયો . આનંદનો અતિરેક શમી ગયા પછી અચાનક યાદ આવ્યું હોય તેમ તેણે મુલ્લા નસરુદ્દીનને કહ્યું , “અરે ! પણ તમે કોણ છો ? મને શા માટે હેરાન કર્યો ? કેમ આટલું બધું દોડાવ્યો ? તમારે થેલી ચોરી નહોતી જવી તો લઈને ભાગ્યા શા માટે ? “
મુલ્લા નસરુદીન : તમને સુખનો અનુભવ થયો ને ?
શ્રીમંત : હા… ખરેખર મને ખુબ જ આનંદ થયો કે મારી સંપત્તિ મને પરત મળી ગઇ… પણ તમે કોણ ?
પ્રશ્નોની ઝડી વરસી ગયા પછી મુલ્લા નસરુદીને જવાબ આપ્યો , “મારું નામ છે મુલ્લાં નસરુદ્દીન.”