મૂરખનાં સરદારો
By-Gujju27-10-2023
મૂરખનાં સરદારો
By Gujju27-10-2023
એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું, ‘‘ મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂરખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે – ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂરખાઓને ઓળખવા શી રીતે ? ’’
‘‘ એમાં શું અઘરું છે, નામદાર ? મૂરખાઓને પણ એમના બોલવા – ચાલવા પરથી ઓળખી શકાય.’’ બીરબલે જવાબ દીધો.
‘‘ હા , એ ખરું છે, ’’ અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતાં એ બોલ્યો, ‘‘ એક કામ કર. ’’
‘‘ શું નામદાર ? ’’
‘‘ મારે મૂરખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું છ મૂરખના સરદારોને લાવી હાજ૨ ક૨ ! ’’
‘‘જેવો હુકમ, નામદાર ! ’’ બીરબલે કહ્યું , ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી.
બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂરખાઓ પણ હતા. પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું.
એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું , ‘‘ ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે ? ’’
‘‘ હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી. તેથી માથે મૂક્યો છે. ’’ ઘોડેસવારે જવાબ દીધો.
‘‘ પણ ઘોડા પર મૂકતાં શું થતું હતું ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ ઘોડા પર ? જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે ! મારો જ ભાર એ જેમતેમ ઊંચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય ? ’’ ઘોડેસવારે કહ્યું.
બીરબલે એનાં નામઠામ પૂછીને લખી લીધાં અને પછી આગળ ચાલ્યો.
‘‘ ભાઈ , મને બેઠો કરો. ભગવાન તમારું ભલું કરશે. ’’ કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બીરબલે એની સામે જોયું. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોયે એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો.
‘‘ તમારી મેળે બેઠા થવાય તેમ નથી ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ ના. ’’ પેલાએ જવાબ દીધો.
‘‘ મારો હાથ ઝાલો ’’ કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો.
પણ પેલા માણસે કહ્યું , ‘‘ નહિ , નહિ , મારા હાથને અડકશો નહિ. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. ’’
‘‘ કેમ ? તમારા હાથને કંઈ ઈજા થઈ છે ? ’’ બીરબલે પૂછ્યું.
“ ના , ઈજા તો કશી નથી થઈ. પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું પેલા માણસે કહ્યું.
બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બીરબલે પૂછ્યું, ‘‘ પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે ? ’’
‘‘ એ જ વાત છે ને ! ’’ પેલાએ જવાબ દીધો ; ‘‘ મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતાં લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ ને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. ’’
બીરબલે એનાં પણ નામઠામ પૂછીને લખી લીધાં. આ બનાવ પછી બે – એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પાં મારીને, રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો.
‘‘ શું શોધો છો ? કંઈ પડી ગયું છે ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ હા. ’’ પેલાએ ટૂંકો જવાબ આપ્યો.
‘‘ શું ? ’’
‘‘ સોનાની વીંટી. ’’
‘‘ લાવો , હુંયે શોધવા લાગ્યું. ’’ કહી બીરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા.
‘‘ તમને ખાતરી છે કે અહીં જ પડી હતી ? ’’ થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું.
‘‘ ના, અહીં નથી પડી. ’’
‘ ત્યારે ? ’
‘‘ પડી ગઈ છે તો ત્યાં, દૂર – ’’ આઘે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો.
‘‘ ત્યારે અહીં શા માટે શોધો છો ? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ? ’’
‘‘ ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. ’’ પેલાએ જવાબ દીધો.
‘‘ મારો બેટો તદન મૂરખ છે. આપણને નકામી મહેનત કરાવી. ’’ એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા.
બીરબલે એનાં નામઠામ લખી લીધાં. બીજે દિવસે બીરબલ નદીકિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો.
‘‘ શું શોધો છો , ભાઈ ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી. ’’ પેલાએ કહ્યું.
” ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે ? ”
‘‘ હા, અહીં રેતીમાં – ઊંડો ખાડો પાડીને દાટી હતી. ’’
‘ પણ કંઈ નિશાની રાખી છે ? ’
‘‘ હા , નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો ? ’’
‘‘ શી નિશાની રાખી હતી ? ’’
‘‘ જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું , પણ હવે એ વાદળુંયે દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. ’’ પેલાએ નિરાશ થઈ કહ્યું.
બીરબલે એનાં પણ નામઠામ પૂછીને લખી લીધાં. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાનાં નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું,
‘‘ આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા, નામદાર ? ’’
‘‘પણ આ તો ચાર જ છે. મેં તને છ લાવવાનું કહ્યું હતું.’’ અકબરે કહ્યું.
‘‘ નામદાર, છયે છ હાજર છે. ’’ બીરબલે જવાબ દીધો.
‘‘ આ તો ચાર દેખાય છે. બાકીના બે ક્યાં છે ? ’’ અકબરે પૂછ્યું.
‘‘ આ ચાર તો આપ નામદારે જોયા. પાંચમો હું. ’’ બીરબલે કહ્યું.
‘‘ તું ? તું મૂરખનો સરદાર ? ’’ અકબરે નવાઈ પામી પૂછ્યું.
‘‘ હા , નામદાર. ”
‘‘ કેમ ? ’’
‘‘ જાણે બીજાં કોઈ કામ ન હોય તેમ મૂરખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નકામા બગાડ્યા તે હું મૂરખનો સરદાર નહિ તો બીજું શું ? ’’ બીરબલે કહ્યું.
‘‘ અને છઠ્ઠો ? ’’
‘‘ છઠ્ઠો – નામદાર ! કસૂર માફ કરજો. પણ રાજકાજનાં ને બીજાં અનેક સારાં કામો પડતાં મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. ’’ બીરબલે કહ્યું.
‘‘ એટલે – એ તો હું. ’’ અકબરે કહ્યું
‘‘હા , નામદાર ! આપણે બંને ; હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. ’’ બીરબલે કહ્યું.
‘‘ કેટલું ગુમાન ! બાદશાહનું અપમાન ! બીરબલને સજા થવી જોઈએ. ’’ એક દરબારી બોલી ઊઠ્યો.
‘‘ નહિ , નહિ ! ’’ અકબરે હસીને કહ્યું. ‘‘ બીરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂરખાઓના વિચારમાં અથવા મૂરખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહિ તો બીજું શું ! ’’ બાદશાહે કહ્યું. પછી બીરબલને ઇનામ આપી રાજી કર્યા.