Friday, 20 September, 2024

મૃતસંજીવની વિદ્યાની પ્રાપ્તિ

275 Views
Share :
મૃતસંજીવની વિદ્યાની પ્રાપ્તિ

મૃતસંજીવની વિદ્યાની પ્રાપ્તિ

275 Views

Kach reached Sukracharya’s place and started learning the secrets of immortality. Sukracharya as well as his daughter, Devyani got a soft corner for him. When demons came to know that Kach is none other than Brihaspati’s son and has already learned the secret of immortality, they decided to kill him. They succeeded but due to requests from Devyani, her father made him alive with his powers.

Every time demons killed them, Sukracharya made him alive again. Upon completion of his education, it was Kach’s time for departure to heaven. Devyani had already fallen in love with him, so she asked Kach to marry her. Kach refused saying that she was daughter of his teacher and so she was worthy of respect and marital relationship was impossible. Those were the days of morals and principles !

દાનવોના ગુરુ શુક્રાચાર્યની સહાનુભૂતિ તથા કૃપા સાંપડતાં કચને છેવટે વિદ્યાની પ્રાપ્તિ થઇ. એ વિદ્યાની પ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં શુક્રાચાર્યની સુપુત્રી દેવયાનીની પ્રીતિ તથા સદભાવના પણ મદદરૂપ બની. મહાભારતમાં જણાવ્યું છે તેમ કચ શુક્રાચાર્ય તથા દેવયાની ઉભયને આરાધવા લાગ્યા. યૌવનમાં પ્રવેશેલી દેવયાનીને ફૂલો, ફળો અને વિવિધ પ્રકારે પ્રસન્ન કરી. દેવયાની પણ વ્રતનિયમપરાયણ કચની સેવા કરવા લાગી.

પરંતુ કચનો સાધનામાર્ગ નિષ્કંટક ન હતો.

દાનવોને ખબર પડી કે કચ પોતાના શત્રુ દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર છે ત્યારે તે ખૂબ જ રોષે ભરાઇને એનું મૃત્યુ નિપજાવવાનો વિચાર કરવા માંડ્યા. કચ અને એની દ્વારા દેવો સંજીવનીવિદ્યાના રહસ્યજ્ઞાનને જાણી જાય એવી કરુણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે એ તૈયાર નહોતા.

એકાંત અરણ્યમાં ગાયોની સંભાળ રાખતા કચને એકલો જોઇને એકવાર એમણે મારી નાખ્યો અને એના ટુકડા કરીને શિયાળ તથા વરુઓને નાખી દીધા. ગાયો ગોવાળ વિના એકલી પોતાને સ્થાને પાછી વળી. દેવયાનીએ તે વખતે પિતાને કહ્યું કે તમે અગ્નિહોત્રના અગ્નિમાં આહુતિ આપી છે, સૂર્ય અસ્ત પામ્યો છે, અને ગાયો રખેવાળ વિના પાછી આવી છે. કચ દેખાતો નથી. કચ નક્કી હણાયો કે મરી ગયો હશે. તમને સાચું કહું છું કે હું તેના વિના નહીં જીવી શકું.

શુક્રાચાર્યે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરીને કચને બોલાવ્યો. કચ વરુઓનાં શરીરોને ભેદી ભેદીને બહાર નીકળ્યો અને સન્મુખ થયો. તે સંજીવની વિદ્યાથી હર્ષ પામ્યો. દેવયાનીએ તેને પૂછ્યું કે તેં વિલંબ કેમ કર્યો ? ત્યારે તે બોલ્યો કે સમધિ, દર્ભ તેમજ લાકડાંનો ભારો લઇને હું આશ્રમ પાસેના વડના વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠો. ગાયો પણ વૃક્ષની છાયામાં બેઠી. ત્યારે ત્યાં દાનવોએ મને હણી નાંખ્યો, અને મારા ટુકડા કરીને શિયાળ તથા વરુઓને નાખી તેઓ સુખે પોતાના ઘેર ગયા.

ફરીથી કચ દેવયાનીના કહેવાથી ફૂલને વીણવા માટે મનગમતા વનમાં ગયો. ત્યાં દાનવોએ તેને જોયો અને તેના ટુકડે ટુકડા કરી સમુદ્રના જળમાં ભેળવી દીધા. શુક્રાચાર્યે સંજીવની વિદ્યાના બળથી બૃહસ્પતિ પુત્ર કચને હાક મારી. તેણે ફરી આવીને તે સર્વ સમાચાર કહ્યા પછી ત્રીજીવાર અસુરોએ તેને મારી નાખ્યો, તેનું બાળીને ચૂરણ કરી નાખ્યું, અને શુક્રાચાર્યને મદિરામાં મેળવીને પાઇ દીધુ.

દેવયાનીની પ્રાર્થનાથી શુક્રાચાર્ય તેને ફરીવાર જીવતો કરવા તૈયાર થયા ને બોલ્યા કે બૃહસ્પતિ પુત્ર ! તું સિદ્ધિને યોગ્ય છે. દેવયાની તને ભજે છે. તું જો કચરૂપી ઇન્દ્ર ના હોય તો અત્યારે જ સંજીવની વિદ્યાને પામી લે. મારા પેટમાંથી બ્રાહ્મણ સિવાય કોઇ પાછો જીવતો બહાર આવી શકતો નથી. તેથી તું વિદ્યાને મેળવ. હું તને જીવતો કરું છું. પછી મારા દેહમાથી બહાર આવીને તું મારા પુત્રરૂપ થઇને મને જીવતો કરજે.

ગુરુ પાસેથી વિદ્યા મેળવીને કચ તે જ ઘડીએ શુક્રચાર્યના પેટને ફાડીને બહાર આવ્યો. કચે તે પછી મરણ પામેલા ગુરુને સજીવન કર્યા.

તે સિદ્ધવિદ્યાને અતિશય આદરભાવે વંદન કર્યા પછી કૃતકૃત્ય બનેલા કચે સદગુરુ શક્રાચાર્યને સંબોધીને જણાવ્યું કે હું વિદ્યાહીન હતો. તમે મારા શ્રવણદ્રયમાં અમૃતનું સિંચન કર્યું છે. તમને મારાં માતાપિતા તુલ્ય માનું છું. કૃતજ્ઞ માનવ પોતાના ગુરુનો દ્રોહ નથી કરતો. જે જ્ઞાનને પામીને સત્યજ્ઞાનના દાતા સર્વ ભંડારના ભંડાર સરખા સદગુરુને આદર નથી આપતા તે પ્રતિષ્ઠાથી વંચિત બનીને પાપલોકમાં પ્રવેશે છે ને દુઃખી બને છે.

મહાભારતમાં કરાયલું મૃતસંજીવની વિદ્યાનું એ વર્ણન આશ્ચર્યકારક છે. એ વર્ણન વિસ્મયકારક હોવા છતાં પણ સાચું છે અને સૂચવે છે કે માનવની શક્તિ તથા શક્યતાઓ અસીમ છે. એ શક્તિઓનો સમુચિત સુવિકાસ સાધીને તે મોટા મોટા વિક્રમોને સરજી શકે છે. ભારતના ભૂતકાલીન મહામાનવોએ એવા અવિસ્મરણીય વિસ્મયકારક વિક્રમો સરજેલા. મૃતસંજીવની વિદ્યાનો વિક્રમ એમાંનો એક હતો.

એમણે સ્થૂળ રીતે કેવળ ભૌતિક સિદ્ધિઓને મેળવેલી અને આધ્યાત્મિક રીતે આત્માના અનુશાસનની દૃષ્ટિએ પછાત હતા એવું નથી સમજવાનું. એ આત્માના અનુશાસન અથવા અભ્યુદયની દિશામાં પણ આગળ વધેલા. તેની સુખદ સંતોષકારક પ્રતીતિ કચના વ્યક્તિગત જીવનના હવે પછીના પ્રસંગ પરથી થઇ રહે છે.

સદગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવનીવિદ્યાને શીખીને કૃતાર્થ કચ સ્વર્ગલોકમાં જવા તૈયાર થયો ત્યારે એને નેહની નજરે નિહાળતી, એના પર મોહિત થયેલી, દેવયાનીએ એની સાથે વિધિપૂર્વક લગ્ન કરવાની માગણી કરી.

કચે એની માગણીનો અસ્વીકાર કરતાં કહ્યું, “તારા પિતા ભગવાન શુક્રાચાર્ય મારે માટે પરમ માનનીય ને પૂજ્ય છે. તું મારે માટે એમનાથી અધિક પૂજ્ય છે. તું ગુરુપુત્રી હોવાથી તારે માટે આવી માગણી કરવાનું ઉચિત નથી.”

દેવયાની લગ્નની ફરીવાર માગણી કરવા લાગી તો પણ કચ પોતાની માન્યતામાં અચળ રહ્યો ને બોલ્યો; “હે શુભ વ્રતવાળી, તું મને ના કરવાયોગ્ય કાર્યને કરવાનો આદેશ આપે છે. તું ધર્મથી મારી બેન થઇ છે.”

દેવયાની બોલી; “હું ધર્મની તથા કામની સિદ્ધિ માટે જ તારી ઇચ્છા કરું છું. તું મારી ઇચ્છાનો અનાદર કરશે તો તને સંજીવનીવિદ્યાની સિદ્ધિ નહિ સાંપડે.”

કચે કહ્યું; ” તારા કોઇ દોષને કારણે તારો અસ્વીકાર કરતો નથી. તું ગુરુપુત્રી છે. એમ સમજીને જ હું તને સ્વીકારતો નથી. વળી ગુરુએ મને આ માટે આજ્ઞા પણ આપી નથી. તો તું મને શાપ ભલે આપે. હે દેવયાની ! હું તને ઋષિસંમત ધર્મ કહું છું. એટલે તું મને શાપ આપે એ યોગ્ય નથી. તેં કામવશ થઇને જ શાપ આપ્યો છે તેથી તારી કામના સફળ નહીં થાય. કોઇ પણ ઋષિપુત્ર તને નહીં પરણે. તેં મને કહ્યું કે મારી વિદ્યા મને ફળશે નહીં, તો હું જેને વિદ્યા ભણાવીશ તેને તો તે અવશ્ય ફળશે.”

એટલું કહીને કચ ઇન્દ્રભવનમાં ગયો. ત્યાં દેવોએ એનું આદરસન્માન કર્યું ને કહ્યું કે તેં કરેલા અદભુત કલ્યાણકાર્યને લીધે તારો યશ અમર રહેશે.

કચે વિદ્યા મેળવીને સન્માર્ગને છોડ્યો નહીં અને પોતાના મૂળ લોકનું પ્રલોભનમાં પડીને વિસ્મરણ ના કર્યું. એ એની અસામાન્ય આત્મશક્તિ – સંયમવૃત્તિ અને શુદ્ધિ દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિ લગ્નની અને બીજી બધી જ જીવનોપયોગી પ્રવૃત્તિની પાછળ વિવેકનું પીઠબળ આવશ્યક માને છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *