નદીકિનારે સાંજ નિબંધ
By-Gujju05-10-2023
નદીકિનારે સાંજ નિબંધ
By Gujju05-10-2023
કુદરતે સવાર અને સાંજના વાતાવરણમાં ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ઠાલવ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય માણીને માનવી પ્રસન્નતા અનુભવે છે. તેમાંય નદીકિનારાની રમણીયતા તો ખરેખર અદ્ભુત હોય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે રાતો-નારંગી સૂરજ, ચોતરફ પ્રસરેલા એના રંગો સાથે નદીમાં નહાય છે ત્યારે નદીનાં જળ જાણે રંગીન થઈ ઊઠે છે. વળાંક લઈને વહેતી નદીના કાંઠે સવાર અને સાંજનાં મનોહર દશ્યોને આંખમાં જ નહિ, હૃદયમાં ભરી લેવાનું મન થઈ આવે છે. આથી જ સવારે તથા સાંજે નદીકાંઠે માનવીઓ ઊભરાય છે. એમાંયે સાંજે તો નવરાશ હોવાથી નદીકાંઠે માનવીઓની ઠઠ જામે છે.
સાંજે સૂર્ય ભલે થાકેલો લાગતો હોય; પરંતુ તે પોતાનું કામ પૂરું કર્યા પછીના સંતોષ અને ગૌરવ સાથે અસ્ત થઈ રહ્યો હોય તેવો પ્રસન્ન જણાય છે. સાંજે નદીની રેતીમાં બાળકો રમે છે. તેઓ રેતીનાં ઘર અને મંદિર બનાવે છે . કેટલાક લોકો નદીમાં નહાય છે તો કેટલાક પાણીમાં પગ બોળીને તેની ઠંડક માણે છે. કેટલાક લોકો એકબીજા પર પાણી છાંટીને મોજમસ્તી કરે છે. સમી સાંજે ઢોરોનાં ધણ નદીકિનારે થોભી પાણી પીએ છે. નદીકાંઠે આવેલા મંદિરમાં થતો ઘંટારવ વાતાવરણને પવિત્ર બનાવે છે.
પાણી પર થઈને વહેતા ઠંડા પવનની મંદ મંદ લહેરો મીઠી મધુરી લાગે છે. દૂર દૂરથી નદીના તટ તરફ આવતી હોડીઓ સુંદર દેખાય છે.
સાંજને સમયે અંધારામાં ભાવિક ભક્તો પાંદડાંના નાનામોટા પડિયામાં દીવા પેટાવીને નદીમાં તરતા મૂકે છે. આછા અંધારામાં ઝગમગતી જ્યોતનાં દર્શન આંખને ઠારે છે. આમ, દિવસના કામકાજથી થાકેલો અને કંટાળેલો માનવી નદીને કિનારે આવી અપૂર્વ તાજગીનો અનુભવ કરે છે.
નદીકિનારાના મોહક પ્રાકૃતિક સૌંદર્યનું પાન કરતાં આપણું મન કદી ધરાતું નથી. સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલાં પંખીઓનો કલરવ આપણા મનને મધુરતાથી ભરી દે છે. સંધ્યાનું આ સૌંદર્ય માનવના મનમાં હંમેશને માટે સચવાઈ રહે છે. નદીકિનારે ક્ષિતિજ પર સૂર્ય ડૂબતાંની સાથે ટમટમતા તારલા અને ચંદ્ર પોતાનું તેજ પાથરવા આકાશમાં આવી પહોંચે છે. લોકો નદીકિનારેથી ઘરે પાછા ફરે છે. એ પછી માણસોનો કોલાહલ બંધ થતાં પાણીના વહેવાનું સંગીત દૂર દૂર સુધી પ્રસરી રહે છે.
હવે તો નદીકાંઠે ખાણીપીણીની કેટલીયે દુકાનો થઈ ગઈ છે. ફેરિયાઓ પણ ખાણીપીણીના ખુમચાઓ લઈને હાજર થઈ જાય છે. લોકો આવી બજારુ ચીજો ખાઈને ત્યાં જ ગંદકી કરે છે. આને લીધે નદીની આસપાસનું વાતાવરણ દૂષિત થાય છે.