Friday, 20 September, 2024

નહુષની કથા

261 Views
Share :
નહુષની કથા

નહુષની કથા

261 Views

{slide=The story of Nahush}

For ultimate salvation of the self, purity of thoughts, actions and conduct are a must. Even those in the heavens may not be free from ego, fear, anger, worry, attachment, greed and corrupt minds. The story of Nahush emphasize it.

Nahush was crowned as king of the heavens against his wish. However, once on the throne, he started to enjoy company of beautiful damsels, even in public places. Nahush was a noble and righteous ruler before, but the new position and changed circumstances made him forget his rationality. One day, he desired the company of Indrani, the wife of Indra. Narada and other sages reasoned with Nahush not to bother Indrani and reminded him to rule with righteousness and good conduct, but Nahush remained adamant. Indrani was terrified and sought refuge from Brihaspati. Brihaspati pacified her and assured her of her safety.

Likes of Vaali, Sugriva, and Ravana forgot their righteousness upon attaining power and wealth, while Hanuman, Vibhishan and Ram etc. remained unaffected. One has to learn from their examples and choose their path accordingly. Especially, social workers and office bearers have greater responsibility as people tends to follow them. Their conduct ought to be ideal.
 

શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા સુપ્રસિદ્ધ ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે યજ્ઞયાગાદિ ધર્મક્રિયાઓના અનુષ્ઠાનના પરિણામે થનારી અસાધારણ પુણ્યપ્રાપ્તિથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થઇ શકે છે. પરંતુ એ સ્વર્ગલોકનો સુખોપભોગથી કરેલો કે છલેલો નિવાસ સનાતન નથી. એ ચિરસ્થાયી હોય તોપણ અંતે અસ્થાયી છે. નિત્ય નથી કિન્તુ અનિત્ય છે. સ્વર્ગલોકમાં સાંપડનારું દેવપદ કે દેવોના અધીશ્વર તરીકેનું ઇન્દ્રપદ પણ ગમે તેટલું ઉત્તમ, આર્કષક અને મહાન હોવા છતાં પણ એક દિવસ નિશ્ચયાત્મક રીતે પરિસમાપ્તિ પર પહોંચે છે. સત્કર્મના સુપરિણામે સાંપડેલા પુણ્યનો ક્ષય થતાં પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. આત્મકલ્યાણની સર્વોચ્ચ સાધનાનું આગળનું અનુષ્ઠાન મૃત્યુલોકમાં જ કરવું રહે છે.

એના અનુસંધાનમાં એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે.

આત્મકલ્યાણની સર્વોચ્ચ સાધનાના સફળતાપૂર્વકના અનુષ્ઠાન માટે જીવનની વિશુદ્ધિ કે જીવનવ્યવહારની વિશદતા સચવાવી જોઇએ. જીવનની એવી વિશુદ્ધિ તથા જીવનવ્યવહારની ઉદાત્તતા સ્વર્ગાદિ સુખદ લોક સાથે સંબંધ રાખતી ના હોવાથી, કેવળ સ્વર્ગપ્રાપ્તિથી નથી મળતી.  સ્વર્ગમાં વસનારા દેવો અને એમના અધીશ્વર ઇન્દ્રને પણ ભય હોઇ શકે, અહંકાર તથા રાગ-દ્વેષ હોઇ શકે, ચિંતા થઇ શકે, અને કામ-ધર્મવિરોધી કામ તથા ક્રોધના આવેગો સતાવી તેમજ અસ્વસ્થ બનાવી શકે, એમના વિચારો અને એમની વૃત્તિઓ અંકુશમાં ના પણ હોય. એમની અંદર નાની મોટી વાસનાઓનું તાંડવ ચાલતું હોય, અને જીવનવિકાસની દૃષ્ટિએ એમનું સ્થાન છેક સાધારણ હોય, એવું પણ બની શકે.

રાજા નહુષના જીવનવૃતાંત પરથી એ વાતની પ્રતીતિ થાય છે.

એ જીવનવૃતાંતનું વિહંગાવલોકન કરી લઇએ.

સ્વર્ગના દેવોએ સ્વર્ગમાં નહુષનો એની ઇચ્છા ના હોવાં છતાં પણ રાજા તરીકે અભિષેક કર્યો. તે વખતે નહુષ ધર્મને દૃષ્ટિ સમક્ષ રાખીને સર્વલોકનો અધિપતિ થયો.

નહુષરાજા ધર્માત્મા હતો તોપણ અતિદુર્લભ વરને મેળવીને તથા સ્વર્ગનું રાજ્ય પામીને કામાત્મા થઇ ગયો. તે દેવોના સર્વઉદ્યાનમાં, નંદનવનમાં, ઉપવનોમાં, કૈલાસ પર્વત ઉપર, હિમાલયની પીઠ ઉપર, મંદર પર્વત ઉપર, શ્વેતગિરિ ઉપર, સહ્યાદ્રિ ઉપર, મહેન્દ્રાચલ ઉપર, મલય પવર્ત ઉપર, સમુદ્રોમાં તેમજ નદીઓમાં અપ્સરાઓ તથા દેવકન્યાઓથી વીંટાઇને અનેક પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યો. કર્ણમધુર અને મનોહારિણી જાતજાતની દિવ્ય કથાઓ. વિવિધ વાદ્યો, તથા મીઠા સૂરવાળાં ગીતોને સાંભળવા લાગ્યો.

વિશ્વાવસુ, નારદ, ગંધર્વો, અપ્સરાના ગણો અને છ ઋતુઓ મૂતિમંત થઇને તે દેવરાજની ઉપાસના કરવા લાગ્યા. સુગંધવાળો, મનોહર તથા સુખકારક શીતળ વાયુ તેની આસપાસ વાવા લાગ્યો.

નહુષ એ પ્રમાણે ક્રીડા કરવામાં રત હતો ત્યારે ઇન્દ્રની પ્રિય પટરાણી ઇન્દ્રાણી ઉપર તેની દૃષ્ટિ પડી. તેને જોઇને નહુષ સર્વ સભાસદોને કહેવા લાગ્યો કે હું દેવોનો ઇન્દ્ર છું. અને સર્વલોકનો ઇશ્વર છું. તેમ છતાં ઇન્દ્રની પટરાણી ઇન્દ્રાણી દેવી મારી પાસે કેમ આવતી નથી ? આજે એ શચીએ તત્કાળ મારે મંદિરે આવવું જોઈએ.

એ સાંભળીને ઇન્દ્રાણી મનમાં ખેદ પામી અને બૃહસ્પતિને કહેવા લાગી કે બ્રહ્મન ! તમે મારું રક્ષણ કરો. હું તમારે શરણે આવી છું. તમે મને પ્રારંભથી જ સર્વ સુલક્ષણોથી સંપન્ન દેવરાજ ઇન્દ્રની પ્રિય પત્ની, અત્યંત સુખ ભોગવનારી, અખંડ સૌભાગ્યવતી, એક પતિવાળી અને પતિવ્રતા કહેતા આવ્યા છો. તો તમારી તે વાણીને સત્ય કરો. તમે કદી પણ મિથ્યા બોલ્યા નથી.

બૃહસ્પતિએ ભયથી મૂઢ થયેલી ઈન્દ્રાણીને કહ્યું કે મેં તને જે કહ્યું છે તે સત્ય જ થશે. તું દેવરાજ ઇન્દ્રને થોડા વખતમાં જ પાછો આવેલો જોઈશ. હું તને થોડા જ સમયમાં ઈન્દ્રની સાથે મેળવી આપીશ.

ઈન્દ્રાણી અંગીરાના પુત્ર બૃહસ્પતિને શરણે ગઈ છે એવું સાંભળીને નહુષ ક્રોધથી ભભૂકી ઊઠ્યો.

નહુષને કોપ પામેલો જોઈને દેવો તથા ઋષિઓએ કહ્યું કે દેવરાજ ! તમે ક્રોધનો ત્યાગ કરો. તમારા ક્રોધથી અસુર, ગંધર્વ, કિન્નર અને મહાસર્પોની સાથે જગત ત્રાસ પામી ગયું છે. તમારા જેવા ક્રોધ કરતા નથી. દેવી ઈન્દ્રાણી ઈન્દ્રની પત્ની છે માટે તમે પરસ્ત્રીના સેવનરૂપ પાપથી તમારા મનને પાછું વાળો. તમે દેવતાઓના રાજા છો તો ધર્મથી પ્રજાનું પાલન કરો.

કામથી ઘેલા બનેલા દેવરાજ નહુષે તે વચનોને માન્યા નહીં.

નહુષ રાજા ધર્માત્મા હોવાં છતાં સંજોગો બદલાતાં સ્વર્ગનો અધીશ્વર બનીને સારાસારના વિચારને ખોઈ બેઠો અને ભાન ભૂલ્યો એ શું બતાવે છે ? એ જ કે પ્રત્યેક માનવે પોતાના જીવનમાં જાગ્રત રહેવાની અનિવાર્ય આવશ્યકતા છે. પ્રભુતા, પદ, પ્રતિષ્ઠા, ધન, યૌવન, સૌન્દર્ય, સત્તા, સિદ્ધિ તથા સુખોપભોગની સાનુકૂળ સર્વોત્તમ સામગ્રીને પામીને તો ખાસ. જે જાગ્રત હોય છે એ આગળ વધે છે ને પ્રમાદી પાછળ પડે છે. વિષયોમાં આસક્તિ કરનાર અથવા લપટાનાર ભાન ભૂલે છે અને પોતાના ધ્યેયને ચૂકે છે. એ સંબંધમાં રામાયાણમાં સુગ્રીવનું પાત્ર સારું ઉદાહરણ પૂરું પાડે છે. પ્રભુતાને પામીને રાવણ, સુગ્રીવ તથા વાલી મોહાંધ બનીને ભાન ભૂલી ગયા, પરંતુ હનુમાન, વિભીષણ અને રામ અચળ અથવા અલિપ્ત રહ્યા. માનવે કોના પદચિહ્ન પર ચાલવું છે તે નક્કી કરવાનું છે.

એક બીજી વાત. સમાજસેવકો, પદવીધરો, અધિકારીઓ અને શાસકોને માથે મોટી જવાબદારી રહેલી છે.  આમજનતા એમના જીવનને જુએ છે ને માર્ગદર્શન મેળવે છે. એટલા માટે એમનો આચાર આદર્શ હોવો જોઈએ એ જ જો વ્યસની, વિકૃત, વિપથગામી બને તો પ્રજાને જીવનોપયોગી પવિત્ર પ્રેરણા કેવી રીતે આપી શકે ? વાડ જ ચીભડાંને ગળતી હોય તો પછી વાડીનું રક્ષણ કોણ કરે ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *