Friday, 20 September, 2024

નળનો જીવનપ્રવાહ

258 Views
Share :
નળનો જીવનપ્રવાહ

નળનો જીવનપ્રવાહ

258 Views

{slide=Life of Nal}

Damayanti settled in the kingdom of Chedi but what happened to Nal after he deserted her?  Well, Nal made his way in the forest where he saw a wild fire. Someone asked for help from the middle of the fire so Nal decided to help. To his astonishment, it was snake, named Karkotak. Nal saved the snake so snake blessed him with immunity from many types of enemies. With his extraordinary powers, Karkotak advised Nal on how he should take future steps. Karkotak advised that Nal should disguise himself as a charioteer named Bahuk and meet King Rituparna at Ayodhya; get expertise in the game of dice, and establish friendship with King. Karkotak added, that way he (Nal) would ultimately meet Damayanti and his kids. 
Accordingly, Nal disguised himself as Bahuk, a charioteer and reached Ayodhya where King Rituparna was ruling. Nal, disguised as Bahuk introduced himself to the King and solicited for work. King happily gave him a job. Nal’s life took a new turn. What happened thereafter ? 

દમયંતીને ત્યાગીને અરણ્યમાં એકલા નીકળેલા નળનું શું થયું તે પણ જાણવા જેવું છે.

મહાભરતના વનપર્વના 66મા અધ્યાયના આરંભમાં જ આલેખવામાં આવ્યું છે કે અરણ્યમાં આગળ વધતા નળરાજાએ એક ઠેકાણે ભયંકર દાવાનળનું દર્શન કર્યું.

દાવાનળમાંથી કોઇએ એને પોતાની પાસે પહોંચવાનો આદેશ આપ્યો.

એ આદેશને અનુસરીને એણે એ અસામાન્ય દાવાનળના મધ્યભાગમાં પ્રવેશ કર્યો તો ત્યાં ગૂંચળું વળીને સૂતેલા નાગરાજને જોયો.

એ નાગનું નામ કર્કોટક હતું. એને દેવર્ષિ નારદે શાપ આપેલો કે તને નળ લઇ જાય નહીં ત્યાં સુધી તું આ સ્થાનમાં સ્થાવરની પેઠે પડી રહેજે. તે તને જ્યારે લઇ જશે ત્યારે તું મારા શાપમાંથી મુક્તિ મેળવશે.

કર્કોટક નાગે નળને શાપની વાત વર્ણવીને પોતાને સહાયતા પહોંચાડવા જણાવ્યું અને એના બદલામાં પોતે મિત્રભાવે એને બનતી બધી જ મદદ કરશે એવું વચન આપ્યું.

શાપને લીધે એનાથી એક ડગલું પણ આગળ નહોતું વધાતું.

એ પોતાની અસાધારણ શક્તિથી અંગૂઠા જેવડો બની ગયો એટલે એના સૂચવ્યા પ્રમાણે નળ એને ઉપાડીને દસ ડગલાં આગળ વધ્યો. એ વખતે નાગ નળને કરડયો એટલે નળનું સ્વરૂપ બદલાઇ ગયું.

પોતાને વિકૃત સ્વરૂપવાળો વિલોકીને નળ વિસ્મય પામ્યો.

નાગે એને આશ્વાસન આપતાં અને સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે મેં તમારા અસલ સ્વરૂપને અદૃશ્ય કર્યું છે એટલે કોઇ તને ઓળખી શકશે નહીં. મારી પરમકૃપાથી હવે તમને કલિથી, દાઢવાળાં પ્રાણીઓથી, શત્રુઓથી કે બ્રહ્મવેત્તાઓથી કોઇ પ્રકારનો ભય નહિ રહે. વિષને લીધે કશી પીડા નહિ થાય. રણમેદાનમાં સદાને માટે વિજય સાંપડશે. તમે આજે જ અહીંથી અયોધ્યાનગરીમાં રાજા ઋતુપર્ણ પાસે પહોંચીને તમારો બાહુક નામના સારથિ તરીકે પરિચય પ્રદાન કરો. રાજા ઋતુપર્ણ દ્યુતવિદ્યામાં નિષ્ણાત છે. તમારી પાસેથી અશ્વવિદ્યા શીખીને તે તમને દ્યુતવિદ્યાનું રહસ્યજ્ઞાન પ્રદાન કરશે. ઇક્ષ્વાકુ કુળનો એ રાજા તમારો મિત્ર બનશે; દ્યુતવિદ્યામાં પરમ પારંગત બનીને તમે કલ્યાણની પ્રાપ્તિ કરશો. તમારી પત્નીને તથા બાળકોને મળશો, અને રાજ્યને મેળવશો. તમને તમારા અસલ સ્વરૂપને ઓળખવાની ઇચ્છા થાય ત્યારે આ વસ્ત્રને ધારણ કરજો અને મારું સ્મરણ કરજો.

કર્કોટક નાગે નળને બે દિવ્ય વસ્ત્રો આપ્યાં.

એ પછી એ અદૃશ્ય થઇ ગયો.

નાગના અદૃશ્ય થયા પછી નળે ત્યાંથી આગળ વધીને દસમે દિવસે ઋતુપર્ણ રાજાના અયોધ્યાપુરમાં પ્રવેશ કર્યો.

એણે રાજાને બાહુક તરીકે પરિચય પ્રદાન કર્યો અને જણાવ્યું કે અશ્વવિદ્યામાં મારી બરાબરી કરે તેવું જગતમાં બીજું કોઇ જ નથી. આર્થિક તથા વ્યવહારિક વિષયોના સલાહકાર તરીકે પણ હું સારી સહાયતા કરી શકું તેમ છું. ભોજન તૈયાર કરવામાં પણ મેં પટુતાને પ્રાપ્ત કરી છે. તમે મારું પોષણ કરશો તો તમને મારાથી બનશે તેટલી બધી જ રીતે મદદરૂપ થઇશ.

રાજા ઋતુપર્ણે એને માસિક દસ હજાર મુદ્રાના વેતનથી પોતાની અશ્વશાળાના અધિનાયક તરીકે નીમ્યો.

એવી રીતે કર્કોટક નાગની કૃપાથી એનો જીવનપ્રવાહ એક નવી દિશામાં વહેવા માંડયો.

જીવનનો પ્રવાહ એવી રીતે પાર વિનાનાં પરિવર્તનોની શક્યતા ધરાવે છે. એની દિશાપ્રદિશા નિશ્ચિત નથી. એ યાવચ્ચંદ્રદિવાકરૌ એક જ રીતે નથી વહેતો. એમાં અવનવા આવર્તો અને વળાંકો આવે છે. અનોખા અકલ્પ્ય રસો ઉમેરાય છે. એટલા માટે કોઇએ એનાથી નિરાશ બનવાની આવશ્યકતા નથી હોતી, એનું આજનું સ્વરૂપ કોઇને રુચિકર લાગે કે ના લાગે તો પણ એ સ્વરૂપ સનાતન નથી એવું સમજીને પ્રયત્નશીલ બનવાની અને અન્ય અનુકૂળ પરિણામોને માટે પ્રતીક્ષા કરવાની આવશ્યકતા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *