Wednesday, 15 January, 2025

દેવર્ષિ નારદજીનું માર્ગદર્શન

378 Views
Share :
દેવર્ષિ નારદજીનું માર્ગદર્શન

દેવર્ષિ નારદજીનું માર્ગદર્શન

378 Views

દેવર્ષિ નારદે મહર્ષિ વ્યાસના અસંતોષ અને વિષાદનું નિદાન કરી બતાવ્યું. એ નિદાનનો મુખ્ય સૂર શું હતો તે જાણો છો ? માણસ ગમે તેટલું તપ કરે, બાહ્ય જ્ઞાન મેળવે કે તીર્થાટન કરે અને શાસ્ત્રો રચે તો પણ જ્યાં સુધી એના પ્રાણમાં પરમાત્માનો પવિત્રતમ પ્રેમ ના જાગે અથવા એનું સમસ્ત જીવન પરમાત્માની સાથે સંબંધ ના સાધે ત્યાં સુધી એને સનાતન શાંતિની પ્રાપ્તિ નથી થઇ શકતી. બૌદ્ધિક જ્ઞાન એક છે અને આત્મિક અનુભૂતિ વળી જુદી જ વસ્તુ છે. બૌદ્ધિક જ્ઞાન મનુષ્યના જીવનને કૃતાર્થ નથી કરી શક્તું. જીવનની કૃતાર્થતાને માટે એણે બુદ્ધિના સ્થૂળ પ્રદેશનું અતિક્રમણ કરીને આત્માના સૂક્ષ્મતમ પ્રદેશમાં પ્રવેશવું જ પડે છે. એ સંદર્ભમાં દેવર્ષિ નારદે મહર્ષિ વ્યાસને કહ્યું કે જે જ્ઞાન અથવા સાધનાથી પરમાત્માભિમુખ ના થવાય અને પરમાત્માની પ્રસન્નતાની પ્રાપ્તિ કરીને પરમાત્મામય ના બનાય તે જ્ઞાન અથવા સાધના અપૂર્ણ છે. એવું જ્ઞાન કેવળ અલંકારનું કામ કરી શકે પરંતુ એથી જીવન સંસિદ્ધ કે કૃતાર્થ ના બને. મનની સાર્થકતા ઇશ્વરના ધ્યાનમાં ને વાણીની ધન્યતા એમના ગુણસંકીર્તનમાં જ રહેલી છે. એજ શરીર સાર્થક છે જે ઇશ્વરની સેવાપૂજામાં ને સંસારની હિતસાધનામાં કામ લાગે છે. બીજાં શરીરો તો બોજારૂપ છે. તમે શાસ્ત્રો રચ્યાં છે પરંતુ બધે તમારી બુદ્ધિ બોલે છે. ક્યાંય તમારું હૃદય નથી બોલતું ને નથી ડોલતું. હૃદયમાં પરમાત્માનો પ્રેમ પ્રકટાવીને તમે એમના નિર્મળ યશનું વર્ણન કરો. ભક્તિ વિનાનું જ્ઞાન નીરસ છે. એ જ્ઞાન બંધનમુક્ત બનાવવાનું શ્રેયસ્કર સાધન નથી થતું. જીવનનું મૂળભૂત ધ્યેય ભક્તિ દ્વારા ભગવાનમાં આસક્તિ કરીને ભગવાનની પ્રાપ્તિ કરવાનું છે. એ ભક્તિને જગાવવા માટે તમે ભગવાનની વિવિધ રસભરપુર લીલાઓનું વર્ણન કરો. એ લીલાઓના વર્ણનથી તમારી અંતઃસ્થ અશાંતિનો અંત આવશે અને તમારા અસંતોષનું શમન થશે. બીજો કોઇ ઉપાય નથી. માનવજીવનનું પરમ પ્રાપ્તવ્ય પરમાત્માં જ છે. તપનું, યજ્ઞયાગનું, શાસ્ત્રોના અધ્યયનનું, શાસ્ત્રજન્ય વિવેકનું, તીર્થસેવનનું, દાનનું અને સંતસમાગમનું સાચું ફળ પરમાત્માની પ્રીતિ તથા પ્રાપ્તિ જ છે. જગતની ઉત્પત્તિ તથા સ્થિતિ એ પરમાત્માને લીધે જ થાય છે ને પરમાત્મામાં જ તે વિલય પામે છે. એ પરમાત્મા સૌના એકમાત્ર આશ્રય તેમ જ જીવનરૂપ છે. એમનું અનુસંધાન સાધ્યા સિવાય કોઇનોય અસંતોષ નથી મટતો. તમે પોતે એ પરમાત્માના અંશ છો અને અજન્મા હોવાં છતાં વિશ્વના કલ્યાણ માટે જ પ્રાદુર્ભાવ પામ્યા છો. પરમાત્માનું તમારી દ્વારા કરાયલું ગુણસંકીર્તન તમારે માટે તો આશીર્વાદરૂપ થશે જ પરંતુ બીજાને માટે અનંતકાળ સુધી શાંતિપ્રદાયક કે પ્રેરક બનશે.

મારા પોતાના જ જીવનના ગુહ્યાતિગુહ્ય રહસ્યની વાત કરું તો આજે મારામાં જે કાંઇ છે તે ઇશ્વરના અસાધારણ અનુગ્રહનું જ પરિણામ છે. મારી ઉપર એમની પરિપૂર્ણ કૃપા છે. એમની કૃપાને લીધે મને અકુંઠિત ગતિની પ્રાપ્તિ થઇ છે. હું ત્રિલોકમાં ઇચ્છાનુસાર વિચરી શકું છું. આ વીણા મને પ્રેમમૂર્તિ પરમાત્માના પરમ પ્રસાદરૂપે જ પ્રાપ્ત થઇ છે. તેની મદદથી નિત્યનિરંતર, સર્વસ્થળે ને સમયે, એમની લીલાનું સંકીર્તન કરીને મારા જીવનને કૃતાર્થ કરું છું. તીર્થોના તીર્થરૂપ, ભક્તોના પરમપ્રિય પરમાત્માનું ગુણસંકીર્તન કરું છું ત્યારે એ પરમકૃપાળુ પરમાત્મા મને શીઘ્રાતિશીઘ્ર પ્રેમથી પ્રેરાઇને દર્શન આપે છે. એ મારાથી એક નિમીષને માટે પણ દૂર નથી રહી શકતા. મારું મન એમના અખંડ અબાધિત અનુગ્રહથી આપોઆપ વિષાદરહિત અને શાંત થયું છે.  તમારું અને બીજાનું મન પણ એવી રીતે સંપૂર્ણપણે શાંત થઇ શકશે. વિષયોમાં આસક્ત બનેલા ને કામક્રોધાદિ આવેગોને આધીન થયેલા વ્યગ્ર મનના મનુષ્યોને માટે ઇશ્વરનું સ્મરણ, મનન, ગુણસંકીર્તન અને શરણ મહામૂલ્યવાન રસાયનરૂપ છે. એનો આધાર લેનારને કદી પણ નિરાશ નથી થવું પડતું.

મહર્ષિ વ્યાસને માટે દેવર્ષિ નારદના એ શબ્દો અત્યંત સુખદ તથા પ્રેરક થઇ પડ્યા. એમને એથી કામચલાઉ શાંતિ મળી.

લૌકિક તથા પારલૌકિક લાલસાથી રહિત, સ્વનામધન્ય નારદજી એ પછી મહર્ષિ વ્યાસની પાસેથી વિદાય થયા.

એમની વિદાય પછી સરસ્વતી નદીના પરમપવિત્ર પ્રશાંત તટપ્રદેશ પરના, પશ્ચિમ વિભાગના, બોરડીઓનાં વિવિધ વૃક્ષોથી અને બીજી વનરાજીથી શોભતા, શમ્યાપ્રાસ નામના પોતાના એકાંત આશ્રમમાં વિરાજીને મહર્ષિ વ્યાસે પોતાના મનને સ્થિર કર્યું. ભક્તિયોગની મદદથી નિર્મળ અને નિશ્ચલ કરેલા મનમાં એમણે પરમાત્માના પ્રબળ પ્રભાવનું તથા માયાનું દર્શન કર્યુ. એમને સુચારુરુપે સમજાયું કે પરમાત્માના પ્રેમભક્તિથી તથા એમના મહિમાના અપરોક્ષ રહસ્યજ્ઞાન દ્વારા જ સર્વ પ્રકારના અનર્થો અથવા ક્લેશોમાંથી મુક્તિ મળે છે.

એ પછી એમણે શ્રીમદ્દ ભાગવતની રચના કરી. એ રચના પરમાત્માના પ્રેમથી પરિપ્લાવિત હોવાથી એમને પરમશાંતિ પ્રદાન કરનારી થઇ પડી. એની રચના પૂરી થઇ ત્યારે એમનું અંતર જીવનની ધન્યતાનું મહાગીત ગાઇ ઊઠ્યું. એમને પૂર્ણ જીવનમુક્તાવસ્થાની પ્રાપ્તિ થઇ.

એ રીતે વિચારતાં, શ્રીમદ્ ભાગવતની શકવર્તી રચનાનું શ્રેય જેમ મહર્ષિ વ્યાસને તેમ દેવર્ષિ નારદને પણ ઘટે છે. મહર્ષિ વ્યાસ એ બહુમૂલ્ય રચનાના રચયિતા છે તો દેવર્ષિ નારદ એના પ્રેરક. એ બંનેના સુભગ સમાગમના પરિણામે એ મહાગ્રંથના પરમપુણ્યપ્રદ તીર્થરાજનું નિર્માણ થયું છે.

મહર્ષિ વ્યાસે એ ભાગવતનો ઉપદેશ પોતાના સંતશિરોમણિ સ્વનામધન્ય સુપુત્ર શુકદેવને આપ્યો. પિતાનું પુત્રને એથી વિશેષ પુણ્યપ્રદાયક પવિત્ર પ્રદાન બીજું કયું હોય ? પુત્રને ધન, વૈભવ, ઐશ્વર્ય, પદ અથવા સત્તાનું પ્રદાન કરનારા પિતાઓ તો અનેક મળી આવે, પરંતુ શ્રેષ્ઠતમ સંસ્કારોનું પ્રદાન કરનારા પિતા તો વ્યાસ જેવા વિરલ જ હોય. શુકદેવ કોઇ સામાન્ય પુરુષવિશેષ ન હતા. એમનું વ્યક્તિત્વ પણ વિશ્વમાં પ્રકટેલું એક વિરલ, અતિવિરલ વ્યક્તિત્વ હતું. એવાં વ્યક્તિત્વનો ઉદય જ્યારે ત્યારે ને જ્યાં ત્યાં નથી થતો. અવનીમંડળને માટે એમનું વ્યક્તિત્વ એક અનોખા આશ્ચર્યરૂપ છે.

શુકદેવજી પરમાત્મદર્શી, પરમાત્મનિષ્ઠ, નિઃસ્પૃહ અને આત્માનંદમાં મગ્ન હતા તો પણ એમણે ભાગવતના સદુપદેશને શ્રવણ કર્યો અને એમાં સિદ્ધહસ્તતા પ્રાપ્ત કરી એથી કોઇએ આશ્ચર્યચકિત નથી થવાનું કે સંશયમાં નથી પડવાનું. આત્મામાં જ અસાધારણ આનંદને અનુભવનારા મુક્ત કે પૂર્ણ મહાપુરુષો પણ પરમાત્માની પવિત્રતમ પ્રેમભક્તિથી રહિત નથી હોતા. એ પણ એમની પ્રત્યે આકર્ષાઇને એમની ભક્તિ કરે છે અને એમનું ધ્યાન ધરે છે. પરમાત્માનો પ્રભાવ જ એવો મહાન છે. અપૂર્ણ કે બદ્ધ જીવો બદ્ધાવસ્થા કે અપૂર્ણતામાંથી છૂટવા કે પાર ઉતરવા એમનો આધાર લે છે ને પૂર્ણ કે મુક્ત, પ્રશાંત ને ધન્ય આત્માઓ પોતાના સહજ સ્વભાવથી પ્રેરાઇને એમની અનેકવિધ આરાધનાનો આધાર લે છે. એથી એમની મહાનતાને કશી આંચ નથી આવતી. માણસ ગમે તેટલો મહાન કે પૂર્ણ બને તોપણ જે ઇશ્વરનું અનુસંધાન સાધીને એ એક અથવા બીજી રીતે આગળ વધ્યો હોય છે તે ઇશ્વરના સંબંધનો પરિત્યાગ નથી કરી શકતો.

દેવર્ષિ નારદ અને મહર્ષિ વ્યાસના સુખદ સમાગમના સુપરિણામે પ્રાદુર્ભાવ પામેલું ભાગવત અવનીને માટે આશીર્વાદરૂપ થઇ શક્યું. એના આશ્રયથી મહર્ષિ વ્યાસ પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રકટાવીને પરમાત્મામય બનીને પ્રશાંતિ પામી શક્યા. એમના સુખદ સમાગમની એ કથા આજે પણ એટલી જ પ્રેરક છે. આજના ને સર્વકાળના મનુષ્યોને માટે એમાં સંદેશ સમાયલો છે. આજે ભૌતિક સંપત્તિ વધતી જાય છે અને વૈજ્ઞાનિક અન્વેષણો પણ વૃદ્ધિગત થાય છે. જ્ઞાનવિજ્ઞાનની નવીનવી ક્ષિતિજો ખુલતી જાય છે અને ભોગોપભોગના અવનવાં સાધનોની શોધ સહજ બની છે. તોપણ માનવનું મન અસંતુષ્ટ છે. એમાં શાંતિ, સંવાદિતા ને સાર્થકતાના સુરીલા સ્વર નથી છૂટતા એનું કારણ ? ભાગવતની આ સુંદર સારગર્ભિત કથા કહે છે કે એનું મૂળભૂત કારણ ભૌતિક નથી પરંતુ આધ્યાત્મિક છે. માણસે જો જીવનને વિષાદરહિત, શાશ્વત શાંતિથી સંપન્ન કે કૃતાર્થ કરવું હોય તો પરમાત્મા સાથે સંબંધ બાંધ્યા સિવાય ને પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચીને પરમાત્મામય થયા સિવાય છૂટકો જ નથી. એને માટે એણે પરમાત્માની પ્રેમભક્તિનો આશ્રય લેવો જોઇએ. માણસ જેટલા પ્રમાણમાં વિષયાભિમુખ અને ઇશ્વરવિમુખ બને છે તેટલા પ્રમાણમાં અસંતુષ્ટ, અસ્વસ્થ અથવા અશાંત થાય છે. ભાગવતના એ સનાતન સંદેશને ખાસ યાદ રાખીને જીવનને વધારે ને વધારે ઇશ્વરાભિમુખ કરવાનો પ્રયાસ કરવાનો છે. એવો પ્રયાસ સર્વ પ્રકારે કલ્યાણકારક અને શાંતિદાયક થઇ પડશે. એ સંદેશને જેમ ભાગવતનો સનાતન સંદેશ કહી શકાય તેમ વેદ, ઉપનિષદ અને શ્રીમદ્દભાગવત ગીતાદિ ગ્રંથોનો તેમ જ સમસ્ત ભારતીય સંસ્કૃતિ અથવા સાધનાનો સનાતન સંદેશ કહીને ઓળખાવી શકાય.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *