Friday, 14 June, 2024

નારદજીના પૂર્વજન્મનો વૃતાંત – 2

193 Views
Share :
નારદજીના પૂર્વજન્મનો વૃતાંત – 2

નારદજીના પૂર્વજન્મનો વૃતાંત – 2

193 Views

પરમકલ્યાણકારક એ સદુપદેશને પ્રાપ્ત કરીને નારદજીની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

એ વીતરાગ મહાત્માપુરુષોના પ્રયાણ પછી નારદજી એમણે અર્પેલા આત્મજ્ઞાનનું ચિંતન તથા મનન કરતા પોતાની માતાની સાથે એ જ શાંત સ્થળમાં રહેવા લાગ્યા.

માતાને એમની ઉપર સ્વાભાવિક રીતે જ ઘણી મમતા હતી. એ એમની સ્નેહપૂર્વક સંભાળ રાખતી. એ વખતે નારદજીની અવસ્થા કેવળ પાંચ વરસની હતી. એક દિવસ રાતના સમયે એમની માતા ઘરની બહાર ગાયને દોહવા માટે નીકળી ત્યારે એનો પગ એકાએક સાપ પર પડવાથી, સાપના કરડવાથી એનું મરણ થયું.

એ આખીયે ઘટના અતિશય કરુણ કે દુઃખદ હોવાં છતાં નારદજીએ જ્ઞાનીજનોના જ્ઞાનનો આધાર લઇને મનને સ્વસ્થ રાખ્યું. જ્ઞાનની કસોટી જેટલી અનુકૂળતામાં નથી થતી તેટલી પ્રતિકૂળતામાં થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જે જ્ઞાન મનને સદ્દબુદ્ધિથી સંપન્ન, સ્વસ્થ ને શાંત રાખવામાં મદદ કરે તે જ સાચું જ્ઞાન છે. એવું જ્ઞાન ઉપયોગી અથવા આશીર્વાદરૂપ છે. એ જ્ઞાનની મદદથી પ્રત્યેક સ્થળે અને પ્રત્યેક પરિસ્થિતિમાં જીવનના મંગલનો અનુભવ સ્વાભાવિક બની જાય છે.

નારદજીએ પણ જીવનની એ આકસ્મિક ઘટનામાં ઇશ્વરની મંગલમયતાનું દર્શન કર્યું. એથી એમને દુઃખ ના થયું. એમના જીવનમાં સ્નેહનું કે સ્નેહજન્ય મમત્વનું કોઇ બાહ્ય બંધન ના રહ્યું. માતાના એ એકમાત્ર પુત્ર હોવાતી માતાના સ્વર્ગવાસ પછી એમના સાંસારિક સંબંધનો અંત આવ્યો અને એ વેદપાઠી બ્રાહ્મણોના સ્થાનનો પરિત્યાગ કરીને પરમાત્માદર્શી ઋષિઓના સદુપદેશનું સ્મરણ કરતાં કરતાં ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા.

ઉત્તર દિશામાં નયનાભિરામ નૈસર્ગિક દૃશ્યોનું નિરીક્ષણ કરતા એ આગળ વધ્યા.

એવી રીતે એકલા જ આગળ વધતાં વધતાં આખરે એમણે એક ઘોર વનપ્રદેશમાં પ્રવેશ ક્રયો. એ વનપ્રદેશ વિભિન્ન પ્રકારનાં વૃક્ષો અને હિંસક જીવોથી વીંટળાયલો અને ભયંકર દેખાતો. એકધારા દીર્ઘકાળ પર્યંતના કષ્ટપ્રદ પ્રવાસને પરિણામે નારદજીને ખૂબ થાક લાગ્યો અને એમનો પ્રાણ ક્ષુધા તથા તૃષાથી વ્યાકુળ બની ગયો.

એ વનપ્રદેશમાં એમની દૃષ્ટિ એક સુંદર સરિતા પર પડી. એના સ્વચ્છ સલિલમાં સ્નાનાદિ કરવાથી એમનો થાક દૂર થયો. એમને નવજીવનની પ્રાપ્તિ થઇ.

સરિતાતટવર્તી શાંત પ્રદેશમાં પીપળાના એક સુંદર વૃક્ષની નીચે એ વિધિપૂર્વક આસન વાળીને બેસી ગયા, અને પ્રાતઃસ્મરણીય ઋષિવરોના પથપ્રદર્શન પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાનના એ અદ્દભુત અનુભવનું વર્ણન કરતાં નારદજી કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવા જેવું છે. એ કહે છે :

‘મારું હૃદય પ્રથમથી જ પરમાત્માના પવિત્રતમ પ્રેમરંગથી રંગાયલું હોવાથી ધ્યાનમાં એકાગ્રતાની અનુભૂતિ મારે માટે સહજ થઇ પડી. ભગવાનના ચારુ ચરણકમળનું ધ્યાન કરતાં જ ભગવત્ પ્રાપ્તિની ઉત્કટ કામનાથી મારી આંખમાં અશ્રુ આવી ગયા અને મારા હૃદયપ્રદેશમાં ધીરે ધીરે ભગવાનના સુધાસભર સુખદ સ્વરૂપનું પ્રાકટ્ય થયું. વ્યાસજી ! એ સમયે પેદા થયેલા પ્રખર પ્રેમોદ્રેકને પરિણામે મારું રોમરોમ પુલકિત અથવા રાગમય બન્યું. હૃદય ખૂબ જ શીતળ ને શાંત બની ગયું. એ આનંદાતિરેકમાં હું એવો તો ડૂબી ગયો કે મને મારું કે ભગવાનનું કશું ભાન જ ના રહ્યું. એ પછી ભગવાન અદૃશ્ય થઇ ગયા.’

‘ભગવાનનું એ સ્વરૂપ અનિવર્ચનીય, સમસ્ત શોકનો નાશ કરનારું અને મનને ખૂબ જ પ્રિય લાગનારું હતું. એ સ્વરૂપ એવી રીતે એકાએક દેખાતું બંધ થવાથી મારું મન વ્યાકુળ બની ગયું અને હું અન્યમનસ્ક બનીને આસનનો પરિત્યાગ કરીને ઊભો થઇ ગયો.’

ધ્યાનાવસ્થાની એવી એકાગ્રતાની અનુભૂતિ અત્યંત અસાધારણ હોય છે ને કોઇક સુસંસ્કારસંપન્ન વિરલ સાધકવિશેષને જ સાંપડી શકે છે. એમાંય વળી એવી અસાધારણ એકાગ્રતા દરમિયાન ભગવાનના સુંદર સ્વરૂપની સ્વાનુભૂતિ પરમ સુખદ હોવાં છતાં સ્વલ્પ સમય પછી એકાએક બંધ પડે એ આનંદજનક અથવા આવકારદાયક તો ના જ લાગે.

નારદજીની અવસ્થા પણ એવી જ થઇ ગઇ. એનું વર્ણન એમના પોતાના જ શબ્દોમાં સાંભળીએ:

‘મનને એકાગ્ર કરીને એ સ્વરૂપના દર્શનનો પ્રયાસ વારંવાર કરવા છતાં મને એવી રીતે અતિશય આતુરતાપૂર્વક પ્રયત્નો કરતો જોઇને ભગવાને મધુર અને ગંભીર વાણીથી મારા શોકને શાંત કરતા હોય તેમ કહ્યું કે મને કહેતાં ખેદ થાય છે કે આ જન્મ દરમિયાન તમે મારું દર્શન નહિ કરી શકો. જેમની વાસનાઓ સુંપૂર્ણપણે શાંત નથી થઇ અને જેમનું હૃદય વિશુદ્ધ નથી એવા યોગીઓને મારું ધન્ય દર્શન નથી થઇ શકતું. તમે નિષ્પાપ હોવાથી તમને મેં એકવાર મારા દર્શનનો લાભ આપ્યો છે. એથી મને પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રબળ બનશે. સાધકના દિલમાં મને મેળવવાની ઇચ્છા જાગી જાય છે ત્યારે એ બીજા બધા જ વિષયોની તૃષ્ણાને તિલાંજલિ આપે છે. તમે થોડાક સમયને માટે જ સત્પુરુષોની સેવા કરી છે તો પણ એના પ્રભાવથી મને મેળવવાનો સંકલ્પ સુદૃઢ બન્યો છે.’

‘હવે તમારા આ સ્થૂળ શરીરને છોડીને તમે મારા સ્વજન અથવા મારા દૈવી પાર્ષદ બનશો. મને પ્રાપ્ત કરવાનો તમારો નિશ્ચય કદી કોઇ પણ સંજોગોમાં નહિ તૂટે. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થશે તો પણ તમારા આ જીવનની સ્મૃતિ મારા અનુગ્રહને લીધે ચાલુ રહેશે. એ સ્મૃતિનો લોપ નહિ થાય.’

‘એટલું કહીને ભગવાનની એ અલૌકિક આકાશવાણી બંધ થઇ ગઇ. ત્યારથી હું સર્વ પ્રકારનો સંકોચ છોડીને ભગવાનનાં મંગલમય મધુર નામોનું સંકીર્તન કરતાં પૃથ્વી પર ફરવા લાગ્યો.’

‘એવી રીતે ભગવાનની અહેતુકી અનંત કૃપાથી મારું હૃદય સર્વથા શુદ્ધ અને આસક્તિરહિત બની ગયું તથા હું ભગવાન શ્રીકૃષ્ણપરાયણ થઇ ગયો. થોડાક વખત પછી પંચમહાભુતાત્મક શરીરનો પરિત્યાગ કરીને મેં પાર્ષદના દૈવી દેહની પ્રાપ્તિ કરી. કલ્પ ના અંતે મેં બ્રહ્માજીના શ્વાસની સાથે એમના હૃદયમાં પ્રવેશ કર્યો. એક હજાર ચતુર્યુગ વીત્યા પછી મરીચિ જેવા મહર્ષિઓની સાથે હું પ્રકટ થયો.’

‘ત્યારથી મને અકુંઠિત ગતિની પ્રાપ્તિ થઇ છે. હું સમસ્ત બ્રહ્માંડમાં કે ત્રિભુવનમાં સ્વેચ્છાનુસાર સ્વતંત્ર રીતે ગતિ કરી શકું છું. મારું ભગવદ્દભજન અખંડ રીતે ચાલ્યા કરે છે. મારી આ વીણા સ્વયં ભગવાને આપેલી છે. એ નાદબ્રહ્મથી સુશોભિત છે. એની ઉપર ભગવાનનું સુમધુર સંકીર્તન કરતાં સૃષ્ટિમાં સર્વત્ર વિચર્યા કરું છું ત્યારે જેમનાં ચરણ સમસ્ત તીર્થોના ઉદ્દગમસ્થાન તથા મને પરમ પ્રિય છે તે ભગવાન મારા હૃદયપ્રદેશમાં પ્રકટીને દર્શન આપે છે. વિષયભોગોની અશાંતિયુક્ત ક્લેશકારક કામનાથી આતુર થયેલા મનવાળા માનવોને માટે ભગવન્નનામનું સંકીર્તન સંસારસાગરથી પાર ઉતારનાર અદ્દભુત જહાજરૂપ છે એવો મારો અનુભવ છે. કામના, વાસના તથા લોભથી વારંવાર વીંધાતું હૃદય યમનિયમાદિ અષ્ટાંગયોગથી જે શાંતિની પ્રાપ્તિ નથી કરી શકતું તે શાંતિ ભગવાન કૃષ્ણની લીલાઓના શ્રવણ-સંકીર્તનથી સહેલાઇથી સાંપડી શકે છે. ‘

દેવર્ષિ નારદના પૂર્વજન્મનો એ અસાધારણ ઇતિહાસ સાધકોને માટે પ્રેરક છે. એમાંથી એક અગત્યની વસ્તુ એ જાણવા મળે છે ને પ્રેરક પણ ઠરે છે કે આધ્યાત્મિક વિકાસના પવિત્ર પૂર્ણતાપથ પર ભરેલું એક પણ પગલું નકામું નથી. એ અવશ્ય ફળે છે. અને પૂર્ણતા પહેલાં શરીર છૂટી જાય તો પણ શું ? સાધકનો પુરુષાર્થ નિરર્થક નથી જતો.

બીજી અગત્યની વાત એ છે કે સાધકે પોતાનું અનવરત આત્મનિરીક્ષણ કરતા રહીને ઉત્તરોત્તર અધિક ને અધિક વિકાસ કરવા તૈયાર રહેવું જોઇએ. માનવશરીરની ઇશ્વરદત્ત સરસ વીણા છે એની ઉપર ઇશ્વરના સંકીર્તનરૂપી સત્કર્મસ્વરોને જગાવવા જોઇએ. જગતમાં કામના તથા તૃષ્ણારહિત થઇને અનાસક્તિપૂર્વક જીવવું જોઇએ.

નારદજીના જન્માંતરનો એ ઇતિહાસ એક બીજી મહત્વની વસ્તુ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે ઇશ્વરના એકાદ વારના એ દિવ્ય દર્શન કે સાક્ષાત્કારથી સાધકની સાધના સંપૂર્ણ નથી બનતી. એકાદ વારના એ દિવ્ય દર્શન કે સાક્ષાત્કારથી આગળ વધીને સમસ્ત જીવનને ઇશ્વરમય કરવાની આવશ્યકતા છે. ઇશ્વરનો અનુભવ પ્રત્યેક પળે ને પ્રસંગે સહજ બનવો જોઇએ. સમગ્ર વ્યક્તિત્વમાં ઇશ્વરનું વીણાવાદન  થવું જોઇએ.

ભારતીય સાધના કેવળ ઇશ્વરસાક્ષાત્કારમાં માનીને ત્યાં જ નથી અટકી જતી પરંતુ સાધકને ઇશ્વરમય અને સ્વયં ઇશ્વર બનાવે છે એની પ્રતીતિ એના પરથી થઇ રહે છે. એ પ્રતીતિ પ્રેરક અને આનંદજનક છે. એથી ભારતીય સાધનાની વિશાળતા અને ઉદાત્તતાનો પરિચય થાય છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *