આદિકવિ નરસિંહ મહેતા
By-Gujju07-11-2023
આદિકવિ નરસિંહ મહેતા
By Gujju07-11-2023
આજે પાંચ સો પાંચ સો વર્ષથી જેની કવિતા ગુજરાતના ઘેરઘેર ગવાય છે, ગામડાના અભણ ગાડા ખેડૂઓ જેનાં પ્રભાતિયાંનું રટણ કરે છે અને જેનાં સરળ છતાં અત્યંત ગહન તત્ત્વભર્યા કાવ્યોનો રસાસ્વાદ કરવામાં અને કરાવવામાં મોટા મોટા વિદ્વાનો પણ સદીઓથી આનંદ અનુભવે છે એ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાનો આદિકવિ ગણાય છે. અલબત્ત નરસિંહ પહેલાં પણ ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન થયું હતું, પરંતુ ઉમાશંકર જોશી નોંધે છે તેમ : નરસિંહ, ગુજરાતી ભાષાનો આદિકવિ ઈતિહાસ-દ્રષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ અવાજ સાંપડે છે. કોઈ ભાષા – જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો આદિકવિ જરૂર છે.
નરસિંહ સૌરાષ્ટ્રમાં તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પિતા કૃષ્ણદાસ અને માતા દયાકુંવરની ઓથ તો બચપણમાં જ ગુમાવી હતી. મોટા ભાઈનું નામ બંસીધર કે જીવણરામ હતું. માબાપ જતાં તે જૂનાગઢમાં ભાઈભાભી સાથે રહેવા ગયા. બાળપણથી જ નરસિંહનું ચિત્ત ન હતું ભણતરમાં કે ઉદ્યમમાં, પરંતુ તે સાધુસંતોના સંગમાં અને ભજનકીર્તનમાં જ રચ્યાપચ્યા રહેતા. નરસિંહનું લગ્ન તેમની ૧૬ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે થયેલું અને તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામે પુત્રી એમ બે સંતાનો થયેલાં. આમ સંસાર માંડવા છતાં નરસિંહની ભગવદ્ભક્તિ, રખડુંપણું અને નિષ્ક્રિયતા જેમનાં તેજ જ રહ્યાં. ચાર ચાર જણનો સંસાર અને કમાણી કાંઈ કરતાં કાંઈ નહિ! નરસિંહને એક દિવસ ભાભીએ “મૂરખ’ કહી મહેણું માર્યું. આકરાં વેણ કીધાં. નિર્ધન કવિ, જેના ધનમાં તેનું સ્વમાન જ હોય છે, એવાં મહેણાં શી રીતે સહન કરી શકે? નરસિંહે ઘર છોડ્યું. રખડતો રખડતો એ ગામ બહાર ગયો. વનની વાટ પકડી, ત્યાં જંગલમાં તૂટ્યફૂટ્યું એક શિવાલય અને અંદર અપૂજ એવું એક શિવલિંગ ગોપનાથના એ મંદિરમાં સાત સાત દિવસ સુધી ખાધાપીધા વિના એણે શિવજીની ભક્તિ કરી.
આખરે મહાદેવ પ્રસન્ન થયા અને વર માગવા કહ્યું. નરસિંહ માંગ્યું : “મેં માગ્યું : (જ્ય) સ્વામી, તેમનિ વહાલું, તે ક્રિપા કરીનિ દિજ મુને.”, “હે ભગવાન તમને જે વહાલું હોય તે મને આપો.’ મહાદેવે એને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં. આ લોકવાણી કે દંતકથામાં સત્ય હોય કે ન હોય – નરસિંહને તેના ચર્મચક્ષુથી રાસલીલા દેખાઇ કે નહીં… પણ તેના અંતરની આંખથી તો વિશ્વાન્તરમાં ગુંજી રહેલી પરબ્રહ્મની રાસલીલા તેને દેખાઈ જ અને એટલે તો એને કવિતા સુરી… “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે.” ભાભીનું એ મહેણું નરસિંહને – હરિને આત્મસાત કરવામાં નિમિત્ત બન્યું તેથી ઘેર પાછા ફરેલા નરસિંહે ભાભીના તો લાખ લાખ ઉપકાર માન્યા.
ગોપનાથના એ સાત દિવસના નિવાસમાં નરસિંહને ભક્તિનો ગાઢો રંગ લાગી ગયો. હવે એ સામાન્ય નાગર નથી રહ્યો. જૂનાગઢમાં જ નાનુંમોટું વૈદું કરીને ખપજોગું કમાઈ લે છે. સવારના પહોરમાં ઊઠીને ગિરિતળેટીમાં આવેલ દામોદર કુંડમાં નાહવા જાય છે. જતી વખતે જે પદો ગાયાં તે રામગ્રી અને ઘરે પાછા આવતાં ગાયેલાં પદો તે પ્રભાતિયાં. સાંજે-રાત્રે સંતભક્તો સાથે સત્સંગ અને પ્રભુભજન કરે છે. એક દિવસ હરિજનવાસમાં સંતોના નિમંત્રણથી તે કીર્તન કરવા જાય છે અને નાગરી નાત એને નાત બહાર મૂકે છે. આ ઉપરાંત પણ નાગરો નરસિંહની પજવણી કે ટીખળ કરવાની કોઈ તક છોડતા નથી.
એક વાર આવી ટીખળના ભાગરૂપે તીર્થવાસીઓ નરસિંહ પાસે હૂંડી લખાવવા આવે છે. પ્રભુમાં અનન્ય શ્રદ્ધા રાખનાર નરસિંહ દ્વારકાના શામળશા જોગ રૂા. ૭00/-ની હૂંડી લખી આપે છે. હૂંડી લખાવી લેનાર દ્વારિકા પહોંચે છે, પણ ત્યાં એને નથી મળતો કોઈ શામળશા કે નથી કોઈ પેઢી. તીર્થવાસીઓ ગભરાઈને જૂનાગઢ તરફ વળે છે ત્યાં રસ્તામાં જ શામળશા શેઠ મળી જાય છે અને તેમને સાત સો રૂપિયા ગણી આપે છે. આ પ્રસંગ નરસિંહની એકનિષ્ઠ ભક્તિની પ્રતીતિ કરાવે છે. ખુદ પરમાત્મા ન આવ્યા હોય અને કોઈ દ્વારકાવાસી શેઠે જ ભક્ત નરસિંહની અવજ્ઞા ન થવા દેવા હૂંડીનાં નાણાં ચૂકવી આપ્યાં હોય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
સંવત ૧૫૦૪માં કુંવરબાઈનું લગ્ન થયું. પછી લગભગ ચારેક વર્ષમાં મામેરું પૂરવાનો પ્રસંગ આવ્યો. તે પણ એવી જ અચિંત્ય રીતે પાર પડે છે. “શામળાનો વિવાહ’માં મામેરા વિષે કહેવાયું છે:
“એક છે પુત્ર ને એક છે પુત્રી, તેનું મામેરું પૂર્ય લક્ષ્મીનાથે.”
આ ઉપરાંત પુત્રનું લગ્ન પણ અચિંત્ય રીતે પાર પડે છે. વડનગરના નાગર ગૃહસ્થ મદન મહેતાની પુત્રી સાથે શામળશાનાં લગ્ન થાય છે, પણ લગ્ન બાદ થોડા જ સમયે પુત્ર શામળશાનું અને પોતાની પત્ની માણેકબાઈનું અવસાન થયું. સામાન્ય સંજોગોમાં જીવનમાંથી વૈરાગ્ય આવી જાય તેવી પળે નરસિંહે તો ગાયું :
“ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.”
નરસિંહના જીવન સાથે કેટલીક ચમત્કારયુક્ત ઘટનાઓ જોડાયેલી છે. તેમાં મુખ્ય પાંચ પ્રસંગો છે: હાર, હૂંડી ને મામેરું, વિવાહ ને વળી શ્રાદ્ધ. એટલે કે રા’માંડલિકના દરબારમાં તેમની કસોટી થતાં ભગવાન શ્રીકૃષ્ણ જાતે આવીને તેમને હાર પહેરાવેલો. એક પ્રસંગે તેમણે લખેલી હૂંડીનો દ્વારકામાં શ્રીકૃષ્ણ વણિક વેપારીના વેશમાં સ્વીકાર કર્યો હતો. કુંવરબાઈના મામેરાની વેળાએ તથા શામળશાના લગ્નપ્રસંગે ને પિતાના શ્રાદ્ધના વખતે ભગવાને એક યા બીજી રીતે તેમને સહાય કરી હતી. બધા ચમત્કારો આજે યથાવત્ સ્વીકારી શકાય તેવા શ્રાદ્ધેય ભલે ન હોય છતાં તેમને પાર્થિવ સ્વરૂપે કોઈ દૈવી મદદ મળી હશે તેમ માની શકાય. નરસિંહના કાવ્યસર્જનમાં મુખ્યત્વે પદોનો વિપુલ જથ્થો છે. નરસિંહ-મીરાંનાં પદો, અખા-શામળશાના છપ્પા, વલ્લભના ગરબા, ધીરાની કાફીઓ, ભોજાના ચાબખા અને દયારામની ગરબીઓ તેમ નરસિંહનાં પ્રભાતિયાં તેની અનવદ્ય કીર્તિદા કવિતા છે. નરસિંહનાં કાવ્યોમાં શામળશાનો વિવાહ, શ્રાદ્ધ, હૂંડી, મામેરું જેવી પોતાના જીવનના જ પ્રસંગો આલેખતી આત્મચરિત્રાત્મક કૃતિઓ છે.
નરસિંહનાં ભક્તિબોધ અને જ્ઞાનનાં પદો સંખ્યાની દ્રષ્ટિએ ઝાઝાં નથી, પણ તે લોકોમાં પ્રિય અને કંઠસ્થ વિશેષ થયાં છે. એમાંનાં ઘણાં નરસિંહની ખાસ ફાવટના મનોહર અને ભાવવાહી ઝૂલણા છંદમાં લખાયેલાં છે. વર્ષોથી તે પ્રભાતના સમયમાં ગવાતાં હોઈ તે પ્રભાતિયાં કહેવાય છે. નરસિંહનાં આ પ્રભાતિયાં કોઈ પણ કાળનાં આપણાં ઉત્તમ કાવ્યોની હરોળમાં હકપૂર્વક બેસી શકે છે. એ પદોમાંથી વેદાંતી કવિ નરસૈયાના સાચા વ્યક્તિત્વનાં દર્શન થાય છે. ઝૂલણાનો વૈભવ- તેના લયની પ્રૌઢિ નરસિંહની કવિતામાં ચરમસીમાએ અનુભવાય છે. નરસિંહ જેવો શબ્દસિદ્ધિનો તેવો જ લયસિદ્ધિનો કવિ છે. નરસિંહનાં પદોની ખૂબી એ છે કે તેની કૃતિઓ શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય તેમ છે. નરસિંહે ગાતાં ગાતાં જ હરિને ભજ્યા છે ને કવિતા રચી છે. ગેયતા માટે ઉપકારક એવી સ્વરયોજના અને કાલમાનને તેણે પ્રયોજેલી છંદો માટે અનિવાર્ય એવાં તાલ ને યતિ કુશળતાપૂર્વક યોજે છે.
મહાત્મા ગાંધીજીને પ્રિય “વૈષ્ણવજન તો તેને કહીએ,’ ‘સુખદુઃખ મનમાં ન આણીએ” અને “જે ગમે જગતગુરૂ દેવ જગદીશને” જેવી બોધવાણી સંભળાવતાં નરસિંહનાં પદો લોકપ્રિય છે. આથી વિશેષ આકર્ષક છે એનાં જ્ઞાનનાં પદો. “જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,” “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે,’ જેવાં પદોમાં ઉપનિષદોની કોટિની કાવ્યમય જ્ઞાનવાણી તે લલકારતો દેખાય છે. આ પદોમાં કાવ્યત્વના ઉદ્રક સાથે સ્વાનુભૂતિનો પ્રબળ રણકાર સંભળાય છે. નરસિંહની કવિતા લખવા ખાતર, પોતે કવિ હોવાના ભાન સાથે લખાયેલી કવિતા નથી. તે એક ભક્ત હૃદયની વ્યાકુળતા, આનંદ અને તલસાટની સહજ પ્રફુટિત થયેલી વાણી છે. તેથી તેનાં કાવ્યોમાં ગુજરાતી કવિતામાં પહેલી જ વાર દેખાયેલો આત્મલક્ષી ભાવ પ્રગટ્યો છે. સ્વયંસ્કુરણાથી ઊપજેલાં એ કાવ્યોને ઉછાળો મારતો ભક્તિરસ પ્રાણવાન બનાવે છે. સરળ છતાં મુગ્ધકર ભાષામાં વણાયેલું ઉચ્ચ કોટિનું તત્ત્વજ્ઞાન કાવ્યોને અનોખું ગૌરવ અર્પે છે.
નરસિંહ પ્રમુખતયા પ્રેમનો કવિ છે. નરસિંહમાં ભક્તિ પ્રેમનો અને પ્રેમ ભક્તિનો પર્યાય છે. આમ નરસિંહની કવિતા એ પ્રેમભક્તિની કવિતા છે. કવિ હોવા છતાં એ મૂળ તો કૃષ્ણભક્ત છે – સાચો ભક્ત છે. કૃષ્ણભક્તિએ તેને સમદ્રષ્ટિથી જોતાં શીખવ્યું અને એટલે જ પરંપરાગત સાધુઓ જે કરતાં ડરે એ કામ-હરિજનવાસમાં ભજન કરવાનું – તે આ સમદ્રષ્ટિને સર્વ સમાન સમજનારે કરી બતાવ્યું. ઊર્મિથી ઊભરાતાં છતાં સારાસારના વિવેકવિચારોથી ભરપૂર એવાં તેનાં પદો આપણી કવિતાનો અમર વારસો છે. તે પદોમાં વ્યક્ત થતા ભાવો દ્વારા આર્ય સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે પણ નરસિંહ મહેતાનું સ્થાન વિશિષ્ટ છે. નરસિંહે ધરેલો જ્ઞાન-પ્રેમ અને ભક્તિનો દીપક આજે પણ પરબ્રહ્મના અને કાવ્યના પથ પર પ્રકાશ વેરે છે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે-અખિલ…
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે- અખિલ…
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ શાખ દે, કનક-કુંડળ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે – અખિલ…
ગ્રંથ ગરબડ કરી, વાત ન ખરી કહી, જેહને જેમ ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે – અખિલ…
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉ પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રકટ થાશે – અખિલ…
નીરખને ગગનમાં
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, ‘તે જ હું, તે જ હું શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કો નથી કૃષ્ણ તોલે. ની..
શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી. ની..
ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં, તેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિતાનંદ આનંદ-ક્રિીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે. ની..
બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહુવાએ રસ સરસ પીવો. ની…
અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહે મહાલે;
નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ની…