નાતાલ વિશે નિબંધ
By-Gujju04-10-2023
નાતાલ વિશે નિબંધ
By Gujju04-10-2023
આપણે વર્ષ દરમિયાન વિવિધ તહેવારો ઊજવીએ છીએ. તહેવારો આપણા જીવનમાં તાજગી અને ઉમંગ લાવે છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પ્રોત્સાહન આપે છે. દરેક ધર્મના કેટલાક વિશિષ્ટ તહેવારો હોય છે. નાતાલ ખ્રિસ્તીઓનો મોટો તહેવાર છે.
નાતાલનો તહેવાર દર વર્ષે 25મી ડિસેમ્બરે ઊજવાય છે. આ દિવસે પૅલેસ્ટાઇનના બૅથલેહેમ ગામમાં ભગવાન ઈસુનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ જૉસેફ અને માતાનું નામ મૅરી હતું. આ દિવસે આકાશમાં એક પ્રકાશિત તારો દેખાયો હતો. આથી બાળકમાં દેવી ગણો હોવાની બધાને શ્રદ્ધા બેઠી. ભગવાન ઈસુએ મોટા થઈને સમાજસુધારણાનું કામ કર્યું. તેમણે પાખંડી ધર્મગુરુઓને ખુલ્લ પાડ્યા.
લોકોને જીવનનો સાચો રાહ બતાવ્યો. પાખંડી ધર્મગુરુઓએ રાજાન કાનભંભેરણી કરીને ઈસુને મૃત્યુદંડની સજા અપાવી. વધસ્તંભ પર ચડીને પણ દયાના સાગર ઈસુ એટલું જ બોલ્યા હતા કે, “હે પ્રભુ ! તું આ લોકોને માફ કરજે કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેઓને ભાન નથી !’’ તેમણે ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો. બાઇબલ ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ છે.
નાતાલનો તહેવાર વિશ્વભરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઊજવાય છે. ખ્રિસ્તીઓ ઘરના આંગણામાં રંગીન કાગળનો પ્રકાશિત તારો લટકાવે છે. તેઓ ઘરમાં નાતાલવૃક્ષને શણગારે છે. તેઓ તેની આસપાસ અવનવી ભેટો મૂકે છે. બાળકો નાતાલવૃક્ષની આસપાસ નૃત્ય કરે છે અને ગીતો ગાય છે. ખ્રિસ્તીઓ નાતાલના દિવસે દેવળમાં જાય છે અને પ્રાર્થના કરે છે. તેઓ એકબીજાને ‘હૅપી ક્રિસમસ’ કહીને આવકારે છે. તેઓ પોતાના મિત્રો અને સગાંસંબંધીઓને ક્રિસમસ કાર્ડ મોકલે છે.
નાતાલનો તહેવાર 25મી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી ચાલે છે. બાળકોને સાન્તાક્લોઝ ખૂબ ગમે છે. સાન્તાક્લોઝ બાળકોને અવનવી ભેટો આપીને ખુશ કરે છે. 31મી ડિસેમ્બરે રાતે ઠેર ઠેર મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે. ટેલિવિઝન પર પણ મોડી રાત સુધી મનોરંજક કાર્યક્રમો બતાવવામાં આવે છે. પહેલી જાન્યુઆરી એટલે ઈસવી સનના નવા વર્ષનો પ્રથમ દિવસ. આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
નાતાલનો તહેવાર સૌને સેવા અને પ્રેમનો સંદેશો આપે છે.