Sunday, 22 December, 2024

નવરાત્રી ઉત્સવ નવ દિવસનો જ શા માટે હોય છે ?

394 Views
Share :
નવરાત્રી ઉત્સવ નવ દિવસનો જ શા માટે હોય છે ?

નવરાત્રી ઉત્સવ નવ દિવસનો જ શા માટે હોય છે ?

394 Views

ભારતમાં માતાજીનું સૌથી ઉંચુ સ્થાન આપવામાં આવ્યું છે.જેથી નવરાત્રી આવતાં જ સૌ લોકો નવેનવ દિવસ માતાજીની પૂજા કરે છે. માતાજી પણ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા અને ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. દીવડો જ્યોતિસ્વરૂપ દેવી શક્તિનું પ્રતિક છે, તેથી નવરાત્રિમાં દીવડા સાથે ગરબાનું મહત્વ છે.

ભારતીય સંસ્કૃતિ કૃષિપ્રધાન છે.આસો માસમાં નવા તૈયાર થયેલા અનાજનો આનંદ પ્રગટ કરવા નવરાત્રિના પહેલા જ દિવસે માતાજીનું સ્થાન કે ગોખમાં ગરબા નું સ્થાપન કરી તેની આસપાસ નવા અનાજના જવારા ઉગાડાય છે. અને નવે દિવસ ઘટનું પૂજન થાય છે. અને દશેરાને દિવસે જવારાનું જળાશયમાં વિસર્જન કરાય છે.

આ ઉપરાંત જગદંબા માતાજીનો મહિમા ગાવા નવરાત્રીના નવે દિવસ સ્ત્રીઓ થોડા ઘઉં પડેલા ઘટમાં દીવો પ્રગટાવી તે માથે મૂકી ગરબે ઘૂમે છે. મસ્તકે મુકેલા તે ઘટ કે ગરબાનું નવરાત્રિ પૂરી થતા વિસર્જન કરે છે. સ્થાપના સર્જન વિસર્જન એકબીજા સાથે જોડાયેલા છે.

નવરાત્રી ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ ?

આ નવરાત્રી ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ એના વિશે વાત કરીએ તો માર્કંડેય પુરાણ અનુસાર દેવીશક્તિ બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થઈને મધુ અને કૈટભ જેવા રાક્ષસોનો સંહાર કરે છે. દેવીનું મહિસાસુર મર્દિની નું સ્વરૂપ જાણીતું છે.

દેવી ભાગવત પ્રમાણે આસો સુદ એકમથી દસમ સુધી દેવી શક્તિ અને મહિષાસુર વચ્ચે યુદ્ધ ચાલ્યું. દસમીએ આસુરી શક્તિનો સંચાર થયો અને દેવી શક્તિ જગત જનની નો વિજય થયો. આ વિજયનો ઉત્સવ ઉજવવા નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ.

નવરાત્રીનો ઉત્સવ નવ દિવસનો જ શા માટે હોય છે ?

દેવી શક્તિના મુખ્ય નવ સ્વરૂપ હોય છે. અને દેવી શક્તિની ચેતના તો બ્રહ્માંડના નવે ગ્રહોમાં અને પૃથ્વીલોકના નવે ખંડોમાં વ્યાપેલ છે. તેથી જ દેવીના નવ સ્વરૂપો, નવ દુર્ગાના સ્વરૂપો નો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો.

નવરાત્રીમાં નવદુર્ગાના નવ સ્વરૂપો જેમકે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી ક્રમશઃ આરાધના માટે નવરાત્રિ ઉત્સવના નવ દિવસો ઉજવાય છે.

નવરાત્રીએ ગરબા રમવા પાછળનું કારણ શું છે ?

નવરાત્રી એ દેવી શક્તિની આરાધનાનો જ્યોતિર્મય માધ્યમ ગરબો છે. માટીના,પિત્તળના કે તાંબાના ઘડામાં દીપજ્યોત મુકાઈ છે, તેને ગરબો કહેવાય છે. આ ગરબા ની આસપાસ કે માથે મૂકીને નારીઓ વર્તુળાકારે,ચાચરચોકમાં ઘૂમે તેને ગરબા કહેવાય છે. ગરબે ઘૂમતી વખતે માતાજીની આરાધનામાં ગવાતા ગીતો ને પણ ગરબા કે ગરબી કહે છે. માતાજીનો મહિમા ગાવા આ રીતે ગરબા રમાય છે. ગરબા રમતી વખતે બ્રહ્માંડની જગતજનની એવી દેવી શક્તિને ગરબે રમવા આમંત્રણ અપાય છે. ગરબો તો અખિલ બ્રહ્માંડમાં ભ્રમણ નું પ્રતીક ગણાય છે.

નવરાત્રીમાં ઉપવાસ શા માટે કરવામાં આવે છે ?

નવરાત્રી દરમિયાન આંતર બાહ્ય શુદ્ધિ જાળવવા ઉપવાસ કરવાનો મહિમા છે. ઉપવાસનો બીજો અર્થ છે માતાજી ની પાસે રહેવું,તેમની સમીપ રહીને એમના જેવું પવિત્ર થવું. આવી પવિત્રતા અને આરોગ્ય જાળવવા ઉપવાસનો મહિમા ગવાયો છે.

આઠમા નોરતે જ શા માટે નૈવેધ ધરાવવામાં આવે છે ?

આઠમ એટલે દુર્ગાષ્ટમી તેનું વિશેષ મહત્વ છે.આઠમને માતાજીને નૈવેધ ધરાવીને પલ્લી વળીને નવરાત્રીની પૂર્ણાહુતિ કરાય છે. આઠમ ની રાતે માતાજીની પલ્લી ભરાય છે.નૈવેધ ધરાય છે, અને માતાજીની શોભાયાત્રા ધામધૂમ પૂર્વક નીકળે છે. માતાજીની પલ્લીમાં નવા ધાન્યોની બનાવેલી રસોઈના નવખંડ માતાજીને અર્પણ કરાય છે. પલ્લીનાં નવખંડ તો પૃથ્વી પરના નવખંડની નવ દેવીઓનું પણ પ્રતીક છે.

ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં શું તફાવત છે ?

ચૈત્રી નવરાત્રી ચૈત્ર સુદ એકમથી નોમ સુધી કરાઈ છે.જ્યારે આસો નવરાત્રી આસો સુદ એકમથી નોમ સુધી કરાઈ છે. મહારાષ્ટ્ર ઉત્તર ભારત અને ગુજરાત વગેરેમાં દેવી શક્તિની ઉપાસના માટે ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન કરાય છે. ચૈત્રી નવરાત્રીમાં રામ પરિવાર,શિવ પરિવાર ના તહેવારોનો સંગમ થાય છે.

જેમકે કવડુ ત્રીજ,વિનાયક ચોથ,સ્કંદ ષષ્ઠી,રામ નવમી વગેરે અને ભારતના કેટલાય પ્રદેશોમાં ચૈત્ર સુદ એકમથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. અને તે દિવસથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે. ચૈત્રી નવરાત્રીમાં યજ્ઞ-હવન વધારે થાય છે. આમ તો બંને નવરાત્રીમાં નવદુર્ગાના નવે દેવી સ્વરૂપની આરાધના થાય છે.

આસો નવરાત્રીમાં પણ નવદુર્ગા સ્વરૂપની આરાધના થાય છે. પરંતુ આસો નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રિ જેવા તહેવારો આવતા નથી.એટલે આસો નવરાત્રીમાં વિવિધ ઉપવાસો કરાતા નથી. શિવ અને શક્તિમા માત્ર શક્તિની પૂજા-ઉપાસના આસો નવરાત્રીમાં થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *