Friday, 26 July, 2024

Neti (નેતિ)

218 Views
Share :
Neti (નેતિ)

Neti (નેતિ)

218 Views

सूत्रं वितस्ति सुस्निग्धं नासानाले प्रवेशयेत् ।
मुखान्निर्गमयेच्चैषा नेतिः सिद्धैर्निगद्यते ॥
कपालशोधिनी चैव दिव्यदृष्टिप्रदायिनी ।
जत्रूर्ध्वजातरोगौघं नेतिराशु निहन्ति च ॥

યોગમાર્ગમાં શરીરશુદ્ધિ માટે વર્ણવાયેલી છ ક્રિયાઓમાં નેતિનો સમાવેશ થાય છે. હઠયોગ પ્રદીપિકામાં નેતિ વિશે ઉપર પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે. નાસિકાથી શરૂ કરીને જીભના મૂળ સુધીના શ્વસનમાર્ગને સાફ કરવા માટે નેતિ કરવામાં આવે છે. નેતિ બે પ્રકારની છે – સૂત્ર નેતિ અને જળ નેતિ. સૂત્ર નેતિમાં સુતર અથવા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે જળ નેતિમાં પાણી વપરાય છે.

આપણા શરીરની આંતરિક રચના વિશે વિશેષ માહિતી ન હોય તેવા વ્યક્તિઓને નેતિની ક્રિયા વિચિત્ર લાગવાનો સંભવ છે. તેમને થશે કે સૂતરના તાંતણા કે મીઠું નાખેલું પાણી નાક વાટે પીવામાં શું ફાયદો રહેલો હશે. પરંતુ તે માટે આપણે નાસિકાની આંતરિક રચના પર નજર નાખવી પડશે. નાસિકાના બંને છિદ્રોમાં બારિક વાળ રહેલા હોય છે જેનાથી શ્વાસ માટે અંદર લેવાતી હવાની અશુદ્ધિઓ રોકાઈ જાય છે. ઉચ્છવાસ દરમ્યાન અને નાક ખંખેરવાથી તેમાંની ઘણીખરી અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે. પરંતુ સમય જતાં નાસિકાના છિદ્રોમાં અતિસૂક્ષ્મ અશુદ્ધિઓનો થર જામવા માંડે છે. નાકના છિદ્રથી શરૂ કરીને ગળાની શરૂઆત સુધીના ભાગમાં આવી અશુદ્ધિઓનો સંગ્રહ થાય છે, જે ઘણેભાગે શરદી સાથે બહાર નીકળે છે અથવા શરીરની અંદર જાય છે. અશુદ્ધિઓને દુર કરવા શરીરમાં પાતળો પ્રવાહી પદાર્થ ઉત્પન્ન થાય છે. જો આવું લાંબા ગાળા માટે રહે તો તેને આપણે સીન્યુસાયટીસ sinusitis કહીએ છીએ. હુંફાળા પાણી વડે કે સૂતરના તાંતણા વડે નાસિકાની અશુદ્ધિઓ સહેલાઈથી બહાર આવી જાય છે. માટે જ નેતિ નાસિકા માર્ગની શુદ્ધિ માટે અત્યંત ઉપકારક છે.

સૂત્ર નેતિ

  • જો સૂત્ર નેતિ કરતાં સૂત્ર ખરબચડું હોવાને કારણે છીંક આવે અથવા તો વધુ પડતું ઘર્ષણ થતું જણાય તો રબ્બરની કેથેટરથી પણ નેતિ કરી શકાય. કેથેટરની નળી સુંવાળી અને પાતળી હોવાથી સરળતા જણાય પરંતુ તેનાથી સુતરના તાંતણા જેટલી સારી રીતે નાકની સફાઈ નહીં થાય.
  • પ્રાતઃકાળે મુખશુદ્ધિ (દાતણ) કર્યા પછી નેતિ કરવી. ઉભડક બેસવું, ડોક ઊંચી રાખી નાકને શુદ્ધ કરી નેતિને પાણીમાં ભીંજવી મીણવાણા ભાગનો છેડો વાળીને ધીરેથી જે નાકમાં શ્વાસ ચાલતો હોય તે છિદ્રમાં નાખો.
  • તે છેડો જીભના મૂળ સુધી એટલે કે ગળા પરની કાકડી સુધી આવે ત્યારે તેને જમણા હાથની તર્જની તથા મધ્યમા આંગળી વડે પકડી મોં વાટે બહાર કાઢો. જ્યારે સૂત્ર બહાર આવશે ત્યારે તેના પાછળના તાંતણાઓ નાસિકાના માર્ગમાં રહેલી અશુદ્ધિઓને શોષી લેશે. સૂત્રને ધોઈને શુદ્ધ કરો.
  • આ જ રીતે ફરીવાર સૂત્રને નાસિકાના બીજા છિદ્રમાં નાખી મોં વાટે બહાર કાઢો. આમ કરવાથી બંને નાસિકાના છિદ્રોની શુદ્ધિ થશે.
  • જ્યારે નેતિ કરવામાં ફાવટ આવે ત્યારે નેતિના બંને છેડાને વારાફરતી એકદમ ધીમેથી બહારની  તરફ ખેચી નાકના અંદરના ભાગમાં સહેજ ઘર્ષણ થાય એમ કરવું. આમ કરવાથી વધારે સારી રીતે શુદ્ધિ થશે.

જળનેતિ

  • સૂત્રનેતિ કરતાં જળનેતિ કરવાનું પ્રમાણમાં સરળ લાગશે..
  • નેતિમાં આપણે સાધારણ હુંફાળું કે નવશેકું ગરમ પાણી લઈશું તથા તેમાં સહેજ મીઠું નાખીશું. સહેજ એટલે કે અડધો લીટર પાણીમાં એક ચમચી (ટી-સ્પુન). આ પ્રમાણે તૈયાર થયેલ દ્રાવણની સાંદ્રતા 0.9 ટકા થશે જે લગભગ માનવશરીરમાં ફરતા લોહી જેટલી છે. આને કારણે નેતિ કરતાં છીંક કે બળતરા થવાની શક્યતા ઓછી થઈ જશે.
  • આજકાલ બજારમાં મીઠું પણ અલગ અલગ પ્રકારનું મળે છે. ખાવા માટે વપરાતું મીઠું કે જે દરિયાનું મીઠું (sea salt) કહેવાય છે તે જળનેતિ માટે યોગ્ય છે. વિવિધ પ્રકારના ખનીજ તત્વો ધરાવતું રોક સોલ્ટ કે મીનરલ સોલ્ટ નેતિ માટે યોગ્ય નથી. મીઠું બારીક હોવું જોઈએ અને પાણીમાં પૂરેપૂરું ઓગળી જવું જોઈએ. રોક સોલ્ટમાં મોટા ગાંગડા હોવાથી તેના નાના કણ-ક્રિસ્ટલ નાકમાં અટકવાનો સંભવ રહે છે. મીઠાને હુંફાળા પાણીમાં ઓગાળ્યા બાદ તેને ચાખી જુઓ એથી તેના પ્રમાણનો ખ્યાલ આવી જશે. પછી તેને થૂંકી નાખો. થોડા અનુભવ બાદ તમે યોગ્ય પ્રમાણ સહેલાઈથી નક્કી કરી શકશો.
  • જળનેતિ કરવા માટે વિશેષ રીતે મળતું પાત્ર- નેતિપોટ, માટી કે ધાતુનું હોય છે. તેના આકારને ચાની કીટલી સાથે સરખાવી શકાય. ઉપર વર્ણવ્યા પ્રમાણે હુફાળા પાણીમાં મીઠું ઓગાળ્યા બાદ તૈયાર થયેલ દ્રાવણને નેતિપાત્રમાં ભરો. નેતિ કરવા માટે રસોડાનું સીંક, ટેબલ પર ગોઠવેલ મોટું પાત્ર, બાથરૂમ કે ખુલ્લી જમીન અનુકૂળ થઈ પડશે.
  • ઉબડક બેસી, મોં ઊંચુ રાખી, નેતિપાત્રને નાસિકાના જે છિદ્રથી શ્વાસ ચાલતો હોય તે છિદ્ર પર અડકાડો. નેતિપોટની ચાંચનો ભાગ નાસિકાના છિદ્રને એવી રીતે અડકાડો કે તે એક સમાન રેખા બનાવે. પાત્રને નાસિકાની અંદર સહેજ જવા દો જેથી પાણી બહાર ન આવે પરંતુ એટલે અંદર પણ ન જવા દો જેથી પાણીનો માર્ગ નાસિકાથી રોકાઈ જાય. આમ કર્યા પછી ધીમેથી પાણીને અંદર જવા દો. પાણી નાસિકામાં થઈને મોંના અંદરના ભાગ પાસે આવે એટલે માથું એક તરફ નમાવો. આમ કરતાં પાણીનો પ્રવાહ મોં વાટે ધીમેધીમે બહાર આવશે. પાણી ગળી ન જવાય તેની કાળજી રાખો. નેતિ કર્યા પછી નાકને ખંખેરી નાખો જેથી કફ કે અન્ય અશુદ્ધિઓ બહાર નીકળી જાય.
  • એક નાસિકાના છિદ્રમાંથી આ રીતે પાણી લીધા બાદ બીજા છિદ્રમાંથી પાણી અંદર લો. વધુ ફાવટ આવ્યા બાદ પાણી નાસિકાના એક છિદ્રમાંથી અંદર લઈને મોં વાટે બહાર કાઢવાને બદલે બીજા છિદ્રમાંથી પણ કાઢી શકાશે.
  • સમગ્ર ક્રિયા દરમ્યાન મોં ખુલ્લું રાખી શ્વાસ સહજ રીતે ચાલુ રાખો. બળપૂર્વક શ્વાસ લેવાનો, છીંક ખાવાનો, બોલવાનો, હસવાનો કે શ્વાસમાર્ગમાં અવરોધ થાય તેવા કોઈ પ્રયાસો ન કરવા. એમ કરવાથી પાણી ગમે ત્યાં ધકેલાઈ જવાનો, બળતરા કે બેચેની થવાનો અને નુકસાન થવાનો સંભવ રહે છે.

ફાયદા

  • નેતિ કરવાથી મસ્તકના હાડકા શુદ્ધ થાય છે. આંખોને નવું તેજ મળે છે, દૃષ્ટિ ઘુવડ જેવી તીક્ષ્ણ બને છે, નાક અને ગળાના વ્યાધિઓ મટે છે. તે સ્કંધથી ઉપરના ભાગના તમામ રોગોને મટાડે છે.
  • શરદીથી થતો માથાનો દુખાવો, કાયમની શરદી, કાનની બહેરાશ, નાકના મસા, નાકના હાડકામાં વધારો, કાકડા વગેરે વ્યાધિઓ નેતિ કરવાથી દૂર થાય છે.

સાવધાની

  • યોગની અન્ય ક્રિયાઓની માફક નેતિ ક્રિયા અનુભવી કે ગુરૂના માર્ગદર્શન હેઠળ કરવી. નેતિક્રિયા સવારે ભોજન પૂર્વે કરવી હિતકર છે. ભોજન પછી તરત નેતિ કરવાથી ઉલટી થવાનો સંભવ છે. જળનેતિ કરતા એક વખતે નેતિ ક્રિયાથી અડધો શેરથી વધુ પાણી પીવું નહિ. કફની વિશેષતાથી કે નેતિના ઘર્ષણથી જો નાકમાં લોહી નીકળે કે બળતરા થાય તો ગાયનું ઘી ગરમ કરીને સૂંધવાથી રાહત લાગશે. પાંડુરોગ, કમળો, પિત્તજ્વર, આમ્લપિત્ત આદિ પિત્તના પ્રકોપવાળા વ્યાધિથી પીડાતા વ્યક્તિઓએ નેતિ કરવી નહી.
  • નેતિ સફાઈ માટેની ક્રિયા છે. તેથી તેને દરરોજ ન કરો તો પણ ચાલે. અઠવાડિયે એક વાર અથવા તો જ્યારે નાસિકાની સફાઈ જરૂરી લાગે ત્યારે કરો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *