નિશાળનો બાંકડો બોલે છે…આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
નિશાળનો બાંકડો બોલે છે…આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. જીવનમાં તડકો અને છાંયડો, ભરતી અને ઓટ આવ્યા જ કરે છે. કેટલાક લોકોના જીવનમાં દુ:ખ વધુ હોય છે અને સુખ ઓછું હોય છે. જ્યારે મારું જીવન સુખની સ્મૃતિઓથી ભરેલું છે.
ફર્નિચર બનાવવાનું એક કારખાનું મારું જન્મસ્થાન છે. ત્યાં આશરે પચીસ વર્ષ પહેલાં મારો જન્મ થયો હતો. એ દિવસોમાં એક નવી શાળા શરૂ થઈ હતી. તેમાં ઘણા બાંકડાની જરૂર હતી. શાળાના આચાર્યે અમારા શેઠને થોડાક બાંકડા બનાવવાનો ઑર્ડર આપ્યો. અમારા શેઠે સાગનું લાકડું ખરીદ્યું. પછી અનેક કારીગરોએ મળીને અમારું ઘડતર કર્યું. પૉલિશ કરનારા ભાઈઓએ અમારા દેહને પૉલિશ કરીને અમને ચકચકિત બનાવ્યા. અમારું સુંદર રૂપ જોઈને અમે પોતે પણ ખૂબ રાજી થતા હતા.
કારખાનામાંથી અમને નિશાળે લઈ જવામાં આવ્યા. અમે જુદા જુદા વર્ગોમાં ગોઠવાઈ ગયા. મારા સદ્નસીબે મને એક વર્ગમાં સૌથી આગળ સ્થાન મળ્યું. નિશાળ શરૂ થઈ. વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા. શાળા નવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકો નવા હતા. વિદ્યાર્થીઓ નવા હતા. વિદ્યાર્થીઓનો ગણવેશ નવો હતો. સૌના ચહેરા પર આનંદ અને ઉમંગ જણાતાં હતાં. બે વિદ્યાર્થિનીઓએ મારા પર આસન જમાવ્યું ત્યારે મારા હરખનો પાર ન રહ્યો. હું તો એ બંને વિદ્યાર્થિનીઓને ટીકીટીકીને જોતો જ રહ્યો.
શાળાના આચાર્યે સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. પછી શાળાનું ફર્નિચર, શાળાની દીવાલો, શાળાનું મેદાન, શાળાના ઓરડા વગેરે ચોખ્ખાં રાખવાની અને એ બધાંને સાચવવાની વિદ્યાર્થીઓને સૂચના આપી. વિદ્યાર્થીઓ પણ ખૂબ સમજદાર હતા. તે અમને જીવની જેમ સાચવતા. અમારા દેહનો ચળકાટ કાયમ રહે તેની તેઓ કાળજી રાખતા. તે અમારા દેહ પર પેન કે પેન્સિલના લીટા કરતા નહિ. વળી દરરોજ કપડાથી અમને સાફ કરતા. મને દરરોજ વિદ્યાર્થિનીઓની અવનવી વાતો સાંભળવા મળતી. શિક્ષકો વર્ગનાં બાળકોને ભણાવતા ત્યારે હું એકચિત્તે એ સાંભળી રહેતો. મને ઘણું જાણવા અને સમજવા મળતું. વિદ્યાર્થીઓ વર્ગમાં અવાજ કરે, ક્યારેક ઝઘડે ત્યારે મને વિદ્યાર્થીઓને ઠપકો આપવાની ઇચ્છા થતી. રજાના દિવસે વિદ્યાર્થીઓ ન હોય ત્યારે વર્ગમાં અમને એકલવાયું લાગતું.
આમને આમ અમારાં વીસ વર્ષ આનંદ અને ઉલ્લાસમાં વીતી ગયાં. દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાતા. અમને અનેક પ્રકારના વિદ્યાર્થીઓનો અનુભવ થતો.
એક દિવસની વાત છે. કોઈ કારણસર શહેરની કૉલેજોમાં હડતાલ પડી. કૉલેજોના વિદ્યાર્થીઓ શાળાઓમાં પણ હડતાલ પડાવવા નીકળી પડ્યા. અમારી શાળા ચાલુ હતી. એકાએક શોરબકોર કરતું મોટું ટોળું શાળામાં ઘૂસી આવ્યું.
ઑફિસ પાસે જ મારો વર્ગ હતો. ટોળું એ વર્ગમાં ઘૂસી આવ્યું. હું બારણા પાસે હતો. તેમણે મને ઊંચકીને જોરથી પછાડ્યો. મારાં અંગો છુટાં પડી ગયાં. એટલામાં પોલીસ આવી પહોંચી. એટલે તોફાનીઓ નાસી ગયા. પણ એ પહેલાં તો તેમણે મારી અવદશા કરી દીધી હતી. મને વર્ગમાંથી હટાવીને ભંગારની ઓરડીમાં નાખી દેવામાં આવ્યો.
બસ, ત્યારથી હું આ અંધારી ઓરડીમાં જેલ ભોગવી રહ્યો છું. હવે હું કોઈને ઉપયોગી રહ્યો નથી. પણ મારું જીવન વિદ્યાર્થીઓની સેવામાં પસાર થયું છે, તેનો મને આનંદ છે.