Wednesday, 20 November, 2024

નોખા નોખા રીતરિવાજો સાથે ઉજવાય છે દિવાળી પર્વ

167 Views
Share :
નોખા નોખા રીતરિવાજો સાથે ઉજવાય છે દિવાળી પર્વ

નોખા નોખા રીતરિવાજો સાથે ઉજવાય છે દિવાળી પર્વ

167 Views

દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. દિવાળી પ્રતીક છે, અધર્મ ઉપર ધર્મ અને અસદ્ પર સદ્ના વિજયનું. દેશભરમાં દીપોત્સવીનું પર્વ ધામધૂમથી ઉજવાય છે પણ જુદા જુદા પ્રદેશોમાં તેની ઉજવણીના રીતરિવાજ નોખા નોખા છે. વિવિધ પ્રાંતના લોકો પોતપોતાની પરંપરા, માન્યતા અને રીત-રિવાજોથી દિવાળીનો તહેવાર ઉજવે છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં મોટેભાગે દરેક રાજ્ય અને ધર્મના લોકો વસવાટ કરે છે. તો જાણીએ કે દિવાળીમાં ગુજરાતી સિવાયના પરિવારો કેવી રીતે દિવાળીની ઉજવણી કરે છે. 

સિંધી લોકો દિવાળીમાં ત્રણ દિવસનો અખંડ દીવો રાખે છે

અમે સિંધી છીએ અને દિવાળી પર્વની ઉજવણી ખૂબ ધાર્મિક રીતે કરીએ છીએ. દિવાળીની રાત્રે અમે લક્ષ્મીમાતાની પૂજા કરીએ છીએ. બે હાટલડી બનાવીને એકમાં લક્ષ્મી માતાનો ફોટો અને બીજામાં દીવો મૂકીએ છીએ અને તેને ત્રણ દિવસ સુધી અખંડ રાખીએ છીએ. તેની બાજુમાં કાચું દૂધ ભરેલા વાટકામાં રૂપિયાનો સિક્કો અને સોનુ મૂકીએ છીએ અને પછી તે સિક્કાને દાંતે અડકાવીને અમારા પરિવારમાં સુખ-શાંતિ અને ધન-દોલત સંપન્ન રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ. ઘરના વડીલ વિવિધ રંગોની મદદથી કાગળ પર ચોખઠા દોરીને દિવાળી માતાના પગલાં બનાવે છે અને તેની પૂજા કરીને તે કાગળને અમે મંદિરમાં મૂકી આવીએ છીએ. કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશીએ સવારે મહિલાઓ તૈયાર થઈને મંદિરે દર્શન કરવા જાય છે. અમારામાં તે દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે તેથી તે દિવસે અમે દાન કરીએ છીએ. દિવાળીમાં અમે ભાત ભાતની વાનગીઓ બનાવીએ છીએ અને ઘરને રોશનીથી ઝગમગાવી દઈએ છે.

પંજાબી પરિવાર દિવાળીની સાંજે ગુરૂદ્વારામાં જઈ શીશ ઝુકાવે છે

અમે પંજાબી છીએ, પરંતુ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા હોવાથી અમે પણ ગુજરાતીઓની જેમ જ દિવાળી ઉજવીએ છીએ. અમે ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરીને અમારો ધંધો દિવસે ને દિવસે વધતો રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ.. દિવાળીમાં નવા-નવા નાસ્તાઓ અને મીઠાઈઓ બનાવીએ છીએ. દિવાળીના દિવસે સાંજે અમે અચૂક ગુરૂદ્વારામાં જઈને ગુરુજી સામે મસ્તક નમાવીએ છીએ. ત્યારબાદ અમે અમારા બાળકોની સાથે આતશબાજી કરીએ છીએ. બેસતા વર્ષના દિવસે અમે અમારા સગા-સંબંધીઓ અને પડોશીઓના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. 

દક્ષિણ ભારતીય પરિવારો ચોખાની પેસ્ટથી રંગોળી બનાવે છે

અમારા બે મોટા તહેવારો છે ઓણમ અને વિષ્ણુદશ તેમ છતાં અમે ક્યારેય દિવાળીને ઓછું મહત્ત્વ નથી આપ્યું. અમે પણ લગભગ ગુજરાતીઓની જેમ જ ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરીએ છીએ. અમે ઘરમાં ચોખાની પેસ્ટથી અને ફૂલોથી રંગોળી બનાવીએ છીએ. ઘરમાં દીવાઓ પ્રગટાવીને અને લાઈટો લગાવીને અંધકારને દૂર ભગાવીએ છીએ. અમે દર વર્ષે ઘરમાં મિઠાઈ અને નાસ્તાઓ બનાવીએ છે અને ફટાકડા પણ ફોડીએ છીએ. અમે નવાં વર્ષના દિવસે નવાં કપડાં પહેરીને સગા-સંબંધીઓ અને પાડોશમાં જઈને ભેટ અને મિઠાઈની આપ-લે કરીએ છીએ.

સહપરિવાર મિત્રોના ઘરે નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જઈએ છીએ

દિવાળી અમારો તહેવાર નહીં હોવા છતાં પણ અમે છેલ્લાં ત્રીસ વર્ષથી દર વર્ષે દિવાળીની ઉજવણી કરીએ છીએ. મારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોવાના કારણે દર વર્ષે દિવાળીમાં હું મારા સમગ્ર બિઝનેસ સર્કલમાં મિઠાઈઓ અને ગિફ્ટની વહેચણી કરું છું. અમારા ગુજરાતી મિત્રો અને પાડોશીઓને ત્યાં અમે સહપરિવાર જઈને તેમને તેમના નવાં વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમે મિઠાઈઓ અને ભેટ લઈને તેમની ખુશીમાં ભાગીદાર થવા માટે જઈએ છીએ.

મહારાષ્ટ્રમાં ધનતેરસના દિવસે સાવરણીની પૂજા કરવામાં આવે છે

અમે મૂળ મહારાષ્ટ્રના છીએ. મહારાષ્ટ્રમાં પણ ગુજરાતીઓની જેમ ધૂમધામથી દિવાળીની ઉજવણી થતી હોય છે. અમે પણ ગુજરાતીઓની જેમ અગિયારસના દિવસથી તહેવારની ઉજવણી શરૂ કરી દઈએ છીએ. વાઘબારના દિવસે અમે ‘અનારસા’ નામની લાડવા જેવી મિઠાઈ બનાવીએ છીએ. ધનતેરસના દિવસે અમે લાપસી બનાવીને લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ. મરાઠીઓમાં તે દિવસે સાવરણીની પૂજા કરવાનું પણ મહત્ત્વ હોય છે. સાવરણીની પૂજા કરીને અમે અમારા પરિવારને દૂષણમુક્ત રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ. નવાં વર્ષે અમે સગા-સંબંધીઓના ઘરે જઈને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. દિવાળીમાં અમે અમારા ઘરની બહાર રંગોળી બનાવીએ છીએ. ગુજરાતીઓમાં ભાઈબીજમાં ભાઈ બહેનના ઘરે આવે છે પરંતુ અમારામાં બહેન ભાઈના ઘરે જમવા માટે જતી હોય છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *