Sunday, 22 December, 2024

નૂતન વર્ષ – આજના પાવન દિવસની રોચક માહિતી

216 Views
Share :
નૂતન વર્ષ – આજના પાવન દિવસની રોચક માહિતી

નૂતન વર્ષ – આજના પાવન દિવસની રોચક માહિતી

216 Views

દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…! નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની અંદર એક પ્રકારનો અનોખો ભાવ હોય છે. ચોરે અને ચૌટે,બાલક અને વૃધ્ધને આજે “જય શ્રીકૃષ્ણ”ના હાથ જોડી સંબોધન થાય છે અને નવા વર્ષના રામરામ કરાય છે. અને હાં, એ પણ ગઇ ગુજરી ભુલી જઇને જીંદગીની નવી શરૂઆત સમયે….!

આજનો દિવસ વિક્રમસંવતના પ્રારંભનો દિવસ છે. આપણે ત્યાં નવું વર્ષ આજના દિવસથી શરૂ થાય છે. એટલે નવા વર્ષના અભિનંદન-શુભેચ્છાઓની આજના દિવસે ખાસ આપ-લે કરાય છે. ‘બેસતું વર્ષ’ તરીકે પણ આજનો દિવસ ઓળખાય છે. આમ તો બેસતું વરસ એટલે કારતક સુદ એકમ. દિવાળી પછીનો આ દિવસ છે. માળવાના રાજા વિક્રમે શકોનો પરાજય કરીને પોતાના નામનું સંવત સ્થાપ્યું તે સમયથી આ સંવતનો પ્રારંભ થયો. તેથી તેને વિક્રમ સંવત કે માલવ સંવત કહેવામાં આવે છે. ગુજરાતમાં તે સોલંકીકાલથી શરૂ થયેલ. ગ્રેગેરિયન કેલેન્ડરથી તે ૫૭ વર્ષ આગળ એટલે ઇ.સ.પૂર્વે ૫૭માં અસ્તિત્વમાં આવ્યો હતો. દિવાળીની આતશબાજીમાં વીતેલા વરસની નકારાત્મક્તા, નિષ્ફળતા, કડવાશ કે ખારાશને ઓગાળી દેવામાં આવે ત્યારબાદનો આ પ્રથમ દિવસનો સૂર્યોદય આખા વરસ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે.

દિવાળીની રાતે લગભગ આખી રાત દારુખાનું ફૂટે. કોઈકનું ચોપડા પૂજન મોડે હોય તો કોઈકને દુકાન ખોલવાનું મુહૂર્ત વહેલું હોય. આખી રાત જાણે ગામ જાગતું હોય. પ્રભાતનો પહોર થવામાં આવે ત્યાંતો મંદિરોમાં મંગળા આરતીનો ઘંટનાદ ગુંજી રહે. દેવદર્શન માટે લોકોના પગ અધીરા બને. મંગળા આરતીમાં ઈશ્વર સન્મુખ પ્રાર્થના કરી નવા વરસ માટે સુખ, શાંતિ અને વેપાર ધંધામાં કે ખેતી જેવી પ્રવૃત્તિમાં ભગવાન રસકસ પૂરે એવી વિનંતી થાય. ત્યારબાદ સહુને બેસતા વરસની શુભકામનાઓ અપાય.

આજના દિવસથી ખેડુતો અને વેપારીઓ સહિત પ્રત્યેક ધંધાર્થીઓ પોતાના કામની શરૂઆત નવેસરથી કરે છે. ખેડુતો કોઠીઓમાંથી શિયાળુ પાક માટેનું ધાન્ય બહાર કાઢે છે. તો વેપારીઓ પણ નવા વર્ષના હિસાબોનો પ્રારંભ નવા ચોપડાઓથી કરે છે. અગાઉનો બધો હિસાબ અને લક્ષ્મીપૂજન દિવાળીની રાત્રે થઇ ચુક્યુ હોય છે.

આજે નવી વસ્તુઓ ખરીદવાની પણ પ્રથા છે. વળી,નવા વર્ષનું પંચાગ લેવાની ક્રિયા ખાસ રસપૂર્વક કરવામાં આવે છે. લોકો આજે બને તેટલા સૌમ્ય રહેવાનો પ્રયાસ કરે છે….! અપશબ્દો,ખરાબ કર્મ કે એવું કાંઇ આજના દિવસે કરતા અટકાવાય છે. કારણ કે, વર્ષના પહેલાં દિવસને જેમ સૌમ્યરીતે ઉજવો એટલું જ વર્ષ સારું જાય એવી માન્યતા છે. વળી,આજે લોકોમાં કોઇ એક વ્રત રાખવાની પણ પ્રણાલિ છે.

બેસતા વરસના દિવસે દેવમંદિરોમાં અન્નકૂટ ભરાય છે તથા સવારે લોકો દેવદર્શને અને એકબીજાને મળવા માટે નવાં કપડાં પહેરી સજીધજીને નીકળી પડે છે. આ બધી પરંપરાઓ હજુ આજેય અકબંધ છે. શહેરી વિસ્તારોમાં ઓછી છે, ગ્રામ્ય વિસ્તાર પરંપરાઓને ઓઢીને બેઠેલો છે. દિવાળીના આ સમગ્ર દિવસો દરમિયાન આંગણામાં રંગોળી પુરાય, ઘરને ટોડલે તોરણ બંધાય અને ક્યાંક ક્યાંક તો ઝબુક ઝબુક થતી સિરીઝ પણ લાગે. ગામડામાં બેસતા વરસને ઝાંયણી પણ કહે છે. રાત્રે લોકો એકબીજાને મળવા જાય છે. છોકરાં રામરામ કરવા નીકળે તેમને દરેક ઘરેથી પતાસાની કમાણી થાય.વળી સવારના પહોરમાં રામરામ મળવા આવતા મુખવાસ, પ્રસાદ પણ અપાય છે. લોકો સવારમાં દરેક મંદિરે-કુલદેવતાના મંદિરે દર્શનાર્થે અને આશીર્વાદપ્રાપ્તિ માટે જાય છે.

ગોવર્ધન પૂજા અને અન્નકુટ ભોગ –
આજે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન ઉઠાવીને વ્રજવાસીઓની ઇન્દ્રના કોપથી થયેલ અતિવૃષ્ટિથી રક્ષા કરી હતી. લોકો અને પ્રાણીઓ સહિત બધાં ગોવર્ધન પર્વત નીચે આવી ગયેલા, પરીણામે તેમને રક્ષણ મળેલું. ભગવાન કૃષ્ણને આ પછી “ગોવર્ધનગીરીધારણ” પણ કહેવાય છે. આ પહેલાં વ્રજવાસીઓ ઇન્દ્રને છપ્પન પ્રકારનું અન્નકુટ મતલબ વિવિધ શાક અને વાનગીઓનો ભોગ ચડાવાતો. આ ઘટના પછી લોકો ગોવર્ધનની પૂજા કરી તેમને પાલનહાર સમ જાણી અન્નકુટ ધરવા લાગ્યાં. આજે પણ મંદિરોમાં ભગવાન ઠાકોરના મંદિરે અન્નકુટ ધરાવવાની શ્રધ્ધામયી પ્રથા છે. એમાં વિવિધ ભાતની વાનગીઓ ઉપરાંત વિવિધ શાકભાજી પણ હોય છે. આમ,છપ્પન ભોગનો અન્નકુટ ધરવાની પ્રથા અતિ પ્રચલિત છે. તે અન્નકુટનો પ્રસાદ પણ બધે વહેંચવામાં આવે છે. વળી,આજે સવારમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવાય છે, એમાં ગોપાલકોની પ્રતિકૃતિ બનાવાર છે અને ફુલોથી શણગાર કરાય છે. સાંજે તેમની શ્રધ્ધાભાવથી પૂજાવિધિ કરાય છે. વ્રજભૂમિમાં આજે અન્નકુટ અને ગોવર્ધનપૂજાનું અતિ મહત્વ હોય છે. આમ, આજે અન્નકુટ અને ગોવર્ધનપૂજાને લીધે આ દિવસ ખુબ દિપી ઉઠે છે.

અંતે, આપ સર્વને વિક્રમ સંવત 2080 ની શરૂઆતની ખુબ ખુબ શુભકામનાઓ. પ્રભુ આ નવા વર્ષે આપની દરેક મહેચ્છા પુરી કરે અને આપ પ્રગતિના શિખરો ઉત્તરોત્તર સર કરો – આપની જીંદગીમાં આ વર્ષ એક નવું સિમાંકન આંકે એવી ખોબલા ભરીને શુભેચ્છાઓ. જય શ્રીકૃષ્ણ સાથે નવા વર્ષના રામરામ….!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *