Saturday, 27 July, 2024

પાંડુનું મૃત્યુ

208 Views
Share :
પાંડુનું મૃત્યુ

પાંડુનું મૃત્યુ

208 Views

Pandu was happy with Kunti and Madri. Once, he went into the forest for a hunt. There, he saw a deer couple engaged in an act of love. Ignoring whatever they were doing, Pandu killed them with his arrows. They were none other than Sages Kindam and his wife in the form of deers. Sage Kindam cursed Pandu that nobody would hurt animals when they are engaged in love, yet you ignored this fact and used your arrows to kill them for your fun. Now you will face a similar fate. You will die when you will engage in an act of love and that’s not all, your partner will also die. You killed us when we were enjoying our happy moments so you will also die the same way.

Pandu renounced everything and went into the forest. Kunti and Madri also followed. One day, however Pandu lost control of his senses and grabbed Madri. Madri knew about Sage’s curse to Pandu so she requested for restrain but Pandu was overwhelmed with lust. What followed was inevitable. Pandu and Madri both died. Kunti was left to take care of five Pandavas: three of her own son and two of Madri’s.

મૃગયાના વધારે પડતા રસ અથવા શોખવાળા પાંડુએ કુંતી તથા માદ્રીની સંપૂર્ણ સંમતિથી એમની સાથે સ્વેચ્છાથી વનમાં વસવા તથા વિહરવા માંડયું.

રાજપ્રાસાદના રમણીય રસછલેલા સુખોપભોગ પદાર્થોથી ભરપૂર વાસને અને સમુદ્ર શયનોને છોડીને તે વનમાં વસીને રોજ મૃગયાપરાયણ રહેવા માંડયા.

એ હિમાલય પર્વતના દક્ષિણ ભાગમાં વિસ્તરેલા શાલવૃક્ષના વનવાળા પ્રદેશમાં વિચરવા લાગ્યા.

ખડગ, બાણ, ધનુષ અને વિચિત્ર કમનીય કવચને ધારણ કરતા પરમશાસ્ત્રવિદ્ પાંડુને વનવાસી પ્રજા દેવ સમાન સમજતી.

વનમાં દેવરાજ ઇન્દ્રની પેઠે પરમ પ્રસન્નતાપૂર્વક સ્વૈરવિહાર કરનારા પાંડુના જીવનમાં પ્રારબ્ધવશાત્ એક દિવસ આપત્તિ આવી પડી. એનાથી એક ભયંકર ભૂલ થઇ ગઇ અને એને અચાનક શાપના ભોગ બનવું પડ્યું.

એ અભૂતપૂર્વ અસાધારણ ઘટનાપ્રસંગને લીધે એના જીવને નવો વળાંક લીધો.

મૃગો અને સર્પોથી સેવાયેલા અતિવિશાળ આહલાદક અરણ્યમાં ફરતાં ફરતાં પાંડુરાજાએ મૃગોના એક યૂથપતિને મૈથુનકર્મમાં પ્રવૃત થતો નિહાળ્યો.

મૈથુનકર્મ પ્રત્યેક પ્રાણીને માટે સામાન્ય રીતે એક સુખદ કર્મ હોય છે એ વાતને વિસ્મરીને કે જોઇએ એટલું મહત્ત્વ ના આપીને, એણે સોનેરી મૂળવાળાં, સુંદર પાંખના, તીવ્ર ગતિવાળાં પાંચ તીક્ષ્ણ બાણોથી મૈથુનકર્મરત મૃગ તથા મૃગલીને વીંધી નાખ્યાં.

મૃગના સ્વરૂપ સ્વરૂપને ધારીને એક પરમ તેજસ્વી તપોધન ઋષિપુત્ર પોતાની પત્ની સાથે ક્રીડા કરી રહેલો. એણે ધરતી પર ઢળી પડતી વખતે વિલાપપૂર્ણ વાણીમાં કહેવા માંડયું કે કામક્રોધથી ઘેરાયેલા, બુદ્ધિહીન, ઘોર પાપપરાયણ પુરુષો પણ આવા ભયંકર કુકર્મોને નથી કરતા; તો પછી તું તો નિત્ય ધર્મપરાયણ રહેનારા ઉત્તમ કુળમાં જન્મ્યો છે. તો તેં તારી બુદ્ધિને અવિવેકી બનીને શા માટે બગાડી નાખી ? તારે અમારી અવસ્થાનો વિચાર કરીને મૈથુનપ્રવૃત્તિની પરિસમાપ્તિ સુધી પ્રતીક્ષા કરવી જોઇતી હતી. મૈથુનસમય પ્રાણીમાત્રને માટે પરમસુખદાયક તથા ઉપયોગી હોય છે. એ સમય દરમિયાન તેં વિદ્વાન હોવા છતાં અવિવેકી બનીને ખૂબ જ ભારે ઘાતકી કુકર્મ કરી નાખ્યું છે. હું પુરુષાર્થની ફળપ્રાપ્તિરૂપ સંતાનને મેળવવા માટે જ મૈથુનનો આશ્રય લઇ રહેલો. તેં મારી મહેચ્છાને મારી નાખી છે. આ કર્મ અયોગ્ય, ક્રૂર અને નિંદાપાત્ર છે. સનાતન સુખશાંતિરૂપી સ્વર્ગનો નાશ કરનારું, કીર્તિવિરોધી, અધર્મમૂલક છે. તને સ્ત્રીઓ સાથેના સુખોપભોગનો સ્વાનુભવ છે. વળી તું ધર્મશાસ્ત્રોના રહસ્યજ્ઞાનનો જ્ઞાતા છે. છતાં પણ તેં આવું કુકર્મ કર્યું એ આશ્ચર્યકારક અને આઘાતજનક છે. બુદ્ધિ ક્યારે દુર્બુદ્ધિ બને છે તેની ખબર નથી પડતી. હે નૃપશ્રેષ્ઠ, તારે તો કુકર્મપરાયણ, હિંસક, ધર્મ-અર્થ-કામ-મોક્ષથી વિમુખ રહેનારા માનવોને વશમાં રાખવા જોઇએ, ફળમૂળ પર રહેનારા, મૃગવેશવાળા, વનમાં વસનારા, સદા શાંતિપરાયણ, મારા જેવા નિર્દોષ મુનિને મારીને તેં મોટી ભૂલ કરી છે. તેં મને માર્યો હોવાથી હું તને શાપ આપું છું કે તું કામમોહિત બનીને જ્યારે અવશ થશે ત્યારે આવી રીતે આયુષના અંત આણનારા મૃત્યુને પામીશ. હું કિંદમ નામે તપઃપૂત મુનિ છું. માનવોની લજ્જાને લીધે હું મૃગનો વેશ લઇને મૈથુન કરી રહેલો. કામમોહિત થઇને તારી પ્રિયતમા સાથે શરીરસંબંધ કરશે ત્યારે તું પણ આવી જ અવસ્થાની પ્રાપ્તિ કરીશ. જે સ્ત્રી સાથે સમાગમ કરશે તે પણ તારું અનુગમન કરશે. તેં મને મારા સુખની ક્ષણોમાં દુઃખ આપ્યું છે તેમ તું પણ સુખની પવિત્ર પળો દરમિયાન દુઃખ પામશે.

એટલું બોલીને મૃગ મૃત્યુ પામ્યો.

પાંડુને ખૂબ જ દુઃખ થયું. પશ્ચાતાપ પણ થયો.

મૃત મૃગની પાછળ એ બંધુની પેઠે વિલાપ કરવા માંડયો.

પરંતુ અવસર વીતી ગયા પછી વિલાપ કરવાથી શું થાય ? વિવેકી પુરુષ સદબુદ્ધિથી સંપન્ન બનીને જાગ્રત રહીને પ્રથમથી જ એવી રીતે પગલાં ભરે છે કે પાછળથી દુઃખી થવું કે પસ્તાવું નથી પડતું. પોતાની ભૂલને માટે દુઃખી થવાથી કે પશ્ચાત્તાપ કરવાથી જીવનવિકાસમાં મદદ મળે છે ખરી; કોઇ પ્રકારનું નુકશાન નથી થતું, પરંતુ અધિક સારી, ઇચ્છવા જેવી આદર્શ અવસ્થા તો એ છે કે ભૂલ થાય જ નહીં ને દુઃખી થવાનું કે પશ્ચાત્તાપ કરવાનું કારણ જ ના રહે.

પાંડુએ વિચાર્યું કે અશુદ્ધ આત્માઓ, ઉત્તમ શુદ્ધ સંતોના કુળમાં જન્મ્યા હોય તોપણ, કામજાળમાં મોહિત થઇને પોતાના કર્મને લીધે દુર્ગતિ પામે છે. હું મૃગયામાં આસક્ત બનીને આજે દુર્બુદ્ધિનો ભોગ થઇ પડયો. હવે હું મોક્ષ માટે જ પુરુષાર્થ કરીશ. પુત્રાદિ સાંસારિક બંધનો ખરેખર ક્લેશકારક છે. હું તો પિતા વ્યાસની અખંડ બ્રહ્મચર્યવૃતિનું સદા અનુસરણ કરીને અરણ્યમાં એકલો રહીને જીવનને તપશ્ચર્યામાં જોડી દઇશ. વૃક્ષના મૂળને મારું આશ્રયસ્થાન બનાવીશ.

પાંડુએ એકલા જ રહીને અરણ્યમાં જીવનને નિર્ગમન કરવાનો સંકલ્પ કર્યો ત્યારે કુંતી તથા માદ્રીએ પોતાને સાથે રહેવા દેવાની માગણી કરી. પાંડુએ એ માગણીને મંજૂર રાખીને પોતાના અંગ પરના સઘળા અલંકારોને દૂર કર્યા અને કામ, લૌકિક સુખ, રતિપ્રીતિ સઘળું છોડીને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો.

પાંડુના નિર્ણય તથા જીવનપરિવર્તનને જોઇને તેના સાથીઓ અને સેવકો અતિશય દુઃખ પામ્યા.

હસ્તિનાપુરમાં પહોંચીને એમણે સઘળા સમાચાર કહ્યા ત્યારે ધૃતરાષ્ટ્રાદિના શોકનો પાર રહ્યો નહીં. એમની પીડા પરાકાષ્ઠા પર પહોંચી.

ફળ તથા કંદમૂળ પર રહેતા પાંડુએ કુંતી તથા માદ્રી સાથે નાગશત પર્વત પર પ્રયાણ કર્યું. ત્યાંથી ચૈત્રરથ જઇને કાલકૂટ પર્વત પરથી પસાર થઇને હિમાલયને ઓળંગીને ગંધમાદન પર્વત પર પદાર્પણ કર્યું. તે પછી ઇન્દ્રદ્યુમ્ન સરોવર પાસે પહોંચીને હંસકૂટ પર્વતને પાર કરીને શતશૃંગ પર્વત પર જઇને ખૂબ જ તીવ્રતાપૂર્વક તપ કરવા માંડયું. એણે પ્રથમથી જ સંકલ્પ કરેલો કે હું વસતિના સુખ અને અન્નને છોડીશ, વલ્કલને પહેરીશ, ગાઢ વનમાં વિચરીશ તથા તપ કરીશ. પરિમિત આહારથી કૃશ બનીશ. ઠંડી-ગરમીને સહીશ. ક્ષુધા-તૃષાને ગણકારીશ નહીં. તીવ્ર તપથી શરીરને સૂકવી નાખીશ. એકાંતમાં આત્મચિંતનનો આધાર લઇશ. શરીરની પરિસમાપ્તિ સુધી સર્વોત્તમ વ્રત તપને વળગી રહીશ.

પાંડુનો સંકલ્પ અસાધારણ અને અડગ હતો.

ભર્તૃહરિ મહારાજે વૈરાગ્યશતકમાં એક સરસ શ્લોક લખ્યો છે. એનો ભાવાર્થ એવો થાય છે કે ભિક્ષાનું ભોજન છે અને એ પણ એક જ વાર અને રસકસ વગરનું. પૃથ્વી પર પથારી છે. શરીર સિવાય કોઇ બીજા સગાસ્નેહી કે પરિચારક નથી. પહેરવા માટે ફાટેલી તૂટેલી સાંધેલી ગોદડી છે. તોપણ વિષયો છૂટતા નથી.

भिक्षासनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमात्रं;
जीर्णा च खंडशतखंडमयी च कंथा,हा हा तथापि विषया न परित्यजंति.

યોગીરાજ ભર્તુહરિ પોતાના અનુભવના આધાર પર સૂચવવા માગે છે કે બાહ્ય ત્યાગ ગમે તેટલો પ્રબળ હોય તોપણ વિષયવતી વૃત્તિને શાંત કરીને પરમાત્મમયી કરવાની આવશ્યકતા રહે છે. મનને નિર્મળ, નિર્વિષય, ઉદાત્ત બનાવવામાં ના આવે ત્યાં સુધી ત્યાગ, તપ અને એકાંતસેવનનો વાસ્તવિક લાભ અથવા આનંદ નથી મળતો.

પાંડુનો જ્વલંત જીવનવૃત્તાંત એની સાક્ષી પૂરે છે.

એકાંત અરણ્યમાં તીવ્ર તપશ્ચર્યાનો આશ્રય લેવા છતાં પણ પાંડુ પોતાના મનને સંપૂર્ણપણે નિર્વિષય ના કરી શક્યો. માટે તો તેનું આકસ્મિક રીતે જ મૃત્યું થયું.

મહાભારતના આદિપર્વના એકસો પચાસમા અધ્યાયને અનુસરીને કહીએ તો “પાંડુ પોતાના બાહુબળનો આશ્રિત રહીને પર્વતના રમ્ય વિશાળ વનમાં વાસ કરતો. એકવાર વનને પુષ્પપરાગથી ભરનારા, પ્રાણીમાત્રને સંમોહિત કરનારા, ચૈત્રવૈશાખના વસંતઋતુના સોનેરી સમયમાં એ પોતાની પત્ની સાથે વનમાં વિહરી રહેલો. પલાશ, તિલક. આમ્રવૃક્ષ, ચંપક પારિભદ્રક જેવાં ફળફૂલની શોભા સમૃદ્ધિથી સંપન્ન અસંખ્ય વૃક્ષો, વિવિધ જલાશયો તથા પદ્મોથી વીંટળાયલા વનને વિલોકીને એના અંતરમાં કામવિકાર પેદા થયો.”

“શ્વેત વિશુદ્ધ વસ્ત્રોથી સુશોભિત માદ્રી દેવની પેઠે પ્રસન્ન મનથી વિહરતા પાંડુને અનુસરી રહેલી. એ સુંદર સૂક્ષ્મ વસ્ત્રવાળી માદ્રીને જોતાંવેંત જ ગહન વનમાં દાવાનલ ફાટી નીકળે તેમ પાંડુની કામવાસના ભભૂકી ઊઠી. એ કમલલોચનાને એકાંતમાં એકલી જોઇને એ કામથી પરવશ થઇ ગયો. કામના વેગને રોકી શક્યો નહીં. એણે એકાંતમાં ઊભેલી માદ્રીને બળપૂર્વક પકડી લીધી.”

“માદ્રી શાપથી કંપી રહેલી. એ પતિને વારવા લાગી. પરંતુ કામથી સર્વાંગે ઘેરાયલો હોવાથી પાંડુએ શાપનું ધ્યાન ના રાખ્યું, શાપને મહત્વનો ના માન્યો, અને માદ્રી સાથે શરીરસંબંધ કર્યો. વિધિને વશ થયેલા પાંડુએ શાપજન્ય ભયને ગણકાર્યા સિવાય જીવનના અંત માટે કામોપભોગ કર્યો. તેની બુદ્ધિ નાશ પામી. તે પરમ ધર્માત્મા કુરુનંદન પાંડુ પોતાની પત્ની માદ્રી સાથે સમાગમ કરીને શાપના પરિણામરૂપે સત્વર મૃત્યુ પામ્યો.”

“માદ્રી મૃત્યુ પામેલા પાંડુના અંગને આલિંગીને દુઃખના દરિયામાં ડૂબીને પોકારો પાડવા લાગી.”

“કુંતી, તેના પુત્રો અને માદ્રીના બે પુત્રો તેના પોકારોને સાંભળીને ત્યાં આવી પહોંચ્યા.”

“કુંતી પાંડુની પાછળ દેહત્યાગ કરવા તૈયાર થઇ પરંતુ માદ્રીએ એને રોકી. પોતાના પુત્રોની સંભાળ રાખવાની ખાસ ભલામણ કરી, ચિતાગ્નિમાં રહેલા તે નરશ્રેષ્ઠનું તરત જ અનુગમન કર્યું.”

પાંડુ તથા માદ્રી બંનેના શરીર શાંત થયાં.

કવિ કાન્તે પોતાના વસંતવિજય નામના સરસ ખંડકાવ્યમાં પાંડુના એ અંતિમ જીવનપ્રસંગનું અત્યંત રોચક રીતે વર્ણન કર્યું છે. એ કાવ્યનું શીર્ષક સૂચક છેઃ વસંતવિજય. વિચારવિજયને બદલે વિચાર અને વર્તન પર વસંતનો વિજય. જે સંપૂર્ણ સંયમી હોય છે તે વસંત જેવી સઘળી ઋતુઓથી અલિપ્ત રહીને એમનો વિજય કરે છે પરંતુ સહેજ પણ અસંયમી અથવા ગાફેલ હોય છે એના પર ઋતુનો કે વાતાવરણનો વિજય થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *