Saturday, 21 September, 2024

પાંડવોનો અજ્ઞાતવાસ

311 Views
Share :
પાંડવોનો અજ્ઞાતવાસ

પાંડવોનો અજ્ઞાતવાસ

311 Views

{slide=Pandavas in incognito}

Pandavas reached the kingdom of Matsya and entered the city of Virat. Yudhisthir first entered King Virata’s assembly and asked for work. King was impressed by Yudhisthir at the first sight, but he asked for Yudhisthir’s introduction. Yudhisthir introduced himself as a friend of Yudhisthir (!) and an expert dice-player. King Virata immediately liked him and gave him job. King Virata, out of sheer respect and confidence for him, also approved Yudhisthir’s free and unrestricted access to his palace.

Thereafter Bhim, disguised as a cook, appeared in King Virata’s court and asked for suitable work. He introduced himself as a former chef of Yudhisthir and an expert wrestler. King Virata also liked Bhim at the first sight and gave him job in his kitchen. After Yudhisthir and Bhim, next was Draupadi’s turn. 
 

પૂર્વયોજનાને અનુસરીને યુધિષ્ઠિરે વૈડૂર્ય જડેલા સોનાના પાસાઓને વસ્ત્રમાં લપેટીને તથા વસ્ત્રને બગલમાં દબાવીને વિરાટનગરની રાજયસભામાં પ્રવેશ કર્યો.

પરમ યશસ્વી યુધિષ્ઠિર વિરાટરાજા પાસે પહોંચ્યા ત્યારે શક્તિ, સૌન્દર્ય અને અપૂર્વ ઓજસને લીધે અતિશય આકર્ષક દેખાયા.

ઘનઘટાથી ઘેરાયેલા સૂર્ય સરખા અથવા ભસ્મથી ઢંકાયેલા અગ્નિ જેવા યુધિષ્ઠિરને અવલોકીને વિરાટરાજાએ એક પ્રકારના અદમ્ય આકર્ષણનો અનુભવ કર્યો.

એણે પોતાની પાસે બેઠેલા મંત્રીઓને, દ્વિજોને, સૂતોને, વૈશ્યોને અને અન્ય સભાસદોને પૂછયું કે રાજાના જેવાં લક્ષણવાળો સભાની સામે જોઈ રહેલો આ પુરુષ કોણ છે ? આ મહાનુભાવની મુખાકૃતિ પૂર્ણ ચંદ્રના જેવી તેજસ્વી તથા ચિત્તાકર્ષક છે.  એ બ્રાહ્મણ હોય એવું નથી લાગતું. મારી ધારણા પ્રમાણે તો એ અવનીનો અધિપતિ હોવો જોઈએ. એની પાસે કોઈ દાસ, હાથી કે રથ નથી તોપણ એ ઈન્દ્ર જેવો તેજસ્વી લાગે છે. એના અંગ પરનાં લક્ષણો દ્ધારા સૂચિત થાય છે કે એ કોઈક મુગટધારી રાજવી છે. કોઈ મદોન્મત હાથી જેમ કમળના સરોવર પાસે પહોંચે તેમ લેશ પણ વ્યથા અથવા ભય કે સંકોચ સિવાય એ મારી પાસે આવી રહ્યો છે.

યુધિષ્ઠિર એની પાસે પહોંચ્યા અને બોલ્યા કે મારા સર્વસ્વનો નાશ થવાથી હું અહીં આજીવિકા માટે આવ્યો છું. હું અહીં આપની પાસે આપની ઈચ્છાનુસાર રહેવા માગું છું.

વિરાટરાજા યુધિષ્ઠિરને સત્કારીને પૂછયું કે, તમે કયા રાજાના રાજયમાંથી આવ્યા છો ? તમારું નામ અને ગોત્ર શું છે ? તમે કઈ વિદ્યા સિદ્ધ કરી છે ?

યુધિષ્ઠિરે જણાવ્યું કે હું પૂર્વે યુધિષ્ઠિરનો સખા હતો. હું વ્યાઘ્રપાત્ ગોત્રનો વિપ્ર છું. હું દ્યુતક્રીડામાં પાસા નાખવાની કળામાં કુશળ છું અને કંકના નામથી પ્રખ્યાત છું.

રાજાએ કહ્યું કે તમને હું તમારી ઈચ્છા પ્રમાણે વરદાન આપું છું. તમે મત્સ્યદેશ પર શાસન કરો. હું તમારે આધીન છું. મને દ્યુત રમનારા જુગારીઓ સદા માટે પ્રિય છે. તમે આ રાજયને માટે યોગ્ય છો.

યુધિષ્ઠિરે વિરાટરાજાની વાતથી પ્રસન્ન બનીને જણાવ્યું કે એકવાર દ્યુતમાં શરત બક્યા પછી હારનારા પુરુષ સાથે મારે કોઈ પ્રકારનો વિવાદ ના થવો જોઈએ. હારેલો પુરુષ મારી પાસેથી તેના જીતાયેલા ધનને લઈ જાય નહિ.

વિરાટરાજાએ નિર્ભયતાની બાંયધરી આપતાં સ્પષ્ટીકરણ કર્યું કે જે તમારું અપ્રિય આચરશે તેનો હું નાશ કરીશ. જો તે બ્રાહ્મણ હશે તો તેને દેશપાર કરીશ. હે પ્રજાજનો, તમે સૌ સાંભળો. આજથી આ કંક પણ મારી જેમ જ આ દેશનો સ્વામી છે. કંક, તમે મારા સખા છો. તમને મારાં વાહનો જેવાં જ વાહનો, પુષ્કળ વસ્ત્રો તથા આહારવિહારની સામગ્રી મળશે. તમે બહારનાં અને અંતઃપુરની અંદરના કામોને સદા જોતા રહેજો. તમારે માટે મેં મારા રાજપ્રાસાદદ્વારને ખુલ્લું મૂક્યું છે. તમને કોઈપણ સ્થળે જતા રોકવામાં નહિ આવે. આજીવિકાના કષ્ટને ભોગવતા જે માનવો તમને મળે ને વાત કરે તેમની તમે મને માહિતી આપજો એટલે એમને હું બનતી બધી રીતે મદદ કરીશ. એ સંબંધી કોઈ પ્રકારનો સંશય ના રાખશો અને મારી આગળ કશો ભય ના સેવશો.

યુધિષ્ઠિરે વિરાટરાજા સાથે સમાગમ કરીને તેની પાસેથી એ પ્રમાણે વરદાન મેળવ્યું. પછી પરમ સન્માન પામેલા એમણે ત્યાં સૂખપૂર્વક રહેવા માંડ્યું. કોઈ પણ મનુષ્ય એમના અજ્ઞાતવાસ વિશેના એ ચરિત્રને જાણી શકયો નહિ.

પછી ભયંકર બળવાળો, કાંતિથી ઝગઝગતા સિંહના વિલાસ જેવા પરાક્રમવાળો અને ગિરિરાજ મેરુના જેવા સુદૃઢ શરીરવાળો ભીમસેન કાળાં વસ્ત્રોને ધારણ કરીને તથા હાથમાં કડછી, તાવેથો તેમજ ખુલ્લો ને ચળકતો ગજવેલનો છરો લઈને, રસોઈયાના વેશે, એ મસ્ત્યરાજ પાસે આવીને ઊભો રહ્યો. તે સૂર્યની જેમ પોતાના ઉત્તમ તેજથી આ લોકને જાણે કે પ્રકાશિત કરી રહ્યો હતો.

તેને જોઈને વિરાટરાજે એકઠા મળેલા પ્રજાજનોને હર્ષ પમાડતાં કહ્યું કે સિંહના જેવા ઊંચા ખભાવાળો, અત્યંત, સૌન્દર્યસંપન્ન શ્રેષ્ઠ નંદી જેવો આ યુવાન કોણ છે ? સૂર્ય જેવા આ પુરુષને મેં પૂર્વે જોયો નથી. આ નરસિંહે એના મનમાં શું ધાર્યું હશે તેની પણ હું સાચી કલ્પના નથી કરી શકતો. એને જોતાં જ મને વિચાર આવે છે કે, આ કોઈ ગંધર્વરાજ હશે કે ઈન્દ્ર હશે. એટલે હે નગરજનો ! આ મારી સામે કોણ ઊભો છે તેની તમે તપાસ કરો. તેની જે ઈચ્છા હોય તે તત્કાળ પૂરી થાય.

વિરાટરાજની આજ્ઞા પામીને એના જેવી શીઘ્ર ગતિવાળા પુરુષો ભીમસેન પાસે ગયા અને તેને વિરાટરાજના કહેવા પ્રમાણે પૂછયું.

મોટા મનવાળો ભીમ વિરાટરાજા પાસે ગયો અને તેને કહેવા લાગ્યો કે નરેન્દ્ર ! હું બલ્લવ નામનો રસોઈયો છું. ઉત્તમ શાકભાજી બનાવી શકું છું. તો તમે મને તે કામ પર રાખો.

વિરાટરાજાએ જણાવ્યું કે તું રસોઈયો છે એની મને શ્રધ્ધા નથી થતી. તું તો સહસ્ત્રલોચન ઈન્દ્રના જેવો શોભે છે. વળી તારાં તેજ, રૂપ અને પરાક્રમથી તું નરોમાં કોઈ મહાન નર હોય તેવો ઝળકે છે.

ભીમ બોલ્યો કે નરેશ ! હું રસોઈયો છું અને તમારી સેવા કરવા આવ્યો છું. મને સૂપ બનાવતાં સરસ આવડે છે. પૂર્વે યુધિષ્ઠિરરાજાએ મારી બનાવેલી સર્વ વાનગીઓના  સ્વાદ લીધા છે. બળમાં અને મલ્લયુદ્ધમાં કોઈ કયારેય મારો બરોબરિયો નથી. અરે ! સિંહો અને હાથીઓ સાથે પણ મેં ભેટો કર્યો છે. હે નિષ્પાપ ! હું તમારું સદૈવ પ્રિય કરીશ.

વિરાટરાજાએ કહ્યું કે હું તારું ઈચ્છેલું વરદાન આપું છું. તું જેવું બોલે છે તેવું કામ કરજે. બાકી એ કામ તારે માટે લાયક હોય એમ તો હું નથી માનતો. તું તો સમુદ્ર સુધીની ધરતીનો અધિપતિ થવાને યોગ્ય છે. આમ છતાં મેં તારી ઈચ્છા પ્રમાણે કર્યું છે. તો તું મારા રસોડામાં મુખ્ય અધિષ્ઠાતા થા. આ પહેલાં ત્યાં જે માણસો નિમાયેલા છે તે સૌનો હું તને અધ્યક્ષ નીમું છું.

એ પ્રમાણે ભીમ પાકશાળામાં નિમાયો ને વિરાટરાજાનો અત્યંત પ્રિય થયો. તે વિરાટદેશ રહેવા લાગ્યો તોપણ બીજા માણસો તેમજ ત્યાંના રાજસેવકો તેને જાણી શકયા નહિ.

યુધિષ્ઠિર તથા ભીમસેન વિરાટરાજાને ત્યાં સુરક્ષિત રીતે ગોઠવાઈ ગયા પછી દ્રૌપદી એમનો આશ્રય શોધવા માટે તૈયાર થઈ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *