Friday, 20 September, 2024

પાંડવોનો જન્મ

237 Views
Share :
પાંડવોનો જન્મ

પાંડવોનો જન્મ

237 Views

With Sage Kindam’s curse, Pandu was unable to engage in an act of love so there was no possiblity of continuing their lineage. At that time, Kunti reminded him that she had a boon from Sage Durvasa by which she can have a son from choice of her diety. Pandu consented her and advised to desire of Dharma. With Dharma, Kunti became mother of Yudhisthir. Then she invited Vayu deva (Wind God), with whom she became mother of Bhima. For having an extraordinary son Pandu performed penance and pleased Indra to bless them. Indra then blessed Kunti with a son. Thus Arjuna was born, who later became an unparalled archer of that time.

Madri however was still without son. Pandu advised her to perform penance. She desired of Ashwinikumars and perfomred penance. As a result she had twins – Nakul and Sahdev, who were handsome like Ashwinikumars.  Thus five sons of Pandu, better known as Pandavas, were born.

સામાજિક મૂલ્યો સમય સમય પર બદલાતાં જાય છે. નિયમોના બાહ્ય માળખામાં સમયોચિત ફેરફારો થતા રહે છે.

મહાભારતના તટસ્થ અધ્યયનના પરિણામે એવી ઉપલક છાપ પેદા થાય છે.

મહાભારત કાળમાં નીતિનિયમોનું બંધારણ જુદું હતું. એ વખતની લૌકિક સામાજિક હવા જુદી હતી.

આજે કોઇ પતિ પોતાની પત્નીને પુત્રેચ્છાથી પ્રેરાઇ ને, તે ઇચ્છાને સંતોષવા માટે, અન્ય પુરુષ સાથે શરીરસંબંધ કરવાની અનુમતિ આપી શકે ? અને એવી અનુમતિ આપે તોપણ પત્ની એને અનુસરે ! સત્યવતીએ વિચિત્રવીર્યની સ્ત્રીઓ દ્વારા પુત્રોની ઉત્પત્તિ કરવા મહર્ષિ વ્યાસને બોલાવીને પ્રાર્થના કરી અને મહર્ષિ વ્યાસે તે પ્રાર્થનાને સ્વીકારી; વિચિત્રવીર્યની સ્ત્રીઓએ પણ મને કે કમને સત્યવતીની સલાહને અથવા ઇચ્છાને, માન્ય રાખીને મહર્ષિ વ્યાસ સાથે સમાગમ કર્યો; એવું આપણા જમાનામાં બની શકે ? તેની કલ્પના પણ કોઇ કરી શકે ? ધારો કે કોઇ એવી કલ્પના કરીને એને અનુસરે તો તે સામાજિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ હિતાવહ ગણાય ? વર્તમાન સમયમાં તેની ટીકા કે નિંદા અને જાહેર આલોચના થયા સિવાય રહે ? તે કાર્યને સારું, ઉત્તમ અથવા આદર્શ ગણાય અને વધાવી લેવાય ? મહાભારતકાળમાં તથા મહાભારત મહાગ્રંથમાં તેની ટીકાનિંદા નથી થઇ. તેના પર વિરોધી નોંધ પણ નથી લખવામાં આવી. એથી ઊલટું, એનાથી આગળ વધીને એવા કાર્યને સહજ સમજીને સત્કારવામાં આવ્યું છે એ એ જમાનાની તાસીર બતાવે છે.સામાજિક પરિસ્થિતિનો પ્રવાહ તે વખતે કેવો હતો તે દર્શાવે છે. એ પ્રવાહ સહજ હોવાથી કોઇએ કોઇના પર દોષારોપણ નથી કર્યો.

મહાભારતના વાચન મનન પરથી લાગે છે કે એ વખતના લગ્નજીવનમાં પુત્રપ્રાપ્તિની વાતને અત્યધિક અગત્યની ગણવામાં આવતી. સંતાનની પ્રાપ્તિ સિવાય જીવનમાં કાંઇક મહત્વનું ખૂટે છે, તે જીવનનું સાર્થક્ય અધૂરું રહે છે એવું સમજાવવામાં આવતું. એ સંદર્ભમાં, એવી વૈચારિક પૂર્વભૂમિકા સાથે પાંડવોના પ્રાદુર્ભાવના મહાભારતોક્ત વૃત્તાંતને વાંચવાથી અલ્પ પણ આશ્ચર્ય નહિ થાય. એ કથાવૃત્તાંત તત્કાલીન પરિસ્થિતિના પરંપરાગત પ્રવાહ સાથે સુસંગત જ લાગશે.

પાંડવોના પ્રાદુર્ભાવ પાછળ પાંડુ તથા કુંતીની પુત્રપ્રાપ્તિની ભાવના જ કામ કરી રહેલી.

પાંડુએ એ ભાવનાને કુંતી આગળ રજૂ કરીને પ્રજનન કાર્ય માટે પોતાની અશક્તિ દર્શાવીને પુત્રપ્રાપ્તિ માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા કહ્યું ત્યારે કુંતીએ કૌમાર્યાવસ્થા દરમિયાન પોતે કરેલી દુર્વાસા ઋષિની સેવાના સુફળરૂપે સાંપડેલા વરદાનની ને મંત્રદાનની વાત કરી. કુંતીએ જણાવ્યું કે તે ભગવાને મને કહેલું કે આ મંત્રથી તું જે દેવને બોલાવશે તે સકામ હશે કે નિષ્કામ હશે તોપણ તને વંશ થશે. તે તે દેવના અનુગ્રહથી તને પુત્ર થશે. એમનું વચન સત્ય છે. એને માટેનો સુયોગ્ય સમય આવી ગયો છે. તમારી આજ્ઞા અથવા અનુમતિથી હું મંત્રપ્રયોગ દ્વારા દેવોને બોલાવીશ અને આપણે માટે પુત્ર પામીશ. તમે જેમને કહેશો તે દેવને હું પ્રથમ બોલાવીશ.

પાંડુએ એને સૌથી પ્રથમ ધર્મરાજને બોલાવવાની સૂચના કરીને જણાવ્યું કે ધર્મે પ્રદાન કરેલો તે પુત્ર ધાર્મિક થશે. એનું મન અધર્મમાં કદી પણ નહિ રમે.

એ વાર્તાલાપ પરથી પ્રતીત થાય છે કે એમની પ્રવૃત્તિની પાછળનું પ્રમુખ પ્રેરક પરિબળ કામવાસના કે શારીરિક સુખોપભોગ ન હતું કિન્તુ કર્તવ્યના અનુષ્ઠાનનું હતું.

કુંતીએ દુર્વાસા મુનિએ આપેલા મંત્રનો ઉપયોગ કરીને ધર્મરાજને બોલાવ્યા. એમના સંયોગથી એને પુત્રરત્નની પ્રાપ્તિ થઇ.

ચંદ્ર જ્યેષ્ઠ નક્ષત્રમાં હતો. અભિજિત મુહૂર્ત. સૂર્ય મધ્યાકાશમાં. ત્યારે તે પુત્રના પ્રાદુર્ભાવ સાથે આકાશવાણી થઇ કે પાંડુનો આ પ્રથમ પુત્ર ધાર્મિકોમાં શ્રેષ્ઠ, નરોત્તમ, વિક્રમયુક્ત, સત્યવાદી તથા રાજા થશે. યશ, તેજ, વ્રતથી સંપન્ન બનશે ને યુધિષ્ઠિરના નામથી ઓળખાશે. ત્રણે લોકમાં ખ્યાતિ પામશે.

પાંડુના કહેવાથી કુંતીએ બીજી વાર મંત્રપ્રયોગ કરીને વાયુદેવનું આવાહન કર્યું. વાયુદેવ મૃગ પર બેસીને આવી પહોંચ્યા. એમણે પોતાને બોલાવવાનું કારણ પૂછયું એટલે કુંતીએ મહાકાય, પરમ સામર્થ્યવાન, સૌના અભિમાનનો અંત આણનારા, ખૂબ જ બળવાન પુત્રની માગણી કરી. એના પરિણામે ભીમનો જન્મ થયો અને આકાશવાણી સંભળાઇ કે આ બાળક સઘળા બળવાનોમાં શ્રેષ્ઠ  થશે.

એક વાર કુંતીના ખોળામાં ભીમ સૂતેલો ત્યારે વાઘને નિરખીને કુંતી તરત જ ઊભી થઇ ગઇ. ખોળામાં સૂતેલા ભીમનું તેને સ્મરણ રહ્યું નહીં. વજ્રકાય ભીમે પાસેના પર્વત પર પડીને તેના ટુકડા કરી નાખ્યા. એ દેખીને પાંડુને નવાઇ લાગી.

સંસારમાં સૌથી શ્રેષ્ઠ અને આદર્શ પુત્રરત્નની પ્રાપ્તિ માટે પાંડુએ સંકલ્પ કરીને મહર્ષિઓ સાથે મંત્રણા આદરીને કુંતીને શુભ સંવત્સર વ્રત કરવાની ભલામણ કરી. દેવોના દેવ ઇન્દ્રની પ્રસન્નતા મેળવવા માટે એણે પોતે પણ પ્રતિદિન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સમાધિમગ્ન બનીને તીવ્ર તપ કરવા માંડયું. એથી પ્રસન્ન બનીને ઇન્દ્રે ત્રિભુવનમાં પ્રખ્યાત, ગૌબ્રાહ્મણ અને સુહૃદોનો અર્થસાધક, દુષ્ટાત્માઓને શોકિત અને પુણ્યાત્માઓને પ્રસન્ન કરનારા, શત્રુઓને સંહારનાર પુત્રને પ્રદાન કરવાની તૈયારી બતાવી.

પાંડુએ પ્રસન્ન બનીને કુંતીને ઇન્દ્રનું આવાહન કરવા અને એવા સુપુત્રની માગણી કરવા જણાવ્યું. કુંતીએ દેવરાજ ઇન્દ્રનું આવાહન કરવાથી એને અર્જુનની પ્રાપ્તિ થઇ. અર્જુનના જન્મ સમયે ગગન ને ગજવતી જે ગેબી વાણી થઇ તેને સર્વ આશ્રમવાસીઓએ તથા ભૂતોએ સાભળી. એ વાણીએ જણાવ્યું કે કુંતી, આ પુત્ર કાર્તવીર્ય જેવો વીર્યવાન શિવસમો પરાક્રમી, ઇન્દ્ર જેવો અજેય બનશે. વંશને વિસ્તારશે. વિષ્ણુએ પૂર્વે અદિતિની પ્રીતિને વધારેલી તેમ આ પુત્ર તારી પ્રીતિને વધારશે. મન્દ્ર દેશને, સોમક સાથે કુરુદેશને, ચેદિ કાશી અને કરુષ દેશોને તાબે કરશે. કૌરવ વંશની રાજ્યલક્ષ્મીને ધારણ કરશે. અગ્નિ એના બાહુબળથી ખાંડવ વનમાં તૃપ્તિ પામશે. એ મહાબળવાન ગ્રામવાસીઓને તથા મહીપાલોને જીતીને ત્રણવાર અશ્વમેઘ યજ્ઞો કરશે. એ પુત્ર પરશુરામ અને વિષ્ણુ જેવો પરમ પરાક્રમી બનશે. યુદ્ધમાં મહાદેવ શંકરને પ્રસન્ન કરશે. એમની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવશે. ઇન્દ્રના આદેશથી દેવોનો દ્વેષ કરનારા નિવાતકવચ નામના દૈત્યોનો નાશ કરશે. સઘળાં અલૌકિક અસ્ત્રોને પ્રાપ્ત કરશે અને ગયેલી લક્ષ્મીને પાછી મેળવશે.

પાંડુએ પુત્રપ્રાપ્તિના લોભથી કુંતીને ફરીવાર મંત્રપ્રયોગ માટે સૂચવ્યું ત્યારે કુંતીએ કહેલા શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે. એ શબ્દો દર્શાવે છે કે કુંતી કામુક કે વિલાસી નહોતી પરંતુ સંપૂર્ણ જાગ્રત તથા કર્તવ્યનિષ્ઠ હતી. એણે જણાવ્યું કે શાસ્ત્રકારો ચોથા પ્રસવને આપત્કાળમાં પણ ઉચિત નથી ગણતા. ચોથી વારના પ્રસવવાળી સ્ત્રી સ્વૈરિણી કહેવાય છે ને પાંચમી વાર વેશ્યા મનાય છે. તમે એ જાણો છો તોપણ મંત્રપ્રયોગને માટે આગ્રહ શા માટે કરો છો ?

કુંતીની એ દૃષ્ટિ તથા વિચારસરણીને સૌ કોઇ અનુસરે તો વસતિવધારાનો પૂરઝડપે વધી રહેલો પ્રશ્ન આપોઆપ હળવો બને અને ઊકલે એવું નથી લાગતું?

પાંડુએ એ પછી કોઇ પ્રકારનો આગ્રહ ના કર્યો.

પરંતુ માદ્રીને નિસ્સંતાન હોવાનું અસાધારણ દુઃખ રહેતું હોવાથી, એ દુઃખને દૂર કરવા માટે પાંડુના કહેવાથી એણે માદ્રીને કોઇ એક દેવનું ચિંતન કરવા જણાવ્યું.

માદ્રીએ ચોક્કસ રીતે વિચારીને બે અશ્વિનીકુમારોનું સ્મરણ કર્યું.

એના પરિણામે છેવટે એને બે પુત્રો થયા. બે જોડિયા પુત્રો નકુલ અને સહદેવ.

રૂપવાનોમાં અજોડ કહી શકાય એવા એ પુત્રોના પ્રાગટય વખતે પુનઃ આકાશવાણી થઇ કે રૂપ, ગુણ તથા સત્વથી સંપન્ન આ સુકુમારો અશ્વિનીકુમારોથી અધિક થશે અને સુંદરતા તથા તેજથી પ્રકાશશે.

પાંડવો એકેક વરસના અંતરે જન્મેલા. એમને દેખીને પાંડુને પરમ સંતોષ થયો. પરમાનંદ મળ્યો.

દિવસે દિવસે એ વધવા લાગ્યા.

પાંડવોના જન્મની એ અદભુત મહાભારતકથાને જાણીને કોઇને પ્રશ્ન થશે કે કુંતીને ને માદ્રીને મંત્રપ્રયોગથી તે તે દેવના આશીર્વાદને લીધે પાંડુ દ્વારા જ પુત્રોની પ્રાપ્તિ થઇ એવું માનીએ તો ? એવું માનવામાં હરકત નથી પરંતુ પાંડુ પુત્ર માટે અયોગ્ય છે એવું પ્રથમ જ કહેવાયું છે. એ ઉપરાંત, કર્ણના જન્મની કથા પણ લક્ષમાં લેવાની છે. કુંતી કુંવારી માતા બનીને કર્ણને પામી અને દેવોના અમોલ આશીર્વાદથી માદ્રી સાથે પાંડુ દ્વારા બીજા પાંડવોને પામી એવું માનીએ તોપણ પાંડુને પાંડવોના જન્મ પહેલાં મળેલા શાપની વાત તો રહે જ છે. તેની સંગતિ બેસાડવા એ શાપ પાંડવોના જન્મ પછી મળ્યો એવી નવી વાત ઉપજાવવી પડે.

જે થયું, થાય છે, થશે તે બધું આપણી પ્રકૃતિ, સમજ કે રુચિ પ્રમાણેનું ના પણ હોય તોપણ સ્વીકારવું રહે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *