Sunday, 22 December, 2024

પરીક્ષિતની શંકા અને રાધાનો ઉલ્લેખ

326 Views
Share :
પરીક્ષિતની શંકા અને રાધાનો ઉલ્લેખ

પરીક્ષિતની શંકા અને રાધાનો ઉલ્લેખ

326 Views

બધા મનુષ્યોના મન એકસરખા ક્યાંથી હોય ? ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ એ ઉક્તિ પ્રમાણે મનુષ્યોના વિચારો અને અભિપ્રાયો જુદા પડે છે. વર્તમાનકાળની જેમ ભૂતકાળને માટે પણ એ હકીકત સાચી છે. પરીક્ષિતે એનો પુરાવો પૂરો પાડ્યો છે. રાસલીલાની અત્યાર સુધીની વાત શાંતિથી સાંભળ્યા પછી એણે એક શંકા કરી. એ શંકા ભગવાન કૃષ્ણની પવિત્રતા વિશે ન હતી; એમના ગોપિકાઓ સાથેના સ્નેહસંબંધની પણ ન હતી; એનું ક્ષેત્ર જરાક જુદું હતું. એને રજૂ કરતાં પરીક્ષિતે જણાવ્યું કે ભગવાન કૃષ્ણે બલરામ સાથે ધર્મની રક્ષા, સ્થાપના અને અધર્મના નાશ માટે અવતાર લીધેલો, તે છતાં ધર્મની મર્યાદાની વિરુદ્ધ પરસ્ત્રીનો સ્પર્શ શા માટે કર્યો ? એમણે પોતે પૂર્ણકામ હોવા છતાં લોકવિરુદ્ધ કર્મ શા માટે કર્યું ?

પરીક્ષિતની શંકાનો ઉત્તર ભગવાન કૃષ્ણની આજ સુધીની જીવનકથા પરથી સહેજે મળી રહે છે. કૃષ્ણે ગોપિકાઓને આપેલા વચનને લક્ષમાં લઇને જ એમની સાથે નિર્દોષ રાસલીલા કરેલી. એ વખતની એમની ઉદાત્ત આત્મનિષ્ઠાનું વર્ણન આગળ પર આવી ગયું છે. એના પરથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે એ કોઇ કુકર્મ નહોતું. ધર્મની મર્યાદાની વિરુધ્ધનું કર્મ પણ નહોતું. છતાં પણ પરીક્ષિતની શંકાનું સમાધાન શુકદેવે જરાક જુદી રીતે કરવાનો પ્રયાસ કર્યો છે. સંત તુલસીદાસે રામાયણમાં કહ્યું છે કે ‘સમરથકો નહિ દોષ ગોસાંઇ’. જે સમર્થ હોય છે તેને કશો દોષ નથી હોતો. શુકદેવજીએ જણાવ્યું કે અગ્નિ સર્વભક્ષી હોવા છતાં પદાર્થોના દોષોથી અલિપ્ત રહે છે. એ વાત સૂર્યને પણ લાગુ પડે છે. એ સૌને પ્રકાશ પહોંચાડે છે તે છતાં સૌની અસરથી પર રહે છે. ભગવાન શંકરે વિષપાન કરવા છતાં એની અસરથી મુક્તિ મેળવી. પરંતુ બીજું કોઇ એમનું અનુકરણ કરવા જાય તો નાશ નોતરે. ભગવાનની લીલાઓને સ્થૂળ દૃષ્ટિથી, ઉપર ઉપરથી નથી જોવાની પરંતુ એમના હાર્દને ઓળખીને એમાંથી જરૂરી પ્રેરણા મેળવીને જીવનને વધારે ને વધારે ભગવદ્દાભિમુખ બનાવવાનું છે. એમનો સાચો અને મુખ્ય લાભ એ જ છે.

કેટલેક ઠેકાણે ભગવાન કૃષ્ણની રાસલીલાની નકલ કરવામાં આવે છે. એમાંથી કેટલીક વાર ભ્રષ્ટાચાર પણ પોષાય છે. ભગવાનની લીલાઓની એવી નકલ હાનિકારક હોવાથી એને આવકારદાયક ના કહી શકાય. લીલાની નકલ કરવી જ હોય તો પછી આંશિક લીલાની શા માટે કરવી, પૂરી લીલાની શા માટે ના કરવી ? ભગવાને તો કાલિયમર્દન, ગોવર્ધનધારણ અને અસુરોના નાશની બીજી લીલાઓ પણ કરેલી. એ કરવાની શક્તિ કોનામાં છે ? માટે સગવડિયા લીલાઓ કરવાનું બંધ કરીને એ લીલાઓને એમની લીલાઓ માનીને, એમાંથી જીવનોપયોગી સાર ગ્રહીને, એમના આદેશને જ અનુસરવું જોઇએ. એ જ પધ્ધતિ કલ્યાણકારક થઇ પડશે.

રાસલીલાનું ચિંતનમનન તથા શ્રવણ શરીરવાસના તથા કામુકતામાંથી મુક્તિ મેળવીને, પવિત્રતામાં પ્રતિષ્ઠિત થઇને, ભગવાનની ભક્તિને જગાવવા તથા વધારવા માટે છે. માટે તો એનો ઉપસંહાર કરતાં શુકદેવે કહ્યું છે :

विक्रीडितं व्रजवधुभिरिदं च विष्णोः श्रद्दान्वितोङनुश्रृणुयादृथ वर्णयेद् यः ।
भक्तिं परां भगवति प्रतिलभ्य कामं हृद्रोगमाश्वपहिनोत्यचिरेण धीरः ॥ (અધ્યાય 33, શ્લોક ૪0)

‘પરીક્ષિત ! જે પુરુષ વ્રજસુંદરીઓ સાથેની ભગવાન કૃષ્ણની આ અલૌકિક રસમય રાસક્રીડાને શ્રદ્ધાભક્તિપૂર્વક સાંભળે છે તથા વર્ણવે છે તે ભગવાનની ઉત્તમોત્તમ ભક્તિને પ્રાપ્ત કરે છે અને એના પ્રભાવથી કામવાસનારૂપી હૃદયરોગમાંથી વધારે વખત વીતે તે પહેલાં જ છૂટી જાય છે. એ ધીર ને વીર પુરુષ પવિત્રતામાં પ્રતિષ્ઠિત થાય છે.’

એ શ્લોકમાં કૃષ્ણને માટે વિષ્ણોઃ શબ્દનો પ્રયોગ કરીને એ ભગવાન છે ને સ્વભાવથી જ પવિત્ર છે એ ભાવોનું સૂચન કરવામાં આવ્યું છે. એ સૂચન ખાસ યાદ રાખવાનું છે.

0                                    0                                   0

જેના પવિત્ર પ્રેરક પતિતપાવન નામની સાથે કૃષ્ણજીવનની આટલી બધી કથાવાર્તાઓ સંકળાયેલી છે અને એના પરથી લેખકો, કવિઓ, ચિત્રકારો, શિલ્પીઓ, ભક્તો તથા કથાકારોને આટલી બધી પ્રેરણા સામગ્રી સાંપડી છે તે રાધાના નામનો ઉલ્લેખ અત્યાર સુધીના કૃષ્ણજીવનમાં કે ભાગવતમાં ક્યાંય કરવામાં આવ્યો છે ખરો ? તટસ્થ રીતે કહેવું હોય તો કહી શકાય કે ના. છતાં પણ એનો ઉલ્લેખ પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે પણ કરાયો છે એવું કેટલાક ભક્તો, આચાર્યો અને અભ્યાસીઓ માને છે. એમની માન્યતા નિરાધાર નથી. એ માન્યતા પાછળ ભાગવતનો આધાર છે. રાસલીલા પહેલાં ભગવાન કૃષ્ણ અદૃશ્ય થાય છે ને ગોપીઓ એમને શોધવા નીકળે છે ત્યારે એમનાં ચરણચિહ્નો સાથે જમીન પર કોઇક વ્રજયુવતીનાં ચરણચિહ્નોને નિહાળે છે. એ નિહાળીને અનુમાન કરે છે કે ‘આપણને છોડીને જે બડભાગિની સ્ત્રીની સાથે કૃષ્ણ એકાંત વનમાં ગયા છે તે સ્ત્રી એમની આરાધિકા હશે.’ એ કહે છે :

अनयाङङराधितो नूनः भगवान हरिरीश्वरः ।
यन्नो विहाय गोविंदः प्रीतो यामनयद् रहः ॥ (અધ્યાય 30, શ્લોક ૨૮)

ભગવાન ગોપીઓની આગળ પુનઃ પ્રકટ થાય છે ત્યારે એ સ્ત્રીને લગભગ ભૂલી જવાઇ છે. એ વખતે એનો ઉલ્લેખ કે નામનિર્દેશ કરવામાં આવ્યો હોય તો કશું ખોટું ના થાત. બલકે યુક્તિસંગત, યોગ્ય કે કળાત્મક કહેવાત. કદાચ એ મુદ્દો ભગવાન કૃષ્ણના ભક્તિભાવમાં ડૂબેલા ભાગવતકારના ધ્યાનમાં નહિ રહ્યો હોય. પરંતુ ભાગવત રસિકોએ એટલા ઉલ્લેખ પરથી એ સ્ત્રીને રાધિકા કે રાધા કહી છે. એણે ભગવાન કૃષ્ણને આરાધેલા એથી એ રાધા.

0                                      0                                          0

ગોપીઓના પ્રખર પુણ્યોદયના પરિણામે ભગવાન કૃષ્ણે એમની સાથે રસરાસ રમીને એમને અનંત આનંદ આપ્યો. એ પછી એમની સાથે યમુનામાં સ્નાન કરીને વિહાર કર્યો. ભગવાનનો સાક્ષાત્કાર અથવા અનુગ્રહ થયા પછી સાધક એવી રીતે શાશ્વત શાંતિની સરિતામાં સ્નાન કરે છે. એનું જીવન જ્યોતિર્મય ને શરીરધારણ સાર્થક અને ધન્ય બને છે. ગોપીઓ કૃષ્ણ કૃપાથી જીવનની ધન્યતાનો અનુભવ કરવા લાગી. એમની મનોકામના પૂરી થઇ. ધન્ય એ વ્રજ, ધન્ય એ કૃષ્ણ, ને ધન્ય એ ગોપી ! ભગવાન કૃષ્ણ તો દસમા સ્કંધના બત્રીસમા અધ્યાયના બીજા શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું છે તેમ ‘સાક્ષાત્ મન્મથમન્મથઃ’ હતા. કરોડો કામદેવો પણ એમને કશું કરી શકે તેમ ન હતા. પરંતુ ગોપીઓ પણ પરમ પવિત્ર પ્રેમની પ્રતિમાઓ હતી. એમની અંદર કામવાસનાનો લેશ પણ નહોતો. જગતને એમણે એમના જીવન દ્વારા પવિત્ર પ્રેમનો ને ભગવાનની સમજપૂર્વકની સુદૃઢ શ્રદ્ધાભક્તિનો પાઠ પૂરો પાડ્યો. એમની જેમ જે ભગવાનને માટેના સર્વસમર્પણભાવથી સંપન્ન બને છે તે જીવનને ધન્ય કે કૃતકૃત્ય કરે છે. ‘सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज’ ગીતાના અઢારમા અધ્યાયના છાસઠમાં શ્લોકની એ પંક્તિનો પ્રતિધ્વનિ એ ગોપીઓની પ્રવૃત્તિમાં પડે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *