પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
By-Gujju03-10-2023
પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
By Gujju03-10-2023
શરદત્રકતુમાં કુદરત પ્રફુલ્લ વદને સ્મિત વેરે છે. ખેતરોમાં રેલાતો સોનેરી રંગનો તડકો અને હવાથી ડોલતી ફસલ રમણીય દેખાય છે. શરદપૂનમની શીતળ ચાંદની આપણને પ્રકૃતિના રમ્ય સ્વરૂપનાં દર્શન કરાવે છે. જુવાનિયાઓ દાંડિયારાસની રમઝટ રેલાવીને કુદરતના સૌંદર્યને માણે છે. વસંતઋતુમાં ખીલી ઊઠેલાં પુષ્પો અને ડાળીએ ડાળીએ ફૂટતી કૂંપળો દ્વારા કુદરતનું મનોહર સ્વરૂપ પ્રકટ થાય છે.
વર્ષાઋતુમાં કુદરતનું રમ્ય સ્વરૂપ ઉધાડ પામે છે. ખળખળ વહેતાં ઝરણાંનો કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, ક્યારેક આકાશને સપ્તરંગે રંગી દેતું મેઘધનુષ, મયુરોનું મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરેમાં પ્રકૃતિનો મનોહર ચહેરો જોવા મળે છે. રાતના અંધકારમાં ટમટમતા તારલા, ઝબુક ઝબૂકે થતા આગિયા અને આકાશગંગાની આભા પણ કુદરતના રમ્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રકૃતિના હાસ્ય વેરતાં આવાં રમણીય સ્વરૂપો આપણને સ્વર્ગીય આનંદ આપે છે.
પ્રકૃતિનું એક સ્વરૂપ રમ્ય છે, તો બીજું રુદ્ર સ્વરૂપ પણ છે. પ્રકૃતિ આપણને ક્યારેક તેના રૌદ્ર સ્વરૂપનો પણ અનુભવ કરાવે છે. વર્ષાઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. પૂરનાં પાણી. ગામો અને ખેતરોમાં ફરી વળે છે. પરિણામે જાનમાલનું ભારે નુકસાન થાય છે. ક્યારેક વર્ષાઋતુ વરસ્યા વિના જ પસાર થઈ જાય છે, ત્યારે ખેતરો વેરાન ભાસે છે. પાણીની ભયંકર અછત સર્જાય છે. અનાજ પાકતું નથી. કાળનો કાળ એવો દુકાળ અનેક માનવીઓ અને પશુઓનો ભોગ લઈ લે છે.
ક્યારેક કુદરત ભયંકર વાવાઝોડું ફૂંકીને આપણને તેની વિનાશલીલાનો પરચો બતાવે છે. વાવાઝોડા વખતે કુદરત તાંડવ નૃત્ય કરે છે. કેટલાંય તોતિંગ વૃક્ષો જડ-મૂળથી ઉખડીને ધરાશાયી થઈ જાય છે. દરિયાનાં મોજાં ઊંચે ઊછળે છે અને હોડીઓને દરિયાના પેટાળમાં પધરાવી દે છે. કેટલાંય મકાનો તેમજ ટેલિફોન અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જાય છે.
ક્યારેક કુદરત ભૂકંપ કે જ્વાળામુખી વડે પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. ભૂકંપને લીધે નાનીમોટી કેટલીય ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે. ભારે માનવખુવારી થાય છે. રસ્તાઓ તુટી જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થઈ જાય છે. નદીઓનાં વહેણની દિશા સુદ્ધાં બદલાઈ જાય છે. આ બધી ઘટનાઓમાં આપણને પ્રકૃતિનાં રૌદ્ર સ્વરૂપોનો અનુભવ થાય છે.
કુદરત તેનાં રમ્ય અને રૌદ્ર એમ બંને સ્વરૂપનાં દર્શન કરાવી આપણને તેની અગાધ શક્તિનું અને આપણી અશક્તિનું ભાન કરાવે છે. કુદરત આગળ માનવીનું શાણપણ હંમેશાં નિરર્થક પુરવાર થયું છે, તેથી જ કવિ કલાપીએ લખ્યું છે કે :
“જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?”