પ્રશ્નનો પ્રત્યુત્તર
By-Gujju29-04-2023
પ્રશ્નનો પ્રત્યુત્તર
By Gujju29-04-2023
શુકદેવજીએ પરીક્ષિતના પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે જે કાંઇ કહ્યું છે તે ખૂબ જ મનનીય છે. એનો સારવિચાર આપણને જ્ઞાન તથા આનંદ બંને આપશે. એને શાંતિપૂર્વક સમજવા માટે આપણા પોતાના વ્યક્તિગત જીવનની સૃષ્ટિ કેવી રીતે થાય છે તે જાણી લઇએ તો ઘણી મદદ મળશે. નિદ્રા આપણા જીવનમાં નિત્યપ્રતિ થનારો નાનકડો છતાં નિયમિત પ્રલય છે. એમાંથી કેવી રીતે જાગૃત થવાય છે અને જે સૃષ્ટિ લગભગ વિલીન થઇ ગઇ હોય છે એનો આરંભ કેટલી બધી લાક્ષણિક રીતે થાય છે તેની કલ્પના કરવા જેવી છે. એ કલ્પના ખૂબ જ પ્રેરક થઇ પડશે.
નિદ્રામાંથી સૌથી પહેલું કોણ જાગે છે ? મન જાગે છે. પરંતુ મન પરિપૂર્ણપણે જાગે તેની પહેલાં એના આધારે રહેનારી અસ્મિતા અથવા અહંભાવના જાગે છે. એ આપણી જીવનસૃષ્ટિનો પ્રથમ પ્રાદુર્ભાવ છે. આત્માની વિરાટ ચેતનામાંથી સૌથી પહેલાં અહંવૃત્તિનું સ્ફુરણ થાય છે.
એ પછી શું થાય છે ? પછી ‘મમ’ વૃત્તિ જાગે છે ને જણાય છે કે આ શરીર મારું છે. એટલે કે દેહભાન પેદા થાય છે. એ પછી એ વૃત્તિ વિકસે છે અને શય્યાની, ખંડની, મકાનની અને પછી બહારની દુનિયાની માહિતી મળે છે. એવી રીતે સંસારનો અનુભવ સહજ બને છે.
નિદ્રાધીન થતી વખતે પણ એવું જ થાય છે ને ? એ વખતનો ક્રમ એથી ઉલટો હોય છે એટલું જ. સૌથી પહેલાં બાહ્ય જગતમાંથી મન ઉપરામ થાય છે. અથવા પાછું વળે છે, એ પછી શયનખંડમાં કે શય્યામાં અને પોતાના શરીરમાં કેન્દ્રિત થાય છે, અને છેવટે શરીરભાન ભૂલીને નિદ્રાવસ્થામાં ડૂબી જાય છે. એ વખતે અહંવૃત્તિનો સર્વથા લોપ થઇ જાય છે.
અહંવૃત્તિની ઉપર એવી રીતે મનુષ્યની વ્યક્તિગત દુનિયાનો ઘણો મોટો આધાર છે. જીવન અને જગતના અનુભવને માટે આત્માનું અસ્તિત્વ તો અનિવાર્ય છે જ એના વિના તો કશું કામ થઇ શકતું જ નથી, પરંતુ મનની અને એની અંદરની અહંતાની પણ આવશ્યકતા હોય છે. એ સૌના સંયુક્ત સહયોગથી જ બધું બની શકે છે. કબીર સાહેબે એ માટે જ જણાવ્યું છે કે ‘ કહત કબીર સુનો ભાઇ સાધો, આપ મુવે ફિર ડૂબ ગઇ દુનિયા.’
ભાગવત પણ એવી જ રીતે સમજાવતાં કહે છે કે ભગવાને એકથી અનેક થવાની ઇચ્છાથી પ્રેરાઇને પોતાના સ્વરૂપમાં સ્વયં પ્રાપ્ત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કર્યો. ભગવાનની શક્તિથી કાળે ત્રણે ગુણોમાં ક્ષોભ પેદા કર્યો, સ્વભાવે એનું રૂપાંતર કર્યું, અને કર્મે મહત્તત્વને જન્મ આપ્યો. પછી રજોગુણ તથા તમોગુણની વૃદ્ધિ થવાથી મહત્તત્વનો જે વિકાર થયો એને લીધે જ્ઞાન, ક્રિયા તથા દ્રવ્યરૂપ તમઃપ્રધાન અહંકાર બન્યો. એ અહંકાર પણ વિકારવશ થઇને ત્રણ પ્રકારનો થઇ ગયોઃ વૈકારિક, તૈજસ અને તામસ. તામસ અહંકારમાં વિકાર થવાથી એમાંથી આકાશનો આવિર્ભાવ થયો. એની તન્માત્રા અને એનો ગુણ શબ્દ છે. આકાશમાંથી વિકાર થવાથી તેમાંથી વાયુની, વાયુમાંથી તેજની, તેજમાંથી જળની ને જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઇ. એ ચારમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, રસ તથા ગંધના ગુણો રહેલા છે. વૈકારિક અહંકારથી મનની અને ઇન્દ્રિયોના દસ અધિષ્ઠાતા દેવતાઓની ઉત્પત્તિ થઇ. એ દેવતાઓ દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્ર ને પ્રજાપતિ છે.
તૈજસ અહંકારના વિકારથી આંખ, કાન, નાક, જીભ અને ચામડી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી, હાથ, પગ, ગુદા તથા ઉપસ્થ પાંચ કર્મેન્દ્રિયો પેદા થઇ. એ ઉપરાંત જ્ઞાનશક્તિરૂપ બુદ્ધિનો અને ક્રિયાશક્તિરૂપ પ્રાણનો પણ તૈજસ અહંકારથી આવિર્ભાવ થયો.
પંચમહાભૂત, ઇન્દ્રિયો, મન તથા સત્વાદિ ત્રણે ગુણો પરસ્પર જોડાયેલા નહોતા ત્યારે શરીરની સૃષ્ટિનો સંભવ નહોતો. ભગવાનની વિરાટ, અચિંત્ય અસાધારણ શક્તિથી પ્રેરાઇને એ તત્વો એકમેકની સાથે મળી ગયાં અને એમણે પારસ્પરિક કાર્ય કારણ ભાવનો સ્વીકાર કરીને પિંડ તથા બ્રહ્માંડની રચના કરી.
એવી રીતે સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા પાછળ પરમાત્માની પરમશક્તિ જ એક અથવા બીજા રીતે કાર્ય કરી રહી છે.