Friday, 26 July, 2024

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ 

134 Views
Share :
પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ 

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ 

134 Views

વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ’’ 

પ્રકૃતિ , શિલ્પ – સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. જેમ માતાને માટે કહેવાય છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે ”, તેમ પ્રવાસને માટે કહી શકાય કે ‘ એક પ્રવાસ સો પુસ્તકની ગરજ સારે ! ’’ વાસ્તવમાં , પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક નથી હોતું, અનુભવથી રસાયેલું હોય છે. એ જ્ઞાન માનવીના જીવનમાં કદી ન ભૂંસાય એ રીતે અંકિત થઈ જાય છે.

પ્રકૃતિનાં સૌંદર્યધામોનો પ્રવાસ માનવીના જીવનને રસસભર બનાવે છે. અનુપમ પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન આપણને ઊંડો , સાત્ત્વિક આનંદ આપે છે . ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ઇતિહાસનાં પૃષ્ઠોને આપણાં મનઃચક્ષુ સામે ખુલ્લાં કરી દે છે . પ્રતાપગઢનો કિલ્લો જોઈને શિવાજીની વીરતાની જે જીવંત ઝાંખી થાય, તે ઇતિહાસનાં પ્રકરણો વાંચવાથી ભાગ્યે જ થઈ શકે. એ જ રીતે , ક્લાવિવેચનનાં પુસ્તકો વાંચવાથી જે લાસૂઝ ન વિકસે તે શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાની ઉત્તમ કૃતિઓનાં પ્રત્યક્ષ દર્શનથી વિકસી શકે છે. પ્રવાસ દ્વારા જ પ્રકૃતિ અને માનવીની ઉત્તમ રચનાઓનાં દર્શન થઈ શકે છે. આપણા જીવનના સર્વાંગી ઘડતર માટે તે જરૂરી છે.

પ્રવાસ દ્વારા થતા વિવિધરંગી અનુભવોથી જીવનની જે પાયાની કેળવણી મળે છે , તે વર્ષોના શૈક્ષણિક અભ્યાસથી મળી શકતી નથી . પ્રવાસમાં માનવી અનેક પ્રકારના લોકોના પરિચયમાં આવે છે , જુદા જુદા સમાજોની સંસ્કૃતિ અને સભ્યતાના સંપર્કમાં આવે છે . આથી વ્યાપક પ્રવાસો માનવીની જીવનદૃષ્ટિને વિશાળ બનાવે છે . શ્રી ઉમાશંકર જોશીએ ખરું જ કહ્યું છે : 

” ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા,
પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા ! “

જીવનભર પોતાના સમાજના નાનકડા વર્તુળમાં જ ગોંધાઈ રહેનાર , ખરેખર , અનેક દૃષ્ટિએ દરિદ્ર રહી જાય છે.

પ્રવાસનું આધ્યાત્મિક મૂલ્ય પણ ઓછું નથી. પ્રવાસ માનવીને એ સનાતન સત્યની પ્રતીતિ કરાવે છે કે આ જગતમાં બધા મનુષ્યો મુસાફરો જ છે. કોઈ પોતાની સાથે કંઈ લઈ જતો નથી , પછી તે તાજમહાલ બંધાવનાર શાહજહાં હોય કે રાજ્યલાલસા માટે પાણીપતનું યુદ્ધ ખેલનાર બાબર કે અકબર હોય . આમ, પ્રવાસ માનવીની સાહસવૃત્તિને ઉત્તેજિત કરવાની સાથે, તેને નિરાસક્તિના પાઠ પણ શીખવી શકે છે. 

ખરેખર, પ્રવાસ એ માનવીના ઉમદા જીવનઘડતર માટેનું એક ઉત્તમ સાધન છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *