રાજા ખાય રીંગણા
By-Gujju27-10-2023
રાજા ખાય રીંગણા
By Gujju27-10-2023
એક સુંદર નગર હતુ. ત્યાનો રાજા ખુબ જ સારી રીતે રાજ્ય કરતો હતો. પ્રજા માટે તમામ પ્રકારની કાળજી રાખતો. તે રાજા ખાવાનો ખુબ જ શોખીન હતો. તેથી રાજાની સેવામાં ઉત્તમ રસોઇયો રાખ્યો હતો. જે નિયમીત રાજાનું ભોજન બનાવતો.
હવે રાજા તો ખાવાનાં શોખીન એટલે રાજા માટે દરરોજ ઉત્તમ ભોજન બનતું. શાકભાજીમાં પણ પરવળ, વટાણા અને બિજા મોંધા મોંધા શાકભાજી વપરાતા.
રાજાએ ક્યારેય રીંગણનું શાક ખાધેલુ નહી. કેમ કે ત્યાનાં પ્રધાનજી અને રસોઇયાનું માનવુ હતું કે રીંગણ તો સાવ સસ્તુ શાક કહેવાય. વળી તેનો દેખાવ પણ કાળોમેશ એટલે રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોતુ હશે ?
એવામાં બન્યુ એવુ કે રાજ્યના મુખ્ય રસોઇયાને ક્યાંક બહાર જવાનું થયુ. અને તેની જગ્યાએ નવો રસોઇયો હાજર થયો. આ નવા રસોઇયાએ કોઇ દિવસ આવુ રાજાઓ માટે ભોજન બનાવેલુ નહી. એટલે એને બિચારાને એવી કશી ખબર નહી.
નવો રસોઇયો તો બજાર માથી ઉત્તમ પ્રકારનાં રીંગણ લઇ આવ્યો અને મસાલેદાર રીંગણનું શાક બનાવીને રાજાની થાળીમાં પીરસ્યુ.
એટલામાં પ્રધાનજી આવીને રસોઇયાને પૂછપરછ કરી. રસોઇયાએ કહ્યુ કે રીંગણનું શાક છે. આ સાંભળીને પ્રધાનજીનો રંગ ઉડી ગયો. રસોઇયાને ખખડાવતા કહ્યુ કે ”એલા મુરખ શીરોમણી રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોય ?”
હવે રાજાનો ગુસ્સો કોના પર કેટલો ઉતરે છે ? તે માટે પ્રધાનજી કઇક ઉપાય વિચારવા લાગ્યા. રસોઇયો પોતાને દંડ થશે એમ માની ધ્રુજવા લાગ્યો.
રાજાએ શાક જોયુ. રોજ કરતા કઇક નવિન જણાયુ. અને પેલો કોળિયો ભરીને મોઢામાં મુક્યો…
આહા…હા… શુ સ્વાદ છે. રાજાએ તો આવુ સ્વાદિષ્ટ શાક ક્યારેય ખાધુ જ ન હતુ.
તેણે રસોઇયાને બોલાવ્યો. રસોઇયાના મોતિયા મરી ગયા. ડરતો ડરતો તે અંદર ગયો. પાછળ પાછળ પ્રધાનજી ગયા.
રાજાએ પુછ્યુ : ” શેનુ શાક બનાવ્યુ હતુ ? “
રસોઇયો કહે : રીંગણાનું.
રાજા કહે વાહ…વાહ… શુ શાક હતુ.. પોતાના ગળામાથી હાર કાઢીને રસોઇયાને પહેરાવી દીધો. અને કહ્યુ આજથી તમામ શાક નો રાજા રીંગણ. રાજાએ રસોડામાથી રીંગણ મંગાવ્યા…
પ્રધાનજી કહે : વાહ.. રાજાજી તમે બરોબર કહ્યુ. આનો કલર તો જુઓ કેટલો સરસ છે. અરે.. એની ઉપર મુંગટ પણ એટલો જ શોભે છે. (ડીંટીયું) અને મુંગટ તો રાજાને જ હોય. અરે… બટેટા, પરવળ, વટાણા એ કોઇ શાક કહેવાય ?
આમ એક પછી એક બધા રીંગણનાં ગુણગાન ગાવા લાગ્યા. આ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. “શાકોનો રાજા તો રીંગણા હો ભાઇ “
રાતોરાત રીંગણાનું બજાર ઉંચકાયુ. અત્યાર સુધી જે રીંગણનો કોઇ ભાવ પણ નહોતુ પુછતુ એનો ભાવ આસમાને પહોચ્યો.
રાજા માટે દરરોજ રીંગણનું શાક, ભરેલ રીંગણ, રીંગણનું ભડથુ અને રીંગણની જુદી જુદી વેરાયટી બનવા લાગી.
અત્યાર સુધી જે ધનિક લોકો રીંગણને સસ્તુ ગણીને ખાતા નહોતા. એ પણ હોંશે હોંશે ખાવા લાગ્યા.
જેણે પોતાની વાડીમાં રીંગણી વાવી હતી તે બધા માલામાલ થઇ ગયા.
શ્રીમંતો પોતાના લગ્ન પ્રસંગોમાં રીંગણનું શાક બનાવી વટ પાડવા લાગ્યા. લેખકો અને કવિઓ રીંગણની કવિતાઓ, વાર્તાઓ અને પ્રશસ્તિ ગીતો લખવા લાગ્યા. લોકો કહેવતો બનાવવા લાગ્યા ” રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા ” રીંગણની ખેતી માં ભારે ઉછાળો આવ્યો. રીંગણની રેસીપી માટેના સ્પેશિયલ કોચિંગ શરૂ થઇ ગયા. કૃષિ નિષ્ણાંતો ઉત્તમ પ્રકારના રીંગણની જાતો વિકસાવવામાં લાગી ગયા. જ્યારે વૈજ્ઞાનિક, ડૉક્ટરો અને વૈદ્યો રીંગણ ખાવાથી થતા ફાયદા ગણાવવા લાગ્યા. કેટલાક લોકોએ નગરનું નામ બદલીને રીંગણનગર રાખવાનું સુચન પણ કર્યુ.
રાજાને તો હવે ભોજનમાં દરરોજ ભરેલા રીંગણા, આખા રીંગણા, રીંગણનો ઓળો, રીંગણના રવૈયા, રીંગણનાં ભજીયા, રીંગણના પલીતા અને અન્ય વિકસાવેલી વાનગીઓ પીરસાવા લાગી.
એક મહિનો, બે મહિના પુરા થયા.
એક બપોરે રાજા જમવા બેઠા. થાળીમાં રીંગણનું શાક આવ્યુ.
હવે રાજા રોજ રોજ રીંગણ ખાઇને કંટાળી ગયા હતા.
રાજાએ થાળીને ઉલાળીને ફેંકી દીધી. : ” આ શુ રોજ રીંગણા. રોજ રીંગણા.. અા થાળી લઇ જાવ અને મારા માટે બિજુ ભોજન તૈયાર કરો.”
તરત જ બાજુમાં ઉભેલા પ્રધાને રસોઇયાને કહ્યુ : રીંગણનું તે કોઇ દિ’ શાક હોતુ હશે ? એનો કલર તો જુઓ કાળો કાળો મેશ. દીઠોય ન ગમે તેવો. કોઇ દિવસ રાજા ખાય રીંગણા ? “
તરત જ થાળી લઇને બિજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ વાત વિજળીવેગે આખા નગરમાં ફેલાઇ ગઇ.
રાતોરાત રીંગણનાં ભાવમાં કડાકો થયો. આસમાનેથી તળીયે પહોચ્યા.
જે લોકો હોંશેહોંશે રીંગણા ખાતા તે લોકો રીંગણા સામે સુગથી જોવા લાગ્યા. જેણે રીંગણ ના નામે ખેતી, ધંધો અને રચનાઓ કરી હતી તે બધાને રોવાનો વારો આવ્યો.
કૃષિ વૈજ્ઞાનિકો, વૈદ્યો અને ડૉક્ટરો રીંગણથી થતા ગેરફાયદા શોધવામાં લાગી ગયા.
બસ તે દિવસથી રીંગણા નાં ભાવ ગગડ્યા તે ગગડ્યા …