Saturday, 27 July, 2024

રામાવતાર

266 Views
Share :
રામાવતાર

રામાવતાર

266 Views

ભાગવતમાં જુદા જુદા સમયે વિશ્વના સાર્વત્રિક હિતને માટે થયેલા ભગવાનના લીલાવતારોનું જે ક્રમિક વર્ણન આવે છે તેમાં રામાવતારના વર્ણનથી એકનો ચિરસ્મરણીય નોંધપાત્ર ઉમેરો થાય છે. ભગવાનના અનેકવિધ અવતારોમાં રામ અને કૃષ્ણ પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે. એમની અલૌકિક જીવનલીલા જનસમાજને સૌથી વધારે સ્પર્શી છે, પ્રિય લાગી છે, અને જનસમાજે એમાંથી વધારે ને વધારે પ્રેરણાની પ્રાપ્તિ કરી છે. એ બંને અસાધારણ અવતારોને માટે જનતાના અંતરમાં અસાધારણ આદરભાવ રહ્યો છે. એ અનંત આદરભાવની અનુરાગપૂર્ણ અભિવ્યક્તિ કરતાં માનવે એમને માટે સુંદર સુસમૃદ્ધ સાહિત્યનું સર્જન કર્યું છે, ચિત્રો તૈયાર કર્યા છે, શિલ્પકળામાં એમના જીવન પ્રસંગોને અમર બનાવ્યા છે, અને એથી યે આગળ વધીને મંદિરોનું પણ નિર્માણ કર્યું છે. રામ તથા કૃષ્ણ જનતાના જીવન સાથે જડાઇ ગયા છે અને જનતાએ એમના પ્રત્યે સૌથી વધારે પૂજ્યભાવ દર્શાવ્યો છે એવું કહેવામાં કશું ખોટું નથી અથવા કશી અતિશયોક્તિ પણ નથી થતી.

રામના જીવનમાંથી જેટલો પણ જીવનોપયોગી સંદેશ ગ્રહણ કરી શકાય તેટલો લાભકારક છે. એને જેટલા પ્રમાણમાં જીવન સુગ્રંથિત કરી કે ઉતારી શકાય તેટલા પ્રમાણમાં જીવન જ્યોતિર્મય બને તેમ છે. એમના જીવનનો વિચાર એ દૃષ્ટિએ કરવાનો છે – જીવનને આદર્શ જીવન બનાવવાની દૃષ્ટિએ. એ દૃષ્ટિ આપણે ત્યાં મોટે ભાગે ભુલાઇ ગઇ છે. એ હકીકતનો સ્વીકાર સખેદ કરવો પડે છે.

રામના જીવનની અપનાવવા યોગ્ય કેટલીક મહત્વની વિશેષતાઓમાં સૌથી પહેલી ઉલ્લેખનીય વિશેષતા એમની સત્ય પ્રત્યેની પ્રીતિ તથા નિષ્ઠાને કહી શકાય. મહર્ષિ પતંજલિ પોતાના પ્રસિદ્ધ યોગદર્શનમાં કહે છે તેમ સત્યનું પાલન એ કોઇ પણ પ્રકારની બાંધછોડ વિના, સર્વ સ્થળે અને સઘળા સંજોગોમાં એક મહાવ્રત તરીકે કરતા. ‘रघुकुळरीति सदा चली आइ, प्रान जाइ अरु बचन न जाइ’ની ઉક્તિ એમના જીવનમાં સાકાર બની ગયેલી. એટલા માટે એ સત્યપાલનના પ્રયોજનથી પ્રેરાઇને વનમાં જવા તૈયાર થયા. ઇતિહાસે પિતાને કેદ કરી, કારાવાસમાં ધકેલી કે મારી નાખીને રાજસિંહાસન પર બેસનારા ને સત્તાના સૂત્રોને હસ્તગત કરનારા સત્તાલોલુપ સ્વાર્થી રાજપુત્રોને જોયા છે. પરંતુ રામ જેવાં નિઃસ્વાર્થ લાલસારહિત પુરુષોનું વર્ણન જવલ્લે જ કર્યું છે. એ સત્યનિષ્ઠા તથા સત્યપાલન પાછળ રામનો માતાપિતા પ્રત્યેનો પ્રખર પ્રેમ તો હતો જ પરંતુ એની સાથે સાથે સમસ્ત પરિવાર પ્રત્યેનો પ્રેમ હતો. એ પ્રેમને લીધે જ એ એટલો ત્યાગ કરી શક્યા. સીતા તથા લક્ષ્મણે પ્રત્યક્ષ રીતે અને કૌશલ્યા, સુમિત્રા તથા ઉર્મિલાએ પડદા પાછળ રહીને પરોક્ષ રીતે એમાં સહયોગ કર્યો.

રામ વનમાં ગયા એની સાથે પ્રજાના પ્રાણ પણ જાણે કે ચાલી નીકળ્યા. ભાવભક્તિથી પ્રેરાઇને એ રામને પાછા લાવવા સૌની સાથે ચિત્રકૂટ ગયા અને એ છતાં પણ રામ પાછા ના આવ્યા ત્યારે નંદીગ્રામમાં તપશ્ચર્યા કરતાં રહેવા લાગ્યા.

રામની બીજી વિશેષતા એમની સમાજસેવાની ભાવના અને સમાજના સાધારણ સ્તરના કહેવાતા જીવો પ્રત્યેની સ્નેહવૃત્તિ હતી. એથી પ્રેરાઇને એમણે નાની ઉંમરમાં જ વિશ્વામિત્ર મુનિના યજ્ઞની રાક્ષસોથી રક્ષા કરી અને જીવનપર્યંત અનીતિ, અધર્મ, અન્યાય અથવા અનાચારની સેનાવાળી આસુરી સંપત્તિ સામે મોરચા માંડ્યા. એમનું સમગ્ર જીવન એવા મજબુત મનોબળ સાથેના મોરચાઓનું જ જીવન છે. એમાં એમણે સંપૂર્ણ સફળતા મેળવી. એમની એ સમાજ સેવાભાવના તત્કાલીન સમાજને માટે અમૂલખ આશીર્વાદરૂપ અને અવનવીન ઇતિહાસનું સર્જન કરનારી થઇ પડી. એમની સર્વવ્યાપક સ્નેહવૃત્તિએ નિષાદરાજની, વાનરોની, સુગ્રીવ તથા હનુમાનની અને અંગદ તેમજ વિભીષણ જેવાની મૈત્રી બાંધી અને એમના સંયુક્ત સહકારથી રાવણનો નાશ કરીને સીતાને પાછી મેળવી. સત્તાલાલસાનો અંશ પણ એમનામાં ના હોવાથી એમણે લંકાના સર્વસત્તાધીશ બનવાને બદલે લંકાનું શાસન ભક્ત વિભીષણને સોંપ્યું. એ પહેલાં વાલિનો નાશ કરીને કિષ્કિંધાનું સુસમૃદ્ધ સામ્રાજ્ય પણ પોતે ભોગવવાને બદલે સુગ્રીવને સોંપેલું.

ભગવાન રામની જન્મજાત, સ્વભાવગત પવિત્રતા તથા ઋષિમુનિની પૂજ્યભાવના વિશે તો કહેવાનું જ શું હોય ? એ પવિત્રતા એમના જીવનમાં કાયમને માટે જડાઇ ગયેલી. એને લીધે એ ભાતભાતનાં પ્રલોભનોના ને ભયસ્થાનોની વચ્ચે પણ અડગ અને અલિપ્ત રહી શક્યા. પંચવટીમાં આવેલી શૂર્પણખાની સંમોહિનીની અસર પણ એમની ઉપર ના થઇ. અને એમના ઋષિમુનિના સત્સંગ પ્રસંગો તો રામાયણમાં ઠેરઠેર જોવા મળે છે. એ જમાનાના સર્વશ્રેષ્ઠ સુપ્રસિદ્ધ સંતોનો સંપર્ક સાધીને એમના સ્વાનુભવસિદ્ધ સદુપદેશને સાંભળીને એમણે સામાન્ય જનસમૂહની આગળ એક આદર્શ, અસાધારણ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિભિન્ન પ્રકારનાં કર્મોમાં રત રહેવા છતાં પણ એમનો અલૌકિક અંતરાત્મા એવી પવિત્ર પ્રવૃત્તિના ને બીજી સાધનાના પ્રભાવથી સંસારની કાલિમાથી સદા મુક્ત રહ્યો ને ક્યાંય કોઇયે કારણે આસક્ત ના થઇ શક્યો.

રામ સર્વે સદ્દગુણોના સમુચ્ચય, નીતિની મર્યાદામાં રહેનારા ને મધુરતાની મૂર્તિ હતા. વર્તમાનકાળની પ્રજાએ એવી રીતે એમના જીવનમાંથી ઘણું ઘણું શીખવા અને ગ્રહણ કરવા જેવું છે. એ એક આદર્શ એકપત્નીવ્રતધારી સ્વામી, આદર્શ સખા, રામરાજ્યના વિધાયક આદર્શ રાજા, આદર્શ પુત્ર, ભ્રાતા અને આદર્શ લોકસેવક હતા. એમના જીવનમાં નીતિના પાલનનો પરિપૂર્ણ પ્રામાણિક પ્રતિઘોષ પડેલો. કેટલાક માણસો માને છે કે એમણે આ પાર્થિવ પૃથ્વી પર પ્રકટીને મોટે ભાગે દુઃખ જ દુઃખ ભોગવ્યું ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં શ્વાસ લઇને જુદાં જુદાં કષ્ટો સહન કર્યા એટલે એમનું જીવન પરિતાપ, પીડા, ક્લેશ, અસ્વસ્થતા અને અશાંતિનું જીવન હતું. એમને સુખ ના મળ્યું અને મળ્યું તો પ્રમાણમાં અત્યંત ઓછું. એવાં માણસો ભૂલી જાય છે કે એમણે ક્યાંય બહારથી સુખ નહોતું મેળવવાનું. એ સ્વયં સુખસ્વરૂપ હતા. સુખનો આસ્વાદ એમને એમની અંદરથી જ મળ્યા કરતો. એમનું જીવન પરિતાપ, પીડા, ક્લેશ, અસ્વસ્થતા અને અશાંતિનું જીવન હતું એવું માનવું ને મનાવવું તદ્દન ખોટું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ને બાહ્ય દુઃખની ક્ષણોમાં પણ એ સદા શાંત, સ્વસ્થ, સંયમી તથા સુખી રહ્યા છે ને પ્રસન્નતાપૂર્વક, જરા પણ ડર્યા, ડગ્યા કે ગભરાયા વગર આગળ વધ્યા છે. પ્રતિકૂળતાઓ અને આપત્તિઓમાંથી પણ સંપૂર્ણ સ્વસ્થ રહીને કેમ આગળ વધવું એ એમના જીવનમાંથી શીખવા મળે છે. એમનું આખુંય જીવન ધર્માચરણ અને સત્યપાલનની પ્રીતિથી પ્રેરાઇને જીવાયેલું આદર્શ જીવન હોવાથી અને એની આગળ નિશ્ચિત આદર્શ હોવાથી એ દ્વારા એમને અસાધારણ આત્મિક અનુભવ થયા કરતો.

*

રામના જીવનમાં અહલ્યાના ઉદ્ધારની કથા આલેખાયેલી છે. એ કથા ખૂબ જ રોચક તેમજ પ્રેરક છે. કહે છે કે શિલા બનેલી અહલ્યા પર ભગવાન રામનાં ચરણ પડ્યાં. એ ચારુ ચરણનો સુધામય સ્પર્શ થવાથી શિલા પાછી અહલ્યામાં પલટાઇ ગઇ. કથાનો સારસંદેશ સ્પષ્ટ છે. પ્રત્યેક આત્મા એમ મૂળભુત રીતે અલૌકિક, સચ્ચિદાનંદ સ્વરૂપ અથવા અદ્દભુત આહલાદથી અલંકૃત હોવા છતાં કોઇક કારણે શિલાસમાન જડ, નિશ્ચેતન અને આહલાદરહિત બની ગયો છે. એણે પોતાની સ્વાભાવિક શાંતિ ને સહજ સુખાનુભૂતિને ખોઇ નાખી છે. એ પોતાના મૂળભુત સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી ગયો હોવાથી એના જીવનમાં વિષાદ છે. એ વિષાદ, જડતા, નિશ્ચેતનતા અથવા આહલાદરહિત અવસ્થાનો અંત કેવી રીતે આવે અને જીવન શી રીતે મહોત્સવમય બની શકે ? આત્માને પરમાત્માના પરમ પવિત્ર સંસ્પર્શનો લાભ મળવાથી. જીવન જો પરમાત્માના પ્રેમભાવથી ઝંકૃત બની જાય અને પરમાત્માના અનુગ્રહરૂપી અમૃતથી અભિષિક્ત થાય તો એની કાયમી કાયાપલટ થઇ જાય. શિલા જેવું જડ જીવન અહલ્યામાં-અલૌકિક આહલાદમાં પરિવર્તન પામીને અવનવું બની જાય.

સીતાનું વ્યક્તિત્વ પણ એવો જ સંદેશ પ્રદાન કરે છે. સીતાને રામને માટે કેટલો બધો પાર વિનાનો પ્રેમ હતો ! જીવને શિવને માટે એવો જ પ્રબળ પ્રેમ જોઇએ. સીતા પરા પ્રકૃતિ અથવા જીવ છે અને રામ પરમ પુરુષ, પરમાત્મા કે શિવનું પ્રતીક છે. એ બંને સદાને માટે અલગ નથી રહી શક્તા. જીવને શિવ માટે સીતાના પ્રેમ જેવો જ પ્રેમ જોઇએ. એવો પ્રેમ પ્રકટે તો રામ દૂર ના રહી શકે. જીવને શિવનો સાક્ષાત્કાર, શિવનો સુખશાંતિપ્રદાયક સમાગમ જરૂર થાય.

*

રામચરિત્રમાં એક અન્ય અગત્યનો સંદેશ પણ સમાયલો છે. એ સંદેશ ભૌતિક છે. રામે સમુદ્રને પાર કરવા માટે નલ ને નીલની મદદથી એની ઉપર સુદૃઢ સેતુ બનાવ્યો એ શું સૂચવે છે ? રામનો કાળ કૃષ્ણના કાળ કરતાં જૂનો છે. એ કાળમાં ભારતની પ્રજા સેતુ નિર્માણ જેવાં કાર્યોને સફળતાપૂર્વક કરી શકતી એનો પુરાવો એ સુંદર પ્રસંગ પરથી સહેજે મળી રહે છે. એ વખતની ભૌતિક સમૃદ્ધિ કે જાહોજલાલી જેવી જાહોજલાલી તો અત્યારે પણ એટલા બધા પ્રમાણમાં જોવા નહિ મળે. એના એક નાના સરખા નમૂનારૂપે ભાગવતના નવમા સ્કંધના અગિયારમાં અધ્યાયના એકત્રીસથી ચોત્રીસમા શ્લોક સુધી કરાયેલું રામના રાજપ્રસાદોનું વર્ણન જોઇએ. આ રહ્યો એ શ્લોકોનો ભાવાર્થ :

‘રામના રાજપ્રાસાદો પૂર્વવર્તી રાજાઓ દ્વારા સેવાયલા ને અતિશય સુંદર હતા. એમાં કદી પણ ખૂટે નહિ એવા ખજાના કે ધનભંડાર ભરેલા. એ બીજી પણ બહુમુલ્ય સામગ્રીથી સંપન્ન હતા. એમનાં દ્વાર મૂંગાનાં બનેલાં ને એમના થાંભલા વૈદૂર્યમણિના બનાવેલા. એમાં મરકતમણિની આકર્ષક ઓસરી અને સ્ફટિકમણિની દીવાલો હતી. એ રાજપ્રાસાદો રંગબેરંગી માળાઓ, ધજાઓ, મણિની જ્યોતિઓ, મોતીઓ, સુંદર સુખોપભોગની સર્વોત્તમ સામગ્રીઓ અને અલંકારોથી અલંકૃત કરવામાં આવેલા. દેવતા સમાન, ભૂષણોને પણ ભૂષિત કરનારાં સ્ત્રી-પુરુષો ત્યાં રહીને સેવા કરતાં.’

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *