Sunday, 22 December, 2024

રથયાત્રા નિબંધ

123 Views
Share :
રથયાત્રા નિબંધ

રથયાત્રા નિબંધ

123 Views

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે. પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને “ગુંડીચા યાત્રા” પણ કહેવામાં આવે છે.

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પૅરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *