સાતમા નોરતે જાણો મા કાલરાત્રીની કથા અને સ્વરૂપ !
By-Gujju02-10-2023
સાતમા નોરતે જાણો મા કાલરાત્રીની કથા અને સ્વરૂપ !
By Gujju02-10-2023
આદ્યશક્તિની આરાધના સાથે આજે નવરાત્રીનું (Navratri 2023) સાતમું નોરતું પણ આવી પહોંચ્યું. અને આ સાતમું નોરતું એટલે દેવી નવદુર્ગાના (navdurga) કાલરાત્રી (Kalratri) સ્વરૂપની આરાધનાનો અવસર. મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પરંતુ, કાલરાત્રી હંમેશા શુભ ફળ આપનારા દેવી છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ ચોક્કસ ડર લાગે તેવું છે. પરંતુ, ભક્તોએ માતાજીથી કોઇપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. કારણકે મા હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભયતા પ્રાપ્ત થાય છે અને તેનું હંમેશા શુભ થાય છે. એ જ કારણ છે કે માતા કાલરાત્રિને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાતમું નોરતું
આસો સુદ સાતમ, તા-21 ઓક્ટોબર, રોજ સાતમું નોરતું છે. આ દિવસે આદ્યશક્તિના કાલરાત્રિ સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો.
કાલરાત્રી માહાત્મ્ય
દંતકથા અનુસાર નવરાત્રિના સાતમા નોરતે આદ્યશક્તિએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા દેવીએ ભયંકર કાલરાત્રિ રૂપ પ્રગટ કર્યું હતું. દેવી કાલરાત્રિના દેહનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ શ્યામ છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. દેવીને ત્રણ નેત્રો છે. ઉચ્છવાસ સમયે માતાની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે, માતાજીનું વાહન ગદર્ભ અર્થાત ગધેડું છે. માતાજી પોતાની ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. દેવીની જમણી બાજુનો નીચેની તરફનો હાથ અભયમુદ્રામાં છે. માતાની ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડગ તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે.
દેવી કાલરાત્રીની પૂજન વિધિ
⦁ મા કાલરાત્રીના પૂજન સમયે કૃષ્ણ કમળ અથવા તો કોઇ નીલા રંગનું પુષ્પ દેવીને અર્પણ કરવું.
⦁ માતાજીને નૈવેદ્યમાં ગોળ ધરાવવો. માન્યતા અનુસાર ગોળ અર્પવાથી દેવી ભયમુક્તિના આશિષ પ્રદાન કરે છે.
⦁ માતાજીને ફળ પ્રસાદ રૂપે ચીકુનો ભોગ ધરાવવો.
⦁ દેવીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. આ વસ્ત્ર ધારણ કરવાથી સાધકને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થશે.
⦁ મા કાલરાત્રિની પૂજા જો સંપૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો કરાવે છે. પરંતુ, મા કાલરાત્રિની સાધના કરતી વખતે નિયમ અને સંયમનું પૂર્ણપણે પાલન જરૂરી છે. તેમજ મન, વચન, અને કાયાની પવિત્રતા જળવાય તે પણ જરૂરી છે.
ફળદાયી મંત્ર
| ૐ એં હ્રીં ક્લીં કાલકાત્ર્યૈ નમઃ ||
મા કાલરાત્રિની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
ફળપ્રાપ્તિ
એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન આસ્થા સાથે મા કાલરાત્રિની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના શત્રુઓનો નાશ થઈ જાય છે. સાથે જ દેવી કૃપાથી સાધકને સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. મા કાલરાત્રિની ઉપાસનાથી સાધકને શનિદોષમાં પણ રાહતની પ્રાપ્તિ થાય છે. કારણ કે શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ જ કરે છે. મા કાલરાત્રિની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપકર્મ ધોવાઈ જાય છે. અને વિધ્નોનો નાશ થઈ જાય છે. કહે છે કે મા કાલરાત્રીના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, રાત્રિ સંબંધી કોઈપણ બાબતનો ક્યારેય ભય લાગતો નથી. અને તે હંમેશા નિર્ભય રહે છે. દેવી કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે. માતાજીની આરાધનાથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત સહિતની બાધાઓ સાધકથી દૂર ભાગે છે. અને તેના જીવનમાં શુભત્વનું આગમન થાય છે.