Thursday, 5 December, 2024

શહેરની શેરી, શહેરી જીવન નિબંધ

131 Views
Share :
શહેરની શેરી, શહેરી જીવન નિબંધ

શહેરની શેરી, શહેરી જીવન નિબંધ

131 Views

હું અમદાવાદ શહેરમાં રહું છું. તે એક ઐતિહાસિક શહેર છે.

અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સાબરમતી નદીને કિનારે વસાવ્યું હતું. પણ હાલ સાબરમતી નદી શહેરની વચ્ચેથી વહે છે.

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં ઘણાં કારખાનાં અને મિલો છે. આ શહેરમાં મોટાંમોટાં બજારો, અનેક શાળાઓ-કૉલેજો, ઇસ્પિતાલો અને સરકારી કચેરીઓ આવેલી છે. અમદાવાદના રસ્તા પહોળા અને પાકા છે. પણ મૂળ શહેરના રસ્તા સાંકડા છે. તેમાં અનેક પોળો અને શેરીઓ આવેલી છે.

અમદાવાદમાં સાબરમતી આશ્રમ, ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ, કાંકરિયા તળાવ, પ્રાણીબાગ, બાલવાટિકા, માછલીઘર, અટીરા અને સીદી સૈયદની જાળી જેવાં અનેક જોવાલાયક સ્થળો છે. અમદાવાદ રેલવેનું મોટું જંક્શન છે. વળી અમદાવાદમાં મોટું બસસ્ટેશન પણ છે. અમદાવાદનું વિમાનઘર જોવા જેવું છે. અમદાવાદમાં બે સ્ટેડિયમ છે : સરદાર પટેલ સ્ટેડિયમ અને મોટેરા સ્ટેડિયમ. ત્યાં અવારનવાર ક્રિકેટની મૅચ અને ખેલકૂદના કાર્યક્રમો યોજવામાં આવે છે.

અમદાવાદની વસ્તી દિવસે-દિવસે વધતી જાય છે. તેથી પાણી અને રહેઠાણની સમસ્યાઓ પણ વધી છે. વળી અહીં હવાનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ રહે છે.

અમદાવાદ શહેરની સ્થાનિક બસસેવા વખાણવાલાયક છે. અમદાવાદ શહેરના લોકો મહેનતુ છે. શહેરમાં વિવિધ ધર્મો અને જાતિના લોકો હળીમળીને રહે છે.

મારા શહેરમાં ગાંધીજીએ એક આશ્રમ સ્થાપ્યો હતો. તે ‘સાબરમતી આશ્રમ’ તરીકે જાણીતો છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ અહીં રહ્યા હતા. આઝાદીની ચળવળમાં અમદાવાદ મોખરે રહ્યું હતું.

હવે, સાબરમતીમાં નર્મદાનાં નીર બારેમાસ વહેતાં રહે છે, તેથી તે રળિયામણી લાગે છે. તેનાથી શહેરની શોભા પણ વધી છે.

મને મારા શહેર માટે ગર્વ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *