Saturday, 27 July, 2024

સંક્ષિપ્ત મહાભારત

245 Views
Share :
સંક્ષિપ્ત મહાભારત

સંક્ષિપ્ત મહાભારત

245 Views

The great story of Mahabharata is mentioned in nutshell in Adi Parva, chapter 61. It narrates sibling rivalry, effort of Kauravas to harm Pandavas, incident of house of wax (laksha gruh), game of dice and exile of Pandavas in the forest, swayamvar (groom choosing) of Draupadi, rule of Pandavas in Khandavprasth, continued confrontation with Kauravas, which culminates in a grand battle in Kurukshetra etc.

At the command of Sage Vyasa, this story was narrated by Vaishampayan (disciple of Sage Vyasa) to the assembly of people.

આદિપર્વના 61મા અધ્યાયમાં સ્વનામધન્ય વક્તા વૈશંપાયને સંક્ષેપમાં કહેલો મહાભારત કથાનો સાર આ પ્રમાણે છેઃ એ સાર મહાભારતની મુખ્ય કથાને સમજવા માટે ઉપયોગી થઇ પડશે.

“પિતા મૃત્યુ પામ્યા પછી યુધિષ્ઠિરાદિ વીરો ઘેર આવ્યા અને ટૂંક વખતમાં જ વેદશાસ્ત્રોમાં તથા ધનુર્વિદ્યામાં વિદ્વાન થઇ ગયા. સત્ય, વીર્ય અને ઓજસથી સંપન્ન નગરજનોએ માન્ય ગણેલા અને શ્રી તથા યશવાળા એ પાંડવોને જોઇને કૌરવોને આંખમાં ખૂંચવા લાગ્યું. ક્રૂર દુર્યોધને, કર્ણે અને શકુનિએ તેમને કેદ કરવા અને દેશવટે મોકલવા માટે વિવિધ ઉપાયો કરવા માંડયા. વિવિધ રીતે પીડવા માંડયા. તે પાપી ધૃતરાષ્ટ્રપુત્રે એક વાર ભીમને અન્નમાં ઝેર આપ્યું, પણ તે વીર વક્રોદર તેને પચાવી ગયો. એક વાર ગંગાકિનારે પ્રમાણકોટિ વડ નીચે સૂતેલા ભીમસેનને બાંધીને ગંગાજીમાં ફેંકી દીધો. અને પોતે નગરમાં આવી રહ્યો. કુન્તીપુત્ર મહાબાહુ ભીમસેનને કાળા મહાઝેરીલા સર્પો કરડાવ્યા, પણ તે શત્રુનાશન વીર મરણ ના પામ્યો. પાંડવોને બચાવવા માટે મહામતિ વિદુર સદા પ્રયત્નશીલ રહેતા. સ્વર્ગમાં રહેલો ઇન્દ્ર જેમ જીવલોકનો સુખદાતા છે તેમ વિદુર પણ પાંડવોના નિરંતર સુખદાતા હતા. જ્યારે દૈવથી ભાવિને માટે રક્ષાયેલા પાંડવોને દુર્યોધન ગુપ્ત અને પ્રગટ એવા વિવિધ ઉપાયોથી પણ મારી શક્યો નહીં, ત્યારે કર્ણ અને દુઃશાસન વિગેરે મંત્રીઓ સાથે મંત્રણા કરીને તથા ધૃતરાષ્ટ્રની આજ્ઞા મેળવીને તેણે એક લાક્ષાગૃહ બનાવવાની આજ્ઞા આપી. પછી પોતાના પુત્રનું જ ભલું ઇચ્છતા એ અંબિકાસુત રાજા ધૃતરાષ્ટ્રે રાજ્યને ભોગવવાની લાલસાને કારણે તે પાંડવોને ત્યાં વિદાય કર્યા. પાંડવો હસ્તિનાપુરમાંથી માતા સાથે ત્યાં જવા નીકળ્યા. જતી વેળાએ વિદુરજી તે મહાત્માઓના સલાહકાર થયા તેથી લાક્ષાગૃહમાંથી બચી ગયા અને મધરાતે વનમાં ભાગી ગયા.”

“શત્રુનાશન મહાત્મા પાંડવો કુન્તી માતા સાથે વારણાવત નગરમાં જઇને રહ્યા. તેઓ ત્યાં સાવધ રહીને પુરોચનથી પોતાનું રક્ષણ કરતા. ધૃતરાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે એક વર્ષ સુધી લાક્ષાગૃહમાં વસ્યા. વિદુરજી પ્રેરણા પ્રમાણે તેમણે સુરંગ ખોદાવડાવી. પછી લાક્ષાગૃહને આગ લગાડીને તથા પુરોચનને બાળીને શત્રુદમન પાંડવો ભયભીત ચિત્તે માતા સાથે ત્યાંથી બહાર ગયા. ત્યાં વનમાં ઝરણા પાસે તેમણે હિડિમ્બ નામના ભયંકર રાક્ષસને જોયો. તે રાક્ષસેન્દ્રને મારી નાખ્યો. પોતે ઓળખાઇ જશે એવી બીકથી તથા ધૃતરાષ્ટ્રના પુત્રોના ભયથી પાંડવો ત્યાંથી રાતોરાત આગળ દોડ્યા. ત્યાં ભીમસેનને હીડીમ્બા મળી અને તેનાથી ઘટોત્કચ પુત્ર થયો. પછી તીવ્ર વ્રતવાળા તે પાંડવો એક નગરીમાં ગયાં. ત્યાં તેઓ વેદનું અધ્યયન કરવાવાળા બ્રહ્મચારીઓના રૂપે માતા સાથે એક બ્રાહ્મણને ઘેર કેટલોક વખત રહ્યા. ત્યાં ભીમસેનને બક નામના માનવભક્ષી ભૂખ્યા રાક્ષસનો મેળાપ થયો. પુરુષોમાં સિંહ જેવા વીર ભીમે પરાક્રમથી તેને મારી નાખ્યો. અને નગરનું સંકટ શમાવ્યું. પાંચાલ દેશોમાં કૃષ્ણાનો સ્વયંવર થાય છે એમ સાંભળીને તેઓ ત્યાં ગયા અને તેને પ્રાપ્ત કરી. દ્રૌપદીને પામીને એક વર્ષ પછી પાંડવો હસ્તિનાપુર આવ્યા.”

“રાજા ધૃતરાષ્ટ્ર તથા શાંતનુપુત્ર ભીષ્મના કહેવાથી પાંડવો સર્વ સંબંધીઓ અને સર્વ રત્નો લઇને ખાંડવપ્રસ્થ નગરમાં ગયા.”

“મહાયશસ્વી ભીમસેને પૂર્વ દિશા જીતી, વીર અર્જુને ઉત્તર દિશા જીતી. નકુલે પશ્ચિમ દિશા જીતી, અને શત્રુનાશી સહદેવે દક્ષિણ દિશા જીતી, આમ તે બધાએ સમગ્ર વસુધાને વશ કરી. સૂર્ય જેવાં પાંચ પરાક્રમી પાંડવોથી અને આકાશમાં વિરાજતા સૂર્યથી પૃથ્વી જાણે છ સૂર્યવાળી થઇ.”

“પછી સત્યશીલ, પરાક્રમી, ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના પ્રાણથીયે વિશેષ વહાલા, સ્થિર મનવાળા, સર્વગુણોથી યુક્ત અર્જુનને વનમાં મોકલ્યો. તે (સૌરમાસની ગણત્રીએ) અગિયાર વર્ષ અને દસ માસ વનમાં રહીને દ્વારિકામાં શ્રીકૃષ્ણ પાસે ગયો, ત્યાં કમલનયની અને કલ્યાણભાષિણી વાસુદેવની નાની બહેન સુભદ્રાને તેણે પત્ની તરીકે મેળવી.”

“ખાંડવવનમાં અગ્નિએ પૃથાસુત અર્જુનને ઉત્તમ ગાંડીવ આપ્યું. સાથે અક્ષરબાણવાળાં બે ભાથાં આપ્યાં અને કપિધ્વજ રથ આપ્યો. ત્યાં અર્જુને મય નામના મહાઅસુરનો ઉદ્ધાર કર્યો. તેણે સર્વ રત્નોવાળું દિવ્ય સભાગૃહ બનાવ્યું. મૂર્ખ દુર્બુદ્ધિ દુર્યોધનને એ સભાની લાલસા થઇ. શકુનિ સાથે રહીને તેણે યુધિષ્ઠિરને ધૃતમાં છેતર્યા. અને બાર વર્ષ માટે વનવાસ તેમજ એક વર્ષ કોઇક રાજ્યમાં અજ્ઞાતવાસ આપ્યો. પછી ચૌદમે વર્ષે પાછા આવીને તેમણે પોતાની સંપત્તિ માગી, તે તેમને ના મળી. એટલે યુદ્ધ થયું. એમાં અનેક ક્ષત્રિયોને મારીને તથા દુર્યોધનને હણીને પાંડવોએ પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવ્યું. શુભકર્મી પાંડવોનો આ પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ છે. અંતે પાંડવોનો જય થયો.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *