Saturday, 27 July, 2024

શરદ પૂનમ : સ્વાદોત્સવ સાથે રાસોત્સવનો રૂડો અવસર

196 Views
Share :
શરદ પૂનમ : સ્વાદોત્સવ સાથે રાસોત્સવનો રૂડો અવસર

શરદ પૂનમ : સ્વાદોત્સવ સાથે રાસોત્સવનો રૂડો અવસર

196 Views

‘શરદ પૂનમની આ રાત છે.. જો ને આભમાં કેવો ઉજાસ છે.. શીતળ વાય છે સમીર કેવો મંદ મંદ.. આજ મારે આંગણે છાયો અનેરો આનંદ…’ આવતીકાલે બુધવારે સમગ્ર ગોહિલવાડમાં સ્વાદોસ્તવ સાથે રાસોત્સવના રૂડા અવસર શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે. શરદ પૂર્ણિમા નિમિત્તે જ્ઞાાતિ, મંડળો, ફ્લેટ-એપાર્ટમેન્ટમાં શેરી ગરબાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યારે મહાકાળી માતાજીનો સ્વાંગ કાઢી નવરાત્રિથી શરૂ થયેલા ભવાઈ નાટકોને વિરામ અપાશે.

ધાર્મિક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટીએ ખૂબ જ મહત્ત્વ ધરાવતા શરદ પૂર્ણિમાના ઉત્સવની તા. 28-10 ને ઉજવણી કરાશે. તહેવાર-ઉત્સવોને મનભરીને માણવાની ખાસ ઓળખ ધરાવતા ભાવેણાં સહિત ગોહિલવાડવાસીઓ શરદ પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરશે. આ દિવસે શહેર-જિલ્લામાં લોકો કરોડો રૂપિયાનું ઉંધિયુ-પુરી, દહીંવડા ઝાપટી જશે. જો કે, આ વર્ષે શાકભાજીથી લઈ તેલ સહિતની તમામ વસ્તુઓમાં કમરતોડ ભાવ વધારો હોવાથી ઉંધિયું-પુરી, દહીંવડાની લહેજતને મોંઘવારીનું ગ્રહણ નડશે. શરદ પૂર્ણિમા સાથે ભગવાન કૃષ્ણના મહારાસની લીલા જોડાયેલી છે. પૂનમની રઢિયાળી રાત્રે કૃષ્ણએ હજારો ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. જેથી નવરાત્રિ બાદ શરદ પૂનમમાં પણ રાસ-ગરબાનું ધાર્મિક મહાત્મય રહેલું છે. દર વર્ષે શરદ પૂનમમાં અનેક સ્થળોએ રાસ-ગરબાના મોટા આયોજનો થતા રહે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે આવા આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે. શેરી ગરબાની છૂટ હોવાથી શહેર-જિલ્લામાં ફ્લેટ-એપાર્ટમેન્ટ, શેરી-મહોલ્લાઓમાં શેરી ગરબાના કાર્યક્રમો થશે. 

શરદ પૂનમની રાતમાં સોળે કળાએ ખીલેલા ચંદ્ર પ્રકાશ નીચે રાખેલી ખીર ખાવાથી કફ, શ્વાસ અને ચર્મરોગની સમસ્યામાં લાભ થતો હોવાની ધાર્મિક અને વૈજ્ઞાાનિક માન્યતા છે. જેથી લોકો ઘરે ખીર-પૌઆ બનાવી ચંદ્રમાંના શિતળ પ્રકાશમાં ખીરપૌઆ રાખી આરોગશે. જો કે, આધુનિક સમયમાં હવે આ પરંપરા વિસરાતી જતી હોય, રૂઢી અને પરંપરામાં માનનારા અમુક પરિવારો જ તેને જાળવી રાખશે. શરદ પૂનમની દિવસે સ્વાદોત્સવ સાથે અને રાત્રે રાસોત્સવની સાથો સાથ હરવા-ફરવાના સ્થળોએ જઈને પણ ઉજવણી કરાશે. શહેરના બોરતળાવ, તખ્તેશ્વર મંદિર તેમજ જિલ્લામાં કોળિયાક, કુડા, ગોપનાથ, ભવાની મંદિર સહિતના ધાર્મિક અને સમુદ્રતટે આવેલા પર્યટન સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડશે. અહીં ચંદ્રના પ્રકાશ નીચે પરિવાર સાથે ખાવા-પીવાની જયાફત માણવામાં આવશે.

જ્યારે લુપ્ત થવા જઈ રહેલી ભવાઈની આગવી સંસ્કૃતિને જાળવી રાખવા શહેર-જિલ્લામાં અનેક ભવાઈ મંડળો દ્વારા નવરાત્રિ બાદ પણ ભવાઈ નાટક ભજવવાનું શરૂ રાખવામાં આવે છે. શરદ પૂનમ સુધી થતાં ભવાઈ નાટકમાં આવતીકાલે છેલ્લા ખેલની પ્રસ્તુતિ થશે. ત્યારબાદ મધરાત્રે મહાકાળી માતાજીનો સ્વાંગ કાઢવામાં આવશે. શહેરના ક.પરા, કુંભારવાડા, ૫૦ વારિયા સહિતના વિસ્તારોમાં મહાકાળી માતાનો સ્વાંગ કાઢી સ્મશાને જઈ ચાંચર પૂરવામાં આવશે. જેમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાઈ આશીર્વાદ લેશે. તો ધાર્મિક માન્યતા પ્રમાણે શરદ પૂનમના દિવસે સમુદ્રમંથન દરમિયાન લક્ષ્મીજીનું પ્રાગટય થયું હતું. જેથી આ રાત્રે લક્ષ્મી માતા આકાશમાં વિચરણ કરતા કહ્યું હતું કે, કો જાગ્રતિ જેનો અર્થ થાય છે. કોણ જાગે છે ? જે વ્યક્તિ રાત્રે જાગતા રહે છે, તેમના પર લક્ષ્મીજીની કૃપા વરસે છે. જેથી શરદ પૂનમને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂનમમાં લક્ષ્મીજી, ચંદ્રમાં અને ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાની ધાર્મિક માન્યતા આજે પણ જીવંત છે. 

શેરી ગરબાના કાર્યક્રમો થશે, મહાકાળી માતાજીનો સ્વાંગ નીકળશે

ઉંધિયું-દહીંવડાની તૈયારીમાં વેપારી વ્યસ્ત, મંડપ અને સ્ટોલ ઉભા કરાયા

શરદ પૂનમના દિવસે સ્વાદશોખીન ભાવેણાંવાસીઓ કરોડો રૂપિયાની ઉંધિયું ઝાપટી જાય છે. સમયનો અભાવ અને ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલને કારણે બજારમાંથી તૈયાર જ ઉંધિયું ખરીદવાનું ચલણ વધ્યું છે. જેથી શહેરમાં મીઠાઈની દુકાનો ઉપરાંત જગ્યાએ જગ્યાએ ઉંધિયું-દહીંવડાના વેંચાણ માટેના મંડળ-સ્ટોલ ઉભા કરી દેવાયા છે. આજે દિવસ દરમિયાન અને રાત્રિના સમયે પણ વેપારીઓ ઉંધિયું બનાવવાની તૈયારીઓમાં લાગ્યા હતા. બહેનો ઉંધિયાની સામગ્રી સુધારવામાં વ્યસ્ત બન્યા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *