Friday, 15 November, 2024

શરદ પૂર્ણિમા એટલે જીવનું પરમાત્મા સાથેનું મિલન

294 Views
Share :
શરદ પૂર્ણિમા એટલે જીવનું પરમાત્મા સાથેનું મિલન

શરદ પૂર્ણિમા એટલે જીવનું પરમાત્મા સાથેનું મિલન

294 Views

આ પણે ત્યાં શરદ પૂર્ણિમા વિશે જો વિચારીએ તો અવિનાશભાઈની પંક્તિ સ્મરણ થાય. “જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ.” તો જે માતાજીના નેત્રની જ્યોતિ છે એ જ શરદ પૂર્ણિમા.  શરદ પૂર્ણિમાને દિવસે શ્રી કૃષ્ણ પરમાત્માએ વૃંદાવનમાં દિવ્ય રાસ રચ્યો. દશમસ્કંધ પૂર્વાર્ધ અને આ પૂર્વાર્ધના ૨૯માં અધ્યાય અનુસાર કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાને દિવસે વૃંદાવનમાં આવ્યા અને વેણુનાદ કર્યો; અને એ વેણુમાં “ક્લીં” નામનું બીજ પ્રગટ કર્યું. આ “ક્લીં” એ કામરાજ બીજ છે. વેણુનાદ રસરૂપા ગોપીઓએ સાંભળ્યો, પણ ગોપીઓની અંદર જે કામના હતી એ ભગવાન શ્રી કૃષ્ણને મેળવવાની કામના હતી. તો એ પૂર્ણિમાને દિવસે ગોપીઓનું શ્રી કૃષ્ણ ભગવાન સાથે મિલન થયું અને દિવ્ય રાસ રચાયો. 

આધ્યાત્મિક રીતે જો વિચારીએ તો ગોપી એ કોઈ સ્ત્રી નથી. ગોપી એ કોઈ પુરુષ પણ નથી. પણ ગોપી એ એક ભાવનું નામ છે ! ગોપીની વ્યાખ્યા સંસ્કૃતમાં કરી છે. કે, જે નિત્ય ભક્તિરસનું પાન કરે છે એ ગોપી છે. આમ, આધ્યાત્મિક રીતે એમ કહેવાય કે જીવ એ “ગોપી” જ છે; અને જીવ જ્યારે પરમાત્મા સાથે જોડાય, અને એનો પરમાત્મા સાથે સંબંધ થાય તો જ શરદ પૂર્ણિમા સાર્થક બને.

શ્રીમદ્ દેવી ભાગવત અને બ્રહ્મવૈવર્તક પૂરાણ અનુસાર જોઈએ તો શરદ પૂર્ણિમાને દિવસે લક્ષ્મી માતાજીની પુજાનું પણ વિધાન છે. શરદ કાલીન લક્ષ્મી પૂજા કરવાથી લક્ષ્મી માતાજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહે છે. શ્રીમદ્ દેવી ભાગવત નવમસ્કંધ અનુસાર આ શરદ કાલીન લક્ષ્મી માતાજીની ઉપાસના એ કુશધ્વજ અને ધર્મધ્વજ રાજાએ કરી. શરદ પૂર્ણિમાનો જે ચંદ્ર છે એ અમૃત સમાન છે. સ્વર્ગનું અમૃત તો આપણે જોયું નથી અને એનો આપણને અનુભવ પણ નથી, પણ શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ અમૃત છે અને માટે જ ચંદ્રને “સુધાંશુ” કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાના ચંદ્રની શીતળતાની નીચે જો બેસવામાં આવે તો એ શીતળતા આપણા ત્રણેય તાપોને હરવાવાળી છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની શીતળતાની નીચે દૂધ અને પાંૈવા મૂકીને થોડા સમય પછી તેને આરોગવામાં આવે તો પિત્ત જેવા રોગોનું પણ નિવારણ થાય છે. માટે જ આ દિવસે દૂધ અને પૌંવા ખાવાનું મહત્વ છે. જ્યારે શરદ પૂનમ આવતી ત્યારે યશોદા માતાજી ભગવાન શ્રી કૃષ્ણને દૂધ અને પૌંવા પલાળીને આપતા. એ પ્રસંગ દ્વારિકામા પણ ભગવાન શ્રી કૃષ્ણ યાદ કરતાં. ક્યારેક ક્યારેક કહે કે, “મને માતાજી શરદ પૂર્ણિમાને દિવસે દૂધ અને પૌંવા પલાળીને આપતી હતી.”

વિદ્વાનોના મતે બીજો એક આધ્યાત્મિક ભાવ એવો છે કે, નરસિંહ મહેતાને પણ ભગવાનની રાસ-લીલાના દર્શન શરદ પૂર્ણિમાને દિવસે થયેલાં. તો શરદ પૂર્ણિમા એ જીવનને રસમય બનાવનારી પૂર્ણિમા છે. આપણું જીવન રસમય હોવું જોઈએ. રસ શબ્દથી રાસ શબ્દ બન્યો છે. આમ, ભગવાનનું નામ છે રસ-રાજ. રસરૂપ પરમાત્માને જાણવા અને રસરૂપ પરમાત્માને જાણી અને એ પરમાત્માના સ્વરૂપને આપણા હૃદય મંદિરમાં ઉતારવું એ જ શરદ પૂર્ણિમા. વાસ્તવમાં રસરૂપ પરમાત્માને જાણવા એ જ્ઞાાન છે અને રસરૂપ પરમાત્માને માણવા એનું નામ ભક્તિ છે. જ્ઞાાન ભક્તિનો તાદાત્મ્ય સધાવનારી જો કોઈ પૂર્ણિમા હોય તો એ શરદ પૂર્ણિમા છે. ગોપીઓએ ભગવાનને જાણ્યા પણ છે અને માણ્યા પણ છે. 

તો આવી પૂર્ણિમાને સમયે રસરૂપ પરમાત્માને આપણે જાણી શકીએ. રસનું દાન કરવાવાળા છે ભગવાન શ્રી કૃષ્ણ. તો આવો આપણે પણ શરદ પૂર્ણિમા ઉજવી આપણા જીવનને રસમય બનાવીએ, રસરૂપ પરમાત્માને જાણીએ અને આપણું જીવન કૃતાર્થ કરીએ.   અસ્તુ !.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *