Saturday, 27 July, 2024

સત્યવતીનું તપ

212 Views
Share :
સત્યવતીનું તપ

સત્યવતીનું તપ

212 Views

When rites were over after Pandu’s death, Sage Vyasa advised his mother Satyavati that the coming time would be horrible. Values and morales would take a beating. She would have to see the destruction of her family in near future and it would be better for her to get away from all this. As a result of Vyasa’s advice, Satyavati decided to leave the palace and started living in the forest and also started performing penance.

Two things are apparent from this incident : Sage Vyasa was blessed with extraordinary powers so he could see things that were going to happen in future. Second, contrary to popular belief prevalent at present, during Mahabharat time, going to forest for performance of penance was not reserved only for males. As evident from the example of Satyavati, we can say that women also used to do it as well.

મંત્રદર્શી મહર્ષિઓની વિદાય પછી કુંતીએ, રાજા ધૃતરાષ્ટ્રે તથા ભીષ્મે સ્વજનો સાથે પાંડુનું સુધામય શ્રાદ્ધ કર્યું.

એમણે કુરુઓને તથા અસંખ્ય સાત્વિક શ્રેષ્ઠ સુપાત્ર બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. રત્નભંડારો અને સુંદર ગામો અર્પણ કર્યા.

એ પછી પાંડવો સાથે સૌ હસ્તિનાપુરમાં પાછાં ફર્યા.

મહાભારતનું તે વર્ણન મહાભારતકાળમાં મરણોત્તર ક્રિયાઓ કરાતી અને શ્રાદ્ધના અનુષ્ઠાનનો આધાર લેવાતો એ ઐતિહાસિક હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. મૃત વ્યક્તિની પાછળ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓ સુદીર્ઘ સમયથી કરાતી આવી છે. માનવના અંતરાત્માને એમણે સંતોષ અને આનંદ પૂરો પાડ્યો છે, તથા અન્યની સક્રિય સેવાનો અવસર આપ્યો છે.

નગરજનો ને ગ્રામવાસીઓ પોતાના જ પ્રિય સુહૃદનો સ્વર્ગવાસ થયો હોય તેમ પાંડુનો દિવસો સુધી શોક કરતા રહ્યા.

શ્રાદ્ધક્રિયાની સંતોષકારક સુખદ પરિસમાપ્તિ પછી મહર્ષિ વેદવ્યાસે દુઃખમાં ડૂબેલી શોકાતુર માતા સત્યવતીને જણાવ્યું કે સુખના સોનેરી દિવસો હવે પરિસમાપ્તિ પર પહોંચ્યા છે. કપરો કાળ પાસે આવ્યો છે. એકેક કરતાં ચઢી જાય એવા પાપપૂર્ણ દુઃખી દિવસો આવી રહ્યા છે. ધરતી રસકસ વિનાની થઇ જશે. અનેક છળકપટથી છલેલો, દોષદૂષણથી ભરપૂર, ધર્મકર્મ અને અણિશુદ્ધ આચારના લોપવાળો અતિઘોર સંકટમય સમય શરૂ થશે. કુરુઓના દુરાચારથી પૃથ્વી પીડા પામીને ત્રાસી ઊઠશે. માટે તું તપોવનમાં પ્રવેશીને ચિત્તવૃત્તિનો નિરોધ કરીને યોગપરાયણ થા. કુળના ભયંકર સર્વનાશને તું ના જુએ એજ બરાબર છે.

સત્યવતી સમજી ગઇ કે કૌરવોની કપટબુદ્ધિ અને કલુષિતતાને લીધે સઘળા ભરતવંશીઓ તથા નગરજનો એમનાં સગાસંબંધીઓ સાથે નાશ પામશે.

ભીષ્મની અનુમતિ મેળવીને પોતાની બંને પુત્રવધુઓ સાથે તે એકાંત અરણ્યમાં ગઇ. ત્યાં એ ત્રણે સન્નારીઓએ ધર્મની પ્રસ્થાપિત પરંપરાગત માન્ય મર્યાદામાં રહીને તીવ્ર તપશ્ચર્યાનો આધાર લઇને છેવટે પોતાના પાર્થિવ તનુનો પરિત્યાગ કર્યો.

એ આલેખન પરથી પ્રતીત થાય છે કે મહર્ષિ વ્યાસને પોતાની તપઃપૂત દૈવી દૃષ્ટિની મદદથી કૌરવોના ભયંકર દુરાચારની અને એમાંથી પરિણમનારા સંકટની ને સામૂહિક સર્વનાશની માહિતી પ્રથમથી જ મળી ચૂકેલી. એમની અંદર એવી લોકોત્તર શક્તિ હતી. એટલે તો એ માતા સત્યવતીને એનો સ્પષ્ટ ખ્યાલ આપી શકેલા. એક અન્ય અગત્યની આધારભૂત વાત એ છે કે ધર્મશાસ્ત્રોમાં મોટે ભાગે પુરુષો જીવનની ઉત્તરાવસ્થામાં સંસારની ઉપરામતાને કેળવીને આત્મકલ્યાણ માટે વનપ્રદેશમાં પ્રવેશે છે એવાં શબ્દચિત્રો જોવા મળે છે, પરંતુ પુરુષના સાથ વિના સ્ત્રી એકલી જ તપ કરવા અરણ્યમાં જતી ને વસતી હોય એવાં ઉદાહરણો અધિક નથી મળતાં. સત્યવતીનું ઉદાહરણ એમાં અસાધારણ અપવાદરૂપ છે. ભારતીય સંસ્કૃતિના અતીતમાં પણ સ્ત્રી કેવું સન્માનની સંપૂર્ણ સ્વતંત્ર સ્થાન ધરાવતી હતી તેની સાક્ષી પૂરે છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *