Sunday, 17 November, 2024

સાવિત્રીની કથા – 5

305 Views
Share :
સાવિત્રીની કથા – 5

સાવિત્રીની કથા – 5

305 Views

{slide=Savitri’s story – V}

Savitri asked for her father-in-law’s vision as well his kingdom. Yama granted her wish. Yama told her to return but she kept following him. On their way, she had an interesting dialogue with Yama. Yama was impressed by Savitri’s devotion so he granted her another boon.  Savitri asked for hundred sons from Satyavan. Yama granted her wish. Savitri then told Yama that on one hand he granted her, hundred sons from Satyavan and on the other hand he was taking her husband’s life. So how possibly she could have hundred sons from Satyavan? Yama, then granted life to Satyavan and Savitri’s devotion paid back.

When they returned home, Dhyumatsen got new vision and shortly thereafter his kingdom. Savitri thus brought back their family’s lost grandeur. The morale of the story is that true devotion works wonders. It also displays what a resolute woman can do.   

યમદેવે કહ્યું કે તારી વાણી સાંભળીને હું પ્રસન્ન થયો છું. સત્યવાનના જીવિત સિવાય બીજાં ગમે તે વરદાનને માંગી લે હું તને તે વરદાન આપીશ.

સાવિત્રી બોલી કે મારા સસરા સ્વરાષ્ટ્રથી ભ્રષ્ટ થયા છે, વનમાં આશ્રમમાં વસ્યા છે, અને આંખે અંધ થયા છે તો તમારી કૃપાથી તેઓ આંખે દેખતા થાય. બળવાન રાજ્યપતિ બને અને અગ્નિ તથા સૂર્ય સરખા તેજસ્વી ઠરે.

યમદેવે સાવિત્રીને તે વરદાન આપીને જણાવ્યું કે તારી ઇચ્છા પૂરી થશે. હવે તું પાછી વળ કારણ કે તું ખૂબ જ શ્રમિત થઇ હોય એવું જણાય છે.

પરંતુ સાવિત્રી પાછી ના વળી.

એની અને યમદેવની વચ્ચેનો સંવાદ એ પછી પણ ચાલુ જ રહ્યો. એનો સારાંશ આ પ્રમાણે –

સાવિત્રી : સ્વામીની સંનિધિમાં મને શ્રમ નથી પડતો. મારી ગતિ નિશ્ચયાત્મક રીતે મારા સ્વામીની સાથે જ હોઇ શકે. મારા પતિને જ્યાં લઇ જશો ત્યાં હું આવીશ જ. સત્પુરુષોનો સમાગમ મહાભાગ્યે જ મળે છે ને નિષ્ફળ નથી જતો. તેથી સદા સત્પુરુષોનો સમાગમ કરવો જોઇએ.

યમદેવ : તારા શબ્દો મનને અનુકૂળ, જ્ઞાની જનોને પ્રિય લાગે તેવા, તથા યુક્તિપૂર્ણ છે. હું તેથી વિશેષ પ્રસન્નતા પામું છું. માટે સત્યવાનના જીવન વિનાના બીજા કોઇ પણ વરદાનને માંગી લે.

સાવિત્રી : મારા સસરાનું પૂર્વે પડાવી લેવાયેલું રાજ્ય એમને પાછું વળે, અને એ સ્વધર્મનો ત્યાગ કરે નહીં, એવું વરદાન આપો.

યમદેવ : એ રાજા સ્વલ્પ સમયમાં જ પોતાના રાજ્યને પાછું મેળવશે અને સદા સ્વધર્મની મર્યાદામાં રહીને વ્યવહાર કરશે. હજું તું બીજા વરદાનને માગી લે.

સાવિત્રી : મારા પિતાને પુત્ર નથી. તેમને વંશના વિસ્તારને વધારનારા સો પુત્ર થાય.

યમદેવ : તથાસ્તુ. હવે તું દૂર સુધી પહોંચી છે માટે પાછી ફર.

સાવિત્રી : મારા સ્વામીની સંનિધિને લીધે આ માર્ગ મને દૂર નથી લાગતો. મારું મન તો આનાથી પણ દૂર દોડી રહ્યું છે. તમે વિવસ્વાનના પરમપ્રતાપી પુત્ર છો, તેથી પંડિતો દ્વારા વૈવસ્વત પણ કહેવાવ છો. તમને ધર્મરાજ પણ કહે છે. માનવને જેવો વિશ્વાસ સત્પુરુષોમાં હોય છે તેવો પોતાની અંદર પણ હોતો નથી સઘળા મનુષ્યો સજ્જનોની પ્રીતિને સવિશેષ ઇચ્છે છે. પ્રાણીમાત્રને માટે મૈત્રીભાવના થવાથી વિશ્વાસ જાગે છે. સત્પુરુષોમાં એવો સુહૃદભાવ સ્વાભાવિક હોય છે. એથી જ મનુષ્યો સત્પુરુષો પર વિશ્વાસ રાખે છે.

યમદેવ : આવાં વચન તારા મુખથી પ્રથમવાર જ સાંભળું છું. એમને સાંભળીને હું પ્રસન્ન થયો છું. સત્યવાનના જીવન સિવાય કોઇ બીજું વરદાન માગી લે અને પાછી ફર.

સાવિત્રી : સત્યવાન દ્વારા મને બંને કુળોનો ઉદ્ધાર કરે એવા સો બળવાન પુત્રો થાય.

યમદેવ : તને બળ તથા વીર્યથી શોભતા સો પરમપ્રતાપી પુત્રો થશે. તથાસ્તુ. હવે તું પાછી વળ.

સાવિત્રી : સંતજનો શાશ્વત ધર્મવૃત્તિવાળા હોય છે. સંતો કલેશ પામતા નથી તેમ વ્યથા પણ ભોગવતા નથી. સંતોનો સંતો સાથેનો સમાગમ નિષ્ફળ જતો નથી. સંતોને સંતોનો ભય હોતો જ નથી. હે ધર્મરાજ ! સંતો જ સત્ય વડે સૂર્યને ગતિમાન કરે છે, સંતો જ તપ વડે ધરતીને ધારણ કરે છે. અને સંતો જ ભૂત તથા ભવિષ્યના આધારરૂપ છે. માટે જ સંતો વચ્ચે રહેતાં દુઃખ પામતા નથી. સંતો પરોપકાર કરતી વખતે વળતા ઉપકાર તરફ દૃષ્ટિ રાખતા નથી. સત્પુરુષોની કૃપા કદી નિષ્ફળ જતી નથી. કૃપા, ધન તથા માન એ ત્રણ સાધુપુરુષોમાં નિત્ય રહેલાં છે. આથી જ સંતો રક્ષણ કરનારા હોય છે.

યમદેવ : હે પતિવ્રતા ! તું જેમ જેમ ધર્મયુક્ત, મનોરમ, સુંદર પદવાળું અને મહાન અર્થવાળું સંભાષણ કરે છે તેમ તેમ મને તારે માટે પ્રેમ થાય છે. આથી તું અન્ય અનુપમ વરદાન માગી લે.

સાવિત્રી : તમે મને પુત્રફળની પ્રાપ્તિ રૂપી વરદાન આપ્યું છે પણ જેમ અન્ય પુરુષથી સ્ત્રીને પુત્રપ્રાપ્તિ થાય તે પુણ્યહીન છે. મેં તો સત્યવાનથી મને પુત્રપ્રાપ્તિ થાય એવું વરદાન માંગ્યું છે. એથી હું વરદાન માંગું છું કે સત્યવાન જીવતા થાય. પતિ વિના હું તો મરેલી જ છું. સ્વામીના વિના મને સ્વર્ગની કામના નથી. સુખની કામના કરતી નથી, જીવવાની સ્પૃહા નથી રાખતી. એકવાર તમે મને સો પુત્રોનું વરદાન આપ્યું છે અને છતાં તમે જ મારા સ્વામીને લઇ જાવ છો ! હું વરદાન માગું છું કે સત્યવાન જીવંત બને અને તમારું વચન સત્ય ઠરે.

સાવિત્રીની વાણીને સાંભળીને યમદેવે તથાસ્તુ કહીને પોતાના પાશને છોડી દીધો અને પ્રસન્ન મનથી સાવિત્રીને જણાવ્યું કે ભદ્ર ! મેં તારા ભર્તાને મુક્ત કર્યો છે. તું એ નીરોગીને લઇને પાછી જા એટલે મારું આપેલું તે વરદાન સિદ્ધ થશે. સત્યવાન તારી સાથે ચારસો વર્ષનું આયુષ્ય ભોગવશે. યજ્ઞોના અનુષ્ઠાનો કરીને ધર્માનુચરણથી લોકમાં ખ્યાતિ પામશે. વળી તારા દ્વારા સો પુત્રોને પેદા કરશે. એ સર્વ રાજાઓ થશે. પુત્રો ને પૌત્રવાળા બનશે. અને તારા નામની આ લોકમાં સનાતન કાળ સુધી પ્રખ્યાતિ પામશે. તારી માતા માલવીને તારા પિતાથી સો પુત્રો થશે. તેઓ પુત્ર પૌત્રાદિરૂપે અખંડ સંતતિ પરંપરા ચાલુ રાખશે અને માલવને નામે પ્રસિદ્ધ થશે.

આ પ્રમાણે વરદાનો આપીને ધર્મરાજે સાવિત્રીને પાછી વાળી અને પોતે પોતાના ભવને ગયા. યમરાજના ગયા પછી સાવિત્રી પણ પોતાના પતિના પ્રાણને પામીને પોતાના પતિના મૃત ખોળિયા પાસે પહોંચી ગઇ. તેના મસ્તકને ખોળામાં મૂકીને જમીન ઉપર બેઠી. એવામાં સત્યવાનને ફરી ચૈતન્ય આવ્યું. જાણે પ્રવાસેથી પાછો આવ્યો હોય તેમ તે પ્રેમપૂર્વક સાવિત્રી તરફ વારંવાર જોઇ રહ્યો અને કહેવા લાગ્યો કે બહું વારથી સૂઇ રહ્યો હતો. તેં મને શા માટે ના જગાડ્યો ? પેલો શ્યામ પુરુષ મને ખેંચી જતો હતો તે હવે ક્યાં ગયો ?

સાવિત્રીએ સ્પષ્ટીકરણ કર્યું કે પ્રજાના નિયંતા ભગવાન યમદેવ ચાલ્યા ગયા છે. તમે નિદ્રામુક્ત થયા છો.

પછી જાગૃતિ આવતાં સત્યવાન સુખે સૂતેલા માણસની જેમ ઊભો થયો.

સાવિત્રીએ ઊઠીને પોતાનો અંબોડો વાળી લીધો અને સત્યવાનને બે હાથની મદદથી બેઠો કર્યો.

એ બંને ખૂબ જ મોડું થયું હોવાથી આશ્રમ તરફ ઉતાવળે પગલે ચાલવા લાગ્યાં.

એ જ સમયે મહાબળવાન દ્યુમત્સેનને ફરી દૃષ્ટિ મળી.

સાવિત્રી સત્યવાન સાથે પાછી આવી એ જોઇને સૌને આનંદ થયો.

સાવિત્રીના શ્રીમુખથી સત્યવાનના પુનર્જીવનની અને યમદેવ દ્વારા અપાયલાં અન્ય વરદાનોની વાત સાંભળીને સૌ આશ્ચર્યચકિત બની ગયાં. સૌએ સાવિત્રીનું સાદર સન્માન કર્યું.

દ્યુમત્સેનને ખોવાયેલું રાજ્ય અનાયાસે પાછું મળ્યું. એના રાજ્ય પર અધિકાર કરનારા રાજાને મંત્રીએ મારી નાખ્યો અને પ્રધાનમંડળે એને રાજા બનાવવાનો નિર્ણય કર્યો.

સત્યવાનનો યુવરાજપદે અભિષેક થયો.

બીજાં બધાં વરદાનો સમય પર સફળ થયાં.

એવી રીતે સાવિત્રીએ સૌનો સમુદ્ધાર કર્યો.

સાવિત્રીનું આખ્યાન અસાધારણ આત્મશ્રદ્ધા અને પરમાત્માની શ્રદ્ધાનું આખ્યાન છે. શીલ, સંયમ, સત્યપરાયણતાનું આખ્યાન છે. એક સદધર્મપરાયણ પતિવ્રતા સન્નારી કેવો ચમત્કાર કરી શકે છે, યમદેવને પ્રસન્ન કરીને મૃત્યુને પણ પાછું હઠાવી શકે છે, એવો પરમપ્રેરક પ્રેરણાસુર એ આખ્યાનમાં સમાયેલો છે. સ્ત્રી અબલા નથી, સબલા છે, નારાયણી છે, નારાયણી હતી, એની પ્રતીતિ એવી કલ્યાણકારક કથાઓ પરથી સહેલાઇથી થઇ રહે છે. એવી પ્રતીતિ દ્વારા તત્કાલીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તથા તેની પ્રતિનિધિ સમી સ્ત્રી જાતિને માટે માન પેદા થાય છે. સ્ત્રી સમુદ્ધારિણી બની શકે છે એવો વિશ્વાસ વધે છે.

સાવિત્રીના આખ્યાનની ફળશ્રુતિને દર્શાવતાં મહાભારતકારે લખ્યું છે કે જે મનુષ્ય આ સર્વોત્તમ સાવિત્રી-આખ્યાનને સંપૂર્ણ ભક્તિ સહિત સાંભળશે તે પરમ સુખી થશે, તેના મનોરથો સિદ્ધ થશે, અને તેને દુઃખ આવશે જ નહિ. આપણે એના અનુસંધાનમાં જણાવીશું કે સાવિત્રીનું આખ્યાન મંદ પડેલી કે મરી પરવારેલી આત્મશ્રદ્ધાને એનો આત્મિક ચેતનાને જાગ્રત કરશે, નવપલ્લવિત બનાવશે, સ્ત્રીને પોતાના સ્વધર્મમાં પ્રેરશે, શીલવંતી કરશે, અને પુરુષના હાથની વિલાસપૂતળી બનાવવાને બદલે સાચી સહધર્મચારિણી બનાવીને અન્યને સુખ-શાંતિ-સમૃદ્ધિથી સંપન્ન અને અમૃતમય બનાવવાનું પરિબળ પૂરું પાડશે. એ જ એની સાચી ફળશ્રુતિ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *