Tuesday, 19 November, 2024

શબ્દસમૂહ માટે એક શબ્દ

567 Views
Share :
શબ્દસમૂહ માટે એક શબ્દ

શબ્દસમૂહ માટે એક શબ્દ

567 Views

શબ્દસમૂહ એટલે શું?

‘શબ્દસમૂહ’ તત્પુરુષ સમાસ છે, શબ્દસમૂહ એટલે (એકથી વધારે) શબ્દોનો સમૂહ. આમ, સામાસિક શબ્દ પોતે શબ્દસમૂહને બદલે ‘એક શબ્દ’ નું કામ કરે છે. 

દા. ત.,

  1. તમે કશીય ચિંતા કર્યા વિના બેસો. 
  2. તમે નચિંત બેસો. 

વાક્ય (1) માં ‘કશીય ચિંતા કર્યા વિના’ એ શબ્દસમૂહ છે. સ્વતંત્ર રીતે એનો ભાગ્યે જ કશો સ્પષ્ટ અર્થ છે, પણ વાક્યમાં પ્રયોજાતાં એ શબ્દસમૂહ સાથે (સ + અર્થ) બને છે.

વાક્ય (2) માં જે અર્થ શબ્દસમૂહ (કશીય ચિંતા કર્યા વિના) થી મળે છે, તે જ અને તે જ અર્થ એક શબ્દ (‘નચિંત’) થી મળે છે. આ રીતે શબ્દસમૂહથી વાક્યમાં લાઘવ, સરળતા, સચોટતા ઉપરાંત ભાષાવિચારને પ્રૌઢિ પ્રાપ્ત થાય છે.

ભાષાવિચારની અભિવ્યક્તિમાં સામાસિક ઉપરાંત અન્ય શબ્દસમૂહો પણ જુદે જુદે સ્તરે, વાક્યબોધ કે વાક્યઅર્થના ઘડતર માટે પૂરક થતા હોય છે. વ્યક્તિ બોલવામાં સરળતા ઇચ્છે છે, પરિણામે સમયાંતરે જે-તે શબ્દસમૂહો એકાદ શબ્દનું રૂપ પકડી લે છે.

શબ્દસમૂહ ના પ્રકાર ?

શબ્દસમૂહ ના મુખ્ય ચાર પ્રકાર છે.

  1. સામાસિક શબ્દરૂપે 
  2. સારપૂર્ણ અભિવ્યક્તિરૂપે
  3. પારિભાષિક શબ્દરૂપે 
  4. ઉપવાક્યના ભાગરૂપે 

જેની માહિતી અમે નીચે ઉદાહરણ સાથે આપી છે.

સામાસિક શબ્દરૂપે :

(1) જેને કોઈનો કશો આધાર નથી એવાં બાળ ક્યાં જાય ? 

(2) નિરાધાર બાળકો ક્યાં જાય ? 

‘જેને કોઈનો કશો આધાર નથી એવાં’ એ શબ્દસમૂહ છે, સ્વતંત્ર રીતે એ શબ્દસમૂહ ભાગ્યે જ કશો સંપૂર્ણ અર્થ આપી શકે છે, પણ વાક્યમાં એનાથી વિસ્તાર થાય છે . એમાં ચૌદ અક્ષર છે , એને બદલે ચાર અક્ષરનો ‘ નિરાધાર’ શબ્દ, એ શબ્દસમૂહના અર્થ સંપૂર્ણતઃ વ્યક્ત કરે છે. આ સામાસિક શબ્દ છે. 

ઉદાહરણો : 

(1) તુવેરની દાળનું પૂરણ ભરેલી પોળી – પૂરણપોળી 

(2) જેની પત્ની પરદેશ જઈ વસેલી હોય તેવાં પુરુષ – પ્રોષિતપત્નીક

સારપૂર્ણ અભિવ્યક્તિરૂપે :

દા. ત., 

(1) બે ભાઈઓ વચ્ચે સમાધાન ન થઈ શકે (જૈનો કશો ઉકેલ જ ન આવી શકે) એવી ગૂંચ પડી ગઈ. 

(2) બે ભાઈઓ વચ્ચે મડાગાંઠ પડી ગઈ. 

‘સમાધાન ન થઈ શકે, જેનો કશો ઉકેલ જ ન આવી શકે એવી ગૂંચ ‘ એ શબ્દસમૂહ છવ્વીસ અક્ષર ધરાવે છે , એને બદલે ‘મડાગાંઠ’ શબ્દ, આ શબ્દસમૂહના અર્થને સંપૂર્ણતઃ વ્યક્ત કરે છે . સમગ્ર શબ્દસમૂહની સારપૂર્ણ અભિવ્યક્તિ ‘મડાગાંઠ ’ શબ્દમાં છે.

ઉદાહરણો : 

(1) રાગના મુખ્ય સ્વરનો વિસ્તાર કરી, એ રાગના બીજા શુદ્ધ સ્વર મેળવી, રાગનું ચોખ્ખું સ્વરૂપ બતાવવાની ક્રિયા – આલાપ 

(2) કોઈ પણ મંદિર કે તીર્થસ્થાનની પ્રદક્ષિણા કરવી – પરિક્રમા 

પારિભાષિક શબ્દરૂપે :

દા. ત., 

(1) વિજ્ઞાન સમય કે કદ કે કોઈ પદાર્થના નાના ભાગનો અભ્યાસ કરે છે. 

(2) વિજ્ઞાન અણુનો અભ્યાસ કરે છે . 

‘સમય કે કદ કે કોઈ પદાર્થનો નાનો ભાગ’ શબ્દસમૂહ છે. વિજ્ઞાનની ભાષામાં એને ‘અણુ’ કહે છે. ‘અણુ’ એ વિજ્ઞાનનો પારિભાષિક શબ્દ થયો. ‘અણુ’ શબ્દ આ શબ્દસમૂહનો સંપૂર્ણ અર્થ વ્યક્ત કરે છે.

જ્ઞાનની પ્રત્યેક શાખામાં, અમુક ચોક્કસ પદાર્થ , ક્રિયા કે ગુણને વ્યક્ત કરવા માટે નક્કી કરેલા સાંકેતિક શબ્દો હોય છે . જે – તે શાખાના એ શબ્દને પરિભાષા કહે છે. ‘મન’, ‘જીવ’ , ‘આત્મા’, ‘ઈશ્વર’ એ તત્ત્વજ્ઞાનના; ‘તત્ત્વ’, ‘અણુ’, ‘પરમાણુ’ એ વિજ્ઞાનના, વર્તુળ, પિરામિડ, રેખા એ ગણિતના, માઉસ, કી-બોર્ડ એ કમ્પ્યુટરના પારિભાષિક શબ્દો છે. 

ઉદાહરણો :

(1) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા વ્યાસ 

(2) પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવું – બાષ્પીભવન 

ઉપવાક્યના ભાગરૂપે :

દા. ત., 

(1) ઝાડ નીચે ઊભો છે તે ઊંચો છોકરો રાકેશ, મારો ભાઈ છે. 

(2) રાકેશ મારો ભાઈ છે. 

‘ઝાડ નીચે ઊભો છે તે ઊંચો છોકરો’ એ શબ્દસમૂહ છે , પણ આપણા અભ્યાસમાં એનો સમાવેશ નહિ કરીએ, કારણ કે એના માટે , એમાંથી જ બનેલો એક શબ્દ આપણી પાસે નથી, તે રાકેશનું વિશેષણાત્મક ઉપવાક્ય છે.શબ્દસમૂહ માટે એક શબ્દ

નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો:

1. લાગતાં વળગતાંની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર – પરિપત્ર 

2. પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ – સુવર્ણમહોત્સવ 

૩. સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ – ષષ્ઠિપૂર્તિ 

4. પંચોતેર વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ – હીરકમહોત્સવ 

5. પથ્થર ઉપ ૨ કોતરેલો લેખ – શિલાલેખ 

6. પચાસ વર્ષ પૂરાં કરી એકાવનમા વર્ષમાં પ્રવેશ – વનપ્રવેશ 

7. દરિયામાંથી મોતી કાઢનારો – મરજીવો 

8. હાથની નસીબ બતાવતી રેખા – પ્રારબ્યરેખા

9. રણમાં રેતી ઊડીને થતો ઢગલો – હૂવો 

10. પંચ સમક્ષ કરેલી તપાસણીની નોંધ – પંચનામું

11. પચીસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ – રજતમહોત્સવ 

12. પારકા પર આધાર રાખનારું – પરાવલંબી

13. ‘હું ઊતરતો છું’ એવો મનોભાવ – લઘુતાગ્રંથિ

14. ‘હું ચડિયાતો છું’ એનો મનોભાવ – ગુરુતાગ્રંથિ

15. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું , પ્રતિષ્ઠિત – લબ્ધપ્રતિષ્ઠ 

16. લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા – લોકેષણા

17. ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું – આજાનબાહુ

18. કવિતાનાં ખૂટતાં પદ યોજવાં તે – પાદપૂર્તિ

19. જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક 

20. એક જ સમયમાં થઈ ગયેલું – સમકાલીન

21. શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર – શબ્દવેધી 

22. ધર્મ કે દેશ માટે બલિદાન આપનાર – શહીદ 

23. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ – નેપથ્ય 

24. સાચવી રાખવા સોંપેલી વસ્તુ – અનામત, થાપણ 

25. વિચાર વગરની શ્રદ્ધા – અંધશ્રદ્ધા 

26. જન્મથી જ પૈસાદાર – ગર્ભશ્રીમંત 

27. રોગનું નિદાન કરવું તે – ચિકિત્સા 

28. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર – તકસાધુ 

29. આંખ સાથે આંખ મળી થતી પ્રીતિ – તારામૈત્રક 

30. મુશ્કેલીથી મેળવી શકાય તેવું – દુષ્પ્રાપ્ય

31. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે – દૂરંદેશી 

32. અનિયમિત મુદતે બહાર પડતો પત્ર – અનિયતકાલિક 

33. કમળ જેવા નેત્રોવાળી ( સ્ત્રી ) – કમલાક્ષી 

34. હાથીના જેવી ચાલ ચલનારી ( સ્ત્રી ) – ગજગામિની 

35. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ – હસ્તઉદ્યોગ

36. હાથથી લખેલું લખાણ – હસ્તપ્રત 

37. યાદગીરી માટે પ્રતીકાત્મક બાંધકામ – સ્મારક 

38. ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ – વર્ષાસન 

૩9. ઉપમા આપી ન શકાય તેવું – અનુપમ 

40. ધીરધારનો ધંધો કરનાર – શરાફ 

41. મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ – પ્રૌઢશિક્ષણ 

42. મનની ગતિવિધિ અને માનવ – આચરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન – મનોવિજ્ઞાન 

43. પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર – પ્રદૂષણ 

44. સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું – બાષ્પીભવન 45. ત્રણ કલાકનો સમયગાળો – પ્રહર 

46. પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના , સ્વતંત્રતાથી હરીફરી શકે તેવું વન – અભયારણ્ય 

47. જેની આરપાર જોઈ શકાય એવું – પારદર્શક 

48. દિવસનો ( અહ્નનો ) મધ્યભાગ – મધ્યાહ્ન 

49. જાતે રાંધીને ખાવું તે – સ્વયંપાક 

50. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ – સંપેતરું 

51. ઈશ્વરના શરણે જવાનો ભાવ – પ્રપત્તિભાવ 

52. ઊંડે સુધી જઈને સ્પર્શતું – તલસ્પર્શી 

53. અંગૂઠા પાસેની પહેલી આંગળી – તર્જની 

54. યુદ્ધ કરવાની ઇચ્છાવાળો – યુયુત્સુ 

55. કૂવામાંનો દેડકો ( ખૂબ સંકુચિત દૃષ્ટિવાળો આદમી ) – કૂપમંડૂક 

56. એકની એક વાત ફરીફરીને કહ્યા કરવી તે – પિષ્ટપેષણ 

57. શબને ઓઢાડવાનું કપડું – કફન

58. જેમાંથી વસ્તુ ખૂટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર 

59. પગના નખથી માથાની શિખા સુધી – નખશિખ, આપાદમસ્તક 

60. ગ્રહણ કરવા યોગ્ય – ગ્રાહ્ય 

61. અઘરું કામ કરવાની જવાબદારી – બીડું

62. સૌને પોતાના જેવા ગણવા તે – આત્મૌપમ્ય 

63. સ્પર્શમાત્રથી લોઢાને સોનામાં ફેરવી દેનાર મણિ – પારસમણિ 

64. કમળ જેવું સુંદર મુખ – મુખારવિંદ 

65. છાપાંને ખબર મોક્લનાર – ખબરપત્રી

66. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી – અભિસારિકા 

67 , બધા રાજાઓ પર પોતાની સત્તા સ્થાપનાર – ચક્રવર્તી 

68 , પોતાની મેળે પતિ પસંદ કરવો તે – સ્વયંવર 

69. જાતે સેવા આપનાર – સ્વયંસેવક 

70. કલ્પી કે સમજી ન શકાય તેવું – અકલ્પ્ય 

71. પહેલું જન્મેલું ( મોટો ભાઈ ) – અગ્રજ

72. પછી જન્મેલું ( નાનો ભાઈ ) – અનુજ 

73. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું – અજરામર 

74. જેની જોડ નથી તેવું – અજોડ , અદ્વિતીય , અનન્ય 

75. તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ

76. વધારીને વાત કરવી તે – અતિશયોક્તિ 

77. જીવાત્મા – પરમાત્મા એક જ છે એવો વાદ – અદ્વૈતવાદ 

78. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ – અનાથાશ્રમ 

79. ટચલી આંગળી પાસેની પહેલી આંગળી – અનામિકા

80. જરૂર પૂરતું ખાનારું – મિતાહારી 

81. અમૃત જેવી મીઠી નજર – અમીષ્ટિ 

82. આ લોકમાં મળે નહિ તેવું – અલૌકિક 

83. જેનો નાશ ન થાય તેવું – અવિનાશી 

84. સાવ અસંભવિત હોય તેવું – આકાશકુસુમવત્ 

85. સો વર્ષ પૂરા થવાં તે – શતાબ્દી અથવા સો વર્ષ પૂરાં થયે ઊજવાતો મહોત્સવ – શતાબ્દી મહોત્સવ 

86. પોતાના હાથે લખેલું જીવનનું વૃત્તાંત – આત્મકથા

87. બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત – જીવનકથા 

88. પોતાનાં વખાણ પોતે જ કરવાં તે – આત્મશ્લાઘા 

89. આંખ આગળ ખડું થઈ જાય તેવું – આબેહૂબ, તાદશ 

90. શું કરવું તે કશું ન સૂઝે તેવું – કિંકર્તવ્યમૂઢ 

91. સત્યને ટકાવી રાખનાર દેવી – ઋતંભરા 

92. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો – ભૂશિર 

93. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો – અખાત 

94. બે જમીનોને જોડના ૨ જમીનની સાંકડી પટ્ટી – સંયોગીભૂમિ 

95. બે મોટા સમુદ્રોને જોડનારી ખાડી – સામુદ્રધુની 

96. જેની ત્રણ બાજુ પાણી હોય તેવો ભૂમિભાગ – દ્વીપકલ્પ 

97. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ – રણદ્વીપ 

98. પાણી વગરની રેતાળ જગ્યા – મરુભૂમિ 

99. યાદવોની અંદર અંદરની લડાઈ અને કતલ – યાદવાસ્થળી 

100. સૂર્ય – ચંદ્ર હોય ત્યાં સુધી, હંમેશને માટે – યાવચંદ્રદિવાકરો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *