Sunday, 22 December, 2024

શૈશવના સંસ્મરણો નિબંધ

127 Views
Share :
શૈશવના સંસ્મરણો નિબંધ

શૈશવના સંસ્મરણો નિબંધ

127 Views

મારા શૈશવને યાદ કરું છું ત્યારે મહાન સંસ્કૃત સાહિત્યકાર ભવભૂતિની આ પ્રસિદ્ધ પંક્તિ શું અનાયાસ મુખેથી સરી પડે છે. કિશોરાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ જે શૈશવને ગુમાવી દીધું છે તે હવે શું કદાપિ પાછું ફરવાનું નથી ? હવે તો જીવનના એ સોનેરી સમયનાં સંસ્મરણોને, કોઈ અમૂલ્ય વસ્તુ ગુમાવી હોવાના રંજ સાથે, વાગોળવાનાં રહ્યાં.

હું લગભગ ત્રણ વર્ષનો હતો. એ સમયનાં સંસ્મરણો મનઃચક્ષુ સામે સૌપ્રથમ સાકાર થાય છે. કેવા બેફિકર હતા એ દિવસો ! નિશાળે જવાની ચિંતા નહોતી. હું ભૂખ્યો હોઉં તોયે મારા ખાનપાનની ચિંતા બીજાએ કરવી પડતી ! બા જમવાની થાળી લઈને મારી પાછળ આખો ઘરમાં અનેક આંટા મારતી ત્યારે મારું ભોજન પૂરું થતું ! માતાની નિબંધ મમતા, પિતાનું અગાધ વહાલ અને દાદા – દાદીનું ઉત્કટ વાત્સલ્ય નાના શિશુ પર જે સ્વરૂપે મળે છે, એ સ્વરૂપે કિશોરાવસ્થામાં મળતાં નથી. એ તો શૈશવકાળનો જ અમૂલ્ય ખજાનો છે.

કેવા નિઃસીમ આનંદ – ઉલ્લાસના એ દિવસો હતા ! રોજ સવારે હું મોડેથી ઊઠતો. આખો દિવસ બાળગોઠિયાઓ સાથે જાતજાતની રમતોમાં મશગૂલ રહેતો. કોઈ પોતાનું રમકડું ન આપે તો એને મારતો અને કોઈનું રમકડું ઝૂંટવી લેતો ત્યારે માર ખાતોયે ખરો, પરંતુ થોડી જ વારમાં, જાણે કંઈ જ બન્યું ન હોય તેમ, ફરી એ જ મિત્રો સાથે રમવા લાગતો. શૈશવની એ નિર્દોષ, નિખાલસ, સરળ સૃષ્ટિમાં પાછા ફરવા માટે આજે અંતરના ઊંડાણથી ઝંખના જાગે છે : “ ફરી બનવા ચહું હું , પ્રભુ ! બાળ નાનું. ‘ પરંતુ કાળના ચક્રને કોણ ઊંધું ફેરવી શક્યું છે ?

સમયનાં વહેણ સાથે મનુષ્યના જીવનમાં એને ગમે કે ન ગમે એવા અનેક ફેરફારો થતા જ રહે છે. વખત વીતતો ગયો તેમ તેમ હું મોટો થતો ગયો. એક શુભ દિને મને બાળમંદિરમાં દાખલ કરવામાં આવ્યો. એ દિવસે પહેલી વાર મારા ભારે વિરોધ અને રડારોળ સામે ઘરમાં કોઈએ નમતું ન આપ્યું ! સતત અડધા કલાક માટે પણ હું એક જ જગ્યાએ બેસી રહેવા ટેવાયેલો નહોતો. પરંતુ હવે રોજ ચાર – ચાર કલાક બાળમંદિરની દીવાલો વચ્ચે પુરાઈ રહેવાની ફરજ પડી. શિસ્તપાલનની આ નવી જીવનચર્યા સાથે અનુરૂપ થતાં મારા બાળમનને સારો એવો સમય લાગ્યો.

પરંતુ એ પછીનું અત્યાર સુધીનું મારું સમગ્ર શાળાજીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં મને ડઝનબંધ સારા મિત્રો મળ્યા છે. પહેલા ધોરણથી જ મેં વર્ષોવર્ષ વર્ગમાં પ્રથમ રહીને ઇનામો જીત્યાં છે. રમતગમતની અનેક હરીફાઈઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મેં છેક નાનપણથી ઘણા ચંદ્રકો મેળવ્યા છે. અભ્યાસમાં તેજસ્વિતા અને ગુરુજનો પ્રત્યેના આદરને કારણે હું હંમેશાં આચાર્યશ્રીનો અને શિક્ષકોનો સ્નેહ પામ્યો છું.

વીતી ચૂકેલું શૈશવ તો જીવનમાં પાછું મળવાનું નથી, પરંતુ શૈશવનાં આ સ્મરણો મારા મનમાં પથ્થર પરના કોતરકામની જેમ અંકિત થઈ ગયાં છે. બાળપણની આ મહામૂલી યાદો જીવનના અંત સુધી હૃદયમાં સચવાયેલી રહેશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *