Saturday, 27 July, 2024

શારદામણિ દેવી સ્તુતિ

225 Views
Share :
શારદામણિ દેવી સ્તુતિ

શારદામણિ દેવી સ્તુતિ

225 Views

આંખે અમી મુખ પરે મધુના ફુવારા
અંગાંગ શાંતિમય દિપ્તી ભરેલ ન્યારાં
ખુલ્લાં કર્યા કમરમંડિત કેશવાળાં
શ્રી શારદા નમન હો શતવાર મારા.

બેઠાં સુખાસન મહીં લવલીન ધ્યાને
સાકાર મોક્ષ સુખ સ્વર્ગ સમાધિ જાણે,
પાવિત્ર્ય પ્રેમ પ્રતિમા રતિથી રૂપાળાં
દેવી મહા નમન હો શતવાર મારાં.

સો સો વસંત વિકસી નવ હોય અંગે
એવા જ સુંદર સદાય છલ્યા ઉમંગે
પુષ્પો થકી વધુ સુવાસિત સ્વાદવાળાં
શ્રી શારદા નમન હો શતવાર મારાં.

સિદ્ધિ તણાં નમ્ર ભરેલ નેહે
માંગલ્ય મંદિર સદાય સુહાય દેહે
સંસારને શરૂ કરેલ છતાં કુંવારા
દેવી મહા નમન હો શતવાર મારાં.

આનંદ દર્શન થકી અતિ આપનારાં
ઉદ્ધારતાં પતિતને પણ તારનારાં
સંહારતાં તિમિર તાપ પ્રજાળનારાં
શ્રી શારદા નમન હો શતવાર મારાં.

વર્ષા સમાન રસ વ્હાલપથી ભરેલાં
સેવા ક્ષમા સરળતા શતથી છલેલાં
ઝાંખી થકી જ ભવબંધન કાપનારાં
દેવી મહા નમન હો શતવાર મારાં.

આરંભમાં વિલસતાં નિત મધ્યમાં ને
અંતે રહે વિચરતાં અજ એ જ છે જે
છો ભક્તને સુખ વળી વર આપનારાં
શ્રી શારદા નમન હો શતવાર મારાં.

છો કામધેનુ નિજ ભક્ત તણા તમે તો
સર્વે પદાર્થ શરણાગતને ધરી દો
છો સર્વ દેવ દુર્લભ અનંત સ્વરૂપવાળાં
દેવી મહા નમન હો શતવાર મારાં.

શતકર્મ કોઈ જનનાં જગમાં ફળે છે
ત્યારે જ ચિત્ત તરણે મધુરા મળે છે
ગાવા ગમે દુણ સદાય પછી તમારા
શ્રી શારદા નમન હો શતવાર મારાં.

કોને સ્તવું સ્તવન યોગ્ય તમે જ એક
વ્યક્તિત્વ દિવ્ય અણમોલ તમારું છેક
વાણી બને સફળ ગાન થકી તમારાં
દેવી મહા નમન હો શતવાર મારાં.

વિશ્વંભરી મધુમયી જગદંબ એવા
નામો રમે હૃદયમાં રસખાણ જેવાં
નેત્રો જુવે મધુર રૂપ વળી તમારાં
શ્રી શારદા નમન હો શતવાર મારાં.

વિણા ભલે હૃદયમાં દિનરાત વાગે
ને રોમ રોમ ઉછળે અવિરામ રાગે
પામે ભલે સફળ જીવન પ્રેમધારા
શ્રી શારદા નમન હો શતવાર મારાં.

સંસારમાં દિલડું ના કદિકાળ લાગે
બીજો પદાર્થ સહવાસ વિના ન માગે
પૂરો મનોરથ સદા હરખે અમારાં
દેવી મહા નમન હો શતવાર મારાં.

કોઈ રહે હૃદયમાં નવ અન્ય કો’દિ
આવો સૂણી સ્તવનને ક્ષણમાં જ દોડી
દોષો જુઓ નહીં, જુઓ બસ પ્રેમધારા
શ્રી અંબિકા નમન હો શતવાર મારાં.

શક્તિ નથી પણ સદા ઉર સાથ માંગે
ના યોગ જ્ઞાન તપ તોય ભરાય રાગે
દો દિવ્ય દર્શન ગણી અમને તમારાં
દેવી મહા નમન હો શતવાર મારાં.

કૃપા વર્ષા સદા વર્ષો એ જ ઇચ્છા ઉરે રહી,
બીજી કોઈ નથી ઈચ્છા લાલસા અન્ય છે નહીં.

સદા દર્શન દો તેમ કરો સાફલ્ય પ્રાણનું
વિના વિલંબ સ્વીકારો મોતી આ મુજ ગાનનું.

– શ્રી યોગેશ્વરજી

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *