Monday, 9 December, 2024

સિંહ અને કઠિયારો

188 Views
Share :
સિંહ અને કઠિયારો

સિંહ અને કઠિયારો

188 Views

લાભુ નામનો એક કઠિયારો હતો. રોજ જંગલમાં જતો. બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો. એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો. આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી. એક દિવસની વાત છે. રોજની માફક તે જંગલમાં ગયો. એક ઝાડ આગળ દોરડું અને અંગૂઠો લટકાવી કુહાડીથી ડાળ કાપવા જતો હતો ત્યાં જ તેને કોઈ પ્રાણીના કણસવાનો અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં નજર નાખી. કોઈ પ્રાણી દર્દથી કણસી રહ્યું હતું. લાભુ એ તરફ જવા લાગ્યો.

તળાવથી થોડે દૂર તેણે જોયું કે એક સિંહ દર્દથી કણસી રહ્યો હતો. બાપ રે … આ તો સિંહ … જંગલનો રાજા … . એની પાસે ના જવાય. ત્યાં જ સિંહની નજર તેના પર પડી. સિંહની આંખોમાં લાચારી હતી. લાભુ હિંમત કરી તેની નજીક ગયો. તેણે જોયું કે સિંહનો આંગલો પણ લોહીલુહાણ હતો ત્યાં તીર વાગેલું હતું.

સિંહે કહ્યું – ‘ ભાઈ , મારી મદદ કરો. મને પગમાં તીર વાગ્યું છે, તે જલ્દી કાઢો ‘

લાભુને દયા આવી છતાં ગભરાતા ગભરાતા તે નજીક ગયો. સિંહના પગમાંથી તીર કાઢયું. તળાવ થોડે દૂર હતું તે ત્યાં ગયો. પોતાનો અંગૂછો ભીનો કર્યો. પછી સિંહ પાસે આવી ભીના અંગૂઠાથી ઘા સાફ કર્યો. જંગલમાં જંગલી ઔષધીના ઘણા છોડ હોય છે. ઔષધીના એક છોડ પરથી પાંદડાં લાવી, બે હથેળીમાં મસળી સિંહના ઘા ઉપર લૂગદીબનાવી લગાવી. સિંહે જણાવ્યું કે તે પાણી પીવા તળાવ આવ્યો ત્યારે કોઈ શિકારીએ તેને તીર મારી તેનો શિકાર કરવા પ્રયત્ન કર્યો હતો.

તીર વાગ્યું છતાં છલાંગ લગાવી માંડ માંડ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. ભલે સિંહ હિંસક પ્રાણી હતો પણ લાભુને તેની દયા આવી. દિવસ દરમ્યાન લાકડા કાપતા કાપતા થોડી થોડી વારે તેની તપાસ કરી તો સાંજ પડવા આવી ત્યારે લાભુએ ફરી તેના ઘા ઉપર ઔષધી લગાવી આપી. બીજા દિવસે લાભુ રોજ કરતાં વહેલો જંગલમાં ગયો. જોયું તો સિંહ ત્યાંથી ચાલીને તળાવની પાળે પાણી પી રહ્યો હતો. સિંહે કહ્યું રાત્રે તેને સરસ ઊંઘ આવી. ચાર – પાંચ દિવસમાં સિંહને સારું થઈ ગયું.

છતાં લાભુ ઘા તપાસી ઔષધી લગાવતો રહ્યો. હવે સિંહ બરાબર ચાલી શકતો હતો. એક સાંજે લાભુ લાકડાનો ભારો લઈ ઘેર પાછો ફરતો હતો ત્યારે સિંહે કહ્યું – “ તેં મારી ઘણી સેવા કરી છે. લાવ, આ લાકડા પીઠ ઉપર મૂકી દે . હું તને તારા ગામના પાદર સુધી છોડવા આવું છું.”

આમેય લાભુ થાકેલો તો હતો જ ! તેણે ભારો સિંહની પીઠ ઉપર મૂકી દીધો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો . લાભુ લાકડાનો ભારો તૈયાર કરતો અને સિંહ ગમે ત્યાંથી સમયસર આવી જતો . તેને રોજ ગામના પાદરે મૂકી જતો . જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લાભુનો લોભ પણ વધવા લાગ્યો . એક ભારામાંથી બે થયા . બેના ચાર થયા , તેની પાસે પૈસા પણ વધારે ભેગા થવા લાગ્યો.

ગામમાં પણ વાતો વહેતી થઈ. ગ્રામજનો લાભુને સિંહની સાથે જોવા ઠેઠ પાદર સુધી ભેગા થવા લાગ્યા. ગામમાં લાભુ અને તેની પત્નીનું માન વધવા લાગ્યું. સૌ તેની પાસે સિંહની વાતો સાંભળવા એકઠા થવા લાગ્યા. સિંહ જેવો જંગલનો રાજા … પણ લાભુ પાસે બકરી … … બનીને તેની દરેક વાત માને.

જેમ જેમ માન વધતું ગયું , લાભુનો અહંકાર પણ વધતો ગયો. ઘણીવાર તો પાતળી સોટીથી સિંહને ફટકારતો ! જલ્દી જલ્દી ચાલ … આમ ગધેડાની માફક શું ધીમે ધીમે ચાલે સિંહ એક માણસના ઉપકારને વશ હતો. તેનાથી લાભુનો ઉપકાર ભૂલાતો નો’તો. તેથી નાછૂટકે ગમે તેવું અપમાન સહન કરી રહ્યો હતો. મહિનો … બે મહિના … ત્રણ મહિના …

માનવસહજ મોટાઈ પામવાનો સ્વભાવ લાભુમાં દિવસે દિવસે વધતો ગયો. તે એ પણ ભૂલી ગયો કે તે જેનું વાતે – વાતે અપમાન કરે છે , લાકડી ફટકારે છે , વધારેને વધારે ભાર લાદે છે એ કોઈ ગધેડો નથી – સિંહ છે.

એક દિવસ સિંહે કહ્યું – ‘‘ લાભુ , તારા હાથમાં આ કુહાડી છે ને ! એક કામ કર … મારી પીઠ ઉપર કુહાડીનો ઘા કર !!! ’ લાભુ તો દંગ રહી ગયો. સિંહ … આ શું બોલે છે ?
છતાં સિંહે કહ્યું. “ તું ચિંતા ના કર , હું કહું છું ને , તારી કુહાડીથી એક ઘા કર. ‘‘ લાભુએ ઘા કર્યો. લોહી નીકળ્યું. પણ સિંહે સ્હેજ પણ ઊંહકારો ના કર્યો.

ત્રણ – ચાર દિવસ પછી સિંહે લાભુને પૂછ્યું – “ જરા જો તો ખરો ! પેલો ઘા તે પાડ્યો હતો ત્યાં રૂજ આવી કે નહિ ? ’’

લાભુએ જોયું ઘા રૂજવા આવ્યો હતો. ત્યારે સિંહે કહ્યું – જોયું ! લાભુ … તારી કુહાડીથી પડેલો ઘા પણ રૂજાઈ ગયો. તે દિવસે તીરના ઘા ઉપર ઔષધી લગાવી તેનો ઉપકાર હું ભૂલ્યો નો’તો. તેના બદલામાં અત્યાર સુધી મેં તારી ઘણી સેવા કરી. હું રાહ જોતો હતો કે મોટાઈ પામવાનો તારો માનવ સ્વભાવ સુધરે છે કે નહિ ? પણ એ ના બન્યું. કુહાડીનો ઘા તો સહન થઈ જાય પણ તારા કડવાં વેણ, ગામ લોકોની વચ્ચે લાકડીના ફટકારે થતું મારું અપમાન , સિંહ જેવા સિંહને ગધેડાની માફક હાંકવાનો તારો ઘમંડ ..

લાભુ … તમે કઈ જાતના માણસ છો ? કોઈની સેવાય મનથી નથી કરી શકતા ! એમાંય બદલાની ભાવના રાખો છો ? હવે કાલથી હું તને નહિ મળુ મારી આશા ના રાખીશ. જતાં જતાં એક વાત કહું તે યાદ રાખજે. કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજતો.”

અને સિંહ ચુપચાપ જંગલમાં જતો રહ્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *