Monday, 9 December, 2024

સ્પષ્ટતા

339 Views
Share :
સ્પષ્ટતા

સ્પષ્ટતા

339 Views

When things were getting complicated, Sage Vyasa appeared. King Drupada expressed his confusion that according to him, it looks improper and out of righteousness that Draupadi become common wife of five Pandavas. Dhristadhyumna also expressed his opinion that it is out of moral that an elder brother enter into a relationship with his younger brother’s wife.  Yudhisthir kept on saying that he never follows untruth. He added that mother is best of all Gurus and therefore whatever his mother, Kunti, unknowingly said is a command to him and he will religiously follow it.  Finally, with Sage Ved Vyasa’s teachings about religion and morals, their confusion was cleared and they all agreed to Draupadi becoming common wife of all Pandavas.

However, if we think about the whole story in context, it looks odd and strange. Kunti knew about swayamvar and Arjuna & Bhim’s participation. When they returned home, she must knew that they are coming home from swayamvar and not from alms collection, and therefore should not have made a statement so blindly about sharing the alms equally among all brothers. Yudhisthir, considered as an incarnation of Dharma, insisted on his mother’s utterances made in total ignorance and decided to follow it instead of advising Kunti to change her mind and correct her mistake. Draupadi, on the other hand does not say a single word during the whole episode. She actually chose Arjuna, who won her in swayamvar, and therefore was bound only to him. Yet, she silently accepts the outcome. Wasn’t that all strange ? 

એટલામાં ત્યાં મહર્ષિ વ્યાસ પધાર્યા એટલે દ્રુપદે એમની આગળ પોતાના મનોમંથનને રજૂ કર્યું, અને કહ્યું કે આ મને શિષ્ટાચાર તથા શ્રુતિથી વિરુદ્ધ અધર્મ લાગે છે. પહેલાંના પવિત્ર પુરુષોએ આ ધર્મનું આચરણ કદી કર્યું નથી. વિદ્વાનોએ કદી પણ અધર્માચરણ ના કરવું જોઇએ. એથી હું યુધિષ્ઠિરના કહેવા પ્રમાણે કરવા તૈયાર નથી.

ધૃષ્ટદ્યુમ્ને પણ જણાવ્યું કે પોતે સદાચરણી હોય એવો જયેષ્ઠ ભ્રાતા કનિષ્ઠ ભ્રાતાની ભાર્યા સાથે સમાગમ કેવી રીતે કરી શકે ?

યુધિષ્ઠિરે કહ્યું કે મારી વાણી અનૃતનો ઉચ્ચાર કર્યો નથી, અને અધર્મ તરફ મારી મતિ વળતી નથી. આથી આ બાબતમાં મારો મત અનુકૂળ હોવાથી એ કોઇપણ પ્રકારે અધર્મ નથી. સર્વ ગુરુઓમાં માતા શ્રેષ્ઠ ગુરુ છે, તથા ભિક્ષા મુજબ સર્વે મળીને ઉપભોગ કરી લો એવા શબ્દો માતાના મુખમાંથી પણ નીકળ્યાં છે. તેથી એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે એમ હું માનું છું.

કુંતીએ કહ્યું કે ધર્માનુચરણ કરનારા યુધિષ્ઠિરે જે કહ્યું તે સાચું છે. મને અનૃતની બીક લાગે છે માટે હું અનૃતમાંથી કેમ મુક્ત થઇશ ? વ્યાસે કહ્યું કે, તું અનૃતમાંથી મુક્તિ મેળવીશ, કેમકે એ જ સનાતન ધર્મ છે.

એમ કહીને વ્યાસ દ્રુપદને હાથ પકડીને અંદર લઇ ગયા અને તેને સનાતન અને વિહિત ધર્મની કથાઓ કહી.

મહર્ષિ વ્યાસે કહેલી મનાતી એ બંને કથાઓની ચર્ચાવિચારણાને હાલપૂરતી મુલતવી રાખીને મહાભારતમાં આલેખાયેલી આટલી કથાને તટસ્થ રીતે વિચારીએ તોપણ તે તર્કસંગત અને મૂળ કથા સાથે સુસંગત નથી લાગતી. કથાના મૂળ પરંપરાગત પ્રવાહ પ્રમાણે પાંડવો પાંચાલનગરમાં મહર્ષિ વ્યાસ જેવા પરમ હિતચિંતકના શુભાશીર્વાદ સાથે પ્રવેશેલા. દ્રૌપદીના સ્વયંવરમાં સંમિલિત થયેલા. સ્વયંવરમાં સૂચના મુજબ અથવા ધૃષ્ટદ્યુમ્ને કરેલી જાહેરાત પ્રમાણે અર્જુને લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને પ્રાપ્ત કરેલી. દ્રૌપદી પોતે પણ એવા પરમપ્રતાપી પુરુષને પોતાના પતિ તરીકે પસંદ કરવા પ્રતિજ્ઞાબદ્ધ હતી. રાજા દ્રુપદે પણ એને અનુમોદન આપીને એના સ્વયંવરનું આયોજન કરેલું. અર્જુને લક્ષ્યવેધ કર્યા પછી અન્ય રાજાઓ સંઘર્ષ માટે તૈયાર થયા ત્યારે યુધિષ્ઠિર સહદેવ તથા નકુલ સાથે કુંભારગૃહમાં કુંતી પાસે પહોંચી ગયેલા. તેમણે કુંતીને અર્જુને લક્ષ્યવેધ દ્વારા દ્રૌપદીને મેળવ્યાની વાત કરી જ હોય. પાંડવો ભિક્ષા માટે નથી ગયા પરંતુ દ્રૌપદીના સ્વંયવરમાં ગયા છે એની કુંતીને ખબર હતી. એટલે ભીમ અને અર્જુન દ્રૌપદી સાથે એની પાસે પહોંચ્યા ત્યારે ભિક્ષાના અન્ન સાથે આવ્યા છે એવું માનવાનું એને માટે કોઇ કારણ નહોતું. અને એવા કારણથી પ્રેરાઇને તમે બધા વહેંચી લો એવું ઉચ્ચારવાનું લેશ પણ યુક્તિસંગત નહોતું. એણે દ્રૌપદીને જોયેલી હોવી જ જોઇએ.

વળી એણે કદાચ, માનવા ખાતર માની લઇએ કે, ભિક્ષાન્ન સમજીને વહેંચી લો એવું જણાવ્યું હોય તોપણ એને એટલું બધું ગંભીર, અસાધારણ, અધર્મયુક્ત સ્વરૂપ આપવાની આવશ્યકતા નહોતી. ધર્મના પાલનની અને અનૃતમાંથી ઊગરવાની આટલી બધી ચિંતા કરનારાં યુધિષ્ઠિર, કુંતી તથા મહર્ષિ વ્યાસ તદ્દન ભૂલી ગયાં કે રાજા દ્રુપદનો પણ ધર્મ હતો, એમણે પોતાના વચનનું, પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાનું અને એવી રીતે અનૃતમાંથી બચવાનું હતું. દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની બનાવવાનો અવ્યવહારુ, અમાનુષી, અધમ, અધર્મયુક્ત પ્રસ્તાવ મૂકીને એ બધા એને અને દ્રુપદને અનૃતની વાટે વાળી રહેલા અને પોતે પણ અનૃત અને અધર્મની આરાધના માટે તૈયાર થયેલા.

વસ્તુસ્થિતિ સાવ સીધીસાદી અને સરળતાથી ઊકલે તેવી હોવા છતાં એને એમણે ઇરાદાપૂર્વક હાથે કરીને ગૂંચવી નાખેલી એવી છાપ પડ્યા વિના નથી રહેતી. એ બધા કુંતીને કહી શક્યા હોત કે આ કાંઇ સ્થૂળ ભિક્ષાન્ન નથી કે એને વહેંચીને ભોગવી શકાય; આ તો દ્રૌપદી છે. તો કુંતી પરિસ્થિતિની વાસ્તવિકતાને વિચારીને ઉતાવળમાં અજ્ઞાનને લીધે કરાયેલી પોતાની ભૂલને સહેલાઇથી સુધારી શકી હોત. કુંતીનું એવું ધર્મસંગત કર્તવ્ય હતું. એનું ભાન એને તો ના થયું કિન્તુ બીજા કોઇએ પણ ના કરાવ્યું એ આશ્ચર્યજનક છે.

પાંડવોની દશા – ખાસ કરીને યુધિષ્ઠિરની – જોઇતું હતું અને વૈદે આપ્યું જેવી તકવાદી તથા સ્વાર્થી છે. તેમની બુદ્ધિ ભ્રમિત હોવાથી તે દ્રુપદના દૃષ્ટિબિંદુને પણ નથી ગણકારતા. એ યેન કેન પ્રકારેણ દ્રૌપદીને પોતાની કરવાની કે પચાવી પાડવાની પ્રવૃત્તિ કરતા હોય એવું લાગે છે.

અર્જુનના આરંભના ઉદગારો એની મરદાનગીના સૂચક નથી.

એ આખાય પ્રસંગમાં જેને હોળીનું નાળિયેર બનાવવામાં આવી છે તે દ્રૌપદીની દશા ખૂબ જ દયાજનક છે. એ કાંઇ જ નથી બોલતી કે વિરોધનો સ્વર પણ નથી ઉચ્ચારતી કે તમે ધર્મપાલનની વાતો કરો છો પણ મારા ધર્મપાલનનું શું ? મેં તો જે લક્ષ્યવેધ કરે તેને જ પરણાવાની પ્રતિજ્ઞા કરી છે. તેથી હું અર્જુન સિવાય બીજા કોઇને નહીં પરણું. નહીં પરણી શકું. એનું મૌન એના વ્યક્તિત્વની વિરુદ્ધ લાગે છે.

સંક્ષેપમાં કહીએ તો દ્રૌપદીના પાંચ પતિની એ આખીએ કથા ક્ષેપક અથવા મૂળ મહાભારત કથામાં પાછળથી ઉપજાવી કાઢેલી લાગે છે. યુધિષ્ઠિર પોતાને ને ભીમને અવિવાહિત તરીકે ઓળખાવે છે એ અધર્મ નહીં તો બીજું શું છે ? કારણ કે ભીમે હિડિમ્બા સાથે લગ્ન કરેલું. એ વખતે પહેલાં પોતાનું લગ્ન થવું જોઇએ એવી દલીલ અને એ બધા ભાઇઓની પત્ની થવી જોઇએ એવી દલીલ એમણે નથી કરી. એટલે દ્રૌપદીને એ કથા દ્વારા હોળીનું નાળિયેર બનાવવામાં આવી છે. એ અર્જુનની જ પત્ની હતી એમ માનવાનું તર્કસંગત અને યોગ્ય લાગે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *