Monday, 18 November, 2024

શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

182 Views
Share :
શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

182 Views

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર‘ની પૂજા કરવામાં આવે છે.

આ યંત્ર અંગે એવી માન્યતા છેકે આ એક શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. દર મહિનાની આઠમે આ યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી તીર્થક્ષેત્રમાં માતાના દર્શનાર્થે બારેમાસ યાત્રીઓ આવે છે. દર માસે પુનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શીખર પર ધજા ચઢાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિદ્ધ સ્થાન છે. અંબાજીથી 2 કિ.મી દૂર ગબ્બરની ગુફા આવેલી છે, જેને અંબામાતાનું આદિસ્થાન માનવામાં આવે છે. અંબાજીમાં દર ભાદરવી પુનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી માતાના દર્શને આવી ધન્યતા અનુભવે છે.

અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઇ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે, જ્યાંથી સૂયૉદય અને સયૉસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.

પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટયદિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ-પંખીઓ ભૂખે ટળવળતાં હતાં. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યાં. માતાજીની કૃપા ઊતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયાં. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરાણોમાં દર્શાવેલ બીજી કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી , પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.

ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.

દેવી ભાગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી તેણે દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનોનો નાશ કર્યો હતો, વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો. જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા. શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું હતું અને આદ્યશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે પણ ઓળાખાય છે.

અંબાજીમાં નવરાત્રી

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિન અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.

છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે.

ચોમાસાના અંતિમ દિવસોમાં અંબાજી વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે

ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે ત્યારે ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આવેલું અંબાજી વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે. પર્વતીય વિસ્તારના આડા-અવળા રસ્તા કાપીને પદયાત્રીઓ ભાદરવી પૂનમના મા જગદંબાનાં દર્શને પહોંચવા દોટ મૂકે છે. અનેક ગામો અને કેટલાય કિલોમીટર દૂરથી પદયાત્રા કરીને માને બસ મન ભરીને નિરખવા આવે છે. તેવા તેના બાલુડાઓના ચહેરા ઉપર ક્યારેય થાક વર્તાતો નથી. જાણે શરીરમાં જગદ્જનની જ શક્તિનો સંચાર ના કરી રહ્યાં હોય.

પૃથ્વી ઉપરના સૌથી મોટા પદયાત્રી મેળામાં લાખો માઇભક્તો અંબાજી તરફ પ્રયાણ કરે છે

માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ તો માના દરબારમાં જે ચાલતા જાય તે જ અનુભવી શકે. આવા તો કેટલાય માઇભક્તો છે. જે વર્ષોવર્ષ પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે. અગાઉ પાંચ દિવસોનો આ મહામેળો હવે સાત દિવસ સુધી ચાલે છે. જેમાં આણંદ, નડિયાદ, કચ્છ, સુરત, વાપી તો રાજ્ય બહારના નાસિક, બેંગ્લોર, નાગપુર તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી 800 થી વધુ માતાજીના સંઘ આવે છે. માતાજીને રથમાં બિરાજમાન કરી રથને રોશનીથી સજાવીને ડી.જે. ના તાલે માનાં ગુણલાં ગાતાં-ગાતાં કેટલાય કિલોમીટર કપાઇ જાય છે તેની માઇભક્તોને ખબર પણ રહેતી નથી.

ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશથી શોભતું માતાજીનું મંદિર:

અંબાજી મંદિર 103 ફૂટની ઊંચાઇ ધરાવે છે. મંદિરના 61 ફૂટના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. . જ્યારે 358 જેટલા સુવર્ણ કળશ પણ શોભામાં વધારો કરી રહ્યા છે. આ સિવાય 71 ફીટ ઊંચો અને 18 ફીટ પહોળો વિશાળ શક્તિદ્વાર(પ્રવેશદ્વાર) બનાવવા માં આવ્યો છે.

અંબાજી આજુબાજુ જોવા જેવા દર્શનીય સ્થળો :

મૂળ સ્થાનક ગબ્બર અખંડ જ્યોત તથા મંદિર, શ્રી 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા માર્ગ, કુંભેશ્વર મહાદેવ મંદિર, સોમેશ્વર મહાદેવ મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર, પૌરાણિક શિવ મંદિર તથા ખોડિયાર માતાજી મંદિર, માંગલ્યવન, કૈલાશ ટેકરી મહાદેવ મંદિર, કુંભારીયા જૈન દેરાસર, શ્રી કામાક્ષી મંદિર, માનસરોવર તથા અજય માતા મંદિર.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *