Thursday, 5 December, 2024

સૂપડકન્ના રાજાની વાર્તા

174 Views
Share :
સૂપડકન્ના રાજાની વાર્તા

સૂપડકન્ના રાજાની વાર્તા

174 Views

એક હતો રાજા. તે એક વા૨ શિકારે ગયો. શિકાર પાછળ બહુ દૂર નીકળી ગયો પણ શિકાર હાથ લાગ્યો નહિ. સાંજ પડી જવા આવી અને ભૂખ પણ બહુ લાગી હતી. રાજા રસ્તો ભૂલ્યો હતો એટલે ગામમાં જઈ શકાય એવું ન હતું તેથી એક વડલા નીચે ભૂખનો વિચાર કરતો બેઠો.

એટલામાં વડલા ઉપર તેણે એક ચકી ને એક ચકો જોયાં. ભૂખ બહુ લાગી હતી. એટલે તેણે તેને મારીને ખાઈ જવાનો વિચાર કર્યો.

ચકલાંઓ બિચારાં માળામાં શાંતિથી બેઠાં હતાં, ત્યાંથી તેમને પકડી ગળાં મરડી નાખી શેકીને રાજા તો ખાઈ ગયો. રાજાને તો આથી મોટું પાપ લાગ્યું, અને તેથી તરત જ રાજાના કાન સૂપડા જેવા થઈ ગયા. રાજા તો વિચારમાં પડ્યો કે હવે તે કરવું શું ?

એ તો રાત્રે ગુપચુપ રાજમહેલમાં પેસી ગયો અને મહેલમાં સાતમાં માળે જઇને બેઠો. પ્રધાનને બોલાવીને બધી વાત કહી : “ જાઓ, પ્રધાનજી ! તમે કોઈને આ વાત કહેશો નહિ. અને કોઈને અહીં સાતમે માળે આવવાય દેશો નહિ. ”

પ્રધાન કહે : “ ઠીક. ’’ પ્રધાને કોઈને વાત કહી નહિ. પ્રધાને કડક બંદોબસ્ત ગોઠવ્યો અને સાતમાં માળે કોઇને પણ જવાનો પ્રતિબંધ કરી દીધો.

આમ ઘણો સમય ચાલ્યુ. એટલામાં રાજાને હજામત કરાવવાનો દિવસ આવ્યો એટલે રાજાએ કહ્યું : “ માત્ર હજામને આવવા દ્યો. ”

માત્ર હજામ એકલો જ સાતમે માળ પહોંચ્યો. હજામ તો રાજાના સૂપડા જેવા કાન જોઈ વિચારમાં પડી ગયો ! રાજા કહે : “ એલા ધનિયા ! જો કોઈને મારા કાનની વાત કરી છે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ ! જીવતો નહિ જવા દઉં, સમજ્યો?’’

હજામ હાથ જોડીને કહે : ” બાપુ ! હું તે કોઈને કહું ? ’’

ધનિયા હજામે આ વાત જાણી એટલે તેને ક્યાંય ચેન ન પડે. જો કોઇને આ વાત કહી દઉ તો જ શાંતિ થાય.
ધનિયો આઘો જાય, પાછો જાય અને કોઈને વાત કરવાનો વિચાર કરે.

પછી એ તો દિશાએ વા ગયો. વાત તો પેટમાં ઉછાળા મારે અને મોઢેથી નીકળું – નીકળું થાય. મુંજાણો લાગ્યુ કે હવે તો વાત કોઇને નહી કહુ તો હાલશે જ નહી. છેવટે હજામે જંગલમાં એક મોટુ વૃક્ષ હતું તેને વાત કહી. “રાજા સુપડકનો, રાજા સુપડકનો.’’

વૃક્ષ આ વાત સાંભળી ગયું એટલે તે બોલવા લાગ્યું : “ રાજા સુપડકન્નો, રાજા સુપડકનો. ”

ત્યાં એક સુતાર આવ્યો. સુતારને વાજિંત્રો બનાવવા માટે લાકડાની જરુર હતી. તેણે વિચાર કર્યો : “લાવ ને આ સરસ વૃક્ષ છે. તેનુ લાકડુ પણ સરસ છે. તેના લાકડાનાં વાજિંત્રો બનાવું અને રાજાને ભેટ ધરું એટલે રાજા ખુશ થાય. ”

પછી સુતાર તો એ વૃક્ષ કાપીને ઘરે લઇ ગયો. તેના લાકડામાંથી એક તબલું, એક સારંગી અને એક ઢોલકી બનાવ્યાં. સુતાર રાજાને એ નવાં વાજિંત્રો ભેટ દેવા ગયો ત્યારે રાજાએ કહેવરાવ્યું : “ મહેલમાં આવવાની જરુર નથી. નીચે બેઠાંબેઠાં સંભળાવો.”

સુતારે વાજિંત્રો મૂક્યાં એટલે તબલું વાગવા લાગ્યું : “ રાજા સુપડકન્નો , રાજા સુપડકન્નો. ’’

ત્યાં તો સારંગી ઝીણે સૂરે લલકારવા લાગી : “ તને કોણે કીધું ? તને કોણે કીધું ? ’’

એટલે ઢોલકી ઊંચીનીચી થઈ ઢબકઢબક બોલવા લાગી : “ ધનિયા હજામે કહ્યુ ! ધનિયા હજામે કહ્યુ ! ’’

રાજા આ વાત સમજી ગયો. એટલે સુતારને ઇનામ આપી વાજિંત્રો રાખી લઈ ભેદ ખુલ્લો ન પડે તેમ તેને રવાના કર્યો. પછી ધનિયા હજામને બોલાવ્યો ને પૂછ્યું : “ બોલ ધનિયા ! તેં કોઈને વાત કહી છે ? ’’

ધનિયો કહે : ‘‘ મહારાજ ! કોઈને નથી કહી. પણ વાત પેટમાં બહુ ખદબદતી હતી એટલે એક વૃક્ષને કહી છે. ’’

રાજાને ખુબ જ ગુસ્સો આવ્યો પણ કરે શુ ? ધનિયાની ઉંમર અને નાદાનિયત જોઇને દયા આવી. અને રાજાએ ધનિયાને કાઢી મૂક્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *