Sunday, 22 December, 2024

સુરતના ઐતિહાસિક સ્થળો અને પ્રખ્યાત વાનગીઓ

501 Views
Share :
સુરતના ઐતિહાસિક સ્થળો અને પ્રખ્યાત વાનગીઓ

સુરતના ઐતિહાસિક સ્થળો અને પ્રખ્યાત વાનગીઓ

501 Views

સુરતના ઐતિહાસિક સ્થળો 

કિલ્લો

સુરતના ચોકબજાર વિસ્તારમાં તાપી નદી કાંઠે ઈ.સ. 1540-41માં સુરતના તે સમયના જાગીરદાર અને નાઝીમ ખ્વાજાસફર સલમાની ઊર્ફે ખુદાવંદખાને પોર્ટુગીઝોના હુમલાઓથી શહેરના રક્ષણ માટે કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લાની મજબૂતાઈ માટે બે પથ્થરોને લોખંડના પાટાઓથી જકડીને તેની વચ્ચે સીસું રેડવામાં આવ્યું હતું. કિલ્લાનો કુલ વિસ્તાર એક એકર હોવા છતાં ઈ.સ. 1573માં બાદશાહ અકબરને તેના ઉપર વિજય મેળવતા એક મહિનોને સત્તર દિવસ થયા હતા. ઈ.સ. 1759માં કિલ્લો અંગ્રેજોના અધિકારમાં ગયા પછી તેની નૈઋત્ય દિશા તરફના બુરત ઉપર યુનિયન જેક અને અગ્નિ ખૂણાના બુરજ ઉપર મુગલોનો ધ્વજ ફરકતો હતો. સોળમી સદી દરમિયાન બંધાયેલી અને આજ સુધી જળવાઈ રહેલી ઈમારતોમાં આ કિલ્લો સૌથી પ્રાચીન ઐતિહાસિક ઈમારત છે.

image 56

મુઘલસરાઈ

સુરતમાં હાલમાં મુગલીસરા તરીકે જાણીતા વિસ્તારમાં સુરતના કિલ્લેદાર ઈશાક બેગ યઝદી ઉર્ફે હકીકતખાને શહેરમાં પવિત્ર હજયાત્રા માટે આવતા-જતાં મુસાફરોની સગવડતા માટે ઈ.સ. 1644માં એક હુમાયુસરાઈ નામની ધર્મશાળા બંધાવી હતી, જે પછીથી મુઘલસરાઈ તરીકે ઓળખાતી હતી. અહીં ઊતરનારા હજયાત્રીઓ ઉપરાંત વિદ્વાનો, પવિત્ર પુરુષો, ગરીબો અને કાજીઓ પાસેથી ભાડા સ્વરુપે કંઈ પણ લેવામાં આવતું ન હતું. આ ઉપરાંત પાયદળના સિપાહીઓને આ ધર્મશાળામાં ઊતારો આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ઈ.સ. 1852ના એપ્રિલ મહિનાની 23મી તારીએ કલેક્ટર મિ. રોજર્સ સુરત સુધરાઈની સ્થાપના કરી ત્યારે તેની ઓફિસ નાનપૂરા પોસ્ટ ઓફિસનાં મકાનમાં રાખી, જે ઈ.સ. 1867 પછી મુઘલસરાઈમાં ખસેડવામાં આવી ત્યારથી આજ સુધી અહીં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કાર્યરત છે.

image 57

ક્લોક ટાવર

અડિખમ ઉભા રહી સુરતવાસીઓને સમય સાથે ઈતિહાસની યાદ તાજી કરાવતા ક્લોક ટાવરની વાત પણ જાણવાં જેવી છે, ઈ.સ. 1871માં ખાનબહાદુર બરજોરજી ફ્રેઝરે તેમના પિતા મેરવાનજી ફ્રેઝરની યાદગીરીમાં રુપીયા 14,000ના ખર્ચે ભાગળ પાસે ક્લોક ટાવર બંધાવ્યો હતો. એ સમયે આખા સુરત શહેરના કોઈ પણ ખુણેથી જોઈ શકાતા આ ક્લોક ટાવરની લંબાઈ 80 ફુટ રાખવામાં આવી હતી. કારણ કે, એ સમયે ક્લોક ટાવર શહેરની સૌથી ઉંચી ઈમારત હતી. એ સમયે શાંત વાતાવરણમાં ઘડિયાળના ટકોરા આખા શહેરમાં સાંભળી શકાતા હતા. મેરવાનજી ફ્રેઝરે એમના સમયમાં સરકારી ઓફિસોમાં ખુબ જ માન-સન્માન મેળવ્યું હતું. ઈ.સ. 1857ના બળવા પ્રસંગે એમણે અંગ્રેજ સરકારને મદદ કરી હતી. તેઓ સુરત પારસી પંચાયત બોર્ડના સભ્ય હતા અને પોતાનું સમગ્ર જીવન સેવાકાર્યોમાં પસાર કર્યું હતું. તારીખ 23-4-1857ના રોજ મેરવાનજીનું અવસાન થયું હતું અને તેમની યાદમાં તેમના પુત્ર ખાનબહાદુર બરજોરજી ફ્રેઝરે આ ક્લોક ટાવર બંધાવ્યું હતું.

image 58

ડચ કબ્રસ્તાન

ડચ પ્રજાને ઈ.સ. 1616માં સુરતમાં વેપારી કોઠી નાંખવાની પરવાનગી મળી હતી. સુરતમાં વસવાટ દરમિયાન અવસાન પામેલી વ્યક્તિઓની અંતિમવિધિ માટે ડચ પ્રજાએ સુરતના કતારગામ દરવાજા નજીક ગુલામ ફળિયા વિસ્તારમાં અલગ કબ્રસ્તાન બનાવ્યું હતું. આ કબ્રસ્તાનમાં ડય ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર ” બેરન હેન્રી એડ્રીઅન વૉન રીડ”ની કબર સૌથી મોટી અને સૌનું ધ્યાન ખેંચે તેવી બનાવવામાં આવી છે. બેરન વૉન રીડનું અવસાન ઈ.સ. 1692ની 15મી ડિસેમ્બરે 58 વર્ષની વયે થયું હતું. બેરન વૉન રીડના મકબરામાં પ્રવેશતા સામેની દિવાલ પર વિશાળ કબરલેખ છે. જેમાં તેના હોદ્દાઓ અને મૃત્યુની તારીખ લખવામાં આવી છે, આ ઉપરાંત જુદા જુદા વિવિધ આકારોવાળી અનેક કબરો અહીં જોવા મળે છે. ડચ કબ્રસ્તાનને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

image 59

અંગ્રેજ કબ્રસ્તાન

સુરતમાં આલમપનાહના કોટ બહાર કતારગામ દરવાજા નજીક યુરોપનાં ખ્રિસ્તી કબ્રસ્તાનો કરતાં કંઈક વિશિષ્ટ ગણી શકાય એવું કબ્રસ્તાન બનાવાયું હતું. અંગ્રેજ કબ્રસ્તાનમાં સુરતની કોઠીના પ્રમુખની કબરો ઉપર ઊંચા મકબરાઓ બનાવવામાં આવ્યાં છે. કોઠીના પ્રમુખ ફ્રાન્સીસ બ્રેટન ( અવસાન તા. 21-7-1649), હિન્દ, ઈરાન અને અરબસ્તાનના અંગ્રેજોના પ્રમુખ અને મુંબઈના ગવર્નર ક્રિસ્ટોફર ઓક્સેન્ડન ( અવસાન 18-4-1659), સુરતની કોઠીના પ્રમુખ અને મુંબઈ ટાપુના ગર્વનર તેમજ મુંબઈના સ્થાપકનું બિરુદ મેળવનાર જીરાલ્ડ ઓન્જિર ( અવસાન તા. 30-7-1677), આરાબેલા હેરિસ અને જેમ્સ હોપ ઉપરાંત અનેક વિશિષ્ટ હસ્તીઓની કબરો અહીં આવેલી છે. ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનની સુચનાથી સુરતના અંગ્રેજ કબ્રસ્તાનને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું.

આર્ય સમાજ મંદિર

યુગપ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સંવત 1932ના ચૈત્ર સુદ એકમ એટલે કે તા. 12-4-1875ના રોજ સર્વપ્રથમ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી. સુરતમાં સોની ફળિયામાં હાલ જ્યાં આર્ય સમાજ ભવન છે, ત્યાં પહેલાં ફિરંગીઓનું ચર્ચ હતું. અંગ્રેજો સાથેની લડાઈમાં હાર થતાં તેમણે સુરત છોડવું પડ્યું હતું અને તેમણે આ પ્રાર્થના મંદિર વેચવાનો નિર્ણય કર્યો હતો. તેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી સુરતના દામોદર ચુનીલાલ દલાલ અને તિલકચંદ તારાચંદ વૈદે રુપીયા 6000માં વેચાતું લઈ, તેના સમારકામ પાછળ રુપીયા 4000નો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ તારીખ 2-1-1916ના રોજ આર્ય સમાજ મંદિરનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ય સમાજ મંદિરનો ઉપયોગ ધાર્મિક પ્રસંગો ઉપરાંત સામાજીક સમારંભો માટે પણ કરવામાં આવે છે.

ખુદાવંદખાનનો રોજો

સુરતના ચોક બજાર માર્ગથી આગળ વધતાં વરિયાવી દરવાજાના મુખ્ય માર્ગ ઉપર ખુદાવંદખાનનો રોજો બાંધવામાં આવ્યો હતો. ખ્વાજાસફર સલમાની ઉર્ફે ખુદાવંદખાન સુરતના જાગીરદાર અને ગવર્નર હતા, તારીખ 24 જૂન ઈ.સ. 1546ના દિવસે તેમનું અવસાન થયું હતું, અને તેમના પુત્ર અને સુરતના ગવર્નર રજબ રુમીખાને આ રોજો બંધાવ્યો હતો. આ રોજો ઈન્ડો-ઈરાનિયન શૌલીથી બાંધવામાં આવ્યો છે. સલ્તનતકાળ દરમિયાન સુરતમાં આ શૈલીમાં થયેલું આ એકમાત્ર સ્થાપત્ય આજે પણ ખૂબ જ ભવ્યતા ધરાવે છે. એની રચનામાં કોતરણીવાળા સ્તંભો અને પાટડાની રચના છે,
જે હિન્દુ-જૈન સ્થાપત્યની ખાસિયત છે. તેમજ સ્તંભો વચ્ચે કમાનોની રચના છે જે મુસ્લિમ સ્થાપત્યની ખાસિયત ધરાવે છે. આ સ્થાપત્યને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.

image 61

હિન્દુ મિલન મંદિર

ભારત સેવાશ્રમ સંઘના આદેશથી ઈ.સ. 1941માં એક પ્રચાર મંડળ સ્વામી શ્રી અદ્દૈતાનંદજી મહારાજના નેતૃત્વ હેઠળ સુરત આવ્યું હતું. આ મંડળ સુરતમાં પધાર્યા બાદ સુરતના ચોકબજાર વિસ્તારમાં માળવીની વાડી નામની જગ્યાએ રોકાયા બાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્વામીશ્રીના પ્રવચનો ગોઠવવામાં આવતાં હતાં. સ્વામીજીની અમૃતવાણીથી પ્રભાવિત થઈને કેટલાંક પરિવારોએ મંત્રદિક્ષા ગ્રહણ કરી શિષ્યત્વ ધારણ કર્યુ હતું. ત્યારબાદ સ્વામીજીએ ” ભારત સેવાશ્રમ સંઘ “ના આચાર્ય શ્રી પ્રણવાનંદજી મહારાજની આજ્ઞા મેળવીને ઈ.સ. 1941ના ડિસેમ્બરમાં સુરતનાં ગોપીપરા વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું અને ત્યાં હિન્દુ મિલન મંદિર નામના આશ્રમની સ્થાપના કરી અને સ્વામીજીએ ઈ.સ. 1945માં ગણપતિની મૂર્તિ બનાવી સર્વ પ્રથમ ગણેશોત્સવ ઉજવવાની અને ગણેશોત્સવની શોભાયાત્રા કાઢી વિસર્જન કરવાની શરુઆત કરી હતી.

  • સુરત એટલે જાણવાં કરતાં માનવાનું વધારે એવું શહેર
  • સુરત એટલે ગુજરાતની સલામતી
  • સુરત એટલે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ
  • સુરત એટલે ખાણીપીણીની વિધવિધ વાનગીઓનો સ્વાદ મમળાવતું શહેર
  • સુરત એટલે જલસો
  • સુરત એટલે શાંતિ
  • સુરત એટલે ક્રાંતિ
  • સુરત એટલે નિરવતા
  • સુરત એટલે પ્રગલ્ભતા
  • સુરત એટલે અવાચક્તા
  • સુરત એટલે સ્વતંત્રતા

સુરતના બાકી રહેલાં જોવાનાં સ્થળો 

જુની સિવિલ હોસ્પિટલ

સર કાવસજી જેહાંગીરના દવાખાના તરીકે કદાચ જ હાલમાં કોઈ તેને ઓળખે, પરંતુ સુરતીઓ જેને જૂની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખે છે, તેનું આ સાચું નામ છે. જૂની સિવિલ હોસ્પિટલની સ્થાપના ઈ.સ. 1864માં થઈ હતી. શહેરમાં કોલેરા તથા અન્ય ચેપી રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તેને કારણે અસંખ્ય માણસો ટપોટપ મરણ પામતા હતા, એ જોઈને સર કાવસજી જેહાંગીર રેડીમનીએ ઉદાર હાથે સખાવત કરી એક દવાખાનાનું નિર્માણ કર્યું. જનહિત માટે કુલ રુપીયા 71,902ના ખર્ચે તૈયાર થયેલી સર કાવસજી જેહાંગીર સિવિલ હોસ્પિટલની ઉદ્ઘાટન વિધિ મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રિઅરના શુભહસ્તે થઈ હતી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિ. વૂડહાઉસે હોસ્પિટલના બાંધકામની વિગતવાર માહિતી આપી હતી.. હાલમાં સરકાર દ્વારા તેને આધુનિક આંખની હોસ્પિટલ બનાવી તેનું સર કાવસજી જેહાંગીર રેડીમની સરકારી આંખની હોસ્પિટલ એવું નામકરણ કરવામાં આવ્યું છે.

image 62

સોરાબજી ટ્રેનિંગ કોલેજ

ટ્રેનિંગ કોલેજનું પુરુ નામ સોરાબજી જમશેદજી જીજીભાઈ ટ્રેનિંગ કોલેજ છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી સોરાબજી જે.જે.ટ્રેનિંગ કોલેજનું મુળ નામ ” ધી ગવર્નમેન્ટ ઈંગ્લિશ હાઈસ્કૂલ સુરત ” હતું અને તેની સ્થાપના ઈ.સ. 1842માં થઈ હતી. શરુઆતમાં તેનો વહીવટ દાદોબા પાંડુરંગે સંભાળ્યો હતો. ધી ગવર્નમેન્ટ ઈંગ્લિશ હાઈસ્કૂલ સુરતનું મકાન બાંધવા માટે સોરાબજીના રુપીયા 38500 સરકારના રુપીયા 36,625 તેમજ લોકલ ફંડ કમિટીના રુપીયા 12,073 મળી કુલ રુપીયા 86,198નો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારપછી શાળાના તૈયાર થયેલા નવા ભવ્ય મકાનનું ઉદ્દઘાટન સુરતના કલેક્ટર મિ.સ્ટુઅર્ટ તારીખ 8-1-1872ને દિવસે કર્યું હતું. આ પછી ધી ઈંગ્લિશ હાઈસ્કુલ સુરતના આચાર્ય એદલજી તલાટીના સક્રીય પ્રયત્નોને કારણે મુંબઈ સરકાર દ્વારા સપ્ટેમ્બર 1895માં શાળાને ધી સોરાબજી જમશેદજી જીજીભાઈ હાઈસ્કુલ સુરત એવું નામ આપવામાં આવ્યું હતું.

ગોપીતળાવ

સુરતના સૌથી ઐતિહાસીક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. ગોપીતળાવ નવસારી દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઈ.સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખુણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો. તળાવની મધ્યમાં બકસ્થળ હતું, અને તેની ઉપર શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક સમયે તળાવમાંથી આખા શહેરને પીવાનું પાણી પુરુ પાડવામાં આવતું હતું. તળાવની પાળ ઉપર વાર-તહેવારે દોઢથી 2 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા હતા. તળાવમાં એક ચતુર્મુખી વાવ પણ બાંધવામાં આવી હતી, જે પણ સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવતી હતી. છેલ્લા ધણા સમયથી સુરત મહાનગર પાલિકાએ ગોપીતળાવને ફરી એક વાર ઐતિહાસિક રુપ આપવા કમર કસી છે.

image 63

નેચર પાર્ક

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલુ પ્રાણી સંગ્રહાલય રજાઓના દિવસોમાં હરવા ફરવાનું અનોખું સ્થળ છે. તાપી નદીના કિનારે 81 એકર વિસ્તારમાં પથરાયેલા નેચર પાર્કમાં તૈયાર કરવામાં આવેલું પ્રાણી સંગ્રહાલય, અન્ય પ્રાણી સંગ્રહાલયો કરતા ચોક્કસ જ જુદુ પડે છે. પ્રાણીઓને કુદરતી વાતાવરણથી દુર, કુદરતી માહોલ આપવાના ઈરાદાથી નેચર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

image 64

ગૌરવ પથ

વિકસતા સુરતે સુરતવાસીઓને ગૌરવ પથનું નઝરાણું આપ્યું છે. સુરતના પોશ વિસ્તારની વચ્ચે, આવેલા આ પહોળા માર્ગની આજુબાજુ રસ્તાથી ઉંચી ફુટપાથને સુરતવાસીએ શાંતિની પળો માણવાનું સ્થળ તેમજ લારી કલ્ચરે ઓપન એર હોટલનું સ્વરુપ આપ્યું છે. શનિવાર અને રવિવારની સાંજે તો જાણે અહીં મેળો ભરાયો હોય તેવો માહોલ જામે છે, સર્વિસ રોડ પર ગાડીઓ પાર્ક કરીને માનવ મહેરામણ ફુટપાથ પર ચટાઈ નાંખીને પરિવાર સાથે આનંદ કરતાં નજરે પડે છે, તહેવારો અને ખાસ પ્રસંગોએ તો સમગ્ર સુરત શહેરની જનતા એક જ માર્ગ પર ઉમટી પડી હોય તેવા દૃર્શ્યો છેક અઠવાલાઈન્સથી નજરે પડે છે.

સુરત ટેક્ષટાઈલ માર્કેટ

એક સમયે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું, પરંતુ આજે સુરતના કાપડ ઉદ્યોગે જે રીતે દેશ અને વિદેશમાં પ્રગતિ કરી છે, તે જોતા, કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશમાં વસતા કોઈ પણ વેપારીએ ચોક્કસ જ સુરતના ટેક્ષટાઈટલ માર્કેટની મુલાકાત લેવી પડે, સુરત ટેક્ષટાઈલ માર્કેટ આજે એક વિસ્તારનું રુપ લઈ ચુકી છે. અને હજીએ મુખ્ય માર્ગ પર જગ્યા નહી મળતા, ખુણે ખાચરે માર્કેટો ખુલી રહી છે. એક સમયે માત્ર સાડી માટે જાણીતી સુરતની ટેક્ષટાઈલ માર્કેટોમા હવે કપડાથી બનતા દરેક ઉત્પાદનો જથ્થાબંધ ભાવે મળે છે. સવારે 11થી સાંજે 5 દરમ્યાન આ વિસ્તારમાં વાહન ચલાવવું તો બહુ દુરની વાત છે, ચાલવું પણ મુશ્કેલ બને છે.

હિરાબજાર – ડાયમંડ માર્કેટ

વિશ્વમાં મળતા 10માંથી 8 હીરા, સુરતમાં કટીંગ અને પોલીશીંગ કરવામાં આવતાં હોય છે. આ ઉદ્યોગ ભારતને વાર્ષિક નિકાસમાં આશરે 10 બિલિયન યુએસ ડૉલર રળી આપે છે. હાલમાં સૌરાષ્ટ્રના પટેલ અને પાલનપૂરના જૈન સમાજના આધિપત્યવાળા હિરા ઉદ્યોગની શરુઆત સુરતમાં ડચ વેપાર વારસાની કડી છે. એક સુરતી ઉદ્યોગ સાહસિકે ઇસ્ટ આફ્રિકાથી ડાયમંડ કટર લાવીને સુરતમાં હિરાઉદ્યોગનો પાયો નાંખ્યો હતો. આજે પણ દક્ષિણ આફ્રિકા અને એ ખંડના અન્ય વિસ્તારોમાંની ધરતીના પેટાળમાં ઘણે ઊંડેથી કાઢવામાં આવેલા ઘસાયા વિનાના હીરા સ્ફટિકો તરીકે સુરત આવે છે, અને અહીંથી ચળકાટ મારતાં તૈયાર હિરા આંતરરાષ્ટ્રીય હીરા વેપારના મથક- ઍન્ટવેર્પ, બેલ્જિયમ પહોંચે છે. સુરતમાં હિરાઉદ્યોગની સાથે ઉદ્યોગકારોએ પણ કાઠું કાઢ્યું છે. આ વેપારને નજીકથી જોવા માટે સુરતના મહિધરપૂરા હિરાબજાર, વરાછા મિનિબજાર અને 5 સ્ટાર હોટલ જેવી કંપનીઓ ચોક્કસ જ જોવી રહી.

જવાહરલાલ નહેરુ ઉદ્યાન

એક સમયે જવાહરલાલ નહેરુ ઉદ્યાન સુરતવાસીઓ માટેનો તાપી નદીના તટે આવેલો બગીચો હતો, સમય સાથે સુરત મહાનગર પાલિકાએ બગીચાઓની સંખ્યામાં ઘણો વધારો કર્યો છે. પરંતુ આજે પણ જવાહરલાલ નહેરુ ઉદ્યાન ( ચોપાટી )નું મહત્વ ઘટ્યું નથી. નાના બાળકો માટે રમવાની વિવિધ રાઈટ્સ અને મોર્નીંગ તેમજ ઈવનીંગ વોક કરનારાઓ માટે તાપી નદી પરથી આવતી હવા અને કુદરતી વાતાવરણનો અનોખો સંજોગ ઉભો થાય છે. આ ઉપરાંત ચોપાટીની બાજુમાં આવેલી ભેલ-પુરીની મજા નહીં માણે એ સુરતી નહીં…

  • સુરત એટેલે સાક્ષરતા
  • સુરત એટલે વીરતા
  • સુરત્ત એટલે નિરંકુશતા
  • સુરત એટલે સાલસતા
  • સુરત એટલે અસ્મિતા
  • સુરત એટલે પ્રસન્નતા
  • સુરત એટલે પરાક્રમ
  • સુરત એટલે પહેલતા
  • સુરત એટલે પહેરવેશ
  • સુરત એટલે અભિનીવેશ
  • સુરત એટલે સાપેક્ષતા

સુરતના બાકી રહેલાં જોવાનાં સ્થળો  ( ખાસ કરીને આજુબાજુનાં દર્શનીય સ્થળો )———

દાંડી

આમતો આ સ્થળ નવસારીથી માત્ર ૩૦ જ કિલોમિટર દૂર છે તો નવસારીથી ટચ કર્યા વગર પણ બહારથી દાંડી જઈ શકાય છે. સુરતથી નવસારી પણ બહુ દૂર નથી જ. દક્ષિણ ગુજરાતમાં નવસારી જીલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું મહત્વનું તેમ જ ઐતિહાસિક ગામ એટલે દાંડી. અહીં તમને સમુદ્ર અને ઐતિહાસિક સીમાચિહ્ન જોવા મળે છે, ગુજરાતી તરીકે લગભગ બધાને જ ખબર હશે કે અહીં, દાંડી કૂચ તરીકે ઓળખાતો મીઠાનો સત્યાગ્રહ પૂરો થયો હતો અને અહીં બ્રિટિશ કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીએ ચપટીભર મીઠું ઉપાડી સવિનય કાનુનભંગ કર્યો હતો. અહીંથી ભારતની સ્વતંત્રતાની શરૂઆત થઈ હતી. અહીં ગાંધી સ્મારકની મુલાકાત ખાસ લેવા જેવી છે, જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું. આ ઉપરાંત અહીં દરિયાકિનારો (અરબી સમુદ્ર), સૈફી વીલા, ગાંધીદર્શન તથા પ્રદર્શન તેમ જ અજાણીબીબીની દરગાહ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે. એક ખાસ વાત દાંડીનો બીચ ભારતનો એક માત્ર એવો બીચ છે કે જે ક્ષીતીજ પરથી દરિયો આપણી તરફ આવતો હોય એવું લાગે. આ માટે તમે સવારે કે સાંજે ત્યાં જજો તો તમને એનો અનુભવ થશે !!!!

image 66

ડુમસ

સુરતવાસીઓ માટે ડુમસ સૌથી જાણીતું ફરવાનું સ્થળ છે, શનિ-રવિની રજા હોય કે, પરીવાર સાથે લોંગ ટ્રાઈવ પર જવાની ઈચ્છા થાય તો, સુરતવાસીઓની પહેલી પસંદગીનું સ્થળ ડુમસ જ હોય, અને સ્વભાવ પ્રમાણે ડુમસ ગયા પછી, ગરમા ગરમ ભજીયા ખાધા વિના તો કેમ પાછા અવાય. ડુમસમાં દરિયાકિનારો રળિયામણો હોવાને કારણે શનિ-રવિની રજાઓમાં આખું સુરત અહીં ઊમટી પડતું હોય એવું લાગે એટલી હદે સહેલાણીઓની ભીડ જામે છે. અહીંથી સુરત શહેર માત્ર ૧૫ કિલોમીટરના અંતરે આવેલું છે.

image 65

હજીરા

હજીરા, ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ એક ગામ છે. હજીરા સ્વાસ્થ્ય પ્રવાસન કેન્દ્ર છે, કારણ કે અહિંનું પાણી કુદરતી ખનીજ તત્વોથી સમૃધ્ધ છે. પરંતુ તેની ભૌગોલિક અવસ્થાને કારણે આજે આ ગામ એક ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. રિલાયન્સ પેટ્રોને કારણે આજે હજીરા અધ્યતન નગર બની ગયું છે. જય હો અંબાણી !!!!!

image 67

ઉભરાટ

જલાલપોર તાલુકાના ઉભરાટ ખાતે દરિયા કિનારો આવેલ છે. જયાં બારે માસ, દર રવિવાર, મંગળવાર તેમજ તહેવારના દિવસે પ્રવાસીઓની ભારે ભીડ રહે છે. જેઓ દરિયા કિનારાનાં સૌદર્યનો અનેરો લાભ મેળવે છે. ઉભરાટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું મહત્વનું ગામ છે. ઉભરાટ દક્ષિણ ગુજરાતનું દરિયાકિનારા પરનું માણવા જેવું સરસ મઝાનું હવાખાવાનું સ્થળ છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા અહીં રહેવા તેમ જ જમવાની સગવડ આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.

હવે સુરત જેને માટે જાણીતું છે એ સુરતી વાનગીઓ

સુરતી લોચો

લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.

photo 2

વાત સુરતની કરવી હોય અને લોચો ન આવે તો ન જ ચાલે, આજે સુરત બહાર પણ સુરતી લોચાના પાટીયા ઝુલતા જોવા મળે છે, પણ સુરતી લોચાની કોપી કરનારાઓ ગોપાલના લોચા આગળ નતમસ્તક થઈ જાય છે. સુરતવાસીઓને ગોપાલના લોચાનું ઘેલું છે, સુરતના લોચાની સાથે ગોપાલની લોચો એક પર્યાય બની ચુક્યો છે. લોચાના પણ પ્રકાર હોય એ તો, ગોપાલના લોચાની મુલાકાત લીધા બાદ જ જાણી શકાય, ચીઝ લોચો, બટર લોચો, વ્હાઈટ લોચો અને લોચોના પીઝા અને બર્ગર હવે બોલો મોઢામાં પાણી આવ્યા વગર રહે ખરું !!!!!

રસાવાળા ખમણ

સુરતી લોચા બાદનું મોઢામાં પાણી લાવતો પદાર્થ એટલે રસાવાળા ખમણ, જી હાં, ખમણ અને એ પણ રસાવાળા, સુરતની મુલાકાતે આવો તો ચોક્કસ જ રસાવાળા ખમણની મજા માણવાનું ચુકશો નહી, અને જરુર લાગે તો એકસ્ટ્રા રસો પણ નંખાવાનું ભુલશો નહી, લારી પર ઉભા ઉભા રસાવાળા ખમણ ખાતી વખતે માથેથી પસીનો ના ફુટે તો ખાધાનો આનંદ ન આવે.

સુરતી ઘારી

ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે,તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે.

સુરતમાં આસો વદ એકમના દિવસે ખાસ ઘારી ખાવાનો રીવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે, જે ચાંદની પડવો તરીકે ઓળખાય છે. એ દિવસે લોકો ખાસ કરીને સાંજે ઘારી ખાય છે. ઘારી એ મિઠાઈ હોવાથી તેની સાથે તીખી વસ્તુ જેવી કે ફરસાણ વગેરે પણ લેવામાં આવે છે. ચાંદની પડવાની સાંજે ઘરનાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી-ભુસુ આરોગે છે. ઘણા લોકો પોતાની અગાશીમાં બેસી ચાંદની રાતની મઝા માણતા જઈને ઘારી ખાવાનો કાર્યક્રમ પણ ગોઠવે છે, તો ઘણાં ઘરેથી બહાર જઇ બાગ-બગીચામાં અથવા નદી કે દરીયા કિનારે પણ જાય છે. આ રીતે લોકો સમુહભોજનનો આનંદ મેળવે છે.

image 68

જમનાદાસ ની ઘારી…કે મોતી હરજી કે મોહન મીઠાઈ વાળા ની ઘારી હોય….. સાચું કહું તો મને – ઘારી એટલી બધી નથી ભાવતી- કારણ કે- અતિશય ઘી, ગળપણ- મારા શરીર ને જીભ જેટલું અનુકુળ નથી આવતું…! છતાં, ઘારી નો સ્વાદ તો લઇ જ લઈએ છીએ.

જમનાદાસ ઘારી વાળા ને ત્યાં લગભગ- ૯-૧૦ પ્રકાર ની ઘારી મળે છે તો- મોતી હરજી મા લગભગ ૪- ૫ પ્રકાર ની ઘારી મળે છે…… મોતી હરજી મા બુરું ખાંડ નો ઉપયોગ કરવા મા આવે છે….. જે થોડુંક અલગ છે…… જો કે મને જમનાદાસ ની જ ઘારી વધારે ગમી…… કારણ- ઓછું પણ માપનું ગળપણ…. અને વધારે વેરાયટી…

મોતી હરજી લગભગ ૧૮૨ વર્ષ….. હા ભાઈ….૧૮૨ વર્ષ જૂની દુકાન છે….. ૧૮૩૦ મા એ સ્થપાઈ હતી…… ડીટ્ટો અમદાવાદ ની ભોગીલાલ મુલચંદ મીઠાઈ વાળા ની જેમ…જ જે ૧૮૩૫ મા સ્થપાઈ હતી…..

સુરતી પોંક 

ધીમેધીમે શિયાળાની શરુઆત થઇ રહી છે. તેમ તેમ બજારમાં પોંકનું આગમન થઇ રહ્યું છે. આ વર્ષે વધુ વરસાદ અને પુર જેવી પરિસ્થિતીના કારણે પોંક થોડો મોડો બજારમાં આવી રહ્યો છે. જોકે પોંક સુરતના બજારમાં આવતાજ તેની ડિમાંડ શરુ થઇ ગઇ છે.

હાલ ઠંડીના આગમન સાથે જ બજારમાં પોંકનું આગમન થઇ ચુક્યું છે.. સુરતના અડાજણ, પાલ, ભાઠા તેમજ ઇચ્છાપુરથી પોંકને બજારમાં લાવવામાં આવે છે. જ્યાં કેટલાક ખાસ કારીગરો દ્વારા આ ડુંડામાંથી પોંક તૈયાર કરવામાં આવે છે.. જેમાં પહેલા તો પાંદડાઓ દુર કરી તેને વ્યવસ્થીત રીતે એક ભારી બાંધવામાં આવે છે. ત્યારબાદ આ ભારીને કોલસાની ભઠ્ઠીમાં શેંકવામાં આવે છે.. અને ત્યારબાદ આ શેંકેલા ડુંડાને કપડામાં લપેટીને લાકડાના ફટકાથી ધીમે ધીમે પોંકને છુટ્ટો પાડવામાં આવે છે..

સામાન્ય રીતે ખેતરમાંથી નીકળેલી તાજી લીલી જુવાર આપણા ઘરે આવે ત્યાં સુધીમાં બે-ત્રણ દિવસ તો થઈ જ જાય છે. એટલે જ ઉપયોગ કરતાં પહેલાં એની યોગ્ય સફાઈ થવી જરૂરી છે.

સુરતી ઊંધિયું 

ઊંધિયુંએ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે.

આ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે. અન્ય શાક સાથે તેમાં (કતારગામની)સુરતી પાપડી, કાચું કેળું, મૂઠિયાંભૂરું કોળું વપરાય છે. આ શાકને એક મસાલેદાર રસામાં પકવાય છે જેમાં ક્યારેક કોપરું પણ વપરાય છે.

સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને લગ્ન આદિ પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.. આ પણ એક મિશ્ર શાક છે. જેમાં  લીલી તુવેર, ખમણેલું કોપરું, આદિ નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આને રોટલી કે ભાત સાથે ખવાય છે.

સુરત જેટલું વાનગીઓ માટે વિખ્યાત છે એટલું જ એ બેકરી પ્રોડક્ટ માટે પણ જાણીતું છે.નાન ખટાઈ બિસ્કીટ અને ક્રિસ્પ બટરબિસ્કીટ માટે. આની પ્રખ્યાત બેકરીનાની જો તમે મુલાકાત ના લો તો તમારું સુરત જવાનું એળે ગયેલું ગણાય.. થોડીક વિગતો નાનખટાઈ બિસ્કીટ વિષે  —-

નાનખટાઈ બિસ્કીટ

નાનખટાઈ એ બિસ્કીટનો એક પ્રકાર છે, જેની ઉત્પત્તિ દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર સુરત ખાતે થઈ છે. નાનખટાઈ ભારત અને પાકિસ્તાન ખાતે અત્યંત લોકપ્રિય બિસ્કીટ છે. નાનખટાઈ શબ્દ ફારસી ભાષાનો શબ્દ નાન અને અફઘાની ભાષાનો શબ્દ ખતાઈ, કે જેનો અર્થ રોટીની બિસ્કીટ એવો થાય છે, આ બેશબ્દો પરથી બનેલ છે. અફઘાનિસ્તાન અને પૂર્વોત્તર ઈરાન દેશમાં આને કુલ્ચા-એ-ખતાઈ કહેવામાં આવે છે. કુલચા એ પણ નાન જેવી એક રોટીનો જ પ્રકાર છે

બટર બિસ્કીટ

ખાવામાં ,ચાવવામાં અને પચાવામ બિલકુલ સહેલાં એવાં આ બિસ્કીટ એ સુરતની સ્પેશિયાલીટી છે. જીરાથી ભરપુર અને બટરના સ્વાદવાળા આ બિસ્કીટ મોંમાં મુકતા જ એ ઓગળી જતાં હોય છે. આ બિસ્કીટનો સ્વાદ મોમાં લાંબા સમય સુધી રહે છે. ચા સાથે ખાવામાં એની મજા કૈંક ઓર જ છે. આની એક વિશેષતા એ છે કે એ લાંબા સમય સુધી સચવાઈ રહે છે. જોકે બહુ લાંબા સમયે એ ખોરાં થઇ જાય છે.

ટૂંકમાં અત્યારે શિયાળો છે એટલે ખાણીપીણી અને આજુબાજુના ફરવા લાયક સ્થળોએ જવાં માટે સુરતની મુલાકાત એક વાર મુલાકાત અવશ્ય લેજો !!!!!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *