સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ
By-Gujju04-10-2023
સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ
By Gujju04-10-2023
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી, 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું.
નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગોળ ભરાવદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ તેમની ઓળખ. તેઓ ભગવામાં તેજસ્વી. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ એક વાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું. તેઓ નીડર હતા. પોતે અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈ વાતને સાચી માનતા નહિ.
નરેન્દ્રનાથને એક જ ધૂન હતી : ‘મારે ઈશ્વરને જોવા છે.’ તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા. પણ તેમને કોઈનાથી સંતોષ થયો નહિ. તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. નરેન્દ્રનાથને તેમનામાં સાચા ગુરુનાં દર્શન થયાં. તે ત્રેવીસ વર્ષની ઉમરે ભગવાં વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને ‘વિવેકાનંદ’ નામ આપ્યું.
ત્રીસ વર્ષની ઉમરે સ્વામીજીએ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મપરિષદમાં હાજરી આપી. તેમણે પોતાની વાણીથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેઓ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે લાખો લોકોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું.
સ્વામી વિવેકાનંદે ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાનાં કાર્યો કરે છે.
તેમણે યુવાનોને સૂત્ર આપ્યું : ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ સ્વામી વિવેકાનંદ ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા. તેઓ સાચા દેશભક્ત હતા.