Saturday, 20 April, 2024

તુલસી વિવાહ

175 Views
Share :
તુલસી વિવાહ

તુલસી વિવાહ

175 Views

દેવતાઓના રાજા ઈન્દ્રે એકવાર અજાણમાં શિવનું અપમાન કરી નાખ્યું. આથી શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને રૌદ્ર રૂપ ધરી ઈન્દ્ર પર પ્રચંડ ક્રોધાગ્નિનો પ્રહાર કર્યો, ભયભીત થયેલો ઈન્દ્ર દેવગુરુ બૃહસ્પતિના શરણમાં ગયો અને રક્ષણ કરવા પ્રાર્થના કરી. શરણે આવેલા શિષ્યનું રક્ષણ કરવા બૃહસ્પતિએ શિવજીને વિનમ્રભાવે પ્રાર્થના કરી એટલે શિવજી પીગળી ગયા. તેમણે ક્રોધનું શમન કરી ઈન્દ્રને ભયમુક્ત કર્યો. જેમ ધનુષ્યમાંથી છૂટેલું તીર પાછું વાળી શકાતું નથી તેમજ શિવજીના છૂટેલા ક્રોધાગ્નિનું પણ થયું. આથી શિવજીએ પોતાના ક્રોધાગ્નિને સમુદ્રમાં વિલીન કરી તેમાંથી ઈન્દ્રનું અભિમાન ઉતારે તેવો મહાશક્તિશાળી પુરુષ ઉત્પન્ન કર્યો. જળમાંથી ઉત્પન્ન થયેલા આ પુરુષનું નામ જાલંધર પડ્યું. જાલંધરે સ્વર્ગ પર આક્રમણ કરી ઈન્દ્રને પરાસ્ત કરી તેનું અભિમાન ઉતારી નાખ્યું. ત્યાર પછી ત્રિલોક પર પણ વિજય મેળવ્યો.

ત્રિલોક વિજયી જાલંધરનો વિવાહ કુશધ્વજ અસુરની પુત્રી વૃંદા સાથે થયો. જાલંધર પૂર્વજન્મમાં ભગવાનના યોગમાં હતો. વૃંદા પણ ભગવાનને ભજતી હતી. તે મહાસતી હતી. તેના પ્રતાપે જાલંધરની ત્રિલોકમાં હાક વાગતી હતી. તેને કોઈ જીતી શકતું નહિ. તે દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો. શિવજીના ક્રોધાગ્નિમાંથી ઉત્પન્ન થયેલો જાલંધર શિવનો જ વિરોધી બની ગયો અને શિવપત્ની પાર્વતીનું હરણ કરી માયાવી સૃષ્ટિ રચી તેમાં કેદ કરી દીધાં. ઈન્દ્ર સહિત દેવતાઓ જાલંધરની શક્તિ સામે ટકી ન શક્યા. પતિવ્રતા પત્ની વૃંદાના શીલકવચથી રક્ષાયેલો જાલંધર અભય અને અજેય બની અતિ અધર્મી બની ગયો. જાલંધરનો અત્યાચાર અસીમ બની ગયો અને દેવતાઓ ભગવાનના શરણે ગયા અને જાલંધરનો નાશ કરી સૃષ્ટિને ભયમુક્ત કરવા પ્રાર્થના કરી. ભગવાન જાણતા હતા કે જાલંધર વૃંદાની શીલશક્તિથી રક્ષાયેલો છે. તેનો નાશ ત્યારે જ થાય જ્યારે વૃંદાનું સતીત્વ તૂટે. જો જાલંધર નહીં હણાય તો સૃષ્ટિની કેટલીય શીલવંત સ્ત્રીઓનું ચારિત્ર્ય જોખમાશે. તેથી ભગવાન વિષ્ણુએ સૃષ્ટિના કલ્યાણ માટે પોતાની જ ભક્ત એવી સતી વૃંદાનું શીલ છળકપટથી તોડ્યું.

વૃંદાને અપશુકનિયાળ સ્વપ્ન આવ્યું. તેથી તે સવારે મૂંઝાઈને બગીચામાં રડતી હતી. વિષ્ણુ ભગવાન ત્યાં મુનિરૂપે આવ્યા. વૃંદાએ તેમને સ્વપ્નની વાત કહી અને પૂછ્યું : “મારા પતિનું શું થયું હશે ?” ત્યાં તો બે વાનર જાલંધરનું માથું અને ધડ લઈને આવ્યા. આ જોઈ વૃંદા કલ્પાંત કરવા લાગી. અને મુનિને તેને સજીવન કરવા વિનંતી કરી. મુનિએ જળ છાંટી જાલંધરના દેહમાં પોતે પ્રવેશ કર્યો. વૃંદા રાજી થઈ અને અંતે તેના સતીત્વનો જાલંધરરૂપ ધારી ભગવાને ભંગ કર્યો, આ તરફ ખરા જાલંધરનો શિવજીએ યુદ્ધમાં નાશ કર્યો. આમ, વૃંદા સાથે પ્રભુના દિવસો પસાર થતા હતા. એક દિવસ અચાનક ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ તેણે જોયું અને બધી વાત પ્રગટ થઈ ગઈ. વૃંદાએ ગુસ્સે થઈ ભગવાનને શાપ આપ્યો કે, ‘પથ્થર થઈ જાવ.’ ભગવાને શાપ હસતાં મોંએ સ્વીકારી લીધો. અને વૃંદાએ કહેલું કે તમારી સ્ત્રીનું પણ રાક્ષસ દ્વારા અપહરણ થશે, તે શાપ રામાવતારમાં ભગવાને સ્વીકાર્યો. ભગવાન શાલિગ્રામ થયા ને વૃંદા અગ્નિપ્રવેશ પછી ચિતામાંથી તુલસીના છોડરૂપે જન્મી.

વૃંદા પૂર્વે તો ભગવાનની ભક્ત હતી તે તેની સ્મૃતિ થઈ આવી. તેને પસ્તાવો થયો. તેણે ભગવાનને કહ્યું : “હે પ્રભુ ! છોડના દેહમાં તમારો યોગ કેમ થશે ?” ભગવાને કહ્યું : “તુલસીપત્રથી ભક્તો મારું પૂજન કરશે. થાળમાં, દાનમાં, પૂજનમાં, તુલસીપત્ર હશે તો તે બહુ ફળદાયી થશે. જગતમાં તારો મહિમા મારી સાથે ગવાશે અને મારી સાથે અહીં અને ધામમાં પણ લક્ષ્મી અને રાધા જેવો અખંડ સંબંધ રહેશે.” દાન આપતી વખતે દાન દેવાની વસ્તુ ઉપર તુલસીપત્ર મૂકી યજમાન પાસે વિપ્રો સંકલ્પ કરાવે છે કે, ‘ઈદં ન મમ !’ – આ મારું નથી. તેમ આ દેહ, ઈન્દ્રિય, મન, આત્મા કશું આપણું નથી. આ બધું જ ભગવાનનું છે. જેમ તુલસીજી ભગવાનને સમર્પિત થઈ ગયાં, તેમ આપણે પણ આત્માએ સહિત આપણા શરીર ઉપર તુલસીપત્ર મૂકી ‘ઈદં ન મમ !’ બોલી ભગવાન શ્રીહરિને સમર્પિત થઈ જવાનું છે. તુલસીપત્ર તો શરીર પરથી ઊડી જાય એટલે વૈષ્ણવો તુલસીના કાષ્ઠની કંઠી બનાવરાવીને તે કંઠમાં ગુરુ દ્વારા ધારણ કરે છે, જેથી હંમેશા જાણપણું રહે કે, ‘હું ભગવાનનો છું.’ ભીમકરાય અને વસુદેવે કુરુક્ષેત્રમાં વૃંદારૂપે રુક્મિણી અને શાલિગ્રામ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન કરાવ્યા. ભગવાનનો વિવાહ આ દિવસે થયો હોવાથી ભક્તો ખુશાલીમાં દીપ પ્રગટાવે છે. આ દીવડાઓને કારણે આ દિવસ ‘દેવદિવાળી’ પણ ગણાય છે. સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામીએ તુલસીવિવાહની ૬૬ પદોની ધોળ રાગની સુંદર પદમાળા રચી છે તેમાં તુલસીવિવાહનું મૂળ શરૂઆતના પદોમાં દર્શાવ્યો છે તેનો ભાવાર્થ જોઈએ

એકવખત સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં તીર્થસ્નાન કરવા સહકુટુંબ આવેલા શ્રીકૃષ્ણ ભગવાનના પિતા વસુદેવ અને અનેક રાજાઓ સાથે આવેલ રુક્મિણીના પિતા ભીમકરાયનો અચાનક ભેટો થાય છે. વેવાઈઓનું, પિતા-પુત્રીનું, સસરા-જમાઈનું અને દૌહિત્રો અને કુટુંબીજનોનું અરસપરસ રોમાંચક મિલન થયું અને રુક્મિણીહરણ વખતથી ભીમકરાયના મનમાં પડેલી આંટી નીકળી ગઈ. બધાને આનંદ-આનંદ થઈ ગયો પણ ભીમકરાયના મનમાં એક વસવસો રહી ગયેલો કે, ‘સગપણનું જે સુખડું રે, લેવાયું ન કાંઈ…’ (પદ-૧૫) પુત્રીવિવાહનો-કન્યાદાનનો લહાવો લેવાનો રહી ગયેલો, પણ હવે મોટી ઉંમરના કૃષ્ણ-રુક્મિણીના લગ્ન સમાજમાં કેમ શોભે ? ભીમકરાયને એક વિચાર ઝબક્યો, તેમણે વસુદેવને એક પ્રસ્તાવ મૂક્યો : ‘ભીમક કહે કુરુક્ષેત્ર રે, પુણ્ય તીરથ ભારિ; કા’તો તુલસીવિવાહ રે, આપણે કરીએ વિચારી. રુક્મિણી રૂપે તુલસી રે, કન્યા તે મારી; શાલીગ્રામ તમારો રે, પુત્ર સુખકારી.’ વસુદેવને આ પ્રસ્તાવ ગમી ગયો. તેથી તુલસી રૂપે રુક્મિણી અને શાલિગ્રામ રૂપે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થયા. ત્યારથી આ તુલસીવિવાહ થયો તેવી પણ એક કથા છે.

બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ એક કથા એવી છે કે – તુલસી નામની એક ગોપિકા ગોલોકમાં રાધાની સખી હતી. એક દિવસ રાધાએ તેને શ્રીકૃષ્ણની સાથે વિહાર કરતા જોઈને તેને શાપ આપ્યો કે, ‘તું મનુષ્ય શરીર ધારણ કર.’ આ શાપને ગ્રહણ કરી તે ધર્મધ્વજ રાજાની કુંવરી થઈ. તેના રૂપની તુલના કોઈની સાથે થઈ શકતી નહોતી, એટલે તેનું નામ તુલસી પાડ્યું. તુલસીએ બદરીવનમાં જઈ ઘોર તપ કર્યું અને બ્રહ્મા પાસેથી એવું વરદાન માગ્યું કે, ‘હું શ્રીકૃષ્ણને પતિરૂપે મેળવવા ચાહું છું.’ પ્રથમ તો બ્રહ્માએ રાધાના શાપ અનુસાર તેને દંભાસુરના પુત્ર શંખચૂડ નામના રાક્ષસ સાથે પરણાવી. તે પણ પૂર્વ જન્મે સુદામા નામે ગોપ હતો પણ શાપને કારણે અસુર થયો હતો. શંખચૂડને વરદાન હતું કે તેની સ્ત્રીનું સતીત્વ ભંગ થયા વિના તેનું મૃત્યુ થાય નહીં. જ્યારે શંખચૂડે બધા દેવોને પરાસ્ત કર્યા, ત્યારે બધા જ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેથી ભગવાને શંખચૂડનું રૂપ ધારણ કરી તુલસીનું સતીત્વ નષ્ટ કર્યું. આથી તુલસીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે, ‘હે પ્રભુ ! તમારું હૃદય દયાહીન છે, પાષાણ જેવું છે. કેમ કે, તમે કપટથી મારું સતીત્વ નષ્ટ કર્યું છે. તો હવે તમે હંમેશા પૃથ્વી પર પાષાણ રૂપમાં રહો.’

પ્રભુએ શાપ સ્વીકારી લીધો, પરંતુ તુલસીને પણ વનસ્પતિ થવાના આશિષ આપતા કહ્યું : “તું આ શરીર છોડીને લક્ષ્મી સમાન મારી પ્રિયા થઈશ. તારા શરીરમાંથી ગંડકી નદી અને કેશમાંથી તુલસી વૃક્ષ ઉત્પન્ન થશે.” આ શાપ પછી ભગવાને પથ્થરનું રૂપ ધારણ કર્યું. જે શાલિગ્રામ રૂપે ઠાકોરજીની પૂજા શરૂ થઈ અને ગંડકીના કિનારેકિનારે તુલસીના વન ઊગી નીકળ્યાં. તુલસીદલ પ્રભુના મસ્તકે ચડવા લાગ્યાં. એ બંનેનો વિધિપૂર્વકનો વિવાહ એજ ‘તુલસીવિવાહ.’ આ પાષાણરૂપે શાલિગ્રામ નેપાળમાં ગંડકી નદીમાં થાય છે. એવું કહેવામાં આવે છે કે, નદીના વહેણ ઉપર તુલસીનો ગુચ્છ ધરવાથી તરત જ પાણીમાંથી શાલિગ્રામ ઉપર તરી આવે છે. કાર્તિકી પૂર્ણિમાએ તુલસીવિવાહની સમાપ્તિ પછી સમાજમાં લગ્નની શરૂઆત થાય છે. આ તુલસીવિવાહ-દેવદિવાળીનો મર્મ એ જ છે કે, આપણે હથેવાળો હરિ સંગાથે કરીને તુલસીદેવીની જેમ જન્મ સુફળ કરી લેવાનો છે. પૂર્વે લગ્નમાં ફટાણાં (બીભત્સ લગ્નગીતો) ગવાતાં. પરંતુ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ કુરિવાજ બંધ કરાવ્યો અને સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામી આદિક નંદસંતો પાસે તુલસીવિવાહ, રુક્મિણીવિવાહ, રાધાકૃષ્ણવિવાહ વગેરે પદમાળાઓ-કીર્તનો રચાવી અને ફટાણાંની જગ્યાએ લગ્નમાં આ પદો ગાવાની આજ્ઞા કરી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *